પાલખીવાલા, નાની (જ. 16 જાન્યુઆરી 1920, મુંબઈ; અ. 11 ડિસેમ્બર 2002, મુંબઈ) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા કાયદાશાસ્ત્રી, બંધારણ-નિષ્ણાત, કરવેરાતજ્જ્ઞ તથા અર્થશાસ્ત્રી. પિતાનું નામ અરદેશર, માતાનું નામ શેહરબાનુ. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. અર્થશાસ્ત્ર વિષય સાથે 1942માં એમ. એ. તથા 1944માં એલએલ.બી.ની પદવી પ્રથમ વર્ગમાં મેળવ્યા પછી મુંબઈમાં વકીલાત શરૂ કરી અને ટૂંકસમયમાં અગ્રણી ધારાશાસ્ત્રી તરીકે નામના મેળવી અને સર્વોચ્ચ ન્યાયાલયના વરિષ્ઠ ઍડવોકેટ બન્યા. દરમિયાન મુંબઈની સરકારી લૉ કૉલેજમાં કાયદાશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેમણે કાર્ય કર્યું. કલકત્તા યુનિવર્સિટીમાં ટાગોર પ્રોફેસર ઑવ્ લૉના પદ પર પણ તેમની નિમણૂક કરવામાં આવી હતી. તે એસોસિયેટેડ સિમેન્ટ કંપની તથા ટાટા એક્સપૉર્ટ લિમિટેડ જેવી કંપનીઓના ચૅરમૅન; ટેલ્કો(TELCO)ના ડેપ્યુટી ચૅરમૅન; ટાટા સન્સ, ટિસ્કો (TISCO), ટાટા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તથા ટાટા ઇન્ટરનેશનલના બોર્ડ ઑવ્ ડાયરેક્ટર્સના સભ્ય; રતન ટાટા ટ્રસ્ટ તથા સર દોરાબજી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી; એ. ડી. શ્રૉફ મેમોરિયલ ટ્રસ્ટના ચૅરમૅન; ફોરમ ઑવ્ ફ્રી એન્ટરપ્રાઇઝ સંસ્થાના પ્રમુખ જેવાં અનેક મહત્વનાં પદો પર કાર્યરત હતા. આ ઉપરાંત 1975માં ન્યૂયૉર્ક ખાતેની એકૅડેમી ઑવ્ પોલિટિકલ સાયન્સ સંસ્થાના માનાર્હ સભ્ય તરીકે તેમની વરણી થઈ હતી. 1977ની સામાન્ય ચૂંટણી પછી ભારતમાં કેન્દ્ર ખાતે પ્રથમ બિન-કૉંગ્રેસી સરકારની રચના થઈ ત્યારે તે અમેરિકામાં ભારતના એલચી નિમાયેલા (1977-79). ભારતની સર્વોચ્ચ અદાલતમાં ઘણા મહત્વના બંધારણીય કેસોમાં તેમણે દલીલો કરી હતી; એટલું જ નહિ, પરંતુ ભોપાલ ગૅસ લીકેજ કાંડ અંગે અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની યુનિયન કાર્બાઇડ સામેનો ખટલો ભારતની અદાલતોમાં ચલાવી શકાય તે અંગેની અમેરિકાની ફેડરલ કૉર્ટ સમક્ષ તેમણે કરેલી રજૂઆત યશસ્વી નીવડી હતી. ઉત્કૃષ્ટ વક્તા તરીકે દેશવિદેશમાં તેઓ ખ્યાતિ ધરાવતા હતા.

નાની પાલખીવાલા
અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટી તથા લૉરેન્સ યુનિવર્સિટીએ અનુક્રમે 1978 અને 1979માં તથા ભારતની અન્નામલાઈ યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટીએ અનુક્રમે 1986 અને 1994માં તેમને એલએલ.ડી.ની માનાર્હ પદવીઓ આપી હતી.
ભારત સરકારે તેમને 1998માં ‘પદ્મવિભૂષણ’ના ખિતાબથી નવાજ્યા હતા.
તેમણે વિપુલ લેખનકાર્ય કર્યું છે, જેમાં ‘લૉ ઍન્ડ પ્રૅક્ટિસ ઑવ્ ઇન્કમટૅક્સ’, ‘ટૅક્સેશન ઇન ઇન્ડિયા’, ‘હાઇયેસ્ટ ટૅક્સ્ડ નેશન’, ‘અવર કૉન્સ્ટિટ્યૂશન ડિફેસ્ડ ઍન્ડ ડિફાઇલ્ડ’, ‘ઇન્ડિયાઝ પ્રાઇસલેસ હેરિટેજ’, ‘વી ધ પીપલ, વી ધ નૅશન’ જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે.