મૅજિસ્ટ્રેટ : જેને વહીવટ અને ન્યાયિક નિર્ણયો કરવાની સત્તા હોય તેવો સરકારી અમલદાર. કાયદામાં જ્યારે ‘મૅજિસ્ટ્રેટ’ શબ્દનો ઉલ્લેખ હોય ત્યારે મેટ્રોપૉલિટન વિસ્તારમાં ‘મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ’ અને તે સિવાયના વિસ્તારોમાં ‘જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટ’ સમજવો. જુદા જુદા વિસ્તારોની અદાલતોની રચના રાજ્ય સરકાર રાજ્યની વડી અદાલત સાથે વિચારવિનિમય કરીને કરે છે અને તેમાં ન્યાયાધીશોની નિમણૂક વડી અદાલત દ્વારા કરવામાં આવે છે. જેને માટે દંડ કે કેદની સજા હોય તેવા કોઈ પણ તહોમત અંગે હકૂમત ધરાવતા મૅજિસ્ટ્રેટ ન્યાયાધીશની વ્યાખ્યામાં આવે છે. ભારતની સુપ્રીમ કોર્ટ કોઈ પણ અપરાધ બાબતમાં ફોજદારી ન્યાયની અદાલતોમાં સર્વોચ્ચ છે. તેની નીચે ક્રમશ: વડી અદાલત, સેશન્સ કોર્ટ અને મૅજિસ્ટ્રેટની કોર્ટ હોય છે.
દસ લાખથી વધુ વસ્તીવાળાં શહેરોને રાજ્ય સરકાર મેટ્રોપૉલિટન વિસ્તારો તરીકે જાહેર કરે છે અને તે દરેકમાં ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ અને તેની દેખરેખ નીચેના બીજા મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટો નીમવામાં આવે છે. મેટ્રોપૉલિટન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જિલ્લાવાર ચીફ જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટ અને તેની દેખરેખ નીચેના પ્રથમ અને દ્વિતીય વર્ગના જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટો નીમવામાં આવે છે.
તેમની સત્તાઓ અને હકૂમતો : દરેક મૅજિસ્ટ્રેટ રાજ્ય સરકારે નક્કી કરેલા વિસ્તાર પૂરતી હકૂમત ધરાવે છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની વિનંતીથી ખાસ પ્રકારના કેસો માટે સ્પેશિયલ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કે સ્પેશિયલ જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવે છે. ત્રણ વર્ષ સુધીની કેદની અને રૂ. 5,000/– સુધીના દંડની સજા કરવાની સત્તા પ્રથમ વર્ગના મૅજિસ્ટ્રેટને હોય છે. દ્વિતીય વર્ગના મૅજિસ્ટ્રેટને એક વર્ષ સુધીની કેદ અને રૂ. 1,000/– સુધીના દંડની સજા કરવાની સત્તા હોય છે. જો કોઈ અપરાધી દંડ ભરવામાં કસૂર કરે તો તેને અધિકૃત સમય સુધીની વધારાની કેદની સજા કરી શકાય; પરંતુ જો સજાના મુખ્ય ભાગ તરીકે કેદની સજા હોય તો દંડ ભરવામાં કસૂર કરવા બદલ તેને જેટલી કેદની સજા થઈ હોય તેનાથી ચોથા ભાગના સમયથી વધુ વધારાની કેદની સજા કરી શકાય નહિ. ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કે ઍડિશનલ ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ કે ચીફ જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટ કે ઍડિશનલ ચીફ જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટ મોતની, આજીવન કેદની કે સાત વર્ષથી વધુ સમયની કેદની સજા ફરમાવી શકે નહિ. પણ તે ગમે તેટલો દંડ કરી શકે. જો કોઈ અપરાધ માટે તેથી વધુ સમયની કેદની સજાની જોગવાઈ હોય તો તે કેસ સેશન્સ કોર્ટમાં મોકલવો પડે. ચીફ કે ઍડિશનલ ચીફ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ અને ચીફ કે ઍડિશનલ ચીફ જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટની સત્તા સરખી હોય છે. તેઓ બાળ-ગુનેગારો પર કામ ચલાવી શકે છે. હાઈકોર્ટ કે સેશન્સ કોર્ટ ફરમાવે તો ચીફ જ્યૂડિશિયલ મૅજિસ્ટ્રેટ દ્વિતીય વર્ગના મૅજિસ્ટ્રેટે કરેલી સજા સામેની અપીલનો નિકાલ કરી શકે છે. મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ ભારતીય ફોજદારી ધારાની અમુક કલમો નીચેના અને અન્ય કાયદાઓ નીચેના ગુનાઓની સુનાવણી કરી શકે છે. તે પત્ની, બાળકો અને માબાપના ભરણપોષણનો હુકમ કરી શકે છે તેમજ ઝડતી માટેનો આદેશ (સર્ચ વૉરન્ટ) કાઢી શકે છે.
રાજ્ય સરકાર ઍક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટોની નિમણૂક કરે છે, જેમનો વડો જિલ્લા મૅજિસ્ટ્રેટ હોય છે. અમુક વિસ્તારો માટે કે ખાસ પ્રકારના કામકાજ માટે રાજ્ય સરકાર સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટની નિમણૂક કરે છે. એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ શાંતિ જાળવવા માટેની અને સારી ચાલચલગત માટેની જામીનગીરીની અને ઉપદ્રવ નાબૂદ કરવા અંગેની જેવી કાર્યવહી કરે છે. જિલ્લા મૅજિસ્ટ્રેટ સેશન્સ જજની સાથે રહીને પબ્લિક પ્રૉસિક્યૂટરની નિમણૂક માટે યોગ્ય વ્યક્તિઓની યાદી તૈયાર કરે છે.
ભારતમાં ફોજદારી કાર્યવહી માટેની અદાલતોનો ક્રમ