(૧)  હાલની અરજીની ટૂંકમાં હકીકત એવી છે કે, આ કામના અરજદાર રૂપલબેનના લગ્ન આ કામના સામાવાળા પિયુષકુમાર સાથે તારીખ :- ૦૫-૦૨-૨૦૦૩ ના રોજ થયેલ હતા. અને તેઓને લગ્ન જીવન દરમિયાન સંતાનમાં ૨૦૦૭ માં પુત્રી નામે “બંસી” નો જન્મ થયેલ હતો. આ કામના અરજદાર પોતાના પતિ સાથે સંયુકત કુટુંબમાં ખરેડી ગામ, તા. કાલાવાડ ખાતે રહેતા હતા અને ત્યાં તેઓને અરજીમાં જણાવ્યા મુજબ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા તથા વારંવાર દહેજની માંગણી કરતા હતા અને અરજદાર માત્ર પોતાના સંતાન માટે મૂંગા મોઢે ત્રાસ સહન કરતા હતા. અરજદારે અરજીના પેરા (૫) માં જણાવેલ તમામ સ્ત્રીધનનું લીસ્ટ જણાવેલ છે અને કહેલ છે કે તે તમામ વસ્તુ તેઓના સાસરે પડેલ છે અને તેઓને આપેલ નથી. વધુમાં જણાવેલ છે કે, તેમના સંતાનના સારા ભવિષ્ય માટે અભ્યાસ અર્થે તેઓ ધોરણ ૪ માં આવતા રાજકોટ મુકામે આવેલ બંગલામાં રહેવા ગયેલા હતા અને તેઓના પતિ રાજકોટથી ખરેડી ગમે અપ ડાઉન કરતા હતા. તેઓના પતિને ખરેડી ગામે ઈલેક્ટ્રોનિક શો રૂમ આવેલ છે અને રાજકોટમાં જે બંગલો છે તેમાં નીચેના માળને ભાડે આપેલ છે અને તેઓ પુત્રી સાથે ઉપરના માળે રહેતા હતા. વધુમાં અરજદારના પતિના ભાડુઆત વીણાબેન સાથે આડા સંબંધો હતા તે હકીકત જણાવેલ છે અને વધુમાં જણાવેલ કે તેઓને દહેજ ના આપી શકે તો કાકાના દીકરા સાથે લગ્ન કરવા દબાણ કરેલ હતું અને આથી તારીખ :- ૧૨-૦૮-૨૦૧૮ ના રોજ તેઓને સગીર પુત્રી સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકેલ હતા આથી તેઓ પોતાના માવતરના ઘરે આવેલ અને ત્યારબાદ સામાવાળાએ તેઓની  કોઈ ભરણપોષણની વ્યવસ્થા કરેલ નથી કે તેડવા માટે આવેલ નથી કે કરિયાવરનો સામાન પરત કરેલ નથી. વધુમાં અરજદાર જણાવે છે કે, સામવાળા માસિક કુલ ૭૦,૦૦૦/- રૂપિયા કમાય છે અને તેઓ પાસે આવકનું કોઈ સાધન ના હોઈ, તેઓને અરજદાર અને સગીર પુત્રી બંસી સિવાય અન્ય કોઈની  ભરણ પોષણની  જવાબદારી નથી. આથી તેઓ અરજદારને રૂ. ૨૦,૦૦૦/- અને પુત્રીને રૂ. ૧૦,૦૦૦/- એમ કુલ મળી રૂ. ૩૦,૦૦૦/- ભરણપોષણ ચૂકવી આપે તેવી દાદ માંગેલ છે. તથા અરજીના પેરા ૧૨ મુજબ કલમ ૧૮ થી પ્રોટેક્શન તથા કલમ ૧૯ થી રાજકોટ મુકામે રહેવાની વ્યવસ્થા વિકલ્પે મકાન ભાડા ની  રૂ।.૫૦૦૦/- રકમ ચૂકવી આપે તથા કલમ ૨૦ મુજબ વચગાળાના માસિક રૂ।.૩૦,૦૦૦/- ચૂકવી આપે તથા કલમ ૨૨ મુજબ માનસિક ત્રાસ અને માનહાની કરેલ છે જે નુકશાની પેટે વળતરની રકમ રૂ।. ૧,૦૦,૦૦૦/- મેળવવા તથા અન્ય મળી શકતી તમામ દાદ મેળવવા અરજ કરેલ છે.  

