વ્યભિચાર (adultery) : પરિણીત સ્ત્રી સાથે કોઈ પુરુષ દ્વારા તેના પતિની જાણ બહાર અને/અથવા તેના પતિની સંમતિ વગર પરંતુ તે સ્ત્રીની ઇચ્છા અને સંપૂર્ણ સંમતિથી કરાતો શારીરિક સંભોગ. આવા વ્યભિચારના કૃત્યને કાયદાથી શિક્ષાને પાત્ર ગુનાઇત કૃત્ય ગણવામાં આવ્યું છે. માનવસમાજમાં સ્ત્રી અને પુરુષનો લગ્નસંબંધ પવિત્ર, વિધિમાન્ય અને આદરપાત્ર ગણાય છે અને તેથી વ્યભિચારને સામાજિક, ધાર્મિક તેમજ કાયદાકીય રીતે અપકૃત્ય ગણવામાં આવેલો છે.

ભારતના ફોજદારી અધિનિયમ ઇન્ડિયન પીનલ કોડની કલમ 497 વ્યભિચારના ગુના અંગે છે. તે મુજબ કોઈ પણ પુરુષ, કોઈ પણ સ્ત્રીને પરપુરુષની પત્ની હોવાનું પોતે જાણતો હોય અથવા પોતાને તેમ માનવાને કારણ હોય તેમ છતાં તેની સાથે તેના પતિની સંમતિ કે ગર્ભિત સંમતિ વગર સંભોગ કરે અને તેવા સંભોગથી બળાત્કારનો ગુનો થયો ન ગણાય તો તે વ્યભિચારનો ગુનો બને છે. તેને પાંચ વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદ અથવા દંડ અથવા તે બંનેની સજા કરી શકાય છે. આવા કિસ્સામાં સ્ત્રીને મદદગાર તરીકે સજા કરવામાં આવતી નથી.

સ્ત્રી-પુરુષના શારીરિક સંબંધોમાં સ્ત્રી બીજાની કાયદેસરની પત્ની છે તેની જાણ હોવા છતાં કોઈ પરિણીત કે અપરિણીત પુરુષ તે સ્ત્રી સાથે શારીરિક સંભોગ કરે તો તે ગુનો બને છે. તેમાં અમુક સંજોગોમાં જ શારીરિક સંભોગ વ્યભિચાર ગણાય છે અને તે કૃત્યમાં સામેલ થયેલી સ્ત્રીને કાયદાના સંબંધે જવાબદાર ગણવામાં આવતી નથી. આથી તે સ્ત્રીને ગુનેગાર ઠરાવવા કાર્યવહી થતી નથી. વ્યભિચારના ગુનામાં ફક્ત પુરુષને જ જવાબદાર ગણવામાં આવે છે.

ફોજદારી કાર્યવહીનો કાયદો (ક્રિમિનલ પ્રોસીજર કોડ) 1973માં લગ્નસંબંધી વ્યભિચારના ગુનાની બાબતમાં આરોપીને જામીન ઉપર મુક્ત થવાનો અધિકાર છે. પોલીસમાં ફરિયાદ કરી શકાય નહિ તેવો પોલીસ-અધિકાર બહારનો ગુનો છે. ગુનો બન્યો હોય તે સ્થળ ઉપર હકૂમત ધરાવતા જ્યુડિસિયલ મૅજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) અથવા મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ સમક્ષ જ તેની ફરિયાદ થઈ શકે. વ્યભિચારના કૃત્યમાં સામેલ થયેલી સ્ત્રીના પતિ સિવાયની અન્ય કોઈ વ્યક્તિ ફરિયાદ કરી શકે નહિ. જોકે પતિની ગેરહાજરીમાં ગુનો બન્યો હોય ત્યારે તે સ્ત્રીની સંભાળ રાખનારી વ્યક્તિ કોર્ટની પરવાનગી લઈને તેના વતી ફરિયાદ કરી શકે છે. ક્રિ.પ્રો.કો.-કલમ 198 (1), (2) સ્ત્રીનો ફરિયાદી પતિ ઇચ્છે તો ગુનાની માંડવાળ કરી શકાય અને તેની અસર આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા બરોબર ગણાય છે. (ક્રિ.પ્રો.કો.-કલમ 320).

