-: ‘C’ SUMMARY – ‘સી’ સમરી :- (પાર્ટ – ૧)
ફોજદારી ગુનાઓની બાબતમાં આ ‘એ’ પડત સમરી, ‘બી’ સમરી કે ‘સી’ સમરી તે વળી કઇ બલા છે: એક તંદુરસ્ત અને નિખાલસ ચર્ચા:
કોઇ પણ કોગ્નીઝેબલ ગુનાઓની પોલીસમાં FIR નોંધાય અને પછી પોલીસ અધિકારી ફરીયાદના સંદર્ભ માં તપાસ (Investigation) શરુ કરે છે. તપાસમાં આરોપીઓ વિરુધ્ધ પ્રથમ દર્શીનીય પુરાવો એકત્રીત થાય એટલે પોલીસ ગુનેગારોની અટક કરી ચોવીસ કલાકની અંદર સામાન્ય રીતે જે તે હકુમત ધરાવતા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ કે જજની કોર્ટમાં રજુ કરે અને કોર્ટ તેને જેલમાં મોકલી આપે.
ફોજદારી કાર્યવાહી , તપાસ, ટ્રાયલ, અને બીજી ઘણી બધી બાબતો અંગેની જોગવાઇઓ ક્રીમીનલ પ્રોસીજર કોડ નામના કાયદામાં છે.
કોગ્નીઝેબલ ગુનાની ફરીયાદ કોઇ નોધાવવા જાય તો પોલીસ FIR નોંધવા બંધાયેલ છે કારણ કે તેવા ગુના પોલીસ અધિકારના છે. આ અંગે નામદાર સુપ્રીમ કોર્ટનું લલીતાકુમારીનુ લેન્ડમાર્ક જજમેન્ટ પણ છે.
આપણા દેશમાં મોટા ભાગના ગુનાઓની જોગવાઇઓ માટે મુખ્યત્વેવઇન્ડીયન પીનલ કોડ નામનો કાયદો છે. તે સિવાય બીજા અનેક પ્રકારના ગુનાઓ માટે પણ સ્પેશ્યલ કાયદાઓ છે. જેમ કે લાંચ રિશ્વત વિરુદ્ધનો કાયદો, એસ. સી. એન્ડ એસ. ટી. (પ્રિવેન્સન ઓફ એટ્રોસીટી) એકટ, ખાદ્યચીજ ભેળસેળ નિવારણ કાયદો, દારુબંધીનો કાયદો, જુગાર અટકાવવાનો કાયદો વિગેરે બીજા સેંકડો પીનલ કાયદાઓ પણ છે.
મૂળ વાત પર આવીએ તો ખૂન, ખૂનની કોશિશ, ગંભીર પ્રકારના હુમલાઓ અને ગંભીર ઇજાઓના બનાવો, સામુહિક હત્યાકાંડો, બળાત્કાર, સામુહિક બળાત્કાર, લાખો કરોડોની લૂંટ કે ધાડ, મોટી જંગી રકમની છેતરપિંડીઓ કે ઉચાપતો, મોટા આર્થિક કૌભાંડો વિગેરે પ્રકારના ગંભીર ગુનાઓની FIR નોંધાવવાથી માંડીને, પોલીસ તપાસ, રીમાન્ડ, જામીન અરજીઓ, ચાર્જશીટ, ટ્રાયલ ચલાવવી એમ દરેક તબક્કે ફરીયાદ પક્ષ અને ગુનેગારો પોતપોતાની તરફેણમાં અને સામસામે અનેક કાવાદાવા કરી ક્યારેક ગેરકાનૂની રીતે કાનૂની લડત લડતા હોય છે. અને હવે તો મોટા ભાગના જાણે છે ફરીયાદી કે આરોપીઓમાં જે પૈસાપાત્ર, લાગવગિયા અને રાજકિય ઓથ ધરાવતો હોય તે મોંઘા વકીલ રોકી ધાર્યું પરિણામ મેળવી શકે તેવું બનતું હોય છે. તેમાં અપવાદો પણ ઘણા છે.
મોટા ભાગે ગરીબ, અજ્ઞાન, નબળો કે બધી રીતે પછાત હોય તેવા વર્ગની કોઇ વ્યક્તિનું ખૂન થાય, તેની બહેન દિકરીનુ અપહરણ, બળાત્કાર કે સામુહિક બળાત્કાર થાય, ગંભીર અત્યાચારો, શારીરિક હુમલાઓ કે ગંભીર ઇજાઓ કે બીજા કોઇ ગુનાઓ તેઓની ઉપર આચરવામાં આવે. અને આવા ભયંકર ગુનાઓ સાધનસંપન્ન પૈસાપાત્ર, લાગવગીયા અને રાજકીય સમર્થન ધરાવતા ગુનેગારો તરફ થી આચરવામાં આવે ત્યારે ફરીયાદ પક્ષને તો FIR નોંધાવવાથી માંડીને પોલીસ તપાસ કે કોર્ટ કાર્યવાહી માં ગુનેગારો યેનકેન પ્રકારે ફાવવા દેતા નથી તેવા અનેક કિસ્સા બનતા હોય છે. અપવાદો ની પણ નોંધ લેવી ઘટે.
માની લો કે ઉપરોક્ત ગરીબ કે પછાત વર્ગ ઉપર ના ગંભીર ગુનાઓમાં પોલીસે FIR નોંધી ગુનો દાખલ તો કરી દીધો. તો પણ આવા દરેક બનાવની પોલીસ તપાસ દરમ્યાન પૈસાદાર ગુનેગારો અને તેના મળતિયાઓ કે રાજકિય સાગરીતો કાવાદાવા કરી વ્યવસ્થિત રીતે ગોઠવણી કરી ઘણી વખત ચાર્જશીટ જ ન થાય અને તપાસ કરનાર પોલીસ અધિકારી ‘બી’ સમરી કે ‘સી’ સમરી ભરે તેવી ગોઠવણ કરી કોર્ટમાં આ રીતે સમરીના રીપોર્ટ રજુ કરાવી ગુનાનો કેસ ચાલ્યા પહેલા જ क्लीन चीट મેળવી છૂટી જતા હોય છે. અલબત બધા પોલીસ અધિકારીઓ આવી રીતે ગુનેગારોને છોડાવવા અપ્રમાણિકતા આચરતા હોય જ તેવો આક્ષેપ કરવાનો હેતુ પણ નથી. કોઇ વખત ભૂલ કે અણઆવડતથી પણ આવું બને. બાકી સમરી મંજુર કરવી કે કેમ તે તો જે તે કોર્ટે નક્કી કરવાનું હોય છે. અને નીચેની કોર્ટે ના હુકમથી નારાજ થયેલ પક્ષકાર ઉપલી અદાલતમાં પડકારી શકે તેવી પણ કાયદામાં જોગવાઇ છે.
હવે મૂળ વાત પર આવીએ કે આ ત્રણ કે ચાર પ્રકારની સમરીઓ એટલે શુ ?
મારા માનવા મુજબ નવા લો ગ્રેજયુએટ થયેલા અને તાજી નિમણૂક પામેલા મેજીસ્ટ્રેટો, ક્રિમીનલ લો ની જેણે પ્રેકટીસ કરી નથી તેવા સેશન્સ જજો કે પાંચ સાત વરસની વકીલાત કરી છે તેવા વકીલોને પોલીસ કોર્ટમાં ગુનાની તપાસના અંતે ‘બી’ કે ‘સી’ સમરી ભરે છે તેમા આગળ શુ કાર્યવાહી કરવી કે કરાવવી તેની બિલકુલ ગતાગમ ન પડે તેવું બને. ક્યારેક તો સીનીયર કક્ષાના જજો કે વકીલો પણ આની પ્રોસીજરથી અજાણ હોય તેવું બને કારણ કે ક્યારેક કારકિર્દી દરમ્યાન આવી મેટર ચલાવવાનો ચાન્સ ન પણ મળ્યો હોય.આ ટાઇપની સમરીઓથી મોટાભાગના વકીલો અજ્ઞાન છે તેનુ કારણ એ છે ગુજરાત રાજ્યની જે પણ યુનિવર્સિટીઓ માં કાયદાના ગ્રેજયુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટોના કાયદાના અભ્યાસક્રમોમાં આ સમરીના કોઇ ચેપ્ટર જ નથી. પોલીસ તંત્ર માટે પોલીસ તપાસને લગતા નિયમો કે ગાઇડલાઇન માટે ‘પોલીસ મેન્યુઅલ’ નામની બુક છે તેમાં આ તપાસ કરનાર પોલીસ અધિકારીએ ક્યારે અને કેવા સંજોગોમા સમરીઓના રીપોર્ટ કરવા તેની જોગવાઇઓ કરી છે.
સમરીની વાત કરીએ તો લગભગ ચારેક ટાઈપની છે
(૧) ‘અ’ પડત સમરીનો રીપોર્ટ પોલીસ કોર્ટમાં રજુ કરે તો તેમા એવું લખે કે ગુનાની તપાસ કરી પુરાવો એકઠો કર્યો છે ચાર્જશીટ કરવું છે પણ આરોપી મળી આવતો નથી એટલે મળી આવ્યે ચાર્જશીટ કરશુ. તેને ‘અ’ પડત સમરી કહેવાય.