આ સાથે અરજદારે નીચે મુજબના પુરાવા પોતાના સમર્થનમાં રજુ કરેલ છે.

દસ્તાવેજી પુરાવા 

  • નિશાની ૪/૧ – થી પુત્રી બંસીના જન્મના પ્રમાણપત્રની ખરી નકલ. 
  • નિશાની ૪/૨ – થી રાજકોટ મહાનગરપાલિકાની  વેરા પહોંચની ખરી નકલ. 
  • નિશાની ૪/૩ – થી અરજદારનું આધાર કાર્ડ – ઝેરોક્ષ. 
  • નિશાની ૪/૪ – થી અરજદારના ભાઈનું આધાર કાર્ડ. 
  • આંક – ૦૬ થી દહેજ પ્રતિબંધક અધિકારીનો રીપોર્ટ. 
  • નિશાની ૨૦/૦૧ થી પુત્રી બંસીનું જુનાગઢ સ્કુલ છોડ્યાનું  પ્રમાણપત્ર. 
  • નિશાની ૨૦/૦૨ થી પુત્રી બંસીનું વડોદરામાં ધો. ૮ નું બોનાફાઈડ સર્ટીફીકેટ. 
  • નિશાની ૨૦/૦૩ થી પુત્રી બંસીની  ધો – ૮ ની  ફી. ૫૦૦૦/- ની  રસીદ. 
  • નિશાની ૨૦/૦૪ થી પુત્રી બંસી માટે ખરીદેલ સાયકલનું બીલ રૂ. ૫૬૦૦/-. 
  • નિશાની ૨૦/૦૫ થી સ્પોર્ટ્સ યુની. ફોર્મનું રૂ।. ૮૪૦/- નું બીલ. 
  • નિશાની ૨૦/૦૬ થી પુત્રી બંસીના યુનિફોર્મની કાચી રસીદ રૂ. ૯૮૦/-. 
  • નિશાની ૨૦/૦૭ થી સામાવાળાના પિતાના નામની મકાનની વેરા પહોંચ.  

મૌખિક  પુરાવા  

  • આંક – ૨૩  થી અરજદાર   સોગંદ ઉપરની  જુબાની   

  

