ન્યાય : કોઈ પણ ખરાખોટાની તપાસ તથા પરીક્ષા કરી વાજબીપણાને આધારે નિર્ણય કરવાની પ્રક્રિયા. કાયદાનું એક કાર્ય સમાજમાં ન્યાયની પ્રસ્થાપના અને જાળવણી કરવાનું છે. સમાજમાં શાસન માટે કાયદારૂપી નિયમો જરૂરી મનાયા છે, પણ તેવા નિયમો હોય તેટલું જ પૂરતું નથી, આવા નિયમો વાજબી, ઉચિત, યોગ્ય અને ન્યાયસંગત હોવા જોઈએ. નિયમના બાહ્ય માળખા કે ખોખામાં ન્યાયપદાર્થ રૂપી હાડચામ અને માંસમજ્જા મૂકવાથી સુયોગ્ય શાસનતંત્ર સ્થાપી શકાય છે. ન્યાયના અસ્તિત્વને કારણે માનવસમાજ જીવવા માટે યોગ્ય રહી શકે છે.
પ્રાચીન ગ્રીક વિચારધારામાં ન્યાયની દેવી ઍસ્ટ્રિયાનો ઉલ્લેખ જોવા મળે છે. આ દેવી કુંવારિકા છે. તે કડક છતાં ભવ્ય ચહેરો ધરાવે છે. એક હાથમાં તુલા, બીજા હાથમાં તલવાર અને આંખે પાટો બાંધેલી આ દેવી નિર્ણયશક્તિ, દંડશક્તિ અને તટસ્થતાનું પ્રતીક છે. પ્રાચીન ભારતીય વિચારધારામાં દંડપુરુષનો નિર્દેશ છે, જે સર્વવ્યાપી અને સર્વદ્રષ્ટા મનાયો છે.
ન્યાય એ રાજ્યનીતિનું પાયાનું મૂલ્ય છે. આથી પ્લેટોના ‘રિપબ્લિક’ અને એરિસ્ટોટલના ‘પૉલિટિક્સ’માં તે વિચારણાનો મુખ્ય વિષય બની રહ્યો છે. સગવડ ખાતર તેને બે મુખ્ય પાસાંઓમાં વિભાજિત કરવામાં આવે છે : વિધિમૂલક ન્યાય અને વિષયાત્મક ન્યાય. વિધિ અનુસાર (due process) ન્યાયી સુનાવણી તથા કાયદા સમક્ષની સમાનતા જેવી ટૅકનિકલ બાબતો ધરાવતો વિધિમૂલક ન્યાય પ્રમાણમાં સરળ છે; વિષયાત્મક ન્યાય (substantive justice) પરિશ્રમ અને પુરસ્કાર અંગેની સમાજમાંની ન્યાયી વ્યવસ્થાનો નિર્દેશ કરે છે. સામાજિક ક્ષમતા (ઉદાહરણ તરીકે પ્રોત્સાહક વેતન), ગુણ તથા જરૂરિયાત જેવાં ધોરણો અનુસાર આવું વર્ગીકરણ કરી શકાય. સામાજિક ન્યાયનો મુખ્ય અર્થ છે લોકો જે વસ્તુઓ માટે મુખ્યત્વે હક્કદાર અથવા જરૂરિયાતમંદ હોય તે તેમને અપાવી જોઈએ, ત્યારબાદ વધેલી વસ્તુઓનું સમાજમાંના લોકો વચ્ચે યોગ્ય અને સમાન રીતે વિતરણ કરવામાં આવવું જોઈએ.
ન્યાય સૌથી વધારે મહત્વનો વિષય છે. તેનાથી સમાજમાં ચીજવસ્તુઓના યોગ્ય અને વાજબી વિતરણનું જે સૂચન થાય છે, તેમાં ન્યાયનું મૂલ્ય છે. અવારનવાર તેને વિતરણમૂલક ન્યાય તરીકે વર્ણવવામાં આવે છે.
સદીઓથી માનવજાતે ન્યાયપદાર્થને સમજવા માટે ચિંતન અને મનન કર્યું છે. માનવસમાજના જુદા જુદા વિચારકોએ જુદા જુદા યુગમાં તેને અલગ અલગ સ્વરૂપે સમજાવ્યો છે.
વિચારકોએ ન્યાયને માનવકલ્યાણ – સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જેવાં મૂલ્યોના પરિપ્રેક્ષ્યમાં સમજાવ્યો છે. ભિન્ન ભિન્ન દેશકાળ તથા પરિસ્થિતિઓના સંદર્ભમાં ન્યાય ઉપર્યુક્ત મૂલ્યભાવનાઓની ઓછી-વત્તી અર્થચ્છાયા પ્રગટ કરે છે. વળી ‘કુદરતી ન્યાય’, ‘ઈશ્વરીય ન્યાય’, ‘કાનૂની ન્યાય’, ‘નૈતિક ન્યાય’ જેવા શબ્દપ્રયોગોથી ન્યાયનો ખ્યાલ વધુ સંકુલ ને ગહન હોવાનું સમજાય છે.
