પોલીસ પ્રથમ જાણવાજોગ અરજી લઈ સામાવાળાને બોલાવતાં હોય છે અને એનો જવાબ લે છે. સામાવાળાને નોટિસથી હાજર કરવા અને ઘરેલુ હિંસા 498-ક મુજબ સમન્સ અને પછી વોરંટથી હાજર કરવા પડે છે. તે હાજર થઈ જવાબ રજૂ કરે છે અને ત્યાર બાદ તેમાં અરજદારની સરતપાસની એફિડેવિટ રજૂ કરવામાં હોય છે અને એફિડેવિટ સાથે અરજદારે પુરાવા રજૂ કરવાના હોય છે. તેમાં સામાવાળા પાસે કેટલી મિલકત છે, તેનાં નામ પર કેટલી મિલકત છે, તેનાં માતા-પિતાની મિલકત કેટલી છે તેના પુરાવા રજૂ કરવા તેમ જ પતિની આવકનું સ્ટેટસ હોય તો તે પણ રજૂ કરવું. તે પછી સામાવાળાના એડવોકેટ અરજદારની ઉલટતપાસ કરે છે.
એ પછી સામાવાળાની એફિડેવિટનું સ્ટેજ આવે છે અને તેણે એફિડેવિટ સાથે પુરાવા રજૂ કરવા હોય તો તે પણ કરવાના હોય છે. અરજદારના એડવોકેટ સામાવાળાની ઉલટતપાસ કરે છે અને સાક્ષી હોય તો સાક્ષીઓ પણ તપાસી શકાય છે. સામાવાળાનો પગાર જાણવા સરકારી નોકરી કરતો હોય તો આર.ટી.આઈ. કરી શકાય અથવા પ્રાઈવેટમાં સાક્ષી સમન્સ બજાવી તેના ઓફિસમાંથી તેમના સ્ટાફને બોલાવી શકો છો અને તેની જુબાની લઈ શકાય છે.ખેતીની જમીનમાં સામાવાળાનો હિસ્સો હોય અથવા તેના નામે હોય તો તમે તેમાં 7-12ના ઉતારાની નકલ મેળવીને તેના પુરાવા રજુ કરી શકાય છે.
પતિ કોર્ટમાં પોતે કમાતા નથી અને બેકાર છે તેમ કહેતા હોય છે પરંતુ હકીકત તે નથી હોતી અને સાક્ષી તપાસવાના ઉલટતપાસ પતી જાય ત્યારે અરજદાર દલીલો કરશે . બાદમાં સામાવાળાની દલીલનું સ્ટેજ આવશે અને આ સ્ટેજ પત્યા પછી જજ ઓર્ડરકરે છે અને ઓર્ડર પછી સર્ટિફાઈડ નકલ મેળવવાની હોય છે. તે માટે એક ફોર્મ નકલ ડીપાર્ટમેન્ટમા ભરવાનું હોય છે. પછી સર્ટિફાઈડ નકલ મળે છે આ નકલ જયારે ભરણપોષણની કલમમાં સર્ટિફાઈડ નકલ મેળવી ત્યાર બાદ કલમ125-3 મુજબ ભરણપોષણ મેળવવાની અરજી કરી શકાય. આ રીતે ભરણપોષણ મળે ત્યાર બાદ કલમ 127 મુજબ ભરણપોષણ વધારવાની અરજી કરી શકો છો.
કલમ 498-ક શારીરિક-માનસિક ત્રાસ, દહેજ માટે કેસ કર્યો હોય ત્યારે સમન્સ સામાવાળાને મોકલવામાં આવે છે અને સમન્સ પછી પણ હાજર ન થાય તો વોરંટ મોકલવામાં આવે છે અને પછી હાજર થાય છે.શારીરિક,માનસિક ત્રાસ સ્ત્રી પર થાય ત્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવે છે.પોલીસ પ્રથમ જાણવાજોગ ફરિયાદ નોંધે છે. સામાવાળાનો જવાબ લેવામાં આવે છે અને તે શાંતિથી રાખશે તેવું સમાધાન કરે તો ફરિયાદ નથી થતી, નહીંતર ફરિયાદ કરી પોલીસ સામાવાળાને તથા તેના કુટુંબીજનોની ધરપકડ કરે છે અને ત્યાર બાદ ચાર્જ ફેમ થઈ કોર્ટમાં મેટર આવે છે. કોર્ટમાં કેસ ચલાવે છે એટલે બંને પક્ષે બંનેને અને બંનેના વકીલોને સાંભળીને કેસમાં જજમેન્ટ આવે છે.