(૨) સબબ કામે, આ કામના સામાવાળાને નોટીસની બજવણી થતા તેઓ પોતાના વિ.વકીલ શ્રી મારફતે નામદાર કોર્ટમાં હાજર થયેલ અને તેઓએ આંક – ૧૪ થી અરજદાર ની અરજી નો જવાબ આપેલ છે. સબબ કામે તેઓએ અરજદારની અરજીમાં કરેલ આક્ષેપોને નકારી કાઢેલ છે અને જણાવેલ છે કે તેઓએ સમયમર્યાદા અને જ્યુરીડીકશનની  બહાર રહીને હાલની અરજી કરેલ છે. તેઓએ લગ્ન વિષે અને તેમની પુત્રી વિષેની  હકીકતને સ્વીકારેલ છે. પરંતુ તેઓએ અરજીના પેરા (૫) માં જણાવેલ કરિયાવરની વિગતો સાચી નથી તેમજ રાજકોટ ખાતે તેઓના નામે કોઈ બંગલો આવેલ નથી. આથી ભાડુઆત સાથેના સંબધની તમામ હકીકતનો ઇન્કાર કરેલ છે. વધુમાં તેઓને ઈલેક્ટ્રોનિકનો કોઈ શો રૂમ નહી રીપેરીંગની  દુકાન છે તેવું જણાવેલ છે. વધુમાં જણાવેલ છે કે, તે અરજદારનું તેમના કાકાના છોકરા સાથે અફેર હતું. વધુમાં જણાવેલ છે કે, અરજદારના પિતા અને ભાઈ વરલી / મટકા રમતા હોઈ તેઓની  ઉપર પોલીસ કેસ થયેલ હોઈ તેઓને પણ તેમણે આર્થિક મદદ કરેલ હોઈ દહેજની હકીકત ઉપજાવી કાઢેલ છે આવો કોઈ દહેજ માંગેલ નથી. વધુમાં તેઓએ રૂ।. ૫૦,૦૦૦/- ની  જે એફ.ડી. ની વાત કરેલ છે તે મુજબ ખરેડી ગામમાં એસ.બી.આઈ.ની  કોઈ બ્રાંચ આવેલ નથી. એવું જણાવેલ છે કે, ટૂંકમાં સામાવાળાએ અરજદારની હકીકતો અને આક્ષેપોને નકારી કાઢેલ છે અને તેઓએ વધુમાં જણાવેલ છે કે, તેઓની વાર્ષિક આવક રૂ।. ૭૨,૦૦૦/- છે અને તેઓએ અરજદાર અને તેમની પુત્રીને ઓનલાઈન ભરણપોષણની અંદાજે ૬૦,૦૦૦/- જેટલી રકમ મોકલેલ છે. વધુમાં સામાવાળા જણાવે છે કે, તેઓએ આપધાતનો પ્રયત્ન કરેલ હોઈ તેઓને પોલીસએ અટક કરેલ અને જામીન ઉપર મુક્ત પણ કરેલ હતા. સબબ કામે સામવાળા અરજદાર અને પુત્રીને તેડી જવા માટે તત્પર અને તૈયાર છે. અરજદાર પોતાની મરજીથી હઠાગ્રહથી પોતાના પિયરમાં રહે છે તથા સામાવાળાની  ઉપર તેમના માતા અને પિતાની  જવાબદારી પણ રહેલી છે. જે તેઓએ તેમની અરજીમાં છુપાવેલી છે. આમ, અરજદાર લગ્નના ૧૫ વર્ષ ઉપરાંતના લગ્ન જીવન બાદ માત્ર હેરાન પરેશાન કરવા માટે છુટાછેડાની સહાયથી ખોટા ખર્ચા કરાવવા હાલની અરજી કરેલ હોઈ સબબ અરજી રદ કરવા નમ્ર અરજ કરેલ છે. 

આ સાથે સામાવાળાએ  નીચે મુજબ ના પુરાવા પોતાના સમર્થન માં રજુ કરેલ છે.

દસ્તાવેજી પુરાવા 

  •  આંક – ૪૫ થી સામાવાળાનો  આવક નો દાખલો. 
  •  આંક – ૪૬ થી પો.સ્ટે. કરેલ જુગારધારાના કેસની  વિગતો. 
  • આંક – ૫૦ થી ૭૯ સુધી સામાવાળા એ તારીખ :- ૨૨-૦૪-૨૦૨૦ થી ૨૨-૦૮-૨૦૨૨ સુધી અરજદારને મોકલેલ ભરણપોષણની રકમ. 

મૌખિક  પુરાવા  

  • આંક – ૪૧  થી સામાવાળા   સોગંદ ઉપરની  જુબાની. 

(૩)   આમ, ઉપરોક્ત કેસમાં અરજદાર અને સામાવાળાની સોગંદ ઉપર જુબાની લેવામાં આવેલ અને તેમના વિ.વકીલ શ્રીઓ મારફતે તેઓની ઉલટ તપાસ લેવામાં આવેલ હતી. ત્યારબાદ પુરાવાનું સ્ટેજ બંધ તથા તેઓના વિ.વકીલ શ્રીઓએ લેખિતમાં દલીલો રજુ કરેલ હતી. જે આંક – ૮૨ થી અરજદાર તરફે અને આંક- ૮૪ થી સામાવાળા તરફે રેકર્ડમાં છે જેને ધ્યાને લીધા બાદ, ઉપરોક્ત હકીકતો અને પુરાવાના આધારે મારી સમક્ષ નીચે મુજબનો મુદ્દો ઉપસ્થિત થતો હોય, તેના જવાબ અને કારણો નીચે મુજબ છે. 

