જમીન પચાવી પાડવા અધિનિયમ-2020 અંતર્ગત સરકારે ઘડેલ નિયમોની જોગવાઈઓ
– જમીન પચાવી પાડવાના કુલ 7 નિયમો ઘડવામાં આવ્યા છે
– લોકાભિમુખ માર્ગદર્શન : એચ.એસ. પટેલ IAS (નિ.)
ગુજરાત સરકારે જમીન / મિલ્કત પચાવી પાડવા બાબતે સૌ પ્રથમ આગસ્ટ ૨૦૨૦માં વટહુકમ બહાર પાડેલ, ત્યારબાદ સપ્ટેમ્બરમાં વિધાનસભામાં કાયદા સ્વરૂપે અધિનિયમ ઘડવામાં આવ્યો.
આ અંગે આ અધિનિયમની જોગવાઈઓ બહુમતી જનસમુદાયને સ્પર્શતી હોય, લોકાભિમુખ માર્ગદર્શનના માધ્યમથી આ અંગેના વિગતવાર લેખો પ્રસિધ્ધ થયા છે. પરંતુ આ અંગેના નિયમો જે તે સમયે ઘડવામાં આવેલ ન હતા અને કોઈપણ કાયદાની અમલવારી ત્યારે જ શક્ય બને કે જ્યારે સબંધિત કાયદા હેઠળ નિયમો બનાવવામાં આવે, રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે જમીન હડપ કરવાના અધિનિયમની કલમ-૧૬ (૧)ની જોગવાઈઓ અંતર્ગત તા.૧૬-૧૨-૨૦૨૦ના રોજ રાજ્યપત્રકમાં નિયમો પ્રસિધ્ધ કર્યા છે.
જાહેર જનતાની જાણકારી માટે આ નિયમો અગત્યના હોઈ તેનું નિરૂપણ કરવામાં આવે છે. આ નિયમોમાં જે કમિટીની રચના કરવામાં આવી છે જેમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષપદે મ્યુનિસિપલ કમિશ્નર, જીલ્લા વિકાસ અધિકારી, સુપ્રિટેન્ડન્ટ આફ પોલીસ, પોલીસ કમિશ્નર, સીઈઓ શહેરી / વિસ્તાર વિકાસ મંડળ સભ્યો તરીકે અને નિવાસી અધિક કલેક્ટર, સભ્ય સચિવ તરીકે રહેશે અને આ સમિતી દર પંદર દિવસે મળશે તેવી જોગવાઈ કરી છે.
ગુજરાત જમીન પચાવી પાડવાના નિયમો જે ઘડવામાં આવ્યા છે. જેમાં કુલ ૭ નિયમો છે. આ નિયમોમાં સુધારા વધારા જાહેરનામાથી સરકાર દ્વારા કરી શકાય છે. આ નિયમો હેઠળ અરજી કરવાની પધ્ધતિ નિયત કરવામાં આવી છે તે અનુસાર મિલ્કત / જમીન જે જીલ્લામાં આવેલ હોય તે કલેક્ટરના અરજદારે રૂબરૂ અથવા ટપાલ દ્વારા નિયત કરેલ અરજીપત્રકમાં રજૂઆત કરવાની છે (નમુનો નિયમોમાં આપેલ છે) તેમાં અરજદારની સહી તેમજ ખરાપણ અંગે ટ્રુ કોપી (ખરી નકલ) સહી કરવાની છે. અરજી સાથે જે દસ્તાવેજો રજૂ કરવાના હોય તેની દરેક પેજ ઉપર સહી સાથે રજૂ કરવાની છે.
આ અરજી મળ્યાની પહોંચ કલેક્ટર કચેરીમાંથી આપવામાં આવશે અને અરજી સાથે અરજી ફી તરીકે રૂ.૨૦૦૦/- ઈલેક્ટ્રોનીક માધ્યમથી આપવાના છે. અરજદારની અરજી અન્વયે અથવા કલેક્ટરશ્રી સ્વમેળે પણ જમીન પચાવી પાડવાનું Suomoto Cognizance લઈ શકશે. પરંતુ તે મોટાભાગે જેમાં સરકારી હિત જળવાયેલ તેવી જમીનો / મિલ્કતો અથવા કોઈ માથાભારે (Head Strong) વ્યક્તિ હોય કે જેની સામે કોઈ અરજી કરી શકે નહી. કલેક્ટરશ્રીને અરજી મળ્યેથી તેની તપાસ સબંધિત કાર્યક્ષેત્ર ધરાવતા પ્રાન્ત અધિકારીને અથવા કલેક્ટરને યોગ્ય લાગે તેવા અન્ય અધિકારીને જેમાં પોલીસ અધિકારી સહિતનો સમાવેશ થાય છે. પ્રાન્ત અધિકારી કેસના કાગળો / દસ્તાવેજો તપાસીને અને સબંધિત અધિકારીઓ જો મંજૂરી આપેલ હોય તો તે સહિત પાંચ દિવસમાં અહેવાલ આપવા જણાવશે. કેસની તપાસ પ્રાથમિક રીતે સબંધકર્તા દસ્તાવેજો / અહેવાલ આધારે કરવામાં આવશે કે જેના આધારે જમીન / મિલ્કતનું ટાઈટલ પ્રસ્થાપિત થઈ શકે.
