નવી દિલ્હીઃ દેશની ડિસ્ટ્રિક્ટ કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી 7 લાખથી વધુ કેસ અટકેલાં પડ્યા છે. જેને નિવારવા માટે હવે ‘જસ્ટિસ ક્લોક’ નામનું એક સોફ્ટવેર મદદ કરશે. જેને કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ દેશભરની જિલ્લા કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી જોડાયેલો એક ઈન્ટરનલ સોફ્ટવેર હશે. એટલે તેની મદદથી આ તમામ કોર્ટ ઈન્ટર કનેક્ટ રહેશે. રાજ્ય સરકારને કહેવામાં આવ્યું છે કે તેઓ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને પોતાની હાઈકોર્ટનો તમામ ડેટા સોફ્ટવેરને ડેવલપ કરવા માટે આપે.
શું હશે આ સોફ્ટવેરમાં?
– જસ્ટિસ ક્લોક પર તમામ કોર્ટને દરેક કેસની તમામ ટાઈમલાઈન હાજર રહેશે. કોઈ કોર્ટમાં કેટલાં કેસ પેન્ડિંગ છે, કેટલા સમયથી પેન્ડિંગ છે, કેટલી તારીખો લાગી, કયા કારણથી સુનાવણી આગળ ખસેડવામાં આવી સહિતની તમામ માહિતીઓ જસ્ટિસ ક્લોક પર રહેશે.
– આ સમગ્ર ડેટાનું ધ્યાન ડાયરેક્ટ લો મિનિસ્ટ્રી કરશે. ક્યાંય ગડબડ લાગે તો તે અંગે તાત્કાલિક સંબંધિત કોર્ટ પાસેથી જવાબ માગવામાં આવશે. જસ્ટિસ ક્લોક અંગે પીએમ મોદીએ પણ રવિવારે નેશનલ લો ડે ઈવેન્ટમાં વાત કરી હતી.
જસ્ટિસ ક્લોકને તૈયાર કરવા માટે ત્રણ મોટા હેતુ
1. ડિસ્ટ્રિક્ટ કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધીની કોર્ટને ઈન્ટર કનેક્ટ કરવી
2. કોર્ટમાં પેન્ડિંગ કેસ અને તેના નિકાલ માટેની ઝડપ પર સતત નજર રાખવી.
3. કોર્ટ કઈ ગતીથી કામ કરે છે તે જાણવાનો હેતુ.
દરેક કોર્ટ અને જજની રેન્કિંગ પણ નક્કી થશે
– આ આધારે દરેક કોર્ટ અને જજની રેન્કિંગ પણ નક્કી થશે. જે કોર્ટે કેસના ઉકેલમાં મોડું કર્યું તે કોર્ટ અને ત્યાંના જજની રેન્કિંગ બગડશે. જે કોર્ટમાં મામલાઓ ઓછા પેન્ડિંગ હશે, તેને સારા રેન્ક મળશે.
– આ રેન્કિંગના આધારે કેન્દ્ર અને રાજ્ય સરકાર નક્કી કરશે કે કયા સ્થળે કેસના ઉકેલ માટેની ઝડપ ધીમી છે. જસ્ટિસ ક્લોકને કોર્ટમાં ઈન્સ્ટોલ કરવાનું કામ એક સપ્તાહમાં પૂર્ણ કરવાની યોજના છે. તેની અસર સકારાત્મક રહી તો જસ્ટિસ ક્લોક એપ પણ ડેવલપ કરવામાં આવશે.
કોર્ટે આગામી તારીખ આપી તો જણાવવું પડશે કારણ
– કાયદા મંત્રાલયના જણાવ્યા મુજબ, જસ્ટિસ ક્લોકનું કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં દેશના તમામ રાજ્યોની ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને તમામ હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યા નોંધવામાં આવી છે. જેને રોજ અપડેટ કરવામાં આવશે.
– જસ્ટિસ ક્લોકમાં દેશના કોઈપણ રાજ્યની કોઈપણ કોર્ટના કોઈપણ જજનું નામ અને કેસ નંબર નાખતાં જ તે કેસ સાથે જોડાયેલો તમામ રેકોર્ડ સામે આવી જશે. તે પણ જાણકારી ઉપલબ્ધ હશે કે કોઈ કેસમાં કેટલી વખત તારીખ આપવામાં આવી અને દરેક વખતે આગામી તારીખ આપવા પાછળનું કારણ શું રહ્યું.