 

નં મુદ્દો  જવાબ 
૧. શું આ કામના અરજદાર અને સામાવાળા વચ્ચે લગ્નેતર સંબંધ વિષે કોઈ તકરાર છે ?  નકારમાં 
૨.  શું આ કામના અરજદાર અને સામાવાળાએ કરેલ વ્યભિચાર  અંગેના કોઈ પુરાવા રજુ કરેલ છે ?  નકારમાં 
૩.  શું આ કામના અરજદાર પુરવાર કરે છે કે, તેઓએ લગ્ન સમયે આપવામાં આવેલ કરિયાવર કાયદેસરનું છે અને પરત મળેલ નથી ?  અશંતઃ હકારમાં 
૪.  શું હાલની  અરજદારની  અરજીને સમય મર્યાદા અધિનિયમનો બાધ તથા જ્યુરીડીકશનનો બાધ નડે છે ?  નકારમાં 
૫.  શું હાલના અરજદાર પુરવાર કરે છે કે, તેઓને કોઈ આર્થિક સહાય હજુ સુધી સામાવાળાએ કરેલ નથી કે તેઓની  ઉપર અરજદાર અને તેમના સંતાન સિવાય અન્ય કોઈના ભરણપોષણની જવાબદારી નથી ?  નકારમાં 
૬. શું હાલના અરજદાર સાબિત કરે છે કે, સામાવાળાએ ઢીકા પાટુનો માર મારેલ છે અને દહેજની માંગણી કરેલ છે ?  નકારમાં 
૭. શું હાલના અરજદાર કલમ-૧૯ મુજબ રહેઠાણની  વ્યવસ્થા અંગેની દાદ મેળવવા હક્કદાર છે ?  હકારમાં 
૮.  શું અરજ્દાર માસિક રૂ।. ૩૦,૦૦૦/- નું ભરણપોષણ મેળવવા હક્કદાર છે ?  અશંતઃ હકારમાં 
૯.  શું અરજદાર અન્ય કોઈ દાદ મેળવવા હક્કદાર છે ?  આખરી હુકમ મુજબ 

:: કારણો ::

(૪) મુદ્દા નંબર ૧ :- સબબ કામે અરજદાર અને સામાવાળા બંને પતિ પત્ની વચ્ચેના સંબધ ધરાવે છે અને તેઓને સંતાનમાં પુત્રી છે. તે મુદ્દા વિષે આ કામે તકરાર નથી અને સામાવાળાએ પણ તે હકીકતને કબુલ મંજુર રાખેલ હોય અરજદાર અને સામાવાળા વચ્ચે લગ્નેતર સબંધ છે અને તે વિષે કોઈ તકરાર નથી. 

(૫) મુદ્દા નંબર ૨ :- સબબ કામે અરજદારે પોતાની અરજીમાં જણાવેલ છે કે, સામાવાળાને તેમના ભાડુઆત વીણાબેન અશોકભાઈ ભાલાણી સાથે અફેર થયેલ હતું તેમ સામાવાળાએ પણ અરજદાર ઉપર એવા આક્ષેપો કરેલ છે કે તેઓને સામાવાળા નંબર ૧ ના કાકાનાં દીકરા રવિ ઉર્ફે રામુ સાથે અફેર કરેલ છે અને તે અંગેની હકીકત બહાર આવતા પોતાના બચાવ માટે હાલનો કેસ કરેલ છે. સબબ કામે પક્ષકારો એ જે આક્ષેપો કરેલ છે તે અંગે રેકર્ડ ઉપર કોઈ પુરાવા રજુ કરેલ નથી કે સમર્થન મળતું નથી. સબબ કામે અન્ય કોઈ કેસ કરેલ હોય તેવું રેકર્ડ ઉપર આવતું નથી. સબબ કામે અરજદારે સામાવાળા ઉપર અલગથી પોલીસ કેસ કરેલ હોય તે સબબની કાર્યવાહી અલગથી તેઓની ઉપર ચાલી રહેલ છે તે રેકર્ડ ઉપર આવેલ છે. જેથી સબબ આક્ષેપો હાલની અરજી તળે સાબિત થતા નથી. 