કેટલાક વિચારકો ન્યાયના ખ્યાલને કેવળ બુદ્ધિથી સમજી કે સમજાવી શકાય તેવા ખ્યાલ તરીકે સ્વીકારતા નથી. કેટલાકના મતે ‘ન્યાય’ શબ્દ બુદ્ધિસંગત નહિ, પણ માત્ર એક પ્રકારની લાગણીનો દ્યોતક છે; એ રીતે કોઈ બાબતને ન્યાયી કે અન્યાયી કહેવાથી તેની બુદ્ધિસંગત સમજૂતી મળતી નથી.
ન્યાયની અતિ સરળ વ્યાખ્યા આ પ્રમાણે છે : જેને જે મળવાપાત્ર હોય તે તેને આપવું. આ આપવાની ક્રિયા અમુક પ્રકારની માનસિકતા, સામાજિકતા વગેરે સાથે સંકળાતાં વિવિધ પ્રકારે પ્રગટ થાય છે. માનવવ્યવહાર ને માનવતાની ભાવનાના પાયામાં એ દૃષ્ટિગોચર થાય છે. આમ ન્યાયભાવનામાં દરેકને જે મળવાપાત્ર હોય તે (to everyone his due) એ સિદ્ધાંત કેન્દ્રસ્થાને છે. તેથી જે વ્યક્તિ, સમાજ, શાસનતંત્ર, વ્યવહાર કે પરિસ્થિતિ સાથે આ સિદ્ધાંત મેળ સાધતો હોય તે સર્વ ન્યાયપૂર્ણ કહેવાય છે.
આ સિદ્ધાંતનો વ્યવહારમાં અમલ કરવા માટે રાજકીય અને સામાજિક પગલાં ભરવામાં આવે છે. આવાં પગલાં વિતરણલક્ષી હોય ને સુધારણાલક્ષી પણ. કરારજન્ય સંબંધોમાં પણ ન્યાય અને વાજબીપણાનાં તત્વો જોવા મળે. તેથી જે કાયદો અને કાયદાપ્રથા મહત્તમ પ્રમાણમાં આ તત્વો ધરાવે તે તેટલે અંશે ન્યાયપૂર્ણ ગણાય. આમ ન્યાયને કાયદો, નીતિ, સ્વાતંત્ર્ય, સમાનતા, સલામતી, સામાજિક કલ્યાણ વગેરે સાથે ગાઢ સંબંધ છે; સાથે સાથે તેને સ્થળ, સમય અને વ્યક્તિની આવશ્યકતા; સુખસગવડ તથા સૌંદર્યદૃષ્ટિ સાથે પણ સંબંધ હોય છે. વ્યક્તિજીવન અને સમાજજીવનમાં રોજબરોજના વ્યવહારોમાં ન્યાય સ્થપાય કે જળવાઈ રહે તે માટે ન્યાયતંત્ર જેવા અલગ તંત્રની જોગવાઈ છે.
ન્યાય પ્રસ્થાપિત કરવા ઇચ્છતી કાયદાપ્રથાએ ઉપર્યુક્ત વિવિધ મૂલ્યો વચ્ચે એક પ્રકારનું કાર્યસાધક સમાધાન, સંતુલન અને સાયુજ્ય સાધવું પડતું હોય છે. તેથી સંપૂર્ણ કે નિરપેક્ષ ન્યાયનો ચિતાર આપતો કોઈ નકશો દોરી શકાતો હોતો નથી. બધા દેશોમાં બધા યુગોમાં તેમજ એક દેશમાં જુદા જુદા યુગોમાં આ મૂલ્યોનો વાજબી સમન્વય સાધવાનું કાર્ય સહેલું તો હોતું જ નથી.
ભારતના બંધારણના આમુખમાં સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય સુલભ થાય – વિવિધ પ્રકારનું સ્વાતંત્ર્ય તેમજ દરજ્જા અને તકોની સમાનતા તેમને મળે તથા વ્યક્તિનું ગૌરવ જળવાવા સાથે રાષ્ટ્રની એકતા તેમજ અખંડિતતા સુદૃઢ થાય અને એ રીતે ભ્રાતૃભાવ કેળવાય ને વિકસે એવો સંકલ્પ કરવામાં આવ્યો છે. આમ ભારતના બંધારણમાં ન્યાયનો ખ્યાલ અનેકદલીય કમળ સરખો જણાય છે.