મનાઈહુકમ (injunction, stay) : અન્યાયી અથવા ગેરકાયદેસરનું કૃત્ય થતું અટકાવવા અથવા કાયદાની ર્દષ્ટિએ અયોગ્ય ગણાય તેવી ત્રુટિ કે ભૂલ યથાવત્ ચાલુ ન રહે તે માટે ન્યાયાલય દ્વારા આપેલ આજ્ઞા અથવા ચુકાદો. મનાઈહુકમ એ એક ન્યાયિક પ્રક્રિયા છે, જેના દ્વારા ન્યાયાલય કોઈ વ્યક્તિ કે નાગરિક દ્વારા થતા ગેરકાયદેસરના કૃત્યને અટકાવી શકે છે અને તે દ્વારા કોઈ દાવા સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને તેમના પક્ષની ગુણવત્તાને ધોરણે ન્યાય પ્રદાન કરી શકે છે. મનાઈહુકમનો મુખ્ય હેતુ કોઈ વ્યક્તિ દ્વારા હાથ ધરી શકાય તેવા સંભવિત અપકૃત્યને અટકાવવાનો તથા કોઈ વ્યક્તિના ન્યાયોચિત અધિકાર પર કોઈ અન્ય વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે તરાપ મારવાના કૃત્ય સામે ભોગ બનનાર વ્યક્તિને ન્યાયિક રક્ષણ પૂરું પાડવાનો હોય છે. બીજી રીતે કહીએ તો તેના દ્વારા ન્યાયાલય કોઈ વ્યક્તિને થતા સંભવિત નુકસાનને આગોતરા આદેશ દ્વારા અટકાવી શકે છે. પોતાને નુકસાન થાય તે પહેલાં જ ન્યાયાલયનું રક્ષણ માગનાર જાગ્રત નાગરિકને જ ન્યાયાલય દ્વારા આ પ્રકારની આપવાપાત્ર રાહત મળી શકે છે, આળસુ કે સુસ્ત નાગરિકને નહિ.
મનાઈહુકમ વિવિધ પ્રકારના હોય છે; જેવા કે ખાસ પ્રકારનો (special) મનાઈહુકમ, પ્રાથમિક (preliminary) મનાઈહુકમ, કામચલાઉ મનાઈહુકમ, દાવાની સુનાવણી ચાલુ હોય તે દરમિયાન આપવામાં આવતો મનાઈહુકમ (interlocutary), કાયમી મનાઈહુકમ વગેરે. દાવાની સુનાવણી ચાલુ હોય તે દરમિયાન કોઈ પક્ષકારના ન્યાયિક અધિકારોને રક્ષણ આપવા માટે અથવા અન્ય કોઈ વ્યક્તિના પગલા કે કૃત્યને કારણે તેને થતા સંભવિત નુકસાનને અટકાવવા માટે ન્યાયાલય દ્વારા નુકસાન કરી શકે તેવી સંભાવ્ય વ્યક્તિના સંભવિત કૃત્ય પર મનાઈહુકમ આપવામાં આવતા હોય છે.
મનાઈહુકમ આપવો કે નહિ તે બાબત ન્યાયાલયની મુનસફીને અધીન હોય છે. ન્યાયાલય પાસે મનાઈહુકમ માટે અરજી કરનાર વ્યક્તિની અરજીમાં જે બયાન કરવામાં આવેલું હોય તેના ગુણો-અવગુણોની તુલનાત્મક વિચારણા કર્યા પછી જો ન્યાયાલયને ઉચિત લાગે તો જ સામા પક્ષ સામે મનાઈહુકમ આપે છે. કામચલાઉ મનાઈહુકમ માટે ન્યાયાલય સમક્ષ અરજી કરનાર ફરિયાદીએ (plaintiff) તેની અરજીમાં એવી બધી જ હકીકતોનું બયાન અસંદિગ્ધ રીતે કરવાનું રહે છે, જેને આધારે અરજદારના અધિકારોના રક્ષણ માટે ન્યાયાલયે દરમિયાનગીરી કે હસ્તક્ષેપ કરવો કે નહિ તેનો નિર્ણય ન્યાયાલય પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને કરી શકે. આમ કરતી વેળાએ જો અરજદાર/ફરિયાદી કેટલીક હકીકતો ઇરાદાપૂર્વક દબાવી રાખે અથવા કેટલીક પ્રસ્તુત ગણાય તેવી હકીકતો રજૂ કરવામાં નિષ્ફળ નીવડે તો તેવા કિસ્સામાં ન્યાયાલય મનાઈહુકમ માટેની તેની અરજી ફગાવી દઈ શકે છે.