ઘરેલુ હિસ્સા થઈ હોય ત્યારે અરજદારે પ્રોટેક્શન ઓફિસર પાસે ફરિયાદ કરવાની હોય છે. આ ફરિયાદ પછી કોર્ટમાં કેસ ચાલે છે. તેમાં પત્ની ભરણપોષણ અને પોતાના માટે રહેવાની વ્યવસ્થા (મકાન)ની માંગણી કરી શકે છે.માતા-પિતા પણ સંતાનો પાસે ભરણપોષણ માંગી શકે છે અને ભરણપોષણની કાયદા હેઠળ જ ભરણપોષણ માંગી શકે છે. અરજદાર ભરણપોષણની અથવા તો છુટાછેડાની કલમ હેઠળ અરજી કરી હોય તો તેમાં વચગાળાનું ભરણપોષણ માંગી શકે છે. એટલે કે મૂળ અરજીમાં હુકમ ન થાય ત્યાં સુધી અરજદારને વચગાળાની રકમ માટે હુકમ કરવામાં આવે છે. તેથી અરજદારનો ખર્ચ તેમ જ જો સંતાન હોય તો દવા-અભ્યાસ-ખાવા-પીવાના ખર્ચ માટે સામાવાળાને વચગાળાનું ભરણપોષણ આપવાનો હુકમ કરે છે.
ફાઈલિંગ કેવી રીતે કરવું?
ભરણપોષણ અથવા ભરણપોષણ વધારવાની અરજી કરો ત્યારે તેમાં તમારા ફોટો આઈ.ડી પ્રૂફ જેમાં આધાર કાર્ડ , ઈલેકશન કાર્ડ અથવા લાઈસન્સ તેમ જ એવાં અન્ય કોઈ પુરાવા હોય તે સાથે અરજી પર ફોટો લગાડવો, લગ્નનો ફોટો, પૂરતી ટિકિટ (કોર્ટ ફી સ્ટેમ્પ) લગાડવા તેમ જ લગ્નની કંકોત્રી, અથવા મેરેજ રજીસ્ટ્રેશનની કોપી લગાવવી. કોર્ટમાં એફિડેવિટ કરાવી અરજીના દરેક પેજ પર સહી કરી ફાઈલ કરવી. દાવા અરજીમાં પ્રથમ દાવા અરજી તૈયાર કરી તેમ જ એફિડેવિટ કરવી.પછી કોર્ટમાં તમારી મેટર ચાલુ થશે.
ઘણી વખત સામાવાળા નોટિસ બજાવવા દેતાં નથી. એ નોટિસ આર.પી.એ.ડી.થી જાતે પોલીસની મદદથી બજાવી શકો છો. નોટિસ ન બજે ત્યાં સુધી તે હાજર નહીં ગણાય અને કેસ આગળ નહીં ચાલે. જોે તેના વતી ઘરની કોઈ પણ વ્યકિતએ સહી કરી નોટીસ બજી હોય તો અરજદારે તથા તેના વકીલે તેની ઘરના સભ્યની સહી છે તેમ અરજી આપવાથી પણ નોટીસ બજી છે એમ કહેવાય. સામાવાળા નોટિસ બજ્યા પછી હાજર ન રહે તો કોર્ટ એકતરફી હુકમનામુ કરે છે અને જો સામાવાળાને મંજૂર ન હોય તો હાઈકોર્ટમાં અપીલ કરી શકે છે.