(૬) મુદ્દા નંબર ૩ :- સબબ કામે અરજદારે પોતાની અરજી ના પેરા (૫) માં જે કરિયાવરની  વિગત દર્શાવેલ છે તે મોભમ હકીકત જણાવેલ છે. તે અંગે કોઈ દસ્તાવેજી પુરાવા કે મૌખિક પુરાવા આ કામે રજુ થયેલ નથી. વધુમાં જે એફ.ડી. અંગેની વાત કરેલ છે તેના પણ કોઈ દસ્તાવેજી પુરાવા રજુ કરેલ નથી. સામાવાળાએ જણાવેલ છે કે આવી કોઈ બેંક પણ ત્યાં ગામમાં આવેલ નથી તે તકરાર વિષે પણ કોઈ પુરાવા કે ખંડન કરતી હકીકત રેકર્ડ ઉપર આવતી નથી. તેમ છતાં હિંદુ શાસ્ત્રની લગ્ન વિધિ મુજબ દીકરીને લગ્ન સમયે આપવામાં આવતું સ્ત્રીઘન એ રીત રીવાજ છે અને તે મુજબ આપવામાં આવતું હોય છે. તે હકીકત રેકર્ડ ઉપર લેતા જે કઈ પણ સ્ત્રીધનની યાદી હોય તે સમાજની રાહે પંચોની હાજરીમાં પરત મેળવવા માટેનો હુકમ ન્યાયના હિતમાં હાલની  અરજીમાં કરવા ઉચિત જણાઈ આવતા સબબ મુદ્દાનો જવાબ “અશંતઃ હકારમાં” આપવામાં આવેલ છે. 

(૭) મુદ્દા નંબર ૪ :- સબબ કામે નામદાર સુપ્રિમ કોર્ટએ વખતો વખતના ચુકાદામાં જણાવેલ છે કે, ઘરેલું હિંસાની અરજીને સમયમર્યાદા અધિનિયમનો બાધ નડતો નથી તથા અરજદારના માતા પિતા ના રહેવાસી હોય, અરજદાર  ખાતે ભૂતકાળ માં રહેતા હોય, સબબ કામે જ્યુરીડીકશનનો બાધ નડતો ના હોય આથી મુદ્દા નંબર ૪ નો જવાબ “નકારમાં” આપવામાં આવે છે. 

(૮) મુદ્દા નંબર ૫ :- સબબ કામે અરજદારે પોતાની અરજીમાં વચગાળાના ભરણપોષણ માટેની દાદ માંગેલ છે જયારે આક્ષેપ કરેલ છે કે, તેઓને સામાવાળા તરફથી કોઈ પણ આર્થિક મદદ મળેલ નથી. સબબ કામે આંક-૨૦ થી અરજદારે જે તેમની પુત્રીના ખર્ચ અંગેની વિગતો રજુ કરેલ છે તેની સામે સામાવાળાએ આંક – ૫૦ થી ૭૯ સુધી ઓનલાઈન તથા પોસ્ટ દ્વારા અરજદારને તેમની પુત્રી માટે ભરણપોષણની અંદાજે ૪૫૦૦૦ થી ૬૦૦૦૦ સુધીની રકમ મોકલેલ છે તેના પુરાવા આ કામે રજુ કરેલ છે. જે અવગણી શકાય નહિ. આથી અરજદારે જણાવેલ તેમની અરજી મુજબ સામાવાળાએ તેમની ભરણપોષણની કોઈ વ્યવસ્થા કરેલ નથી તેવું માની શકાય નહિ. વધુમાં અરજદારે જણાવેલ છે કે, સામાવાળા ઉપર તેમના સિવાય અન્ય કોઈની ભરણપોષણની જવાબદારી છે નહિ. જયારે સામાવાળાએ જણાવેલ છે કે, તેમની ઉપર તેમના માતા પિતાની  જવાબદારી છે જેઓ વૃદ્ધ અને બીમાર અવસ્થામાં છે અને તે હકીકત અરજદારની પોતાની કરેલ અરજીમાં જ તેમના સાસુ સસરાને જોડેલ છે અને તે વૃદ્ધ છે તે હકીકત રેકર્ડ ઉપર ફલિત થતી હોય સબબ અરજદારની હાલની  હકીકત માની શકાય નહી. 

