કૌટુંબિક મિલકત ફેમિલી સેટલમેન્ટ અને પાર્ટીશન વચ્ચેનો તફાવત
કૌટુંબિક વહેંચણ એ પાર્ટીશનનો પર્યાય નથી તેવો સિદ્ધાંત નામદાર મધ્યપ્રદેશ હાઇકોર્ટે એક કેસમાં પ્રસ્થાપિત કરેલ છે, જેમાં મુખ્યત્વે “પાર્ટીશન એ સંયુક્ત કુટુંબની મિલકતની સાથે-સાથે કુટુંબ તરીકેના દરજ્જાને પણ અલગ કરે છે, જ્યારે કૌટુંબિક વહેંચણ દ્વારા સંયુક્ત કુટુંબની મિલકતનો શ્રેષ્ઠ અને સગવડતાભર્યો વપરાશ થઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે એટલે કે ખરા અર્થમાં કૌટુંબિક વહેંચણથી સ્વતંત્ર કુટુંબ તરીકેનો દરજ્જો અલગ થતો નથી પરંતુ પાર્ટીશનથી સ્વતંત્ર કુટુંબ તરીકેનો દરજ્જો પણ અલગ થઇ જાય છે.
કૌટુંબિક વહેંચણ હેઠળ H.U.F. ની મિલકત પૈકી એક ચોક્કસ ભાગનો કબજો ભોગવટો ધરાવનાર H.U.F.નો સભ્ય પાર્ટીશન માટે કોર્ટને અરજી કરી શકે છે અને તે પરીપેક્ષ્યમાં કોર્ટ પણ અગાઉ થયેલ કૌટુંબિક વહેંચણને ધ્યાને લઇ શકે છે. કાયદેસરનું પાર્ટીશન થઇ ગયા બાદ અન્ય હિસ્સેદારોનું ટાઇટલ તે સભ્યને મળેલ ચોક્કસ ભાગ પૂરતું સમાપ્ત થાય છે” તેવો સિદ્ધાંત નામદાર મધ્યપ્રદેશ હાઇકોર્ટે જગરામ શક્યા અને બીજા વિ.ગોકુલપ્રસાદના કેસમાં પ્રસ્થાપિત કરેલ છે. આ કેસની હકીકત વિશે આજરોજ ટૂંકમાં માહિતી રજૂ કરેલ છે.
આ કેસના સામાવાળા તથા મૂળ કામના વાદીએ પાર્ટીશન અને કાયમી મનાઇહુકમ માટે એવા આક્ષેપો સાથે દાવો કર્યો હતો કે વાદી અને પ્રતિવાદીઓ એક જ પિતાના સંતાનો હતા કે જેઓ ગ્વાલિયર ખાતે આવેલ મિલકતની માલિકી ધરાવતા હતા. તેઓના પિતા તા.૧૧-૦૩-૧૯૭૭માં બિન-વસિયતી અવસાન પામેલા. અને તેઓના કુટુંબમાં મૌખિક કૌટુંબિક વહેંચણનો અમલ કરવામાં આવેલો કે જે કાયદાની જોગવાઇ પ્રમાણે ન હતી. વાદી પોતે તેવી મિલકતના એક ચર્તુથાંશ હિસ્સાનાં માલિક તરીકે ૧/૪ હિસ્સો પાર્ટીશન બાદ હદ અને માપણીથી છુટુ પડાવી પોતાનો હક્ક મેળવવા હક્કદાર હતા.
પાર્ટીશનનો અમલ કરવામાં આવે અને ત્યારબાદ વાદીને તેનો ૧/૪ હિસ્સો સોંપવામાં આવે તે પહેલાં પ્રતિવાદીઓને તે વિવાદી મિલકત કોઇપણ રીતે તબદીલ કરવાથી અટકાવવા માટે કાયમી મનાઇહુકમ અંગેનું હુકમનામું મેળવવા માટે મનાઇ અરજી પણ આપવામાં આવેલી હતી.
વાદી દ્વારા કામચલાઉ મનાઇહુકમની અરજી કરવામાં આવેલ જે નીચલી કોર્ટ તથા એપેલેટ કોર્ટે કૌટુંબિક વહેંચણને ધ્યાને લઇ નામંજૂર કરી હતી. ત્યારબાદ મૂળ વાદી/ હાલનાં પ્રતિવાદીએ સી.પી.સી.ના ઓર્ડર ૬ રૂલ ૧૭ હેઠળ દાવાના પ્રાથમિક તબક્કે સુધારા માટેની અરજી કરી હતી. તે સુધારાનાં પ્રસ્તાવ દ્વારા વાદીએ મૌખિક કૌટુંબિક વહેંચણ અંગે કરેલાં કથનો રદ કરવાની પરવાનગી માંગેલ હતી. તેની સામે તેણે એવાં કથનો દાખલ કરવાની પરવાનગી માંગી કે વાદી તેમજ પ્રતિવાદીઓ વચ્ચે એવું નક્કી કરવામાં આવેલ હતું કે જ્યાં સુધી કાયદેસરનું પાર્ટીશન ન થાય ત્યાં સુધી બંને પક્ષકારો પોત-પોતાના કબજામાં રહેલ મિલકતનાં ભાગો/ હિસ્સાનો ભોગવટો કરી શકશે. આ અરજીનો મૂળ પ્રતિવાદીઓ / પીટીશનરો દ્વારા એવા કારણસર વિરોધ કરવામાં આવ્યો કે તે કથન/ કબૂલાત પાછી ખેંચવા બરાબર હશે.
નામદાર નીચલી કોર્ટે તે સુધારા અરજી રૂ.૩૫૦/- નાં ખર્ચ સાથે એવા કારણસર મંજૂર રાખી હતી કે આવો સુધારો પક્ષકારો વચ્ચેની વાસ્તવિક તકરાર અંગેનો નિર્ણય કરવા માટે જરૂરી હતો અને તેવો સુધારો પરવાનગીપાત્ર છે કારણ કે પક્ષકારોનાં પુરાવાનો તબક્કો (સ્ટેજ) હજી શરૂ થયેલ નથી.
પીટીશનરો તરફે આ કેસમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે દાવા અરજી તથા કામચલાઉ મનાઇ અરજી બંનેમાં પક્ષકારો વચ્ચે કરવામાં આવેલ મૌખિક કૌટુંબિક વહેંચણ અંગે કબૂલાત કરવામાં આવેલ હતી. તેમજ વધુમાં જણાવેલ કે, એમ.એ.મોદી સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ્સ કા લિ. અને બીજા વિ. મેસર્સ લાધારામ અને હિરાલાલ વિ. કલ્યાણભાઇ અને બીજાના કેસમાં પ્રસ્થાપિત કરેલ કાયદાના સિદ્ધાંત મુજબ અગાઉની કરેલ કબૂલાતને પાછી ખેંચવા માટે પરવાનગી આપી શકાય નહીં.વધુમાં નામદાર ભારતની સુપ્રીમ કોર્ટે નારાયણ ભગવંતરાવ ગોસાવી બાલાજીવાલે વિ. ગોપાલ વિનાયક ગોસાવી અને બીજાના કેસમાં ઠરાવેલ છે કે, ‘કબૂલાત એ શ્રેષ્ટ પુરાવો છે કે જે ઉપર વિરોધી પક્ષકાર આધાર રાખી શકે છે, અને તે આખરી ન હોવા છતાં કેસ માટે નિણર્યાત્મક હોય છે, સિવાય કે તે સફળતાપૂર્વક પાછી લેવામાં આવે અથવા ભૂલ ભરેલી સાબિત કરવામાં આવે.”
ઉપલી કોર્ટનું ઉપરોક્ત નિરીક્ષણ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે એવો કોઇ નિશ્ચિત કાયદો નથી કે કોઇપણ કેસમાં કરવામાં આવેલ કબૂલાતને પાછળથી ખેંચી જ શકાય નહી.
