૧૩૦ વર્ષ જૂના બોમ્બે લેન્ડ રેવન્યૂ કોડનાં સ્થાને નવો એક્ટ આવશે
જમીનને સ્પર્શતા મહેસૂલ કાયદામાં રાજ્ય સરકાર દ્વારા સતત નવા ફેરફારો કરાઈ રહ્યા છે. તાજેતરમાં મહેસૂલ વિભાગમાં બોમ્બે રેવન્યુ લેન્ડ એકટમાં આમૂલ પરિવર્તન લાવવા માટેની હિલચાલ ચાલી રહી છે. રાજ્ય સરકાર આ લેન્ડ એકટમાં ધરખમ ફેરફારો સાથે ગુજરાત જમીન વહીવટ અને વિકાસ એકટ-૨૦૧૧ નવો કાયદો લાવવા તરફ આગળ વધી રહી છે. આ નવો એકટ તૈયાર કરવા માટે રચાયેલી કોર કમિટી દ્વારા મુસદ્દો તૈયાર કરી દેવામાં આવ્યો છે.
- કાયદાનાં નવા સ્વરૂપમાં સરળીકરણ પર ભાર
- ‘ગુજરાત જમીન વિકાસ અને વહીવટ કાયદો-૨૦૧૧’નો મુસદ્દો તૈયાર
સરકારમાં મહેસૂલી કેસોના વધતા જતા ભરાવા તેમજ મહેસૂલી કાયદાની જટિલ અને પૂરાણી ભાષાઓને કારણે ઊભા થતા પ્રશ્નોના ઉકેલ માટે કાયદાઓનું સરળીકરણ કરવાના ભાગરૂપે રાજ્યના મહેસૂલ વિભાગે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડને સુધારી અને તેના સંક્ષિપ્તિકરણનો નિર્ણય કર્યો છે. બોમ્બે લેન્ડ રેવન્યુ કોડમાં આમૂલ પરિવર્તન કરી તેના હાલના કદમાં ઘટાડો કરવા સાથે ગુજરાત જમીન વિકાસ અને વહીવટ-૨૦૧૧ નામનો નવો કાયદો તૈયાર થઈ રહ્યો છે. આ અંગે વિધેયક વિધાનસભાના બજેટસત્રમાં રજૂ કરવામાં આવશે.
મહેસૂલ વિભાગનો સૌથી મહત્વનો કાયદો ગણાતો આ કાયદો ૧૩૦ વર્ષ જૂનો છે. તેમજ તેની ઘણી બધી જોગવાઈઓ અત્યારે અપ્રસ્તુત બની હોવાથી સરકારના મહેસૂલ વિભાગે આ કાયદાના સરળીકરણની સાથે સાથે મહેસૂલી તંત્રના આધુનિકરણનો આગ્રહ પણ રાખ્યો છે. આ કાયદામાં સુધારાને પગલે જિલ્લા તેમજ રાજ્યની ઘણી બધી ફાઈલોનો આખરી નિકાલ થઈ જશે તેવું સરકારનું માનવું છે.
લેન્ડ રેવન્યુ કોડને લઈ હાલ રાજ્યની જુદી જુદી અદાલતોમાં અંદાજે એકાદ લાખ જેટલા કેસો પડતર પડયા છે. સરકારે એક તબક્કે જિલ્લા કક્ષાએ લીગલ સેલ શરૂ કરવાનો પણ નિર્ણય લીધો હતો. જોકે વાત ફાઈલોમાં હજુ પડતર છે.
મહેસૂલ વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડના નવા કાયદાના સ્વરૂપને દિવાળી બાદ આખરી રૂપ આપી દેવામાં આવશે. ગુજરાત જમીન વહીવટ અને વિકાસ એકટ-૨૦૧૧ શિર્ષક હેઠળ તૈયાર કરાયેલા આ ક્રાંતિકારી એકટમાં જે ફેરફારો કરવામાં આવી રહ્યા છે તેમાં જૂની શરત, નવી શરત, ગણોત વહીવટ, બિનખેતી સહિત અન્ય મહત્વના એક ડઝન જેટલા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ અંગે સંકલિત પરિપત્ર તૈયાર કરવામાં આવશે. આ નવા પરિપત્રને કારણે મહેસૂલ વિભાગ દ્વારા અગાઉ અપાયેલી તમામ સૂચનાઓ રદ કરવામાં આવશે. આ નવા પરિપત્રને કારણે પ્રજા, અધિકારીઓને સરળ ભાષામાં કાયદાઓનું સ્પષ્ટીકરણ અને અમલીકરણ દર્શાવવામાં આવશે.
૧૩૦ વર્ષ જૂના આ કાયદામાં હાલ ૧૨ પ્રકરણો છે તેમાં ઘટાડો કરી ૧૦ જેટલા પ્રકરણો કરાશે. આ કાયદામાં હાલ ૨૨૦ મુખ્ય કલમો અને ૬૩ પેટા કલમો છે. જે પૈકી ૫૭ જેટલી કલમો રદ કરી દેવામાં આવશે. જ્યારે ૩૮ જેટલી કલમોમાં સુધારા સૂચવવામાં આવ્યા છે. આ કાયદામાં ૧૫૦ જેટલી કલમોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.
