– શ્યામધામ ચોક પર વૈષ્ણવી મેડિકલ સ્ટોરની ઘટના : યુવતી પાસે દવા ખરીદવા રૂ.10 ઓછા હતા, મેડિકલ સ્ટોરવાળાએ બાદમાં આપજે કહી હાથ પકડી છાતી પર હાથ ફેરવ્યો હતો
– યુવતી ઝટકો મારીને હાથ છોડાવીને નીકળી ગઈ પણ પરત આવીને સ્ટોર માલિકના માથે કેલક્યુલેટર મારતા લંપટ સ્ટોર સંચાલકે દવાના રૂ.100 અને વધારાના રૂ.100 મળી રૂ.200 આપી મોઢું બંધ રાખવા કહ્યું
સુરત, : સુરતના નાના વરાછા શ્યામધામ ચોકમાં આજે બપોરે દવા ખરીદવા આવેલી યુવતી પાસે રૂ.10 ઓછા હોય બાદમાં આપવા કહી સ્ટોર માલિકે હાથ પકડી છાતી પર હાથ ફેરવતા યુવતીએ કેલક્યુલેટર માથામાં મારી બાદમાં પરિવારને જાણ કરી પોલીસ ફરિયાદ કરી તેને સબક શીખવ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના નાના વરાછા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય સીમા ( નામ બદલ્યું છે ) આજે ઘર નજીક સહજાનંદ રેસિડેન્સીમાં આવેલા વૈષ્ણવી મેડિકલ સ્ટોરમાં દવા ખરીદવા ગઈ હતી. પરંતુ દવા રૂ.110 ની હોય અને તેની પાસે માત્ર રૂ.100 હોય સ્ટોરના માલિકે રૂ.10 પછી આપી જવા કહ્યું હતું. સીમાએ દવા ખરીદવાની સાથે સ્ટોર માલિક પાસે એક ફેસવોશ જોવા માંગ્યું હતું. પણ તેની કિંમત રૂ.200 હોય લીધું નહોતું. તે ફેશવોશ પરત કરતી હતી ત્યારે સ્ટોરના માલિકે તેનો હાથ પકડી છાતી પર હાથ ફેરવવા માંડતા સીમા ઝટકો આપી હાથ છોડાવી પોતાના મોપેડ પાસે ચાલી ગઈ હતી.
જોકે, સ્ટોરના માલિકે ખરાબ વર્તન કર્યું હોય તેને સબક શીખવવા તે પરત ગઈ હતી અને સ્ટોર માલિકના માથામાં કેલક્યુલેટર મારી દીધું હતું. સ્ટોર માલિકે દવાના રૂ.100 અને વધારાના રૂ.100 મળી રૂ.200 સીમાને આપી મોઢું બંધ રાખવા કહ્યું હતું. પણ સીમાએ ઘરે ફોન કરતા તેના કાકા ત્યાં દોડી આવ્યા હતા. બનાવને લીધે લોકો એકત્ર થતા કાકાએ સીમાને ઘરે મોકલી પોલીસને જાણ કરતા સરથાણા પોલીસ ત્યાં પહોંચી હતી અને સ્ટોરના માલિક અતુલ ફૂલચંદભાઈ કાનપરીયા ( રહે.801, સ્વસ્તિક ટાઉનશીપ, સરથાણા જકાતનાકા, સુરત ) ને પોલીસ સ્ટેશન લઈ જઈ બાદમાં પોલીસ સ્ટેશન પહોંચેલી સીમાની ફરિયાદના આધારે છેડતીનો ગુનો નોંધી અતુલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.