કોઈ દાવાની સુનાવણી ચાલુ હોય તે દરમિયાન મનાઈહુકમ માટે અરજી કરનાર ફરિયાદીએ ન્યાયાલયને પ્રથમ દર્શને યોગ્ય લાગે તેવી નક્કર હકીકતોના બયાન ઉપરાંત પોતાની અરજીમાં અન્ય ચાર બાબતોનો નિર્દેશ સ્પષ્ટ રીતે કરવાનો રહે છે : (1) અરજદારે માગેલ મનાઈહુકમ જો ન્યાયાલય ન આપે તો તે પરિસ્થિતિમાં તેને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. (2) દાવાનો અંતિમ નિકાલ જો તેના પક્ષમાં આવે અને જો તે દરમિયાન સામા પક્ષના કોઈ કૃત્યને કારણે તેને એવું નુકસાન થાય કે જેની ભરપાઈ અંતિમ નિકાલ જાહેર થયા પછી નાણાકીય વળતર દ્વારા પૂરતા પ્રમાણમાં કરી શકાય નહિ. (3) પારસ્પરિક સુખચેનની બાદબાકી (balance of convenience) ફરિયાદીના પક્ષમાં છે, એટલે કે જો સામા પક્ષના સંભવિત કૃત્યને મનાઈહુકમ દ્વારા અટકાવવામાં નહિ આવે તો પ્રતિવાદીને થતા નુકસાન કરતાં ફરિયાદીને થનાર સંભવિત નુકસાન સરવાળે વધારે રહેશે. (4) ફરિયાદીના કહેવાતા (alleged) અધિકારો કે હિતના રક્ષણ માટે ન્યાયાલયની તાત્કાલિક દરમિયાનગીરી અનિવાર્ય હોય, અન્યથા તેને ગંભીર નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના હોય.
મનાઈહુકમ માટેની અરજીનો નિકાલ કરતી વેળાએ ન્યાયાલયે ત્રણ મુખ્ય બાબતો નિર્ધારિત કરવાની હોય છે : (1) શું ફરિયાદીએ પ્રથમ દર્શને (prima facie) ન્યાયાલયને યોગ્ય લાગે તેવી સબળ રજૂઆત કરી છે ખરી ? (2) શું પારસ્પરિક સુખચેનની બાદબાકી (balance of convenience) ફરિયાદીના પક્ષમાં છે ? એટલે કે જો કામચલાઉ મનાઈહુકમ ફરમાવવામાં નહિ આવે તો ફરિયાદીને વધુ નુકસાન થવાની સંભાવના છે ? (3) શું ફરિયાદીને થનાર સંભવિત નુકસાનની માત્રા/પ્રમાણ ભરપાઈ ન કરી શકાય તેટલું થવાની શક્યતા છે ?
ન્યાયદાનની પ્રક્રિયાને હાનિ ન પહોંચે તે હેતુથી અને તે રીતે મનાઈહુકમ માટેની ફરિયાદીની અરજી પર વિચાર કરી ન્યાયાલય તેનો યોગ્ય નિકાલ કરી શકે છે. ન્યાયાલયે બક્ષેલ મનાઈહુકમની અવજ્ઞા કરનાર વ્યક્તિ સામે ન્યાયાલય દંડનીય પગલાં લઈ શકે છે; દા.ત., તેને કારાવાસની સજા કરી શકે છે તથા તેની મિલકત જપ્ત કરવાનો આદેશ પણ આપી શકે છે.
જ્યારે કોઈ ન્યાયિક સત્તા-મંડળે આપેલ કોઈ આદેશ કે હુકમની બજવણી કરવા માટે સંબંધિત કોઈ વ્યક્તિને અટકાવવાનો આદેશ આપવામાં આવે છે ત્યારે તેને મનાઈહુકમ (injunction) કહેવામાં આવે છે; પરંતુ જ્યારે કોઈ ન્યાયાલયમાં ચાલતા દાવાની સુનાવણીને સ્થગિત કરવાનો આદેશ ન્યાયાલય દ્વારા આપવામાં આવે છે ત્યારે આવા આદેશને તહકુબીનો કે મોકૂફીનો નિરોધાદેશ (stay) કહેવામાં આવે છે.
ત્રણ હેતુઓ સિદ્ધ કરવા માટે ન્યાયાલય ફરિયાદીની અરજીના સંદર્ભમાં કાયમી મનાઈહુકમ (perpetual injunction) પણ આપી શકે છે : (1) સામા પક્ષનું અરજદારના પક્ષમાં થતું કોઈ અસંદિગ્ધ અથવા ગર્ભિતાર્થથી ઉદભવતું દાયિત્વ હોય અને જો તે દાયિત્વનું સામા પક્ષ દ્વારા ઉલ્લંઘન થવાની શક્યતા હોય તો તેમ કરતાં સામા પક્ષને અટકાવવા માટે અપાતો હુકમ; (2) બંને પક્ષો વચ્ચે થયેલ કરારના અનુસંધાનમાં સામા પક્ષના દાયિત્વના ઉલ્લંઘનની સંભાવનાને અટકાવવા અપાતો હુકમ; અને (3) પ્રતિવાદી કે આરોપી દ્વારા અરજદારના તેની મિલકતનો ઉપયોગ કરવાના નિહિત અધિકાર પર તરાપ મારવાની અરજદારને ધમકી આપે અથવા તેના કોઈ સંભવિત કૃત્ય દ્વારા તરાપ મારે ત્યારે તેમ કરતાં પ્રતિવાદી કે આરોપીને અટકાવવા માટે અપાતો હુકમ.
ભારતનાં ન્યાયાલયોના મનાઈહુકમ ફરમાવવા અંગેના તેમના અધિકારક્ષેત્રની સ્પષ્ટતા સિવિલ પ્રોસીજર કોડ તથા સ્પેસિફિક રિલીફ ઍક્ટ(1963)માં કરવામાં આવી છે.