વ્યભિચારના ગુનામાં પતિ-પત્ની એકબીજા સામે ફરિયાદ કરી શકતાં નથી. આ બાબત કોર્ટ સુધી ન આવે, કડવાશ ઊભી ન થાય અને એ બનાવ બાદ સમાધાનનો માર્ગ અપનાવીને સાથે રહી શકાય અથવા એક જ સ્થળે રહેવું ન હોય તો છૂટા થઈ શકાય એવા રસ્તા ખુલ્લા રાખવા માટે આવી જોગવાઈ કરવામાં આવી છે એવું નિષ્ણાતોનું માનવું છે. વળી ખરી હકીકતોની જાણ ન પણ હોય અને બિનજરૂરી વિવાદો ઊભા થાય તેવું પણ બને. આથી ત્રાહિત વ્યક્તિને આ ગુનામાં ફરિયાદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી.

ભારતના બંધારણના ભાગ-3માં પ્રજાજનોના મૂળભૂત હક્કોની જોગવાઈ છે. તેની કલમ-13 મુજબ આ હક્કો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા રદબાતલ ગણાય. કલમ-14 કહે છે કે ભારતના રાજ્યક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિની રાજ્ય કાયદા સમક્ષ સમાનતાના અથવા કાયદાના સમાન રક્ષણની ના પાડી શકાશે નહિ. કલમ-15 કહે છે કે કોઈ નાગરિક સામે ફક્ત લિંગ(સ્ત્રી કે પુરુષ)ના કારણે રાજ્ય ભેદભાવ કરી શકે નહિ. કલમ-21 કહે છે કે કાયદાથી સ્થાપિત કાર્યરીતિ અનુસાર હોય તે સિવાય વ્યક્તિનો જાન કે શરીર-સ્વાતંત્ર્ય છીનવી શકાશે નહિ.

