મૂળભૂત ફરજો : નાગરિકનું અન્ય નાગરિક, સમાજ તથા રાજ્ય પ્રત્યેનું કર્તવ્ય. વ્યક્તિ જેમ અધિકારો ભોગવવાની અપેક્ષા રાખે છે તેમ અન્યને પણ તે તેમના અધિકારો ભોગવવાની સગવડ અને વાતાવરણ પૂરાં પાડે એવી અપેક્ષા તેની પાસેથી રખાય છે. અન્યના અધિકારનો આ વિચાર અને તે અંગેની જવાબદારી એટલે ફરજ યા કર્તવ્ય. આ અર્થમાં અધિકાર અને ફરજ પરસ્પર ગાઢ રીતે સંકળાયેલાં છે. એ રીતે અધિકાર અને ફરજ એક જ સિક્કાની બે બાજુઓ છે. કોઈ એક વ્યક્તિનો અધિકાર એ અન્યની ફરજો સાથે સંકળાયેલો હોય એવું જોવા મળે છે.
અધિકારો અમર્યાદ હોતા નથી. સમાજ, રાજ્ય અને જાહેર હિતના સંદર્ભમાં તેમના પર યોગ્ય નિયંત્રણો મૂકવામાં આવે છે. એ જ રીતે ફરજોની સભાનતાથી પ્રેરાઈને પણ આવાં નિયંત્રણો મૂકવામાં આવે છે. આ અર્થમાં અધિકારો અને ફરજો અભિન્ન છે. બંને વચ્ચે પાયાનો અને પ્રગાઢ સંબંધ છે. આ સંદર્ભમાં પ્રાચીન ભારતીય વિભાવના અને ગાંધીજીએ વ્યક્ત કરેલી વિભાવનાઓમાં ઘણું સામ્ય છે. ગાંધીજી કહેતા કે ‘‘પ્રત્યેક વ્યક્તિ પોતાની ફરજોનું પાલન કરશે તો તેથી અન્ય વ્યક્તિઓ તેમના અધિકારો આપોઆપ ભોગવી શકશે’’. આમ અહીં ફરજો પર ભાર મૂકીને ફરજોના પાલન દ્વારા અધિકારોના ભોગવટા સુધી નાગરિક પહોંચે છે. વ્યક્તિ અન્ય પાસેથી જે અપેક્ષા રાખે છે તેવું વર્તન તે પોતે કરે તો તેથી સમગ્ર સમાજમાં અધિકારો ભોગવવાની પરિસ્થિતિ આપમેળે પેદા થાય છે.
ફરજોના પાલનથી સમાજ અને રાજ્ય સ્થિરતા જાળવી શકે છે. આથી કાયદાઓનું પાલન કરવાની, રાજ્ય પ્રત્યે વફાદારી દાખવવાની, કરવેરા ભરવાની તથા લશ્કરી સેવા આપવાની ફરજો કાયદેસરની ફરજો ગણાય છે. એવી જ રીતે મતદાન કરવાની, જાહેર કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવવાની ફરજોનો સમાવેશ રાજકીય ફરજો તરીકે કરવામાં આવે છે. વળી નૈતિક ફરજો રૂપે સમાજ, રાજ્ય, કુટુંબ અને અન્ય માનવો પ્રત્યે પણ નાગરિક ફરજો ધરાવતો હોય છે. આ તમામ ફરજોનું શક્ય તેટલું વધુમાં વધુ પાલન કરવામાં આવે તો તેથી મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થઈ શકે છે. ભારતમાં 1976માં 42મા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો બંધારણમાં આમેજ કરવામાં આવી. બંધારણની કલમ 51–Aમાં આ ફરજોનો સમાવેશ કરાયો છે.