સબંધિત પ્રાન્ત અધિકારી તપાસમાં જે જમીન / મિલ્કત બિનઅધિકૃત રીતે કબજામાં છે અથવા બળ, વગ, ધમકી, છેતરપિંડી અથવા Forgery છળકપટથી લઈ લેવામાં આવી છે કે કેમ, તેની ચકાસણી કરવામાં આવશે. આમ પ્રાન્ત અધિકારી તમામ દસ્તાવેજી આધાર પુરાવા સાથે કમિટીને દિન-૨૧માં અહેવાલ રજૂ કરશે અને જેમાં પ્રાથમિક તબક્કે કેસમાં જણાવેલ બાબતો અંગે તારણો સહ અહેવાલ આપશે. કમિટીને યોગ્ય લાગે તો સબંધિત તપાસ અધિકારી પાસેથી વધારાની વિગતો પણ મેળવી શકશે. આ ઉપરાંત જે કિસ્સામાં સરકારે જમીન આપેલ હોય અને શરતભંગ હેઠળ ખાલસા થયેલ હોય અથવા જમીન ભાડાપટ્ટે આપેલ હોય અને ભાડાપટ્ટે લંબાવવાની અરજી કરી હોય, પરંતુ ભાડાપટ્ટે લંબાવવાની વિચારણા પણ ચાલતી ન હોય તો તેવા કિસ્સામાં અનઅધિકૃત કબજો ગણીને કમિટી જમીન પચાવી પાડવાની કાર્યવાહી કરી શકશે.
કમિટીની તપાસ અધિકારીનો અહેવાલ મળ્યેથી તપાસ અધિકારીના અહેવાલ આધારે ૨૧ દિવસમાં નિર્ણય લેવાનો રહેશે. જેમાં એફ.આઈ.આર. (FIR) દાખલ કરવી કે કેમ તેનો પણ સમાવેશ થાય છે અને કમિટીએ સબંધિત પોલીસ અધિકારીને સુચના આપ્યા બાદ દિન-૭માં એફ.આઈ.આર. (FIR) દાખલ કરવાની રહેશે અને એફ.આઈ.આર. (FIR) દાખલ કર્યાના ૩૦ દિવસમાં સબંધિત પોલીસ તપાસ અધિકારીએ સબંધિત સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ રીપોર્ટ રજૂ કરવાનો રહેશે.
ગુજરાત જમીન હડપ પ્રતિબંધક નિયમો જે ઘડવામાં આવ્યા છે. તેમાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવેલ છે. તેઓને નિયમ-૬માં જણાવ્યા પ્રમાણે સત્તા અને કાર્યો (Powers and Function) નક્કી કરવામાં આવ્યા છે. તે કમિટીને અધ્યક્ષ નક્કી કરે તે મુજબ કમિટીની મિટીંગ દર પંદર દિવસે મળશે. કલેક્ટર સમક્ષ મળેલ તમામ અરજીઓ સભ્ય સચિવશ્રી દ્વારા કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે.
કમિટી દ્વારા તપાસ અધિકારી દ્વારા રજૂ કરેલ અહેવાલની ચકાસણી કરવામાં આવશે અને તપાસ રીપોર્ટ ઉપર આગળની શું કાર્યવાહી કરવી તે નિર્ણય લેશે અને યોગ્ય લાગે તો સબંધિત સ્પેશ્યલ કોર્ટને કાર્યવાહી કરવા માટે રીપોર્ટ મોકલશે અને કમિટીનો નિર્ણય સબંધિત અરજદારને પણ જાણ કરવામાં આવશે. આ કાયદા હેઠળ સ્પેશ્યલ કોર્ટ રચવામાં આવી છે તે પણ સ્વમેળે કોઈ કેસની તપાસ કમિટીને સુપ્રત કરી શકશે.
આમ ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધક કાયદાની જોગવાઈઓ પ્રજાના માલ મિલ્કતના રક્ષણના હેતુ માટે અને માથાભારે ઈસમો ગુન્હાહિત કૃત્ય આચરી પચાવી પાડવાના સંખ્યાબંધ કેસો થાય છે તેનું વાસ્તવિક અને અસરકારક રીતે અમલ થશે તો જ જનમાનસમાં વિશ્વાસ સ્થાપિત થશે અને જીલ્લા વહિવટીતંત્ર દ્વારા તટસ્થતાપૂર્વક કોઈની પણ શેહશરમમાં આવ્યા વગર દાખલારૂપ કાર્યવાહી થાય તો ખોટું આચરણ કરી જમીન પચાવી પાડનારાઓમાં ડર પેદા થશે. આમ તો કાયદામાં અગાઉ થયેલ કેસોનો પણ આ કાયદા અન્વયે સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ જુદી જુદી મહેસૂલી કોર્ટોમાં કે સિવિલ / ક્રિમીનલ કોર્ટોમાં ચાલતા કેસોમાં શું કાર્યવાહી કરવી તે પણ સ્પષ્ટતાની જરૂર છે અને આવા પ્રકારનો નશાબંધી કાયદામાં અસરકારક જોગવાઈઓ કરતો કાયદો ઘડવામાં આવેલ અને સ્પેશ્યલ કોર્ટોની રચના કરવાનો નિર્ણય લીધેલ, પરંતુ લાંબા સમય સુધી નિયમો ન બનાવતાં અને કોર્ટોની સ્થાપના ન થતાં, કાયદાની વાસ્તવિક અમલવારી થઈ શકી ન હતી. આ કાયદા અન્વયે તાત્કાલીક સ્પેશ્યલ કોર્ટોની રચના થાય અને ત્યાં સુધી સબંધિત ડિસ્ટ્રીક કોર્ટને અધિકૃત કરતા હુકમો તાત્કાલીક કરવા જોઈએ તો જ ઝડપથી કાર્યવાહી થઈ શકશે. ‘કાયદાની ઝડપી અમલવારી માટે સ્પેશ્યલ કોર્ટોની તાત્કાલીક રચના થાય તે જરૂરી અને જીલ્લા વહિવટીતંત્ર દ્વારા દાખલારૂપ કામગીરી થાય’