આ કાયદામાં ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય જમીનની આકારણી તથા જમીન મહેસૂલની વસૂલાતને તેમજ મર્યાદિત રીત જમીન નિયમન માટે કરવામાં આવી રહ્યાનું કારણ હાલ વિભાગ દ્વારા આગળ ધરવામાં આવી રહ્યું છે. નવા કાયદામાં સીટી સર્વે રેકર્ડને પણ મહેસૂલ રેકર્ડ તરીકે ગણવું કે કેમ તે અંગે કોર કમિટી અને મુખ્યમંત્રીની બેઠકમાં નિર્ણય લેવાય તેવી શક્યતાઓ છે. રાજ્યમાં કોઈપણ પ્રકારના જમીનદારો, ગરાસદારો અસ્તિત્વમાં ન હોવાથી વરિષ્ટ ધારણ કર્તા તથા કનિષ્ટ ધારણકર્તાને લગતી જોગવાઈઓ રદ કરવામાં આવશે. આ ઉપરાંત એસ્ટેટ પાર્ટીશનના ખર્ચાઓ પણ રદ કરવામાં આવશે. આ ઉપરાંત આ કાયદા સાથે જોડાયેલા અન્ય કાયદાઓ જેવા કે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન કાયદા સહિતના કાયદાઓનો પણ નવા કાયદામાં સમાવેશ કરાશે પણ તેમાં ફેરફારો શું જરૂરી છે તે અંગે વન વિભાગ દ્વારા અલગથી નોંધ તૈયાર કરાશે. આ બાબતે આ કાયદાથી અલગ કાયદો બનાવવાનું વિચારી શકાય તેવા પણ સંકેતો મળી રહ્યા છે.
આ નવા કાયદામાં મહેસૂલ વિભાગના સુદૃઢીકરણની સાથે સાથે હાલની કાર્ય પદ્ધતિમાં પણ કેટલાક ફેરફાર સૂચવવામાં આવ્યા છે. જેમ કે ટીપી સ્કીમ પડી હોય તેવા વિસ્તારોમાં એન.એ. પરમીશનનો મુદ્દો, જૂની શરતમાં ફેરવવા માટેની જે કલમો છે તેમાં કેટલાક મહત્વના ફેરફારો પણ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત જંત્રીના રીવીઝન બાબતે જે જોગવાઈઓ છે તેમાં ફેરફાર કરી અને પ્રજામતને પણ ધ્યાને લેવા બાબતે કોર કમિટીમાં જુદા જુદા મત પ્રવર્તે છે. મહારાષ્ટ્રમાં નવા જંત્રીના દર બાબતે પ્રજામતને ધ્યાને લેવાની જોગવાઈ છે. જોકે એક તબક્કે જંત્રીના દર છ માસે રિન્યુ કરવાનું સૂચન પણ થયું હોવાનું જાણવા મળેલ છે. સમગ્ર નવો કાયદો દસ પ્રકરણોમાં તૈયાર કરવાનો હોવાથી હાલમાં અમલી કાયદામાંથી ૧૨ પ્રકરણો પૈકી બે પ્રકરણો રદ થશે. મહેસૂલ વિભાગ દ્વારા આ અંગેની કવાયત અત્યંત ચૂપકીદીપૂર્વક હાથ ધરવામાં આવી છે. એક તબક્કે ખેડૂત તરીકે નોંધણી માટેના રાજ્યના હાલના નિયંત્રણો છે તેને હળવા કરવા પર કોર કમિટીએ સૂચવ્યું હતું. પરંતુ સરકારે આ અંગે સ્પષ્ટ ઈન્કાર કરતાં પ્રાથમિક તબક્કે જ આ મુદ્દો પડતો મૂકવામાં આવ્યો હતો.
જૂના એક્ટનું ‘ગુજરાત એક્ટ’માં રૂપાંતર કરવા નિર્ણય
રાજ્યમાં જૂના અને અપ્રસ્તુત કાયદાઓ રદ કરવા માટે કાયદા પંચની રચના રાજ્ય સરકારે કરી છે. ૧લીમે સ્વર્ણિમ વર્ષની ઉજવણીના સમાપન પ્રસંગે રાજ્યના તમામ કાયદાઓ ગુજરાત એકટ તરીકે ઓળખાશે તેવી મુખ્યમંત્રીની જાહેરાત પછી મહેસૂલ વિભાગે અમલમાં રહેલા આ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડનું ગુજરાત એકટમાં રૂપાંતર કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા એકટના મુસદ્દાને તૈયાર કરવા માટે એક કોર ગૃપની રચના કરી હતી. જેમાં વર્તમાન તેમજ નિવૃત્ત મહેસૂલી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કવાયત પૂર્ણ થઈ ગઈ છે અને નવા કાયદાનું સ્વરૂપ કેવું હશે તે અંગે મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન પણ કરી દેવામાં આવ્યું છે.
સૂચિત એક્ટ ૨૦૧૧માં શું હશે ?
-
- ૧૩૦ વર્ષના કાયદાને સ્થાને નવો કાયદો, જેના ૧૨ પ્રકરણો ઘટાડી ૧૦ કરાશે
- જૂના કાયદાની ૨૨૦ કલમો અને ૬૩ પેટા કલમો છે એમાંથી ૫૭ કલમ રદ થશે
- ૩૮ કલમોમાં સુધારા કરવા વિચારણા.
- નવા કાયદામાં ૧૫૦ કલમોનો સમાવેશ થશે.
- નવા કાયદામાં સિટી સર્વેને મહેસૂલ રેકર્ડ ગણવુ કે કેમ તેનો નિર્ણય જાહેર થશે
- એસ્ટેટ પાર્ટીશનના ખર્ચાઓ રદ કરાશે.
- સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન કાયદામાં ફેરફાર થશે.
સ્ત્રોત : રેવન્યુ પ્રેક્ટિસ