બંધારણની ઉપર જણાવેલી જોગવાઈઓનો આધાર લઈ વ્યભિચારના ગુનાની કલમ ગેરકાયદે હોવાની ક્યારેક દલીલ કરવામાં આવે છે. તે એ રીતે કે વ્યભિચારના કૃત્યમાં સામેલ થયેલી સ્ત્રી અને પુરુષમાંથી ફક્ત પુરુષને જ જવાબદાર ગણવામાં આવે છે. તે કાયદા સમક્ષની સમાનતા ન કહી શકાય અને સમાન રક્ષણ પણ ન કહી શકાય. સ્ત્રીને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે અને તેનો ફરિયાદ કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી. આમાં લિંગના આધારે ભેદભાવ કરવામાં આવ્યો છે અને ફોજદારી કાર્યવહીમાં કોઈ કાર્યરીતિ સ્ત્રીના જીવન અને શરીર-સ્વાતંત્ર્યના રક્ષણની બંધારણીય ખાતરી માટે ફરિયાદ કરી ઉપચાર કરવા મુકરર કરવામાં આવી નથી. ફક્ત પુરુષને જ ગુનેગાર ગણવો અને પુરુષને જ ફરિયાદ કરવાનો અધિકાર તે ભેદભાવયુક્ત ગેરબંધારણીય અન્યાયી જોગવાઈ કહેવાય; પરંતુ સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ રાખવાની દલીલના જવાબમાં વિવિધ કોર્ટના ચુકાદાઓ છે, તેનો સાર એ છે કે બંધારણની કલમ-15 (3) સ્ત્રીઓ માટે કોઈ ખાસ જોગવાઈ કરવાની છૂટ આપે છે. વ્યભિચારના ગુનાની બાબત કાયદાથી ઘડવામાં આવેલ નીતિની બાબત છે. અમુક પ્રકારના લગ્નબાહ્ય સંબંધને જ ગુનાઇત કૃત્ય ગણવામાં આવ્યું છે. લગ્નસંબંધથી જોડાયેલા એકમમાં બહારની વ્યક્તિ આવીને ગુનો કરે તેની સાથે કઈ રીતે વ્યવહાર કરવો તેના અનુસંધાનમાં આડે માર્ગે ઊતરી જનારાઓ પૈકી ફક્ત પુરુષોને જ શિક્ષા કરવામાં આવે અને સ્ત્રીને નહિ. પતિ યા પત્ની એકબીજા સામે ફરિયાદ કરે અને તે ઉપરથી શિક્ષા કરવામાં આવે તેવો કાયદાથી આગ્રહ રાખવામાં આવ્યો નથી. તેમાં પતિ-પત્ની વચ્ચે સમાધાનનો માર્ગ ખુલ્લો રાખવા, લગ્નજીવનની ઘણી વાતો અંગત માહિતી પૂરતી સીમિત રાખવા અને તેમ કરીને પતિ-પત્ની વચ્ચે એકસરખી રીતે ન્યાય કરવાની બાબતનો ખ્યાલ રહેલો છે. તેમાં એવી ફિલસૂફી રહી છે કે એકબીજાને ફોજદારી કોર્ટમાં ઢસડી જાય તે કરતાં પોતાની જાતે જ સાથે રહેવું કે અલગ રહેવું એનો નિર્ણય કરે તો તેથી સામાજિક સદ્ભાવનાને પ્રોત્સાહન મળી શકે. લગ્નજીવનના એકમની શાંતિ અને ગુપ્તતા પર આક્રમણ થાય અને બંને સાથીઓમાં ભંગાણ પડે અને કેદમાં જાય તે ઇષ્ટ નથી. જો તેમાં બહારની વ્યક્તિ સ્ત્રી હોય તો તેને શિક્ષા કરવાની નહિ તેવો ભેદભાવ સ્ત્રીની વિરુદ્ધ નહિ, પણ તેની તરફેણમાં છે. સ્ત્રીને ફરિયાદ કરવાનો અધિકાર નથી, પરંતુ રજૂઆત કરવાની છૂટ છે. બેવફા પુરુષ આ કૃત્યમાં શિક્ષાનું જોખમ ઉઠાવે છે. તેમાં પત્ની તરફથી દીવાની રાહે છૂટા થવાના પગલાનો વારો પણ આવી શકે છે. આવું સ્ત્રીપુરુષના ભેદભાવનું વર્ગીકરણ બુદ્ધિગમ્ય માનવામાં આવે છે. અને તેને બંધારણીય રીતે કાયદેસરનું ગણવામાં આવે છે.

વ્યભિચારના ગુનામાં સીધો પ્રત્યક્ષ પુરાવો ઉપલબ્ધ થવો મુશ્કેલ છે. આથી અમુક હકીકતોની માહિતીના આધારે અનુમાન ઉપરથી ગુનો સાબિત થઈ શકે છે; જેમ કે, સાંયોગિક પુરાવો, પતિ-પત્ની વચ્ચે મિલન થયું ન હોય અને બાળકનો જન્મ, ગુપ્ત ચેપી રોગ થાય, બદનામ ઘરોની મુલાકાતોનો પુરાવો. અગાઉની કાર્યવહીમાં કરેલી કબૂલાતો, પક્ષકારોની ગુનાની કબૂલાત અને સ્વીકાર જેવાં અનુમાનો પરથી વ્યભિચારના કૃત્યનો ગુનો સાબિત કરવામાં આવે છે.

અંતમાં એ બાબતની નોંધ લેવી ઘટે કે ઘણા દેશોમાં વ્યભિચારના કૃત્યને કેદ અને દંડની શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે; પરંતુ અમુક દેશોમાં, જેમ કે ઇંગ્લૅન્ડમાં તેને માત્ર દીવાની અપકૃત્ય ગણવામાં આવે છે, જે માટે વ્યભિચાર કરનારે તે સ્ત્રીના પતિને નુકસાની તરીકે વળતર આપવું પડે છે. હિંદુ, મુસ્લિમ, ખ્રિસ્તી વગેરે સમાજના અંગત કાયદા હેઠળ વ્યભિચારનું કૃત્ય લગ્નવિચ્છેદ યાને છૂટાછેડા માટે યોગ્ય કારણ ગણવામાં આવ્યું છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday