જમીન ઉપરના ખાતેદારના હક્કો, મર્યાદાઓ અને જવાબદારીઓ
– લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલIAS (નિ.)
– દર વર્ષે ખાતેદારને ૭/૧૨ની નકલો વિનામૂલ્યે આપવાની જોગવાઈ
ગુજરાતમાં જમીન વ્યવસ્થાપનનો મુખ્ય કાયદો જમીન મહેસૂલ અધિનિયમ છે. બાકીના જે કાયદાઓ છે તે જમીન સુધારા કાયદા છે. જમીન મહેસૂલ અધિનિયમ પ્રમાણે રાજ્ય એટલે કે સરકાર તે સર્વે જમીનના માલિક છે અને બધી જ જમીન મહેસૂલ / કર લેવાનો રાજ્યને હક્ક છે. (Liable for Land Revenue) આ મુખ્ય બે સિધ્ધાંતો ઉપર કાયદાનો આધાર છે. આમ આ કાયદાને જમીનના નિયમનકારી કાયદા તરીકે ઓળખાય છે. આમ દરેક ખાતેદાર પોતાના હસ્તકની જમીન ઉપર નિયત કરેલ જમીન મહેસૂલ નિયમિત ભરીને જો તે જમીન ઉપર જે શરતો નક્કી કરેલ હોય તો તે પાલન કરી તે જમીનનો કાયમી કબજો ભોગવટો કરવાનો ખાતેદારનો હક્ક છે અને ધારણ કરેલ જમીન ઉપર વધુ ઉત્પાદન (ખેતવિષયક) મેળવવા માટે જરૂરી સુધારા વધારા કરવાનો હક્ક છે. ખાતેદાર પોતાના રહેઠાણ માટે જમીનમાં મકાન પણ બનાવી શકે છે અને તે માટે બિનખેતીની પરવાનગી મેળવવાની જરૂરિયાત નથી, નદી નાળાના પ્રવાહથી જે કાંપ એકત્ર થાય અને ભાઠાની જમીન થાય તે એક એકર સુધી કોઈપણ પ્રકારના કર વગર હંગામી ધોરણે ઉપયોગ કરી શકે છે. જો આવી જમીને એક એકરથી વધુ હોય તો આકારના ત્રણ પટ ભરીને અગ્રતા હક્કે આવી જમીન ગ્રાન્ટ થઈ શકે છે. ખાનગી સર્વે નંબરની જમીન હોય અને નદીના પ્રવાહ કે પુરના કારણે ધોવાણ થાય તો અડધા એકર સુધીનો જે આકાર કે મહેસૂલ લેવાપાત્ર થાય તે કમી કરાવવાનો હક્ક છે. આજ રીતે સરકારે જે ઝાડોની માલિકી ખાસ પોતાના હસ્તક રાખી હોય તે સિવાય ઝાડોની માલિકી વ્યક્તિગત સ્વરૂપે છે, પરંતુ પાંચ ઝાડો જે અનામત રાખ્યા છે, તેમાં સાગ, સીસમ, ચંદન, મહુડો અને ખેરના ઝાડની માલિકીના સર્વે નંબરમાં હોય તો પણ પરવાનગી સિવાય નિકાલ કરી શકાતો નથી આ અંગે વૃક્ષછેદન ધારો લાગુ પડે છે. ખાતેદારની પોતાની જમીન વંશ પરંપરાગત રીતે કાયમી કબજા હક્કથી હોય જેમાં રાજ્યના અન્ય કાયદા હેઠળ કોઈ નિયંત્રણ ન હોય તો તે જમીન વેચી શકાય, ગીરો મુકી શકાય તેમજ અન્ય રીતે તબદીલ કરી શકાય, જો નવી શરતની જમીન હોય અથવા અન્ય નિયંત્રણવાળી હોય તો કલેક્ટરની પૂર્વ પરવાનગી લઈને તબદીલ કરી શકાય, જમીન મહેસૂલ અધિનિયમની કલમ-૭૪ હેઠળ દરેક ખાતેદારને સ્વૈચ્છિક રીતે રાજીનામું આપવાનો ખાતેદારને હક્ક છે. ગામના ખાતેદારોને ગોચર તરીકે નીમ થયેલ જમીનમાં ઢોર ચરાવવાનો હક્ક છે. સબંધિત ગામના ગોચરમાં અન્ય ગામના ઢોરને ચરાવવાનો કાયદેસરનો હક્ક નથી.
જેમ ખાતેદારના હક્કો છે તેમ મર્યાદાઓ પણ છે અને નિયંત્રણો છે, જમીનમાં જે ખાણ કે ખનીજ ઉત્પનના હક્કો મળતા નથી, ભલે તે જમીન ખાનગી હોય તેના ઉપર રાજ્ય સરકારના હક્કો છે. અગાઉ ગણોતકાયદા હેઠળ કલમ-૬૫ મુજબ જમીન જો બે વર્ષ સતત પડતર રાખવામાં આવે તો તેનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક લેવાની જોગવાઈ હતી, આનો આશય જમીનનો ઉત્પાદકીય રીતે ઉપયોગ થાય તે હતો, પરંતુ આ અંગે મહેસૂલી અધિકારીઓ દ્વારા કાયદાની જોગવાઈઓનો દૂર ઉપયોગ થતો હતો એટલે રદ કરવામાં આવી છે. જો જમીન નવી શરતની કે નિયંત્રિત સત્તા પ્રકાર, ૭૩ એએ (આદિવાસીએ ધારણ કરેલ) હેઠળની હોય તો કલેક્ટરની પરવાનગી સિવાય વેચી શકાતી નથી કે બિનખેતીના ઉપયોગ સમયે સરકારને પ્રિમીયમ ભરવાની જવાબદારી છે. જમીન જો ચોક્કસ હેતુ માટે આપી હોય તો તે સિવાય ઉપયોગ થતો નથી. સિવાય કે રાજ્ય સરકારના નિયમોને આધીન કલેક્ટરની પરવાનગી મેળવી હોય. પોતાના ખાતાની જમીનમાં મીઠાનું ઉત્પાદન કરી શકે નહી, કારણ કે મીઠાના નિયમન માટે અલગ જોગવાઈ છે. જો ખાતેદારની જમીનમાં ‘બ’ વર્ગના પોતખરાબાની નોંધ હોય તો તેને ખેડી શકાય નહીં કારણ કે ‘બ’ વર્ગનો પોત ખરાબો એટલે કે રસ્તો હોય છે. જ્યારે ‘અ’ વર્ગનો ખરાબો જેને ખેડી શકાય તેમ હોય છે.
પરંતુ તેમાં કલેક્ટરની પૂર્વ પરવાનગી લેવાની હોય છે અને પરવાનગી આપતી વખતે ‘અ’ વર્ગના ખરાબાનું જે ક્ષેત્રફળ હોય તેટલો આકાર મહેસૂલની રકમ ભરપાઈ કરવાની થાય છે. જ્યારે કાયમી ધોરણે ભલે સર્વે નંબરની ખાનગી જમીનમાં ‘અ’ વર્ગના ખરાબાની નોંધ હોય પરંતુ રસ્તાનો ભાગ હોવાથી તે ખેડવાની પરવાનગીને પાત્ર નથી. અવરજવર માટે રસ્તો કાયમી ધોરણે રાખવાનો છે.
ખાતેદારના હક્ક, મર્યાદાઓ, નિયંત્રણો છે તેમ તેની જવાબદારીઓ પણ છે. તેમાં પાયાના સિધ્ધાંત તરીકે દરેક જમીન મહેસૂલને પાત્ર છે અને તે મુજબ દર વર્ષે માંગણા મુજબ (Demand) મહેસૂલ નિયમિત રાજ્ય સરકારને આપવા માટે બંધાયેલ છે. દરેક ખાતેદારે પોતાના સર્વે નંબરના હદ નિશાન જાળવી રાખવાની જવાબદારી છે. આ હદ નિશાન જાળવવામાં ન આવે તો મામલતદારને દંડ કરવાની સત્તા છે. આજકાલ ખાતેદારો વચ્ચે હદને લગતા પ્રશ્નો ઉભા થાય છે અને વિવાદો ઉપસ્થિત થાય છે એટલે દરેક ખાતેદારે સર્વે નંબરના હદ નિશાન તરીકે પાકા પથ્થર લગાવી સુનિશ્ચિત કરવું જોઈએ અને જાળવણી કરવી જોઈએ. આજ રીતે જેમ થોડા સમય પહેલાં તમામ જમીનોનું રી સર્વે કરવામાં આવ્યું છે અને તમામ ખાતેદારોને જમીનની માપણી કરવામાં આવે ત્યારે ઉપસ્થિત રહેવાનું જણાવવામાં આવે છે. તો જયારે માપણી ટીમ ગામે સર્વે માટે આવે ત્યારે ઉપસ્થિત રહેવું જરૂરી છે. જેથી પોતાની જમીનના માપણીના અને ક્ષેત્રફળના વિવાદો ઉપસ્થિત થાય નહીં. આમ તો હવે ખાતેદારના મૃત્યુ સમયે મરણ રજીસ્ટરમાં નોંધ કરવાની ફરજીયાત જોગવાઈ છે. પરંતુ ખાતેદારની વારસાઈ કરવાના ભાગરૂપે ખાતેદારના મૃત્યુની જાણ તલાટીને ત્રણ માસમાં કરવાની છે કે જેથી સબંધિત ખાતેદારના કાયદેસરના વારસોની વારસાઈ હક્કપત્રકમાં થઈ શકે.
આમ દરેક ખાતેદારે પોતાના હક્કો અને જવાબદારીની જાણકારી મેળવવી જરૂરી છે. રાજ્ય સરકારે પરિપત્ર કર્યા મુજબ દરેક ખાતેદારને તેના ૭/૧૨, ૮અની નકલ દર વર્ષે વિનામૂલ્યે આપવાની જોગવાઈ કરી છે. તમામ ખાતેદારોએ પણ તેમની જમીનના મહેસૂલી ઉતારા ૭/૧૨ ખાસ લેવા જોઈએ, એટલા માટે કે ઘણીવાર ખાતેદારની જાણ બહાર મહેસૂલી રેકર્ડમાં ફેરફાર થયાના કિસ્સાઓ ધ્યાન ઉપર આવે છે અને પાછળથી પ્રશ્નો ઉભા થાય છે. જેથી તે નિવારવાના ભાગરૂપે મહેસૂલી રેકર્ડની નકલો સબંધિત ખાતેદારે વર્ષવાઈઝ ફાઈલમાં રાખવી જરૂરી છે.
હવે રાજ્ય સરકારે મોટાભાગની મહેસૂલી સેવાઓ પણ ઓનલાઈન કરવામાં આવી છે અને સમયમર્યાદા પણ નક્કી કરી છે. પરંતુ મહેસૂલી અધિકારીઓ દ્વારા નાની ક્ષતિઓ કાઢીને ખાતેદારને મુશ્કેલી પડે છે તે નિવારવી જોઈએ. દા.ત. ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર ઓનલાઈન મેળવવાની જે જોગવાઈ કરી છે તે અટપટાયુક્ત છે તેના બદલે ખાતેદારની જે નોંધો છે તે રાજ્ય સરકારે ઓનલાઈન ઉપલબ્ધ કરી છે તે સ્વમેળે ખાત્રી કરી લેવી જોઈએ અને ઓનલાઈન અરજી કર્યા બાદ પણ લ્લચગિ ર્ભૅઅ તો મોકલવાની છે.
ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવાની જવાબદારી મહેસૂલી તંત્રની છે અને ૨૦૦૮ના પરિપત્ર પ્રમાણે રજીસ્ટર્ડ દસ્તાવેજ આધારે નોંધ પાડી પ્રમાણિત કરવાની છે. આ પ્રક્રિયાથી સામાન્ય ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે અને રૂ. ૨૦૦૦/- જેટલી ફી વસુલ કરવામાં આવે છે તે વ્યાજબી નથી.