(૯) સબબ કામે દહેજની  માંગણી અંગે અને અન્ય માનસીક અને શારીરિક ત્રાસ આપવાની જે હકીકત રેકર્ડ ઉપર આવેલ છે તે હકીકતને સામાવાળાએ ખંડન કરતી હકીકત રેકર્ડ ઉપર લાવેલ છે. સબબ કામે સામાવાળાએ જે હકીકત જણાવેલ છે કે અરજદારના પિતા અને ભાઈ પોતે જુગારના ગુનામાં સંડોવાયેલા છે અને તેઓની વિરૂદ્ધમાં પોલીસ સ્ટેશનએ ગુના નોંધાયેલા છે અને તેઓએ તેમને આર્થિક મદદ પણ કરેલ છે. તે હકીકતને ના માનવાને કોઈ કારણ ઉપસ્તિથ થતું નથી કારણ કે સામાવાળાએ સબબ ગુના નોંધાયેલા છે તેની સાબિતી માટે આંક – ૪૬ થી આર.ટી.આઈ થી માંગેલ ગુનાની  વિગતો રજુ કરેલ છે. જે હકીકતથી સાબિત થાય છે કે, અરજદારના પિતા અને ભાઈ આવા ગુનામાં સંડોવાયેલા છે. આથી, જેમ દહેજ અંગેનાં જે આક્ષેપો કરેલ છે તે અંગે અરજદારે અન્ય કોઈ ફોજદારી કાર્યવાહી કરેલ નથી. આથી સબબ મુદ્દાનો જવાબ “નકાર” માં આપવામાં આવે છે. 

(૧૦) સબબ કામે અરજદારે પોતાની અરજીમાં જણાવેલ છે કે, તેઓ હાલ વડોદરા મુકામે તેમના ભાઈની સાથે રહે છે અને તેઓ તેમની દીકરીનો અભ્યાસ ત્યાં કરાવી રહેલ છે. સબબ તેઓએ તેમની અરજીમાં દાદ માંગેલ છે કે, રાજકોટ મુકામે રહેવાની વ્યવસ્થા કરી આપે અથવા તો જ્યાંથી અમોને કાઢી મુકવામાં આવેલ છે તે જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપે અથવા તો વિકલ્પે મકાન ભાડાના રૂ।. ૫,૦૦૦/- માસિક રકમ ચૂકવી આપે. હવે જયારે સામાવાળાએ પોતાના વાંધા જવાબ અને જુબાનીમાં જણાવેલ છે કે, તેઓ પોતાની દીકરીના ભવિષ્ય માટે અરજદાર અને તેમની દીકરીને તેડી જવા તૈયાર છે. આમ, જયારે સામાવાળા પોતાની પત્ની અને પુત્રીને તેડી જવા તૈયાર હોઈ અને જયારે અરજદાર પણ પોતાના જુના મકાન સ્થાને કે રાજકોટ મુકામે રહેવા તૈયાર હોય તેવા સંજોગોમાં સબબ અરજદારની હાલની દાદ મંજુર થવા પાત્ર છે જેથી તેનો હુકમ આખરી હુકમમાં કરેલ છે.     

(૧૧) હવે આ કામે અરજદારે પોતાનું રૂ।. ૨૦,૦૦૦૦/- માસિક ભરણપોષણ અને તેમની દિકરીનું માસિક ભરણપોષણ રૂ।. ૧૦,૦૦૦/- થઇને કુલ રૂ।. ૩૦,૦૦૦/- માસિક ભરણપોષણની માંગણી કરેલ છે. સબબ કામે અરજદારના જણાવ્યા મુજબ આ કામના સામાવાળા ધંધામાંથી અને ભાડાની આવકમાંથી કુલ રૂ।. ૭૦,૦૦૦/- માસિક કમાય છે. પરંતુ તેની આવક દર્શવતો કોઈ આધાર પુરાવો આ કામે અરજદાર તરફે રજુ કરવામાં આવેલ નથી. સબબ કામે સામાવાળાએ જણાવેલ છે કે, તેઓનો કોઈ શો રૂમ નથી. જો હોય તો અરજદાર તેના પુરાવા રજુ કરી શકે છે પણ કરેલ નથી તેઓ માત્ર રેપીરીંગની દુકાન ચલાવે છે. રેકર્ડ ઉપર જે રાજકોટ મુકામે બંગલાની વાત આવેલ છે તે મકાન સામાવાળાના પિતાશ્રીના નામે આવેલ છે. તેમના પતિના નામે આવેલ નથી. સબબ કામે, વધુમાં સામાવાળાએ તેઓ વાર્ષિક રૂ।. ૭૨,૦૦૦/- કમાય છે તેવું સાબિત કરવા માટે ગુજરાત સરકારનો આવકનો દાખલો રજુ કરેલ છે. જે આંક – ૪૫ થી આ કામે રજુ છે. જે પુરાવામાં વંચાણે લીધેલ છે. આ કામે સામાવાળાની ઉલટતપાસ જોવામાં આવે તો તેઓએ પોતાના ધંધાના કોઈ હિસાબો આ કામે રાખેલ નથી કે રજુ કરેલ નથી. સબબ કામે ઉલટ તપાસમાં એવી હકીકત રેકર્ડ ઉપર આવેલ છે કે તેઓના નામે ઇકો મારુતિ જેના રજી. નંબર :- જીજે- ૦૩-એમ.એચ-૦૬૬૪ છે તે સામાવાળાની માલિકીની છે અને તેઓ તે કાર લઈને નામદાર કોર્ટમાં જુબાની આપવા આવેલ છે. સબબ કામે જયારે સામાવાળાએ પોતાના પુરાવા જે આવક દર્શાવેલ છે તે પોતાના વેપારના હિસાબો વગરની બતાવેલ છે જે ગરીબી રેખાની નીચે રહેતા હોય તેવું જણાવેલ છે. પરતું નામદાર સુપ્રિમ કોર્ટએ વખતો વખતના ચુકાદામાં જણાવેલ છે કે, પતિ પોતાની પત્ની અને સંતાનનું ભરણપોષણ કરવા માટે મજુરી કરીને પણ રકમ ચુકવવા બંધાયેલ છે. આથી, માત્ર તેઓના આવકના દાખલાને તેમની આવકનો સોર્સ ગણીને તેઓની એટલી જ આવક છે તેવું માની શકાય નહી કારણ કે ઉલટ તપાસમાં તેઓ કારનો ઉપયોગ કરે છે તે હકીકત તેના આવકના દાખલાની આવકની  વિરૂદ્ધની  હકીકત સાબિત થાય છે. સબબ બંને પતિ પત્નીએ જે આક્ષેપો કરેલ છે અને શારીરિક કે માનસિક ત્રાસ આપ્યાની હકીકત જે છે એના સચોટ પુરાવા નથી. પરંતુ લગ્નના ૧૫ વર્ષના સમયગાળા ઉપરાંત જો પતિ પત્ની વચ્ચે કોઈ તકરાર ઉભી થયેલ છે તે હકીકત ના માનવને કોઈ કારણ નથી. આથી રોજીંદી મોંઘવારીના દરને ધ્યાને લઈને કોન્ટમ ઓફ મેરીટના આઘારે ભરણપોષણની રકમ મજુર થવા પાત્ર છે આથી સબબ મુદ્દાનો જવાબ “હકારમાં” આપવામાં આવે છે અને ભરણપોષણનો હુકમ આખરી હુકમમાં કરવામાં આવે છે. 