(૨) ‘બી’ સમરીમાં બે પ્રકાર છે. એકમાં માત્ર પોલીસ અધિકારી ગુનાની તપાસના અંતે કોર્ટમાં માત્ર ‘બી’ સમરીનો રીપોર્ટ રજુ કરી માગણી કરે કે તપાસના અંતે લાગે છે કે ફરીયાદ (FIR) ખોટી છે માટે આરોપીને છોડી મુકવાની માગણી પોલીસ કરે.
(૨)(૧) જ્યારે ‘બી’ સમરી વીથ પ્રોસીક્યુસનનો પોલીસ રીપોર્ટ કોર્ટમાં રજુ કરે ત્યારે પોલીસ એવી માગણી કરે કે ફરીયાદ ખોટી છે માટે આરોપીને છોડી મુકો સાથે સાથે ખોટી માહિતી અને ફરીયાદ આપવા બદલ ફરીયાદી વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો હુકમ કરો.
(૩) ‘સી’ સમરીનો રીપોર્ટ તપાસ કરનાર પોલીસ અધિકારી કોર્ટમા રજુ કરી એવી માગણી કરે કે ફરીયાદીએ હકીકતની ભૂલ થી ફરીયાદ આપી છે અને તેથી હકીકતમાં આવો બનાવ કે ગુનો બનેલ જ નથી તેવું અમારી તપાસમાં ખુલે છે માટે ‘સી’ સમરીનો રીપોર્ટ મંજુર કરી આરોપીઓને છોડી મુકવા અરજ છે. અથવા પક્ષકારોની તકરાર દિવાની (Civil) પ્રકારની છે તેવા કારણસર ગુનો બનતો નથી તેમ લખી ‘સી’ સમરીનો રીપોર્ટ કરે.
અને આખરી એક એવા પ્રકારની સમરી કે ગુનો બને છે તેમાં આરોપી પોતે પણ મરણ પામે. દા.ત. કોઇ વાહન અકસ્માત માં બે અથવા વધુ સંખ્યામાં માણસો ના મોત થાય પણ સાથે સાથે વાહન ચાલકનુ પણ મોત થાય ત્યારે ગુનો બને પણ ગુનેગાર પોતે મરી ગયો છે. અથવા ફરીયાદ કોઈ પણ ગુનાની નોંધાયા પછી ચાલુ પોલીસ તપાસ દરમ્યાન આરોપી નું કોઇ પણ કારણ સર મોત થાય તેવા સંજોગોમાં પોલીસ એબેટેડ abetted સમરી નો રીપોર્ટ કોર્ટે ને કરે.
ઉપરની વિગતે ચારેક ટાઈપની સમરીઓ પૈકી મુખ્ય તો ‘બી’ અને ‘સી’ સમરી ની જ સમજ કે ચર્ચા જરુરી ગણાય. આ બંને ટાઈપની સમરીઓનો રીપોર્ટ જ્યારે પોલીસ અધિકારી કોર્ટે માં રીપોર્ટ રજુ કરે તેની સાથે તેણે ગુના સંબંધિત જે કાંઇ તપાસ કરી હોય સાક્ષીઓના નિવેદનો લીધા હોય, પંચનામા ઓ કર્યા હોય, લાશના પી.એમ. કર્યા હોય, ડોક્ટરી તપાસ કરી હોય, મુદામાલ કબજે કર્યા હોય, ટૂંકમાં જે કંઈ પુરાવા ના કાગળો એકત્રિત કર્યા હોય તે તમામ પેપર્સ કોર્ટમાં રજૂ કરવા ફરજીયાત છે.
હવે, ઉપરની વિગતે પોલીસ અધિકારી તમામ પેપર્સ સહિત ‘બી’ કે ‘સી’ નો રીપોર્ટ જે તે હકુમત ધરાવતી કોર્ટ માં રજૂ કરે પછી તે પછી તે અંગે જે કંઈ પ્રોસીજર કરવાની થાય તે મહત્વની અને ભલભલા માટે કસોટી રુપ બની રહે છે.કારણ લો ના અભ્યાસ બહાર નો વિષય બની રહે છે અને ક્રિમીનલની વર્ષોની પ્રેક્ટિસ ન કરી હોય ત્યારે અઘરું બની રહે. અલબત અભ્યાસુ well grasping knowledge ધરાવનાર ને અઘરું ન પણ લાગે. પણ આઠ દસ વરસ સુધી નીચે ની કોર્ટ કે હાઇકોર્ટમાં સાવ સામાન્ય કક્ષાના કેસો ચલાવ્યા હોય કે પછી કહેવા ખાતર વકીલ છું તેમ કહેતા કાચાપોચા વકીલ માટે આવી સમરી ની મેટરોમા ફરીયાદી વતી લડીને ફરીયાદ પક્ષને ન્યાય અપાવવું કઠીન અને અઘરુ છે.
‘બી’ કે ‘સી’ સમરી નો રીપોર્ટ રજુ કરી પોલીસ ગુનેગારો ને છોડી દેવા જે રીપોર્ટ કરે ત્યારે ગુનેગારો કે તેના વકીલ ને કોર્ટ માં લેખીત માં કે મૌખીક રજુઆતો કરવાનો કે દલીલો કરવા નો કોઇ અધિકાર જ નથી તેવું કાયદામાં અને નામદાર સુપ્રીમ કોર્ટે ના એક જજમેન્ટમાં છે.
પોલીસ અધિકારી આ બે માંથી કોઈ એક પ્રકારનો રીપોર્ટ કોર્ટે માં રજુ કરે એટલે સૌ પ્રથમ કોર્ટે ફરીયાદી ને નોટીસ કરી હાજર રખાવી સૌ પ્રથમ પોલીસ ના તમામ કાગળો સહિત રીપોર્ટ ની નકલ ફરીયાદી ને આપી તેને નકલ આપવા બદલ ની સહી લેવી જોઈએ.
આવા જ્યારે પોલીસ ‘બી’ કે ”સી’ સમરી ના રીપોર્ટ કરે ત્યારે ફરીયાદી ને પ્રાઇવેટ વકીલ રાખવાનો અધિકાર છે. અને વકીલ રોકીને protest petition યા ને લેખીત વાંધા રજૂ કરવાનો અધિકાર છે.
અત્રે એક આડ વાત, ફોજદારી કોગ્નીઝેબલ ગુનો બને ત્યારે Criminal Law ને motion માં લાવવા માટે યા ને કે કોઈ ગુનાની કે બનાવની પોલીસમાં જાહેરાત કે ફરીયાદ દેશનો કોઇ પણ નાગરિક કરી શકે છે. દા.ત. કોઇ અવાવરુ જગ્યાએ કોઈ વ્યક્તિ નું ખૂન કરેલી લાશ પડી હોય અને જેની લાશ પડી છે તે વ્યક્તિ નો માત્ર ઓળખીતો વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં જઇ ફરીયાદ લખાવી આવે કે ફલાણા મારા ઓળખીતા ની ખૂન થયેલ લાશ ફલાણી જગ્યાએ પડી છે. તે ભાઇની આટલી ફરીયાદ પરથી પોલીસ ખૂન નો ગુનો નોંધી તપાસ કરી કોઈ ગુનેગાર ને પકડે અને પછી તપાસ ના અંતે સમરી રીપોર્ટ રજુ કરે તો પેલો જે તે વખતે ફરીયાદ નોંધાવનારને કોર્ટ નોટિસ કાઢી બોલાવે તો પણ તેનો કોઈ મતલબ નથી હકીકતમાં મારા મંતવ્ય મુજબ જે વ્યક્તિ નું ખૂન થયું હોય તેના સાવ નજીક ના કુટુંબની વ્યક્તિ આશ્રિત એવી પત્ની કે પુત્રને કોર્ટે નોટિસ કરી બોલાવવા જોઇએ.
તેવું જ Prevention of Atrocity Act ની વાત કરીએ તો તે કાયદામાં તો પ્રકરણ ૪ એ માં તો ફરીયાદી, ભોગ બનનાર અને તેના આશ્રિતોને પણ કોર્ટે નોટીસ કરી બોલાવી પોલીસ તપાસ ના કાગળો અને સમરી નો રીપોર્ટ આપી સાંભળવાની અને વાંધા રજૂ કરવાના અધિકારો ની જોગવાઈઓ કરવામાં આવેલ છે. દા.ત. કોઇ ગુનેગારો વિરુદ્ધ ખૂનના ગુના ઉપરાંત Prevention of Atrocity Act ના ગુના નોંધાયા હોય અને તેના કિસ્સામાં પોલીસ અધિકારી સમરી નો રીપોર્ટ રજુ કરે તે કેસમાં ફરિયાદી જો જેનું ખૂન થયું છે તેનો દૂરનો સગો થતો હોય તો તે ફરીયાદી ઉપરાંત મરનાર ના આશ્રિતો જેવા કે તેના માં બાપ ને પણ કોર્ટે નોટીસ કરી બોલાવી વાંધા રજૂ કરવાની અને વકીલ રોકી રજુઆતો અને વિશેષ પુરાવા રજૂ કરવા ની તક આપવી પડે.
હવે ફરીયાદી, ભોગ બનનાર કે ભોગ બનનાર ના આશ્રિત તરફથી protest petition યા ને લેખીત વાંધા રજૂ થાય પછી કોર્ટે તે લોકોના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ પાસે ત્રણ વિકલ્પ રહે છે.