તેથી વિરુદ્ધ તે સફળતાપૂર્વક પાછી ખેંચી શકાય છે અથવા આ પ્રમાણે પાછી લીધા વગર પણ ભુલભરેલી સાબિત કરી શકાય છે. તેજ પ્રમાણે ઉપલી કોર્ટે એસ્ટ્રાલા રબર વિ. દાસ એસ્ટેટ (પ્રા.) લિ.ના કેસમાં ઠરાવ્યા મુજબ દાવા અરજી તેમજ લેખિત રજૂઆતોમાં કોઇ કબૂલાતો કરવામાં આવી હોય તો તેમ છતાં પક્ષકારો પાસે પ્લિડિંગ્ઝમાં સુધારો કરવાની અરજી દાખલ કરી તે અંગે ખુલાસો કરવાનો વિકલ્પ ખુલ્લો રહે છે. છેલ્લે બલદેવસિંહ અને બીજાઓ વિ. મનોહરસિંહ અને બીજાઓના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે ત્યાં સુધી ઠરાવેલ છે કે દાવા અરજીમાં કરેલ કબૂલાત પાછી ખેંચવાની અરજી બિન-પરવાનગી પાત્ર નથી.
દાવા અરજીમાં અગાઉના કથનો/કબૂલાતો એવાં હતા કે મૌખિક કૌટુંબિક ભાગલાં વાદી અને પ્રતિવાદીઓ વચ્ચે કરવામાં આવેલ હતાં કે જે કાયદાની જોગવાઇ મુજબ ન હતા. વધુમાં તે કાયદાથી વિરુદ્ધ અને મૂળવાદી/ હાલના પ્રતિવાદીને સ્વીકાર્ય નહોતા.
મુખ્યત્વે નામદાર મધ્યપ્રદેશ હાઇકોર્ટે હાલના આ કેસમાં એવું સ્પષ્ટ તારણ આપેલ કે, “કૌટુંબિક વહેંચણ” એ પાર્ટીશનનો પર્યાય નથી. પાર્ટીશનને કારણે સંયુક્ત કુટુંબની મિલકતની સાથે સાથે કુટુંબનો દરજ્જો પણ અલગ થઇ જાય છે. જ્યારે કૌટુંબિક વહેંચણ સંયુક્ત કુટુંબની મિલકતનો શ્રેષ્ઠ તેમજ સગવડભર્યો ઉપયોગ કરી શકાય તે હેતુથી કરવામાં આવે છે. સાચા અર્થમાં કૌટુંબિક વહેંચણથી કુટુંબનો દરજ્જો અલગ થતો નથી જ્યારે પાર્ટીશન સુચકપણે કુટુંબના અલગ દરજ્જામાં પરીણમે છે.
એચ.યુ.એફ.નો સભ્ય એચ.યુ.એફ.ની મિલકતનાં કોઇ ચોક્કસ ભાગનો કબજો ધરાવતો હોવા છતાં અન્ય સભ્યને પાર્ટીશન કરાવવા માટે કોર્ટ સમક્ષ જવા મજબૂર કરી શકે છે. આટલી હદ સુધી કોર્ટો કૌટુંબિક વહેંચણ પસંદ કરે છે કે જે ચોક્કસપણે સંયુક્ત કુટુંબને તેના સભ્યો વચ્ચે સમતુલા જાળવવા માટે માર્ગ કરી આપે છે. એક કાયદેસરના પાટીશનથી ચોક્કસ સભ્યને ફાળવવામાં આવેલ મિલકતના ચોક્કસ હિસ્સાનાં સંદર્ભમાં અન્ય હિસ્સેદારોનાં ટાઇટલનો અંત આવે છે.
કૌટુંબિક વહેંચણ સામાન્ય રીતે કુટુંબની મિલકતનો શાંત, શ્રેષ્ઠ અને સગવડભર્યા ઉપયોગ તેમજ ભોગવટા માટે કરવામાં આવે છે. કૌટુંબિક વહેંચણમાં ચોક્કસ વ્યક્તિના ફાળે ગયેલ મિલકતનાં ચોક્કસ હિસ્સાનો વપરાશ કરવાનાં અન્ય સભ્યોનાં અધિકાર બેદખલ કરવામાં આવતા નથી. આ રીતે કૌટુંબિક વહેંચણ જ્યાં સુધી સંયુક્ત કુટુંબ તરીકેના દરજ્જાનો અંત લાવવાના ઇરાદાથી કરવામાં ન આવે ત્યાં સુધી તેને પાર્ટીશન સાથે સરખાવી શકાય નહીં.
લેખક : દિનેશ પટેલ, રેવન્યુ પ્રેક્ટીસ