(૧૨) સબબ કામે અરજદાર અને સામાવાળા વચ્ચે જે તકરારો ઉભી થયેલ છે તે તકરારમાં માનસિક રીતે અરજદારને હેરાન પરેશાન થયેલ હોઇ તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે તેમ સામે પક્ષે પણ સામાવાળા તેના પતિ દ્વારા પણ તેઓ સાથે ફરીથી લગ્ન જીવન શરૂ કરવા માટેના  પ્રયત્નો કરેલ હોય તેવું જણાઈ આવે છે અને તેઓ આજની  તારીખે પણ અરજદારને તથા પુત્રીને તેડી જવા તૈયાર છે. સામાવાળા પણ માનસિક રીતે ત્રસ્ત થયેલ હોય તેવું જણાય છે તેઓએ પણ આપઘાત કરવાનો પ્રયત્ન કરેલ અને તેઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ છે. તે સિવાય જે પણ આક્ષેપો આ કામે રજુ થયેલ છે તે રોજીંદી લગ્નજીવનની  પદ્ધતિમાં થયેલ છે તેવું જણાઈ આવે છે. સબબ કામે અરજદાર અને સામાવાળા વચ્ચે આ સિવાય અન્ય કેસો પણ અન્ય કોર્ટમાં ચાલી રહેલ છે તેવું રેકર્ડ ઉપર આવેલ છે. તેમ છતાં રેકર્ડ ઉપર એવી કોઈ તકરારી હકીકત સ્પષ્ટ રીતે સાબિત થતી ના હોઈ, જેથી માનસિક ત્રાસ પેટેનું વળતર ચૂકવી શકાય આથી, અરજદાર તરફે વળતરનો કોઈ હુકમ કરવામાં આવતો નથી અને ઉપરોક્ત કારણોને આધીન અરજદારની અરજી માટે નીચે મુજબનો આખરી હુકમ કરવામાં આવે છે. 

આખરી હુકમ 

(૧) આથી, આ કામના અરજદારની ઘરેલું હિંસાના કાયદાની કલમ – ૨૦ મુજબ અરજદારને માસિક રૂ।. ૫,૦૦૦/- (અંકે રૂપિયા પાંચ હજાર પુરા) અને પુત્રી બંસીને માસિક રૂ।.૨,૦૦૦/-  (અંકે રૂપિયા બે હજાર પુરા) એમ કુલ મળી રૂ।. ૭,૦૦૦/- ( અંકે રૂપિયા સાત હજાર પુરા) નું અરજીની તારીખથી સામાવાળાએ ચૂકવી આપવાનો હુકમ કરવામાં આવે છે. સબબ કામે આજ દિન સુધી સામાવાળાએ અરજદારને ચૂકવેલ કોઈ પણ કાયદેસરની (આંક – ૫૦ થી ૭૯)  રકમને મજરે આપવાનો હુકમ કરવામાં આવે છે.  

(૨) આ કામે, સામાવાળાને હુકમ કરવામાં આવે છે કે, તેઓએ  અરજદારને રાજકોટ મુકામે રહેવાની વ્યવસ્થા કરી આપવી અન્યથા અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરી આપવાનો અથવા વિકલ્પે ભાડાના મકાન (ભાડું રૂ. ૫૦૦૦/- સુધી) ની વ્યવસ્થા કરી આપવાનો હુકમ કરવામાં આવે છે. 

(૩) આ કામે સામાવાળાએ અરજદાર અને સગીર પુત્રીના જાન / માલસામાનને કોઈ પણ પ્રકારે શારીરિક કે માનસિક ત્રાસના આપે કે અપાવે તેની ગંભીર નોંધ લઇ હુકમનું પાલન કરવાનો હુકમ કરવામાં આવે છે.      

(૪) સબબ કામે માનસિક ત્રાસ અને માનહાની માટે અલગથી કોઈ નુકશાન વળતરનો આ તબક્કે કોઈ હુકમ કરવામાં આવતો નથી. 

(૫) સબબ કામે અરજદારે અરજીના પેરા (૫) મુજબની જે કરિયાવરની વિગતોની  યાદી જણાવેલ છે તે કુટુંબના સભ્યો, લગ્ન સમયે હાજર હોય તેવા પંચોની હાજરીમાં કાયદેસરની થતી ચીજવસ્તુઓ અરજદારને પંચો રૂબરૂ પંચનામું કરી પરત કરવાનો હુકમ કરવામાં આવે છે.    

(૬) ખર્ચ અંગે અન્ય કોઈ હુકમ નથી. 

હુકમ આજ રોજ ખુલ્લી અદાલત માં વાંચી સંભળાવી જાહેર કર્યો. 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday