*પોલીસ કંપલેન ઓથોરીટી ( PCA )
સામાન્ય રીતે લગભગ દરેક ને પોલીસ સ્ટેશનમાં કડવા અનુભવ થયા જ હશે અથવા ક્યારેક પણ તમને પોલીસે ખોટી રીતે હેરાન પરેશાન કર્યા હશે. જેમકે પોલીસ સ્ટેશને વ્યવસ્થિત જવાબ ન મળવો, વારંવાર ખોટા ધક્કા ખવડાવવા, અરજદાર સાથે મનમાની કરવી, પોલીસનો વ્યક્તિ સામે ગેરવર્તન વગેરે ખરાબ અનુભવો લોકોને થયા જ હશે. પરંતુ કાયદાની જાણ ન હોવાથી અને પોલીસના ડરના કારણે લોકો પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરતાં નથી. પરંતુ જો તમે પોલીસથી ડરસો અને કાયદા નહીં જાણો તો પોલીસ સત્તા નો દુરુપયોગ કરી ને હેરાન કરશે અને તમે આમ જ સહન કરતાં રહેશો માટે કાયદા જાણો અને સમજો જેથી તમે અત્યાચાર વિરુદ્ધ બોલી શકો.
પોલીસ ફરિયાદ ઓથોરિટી (PCA)
2006 માં, સુપ્રીમ કોર્ટે પોલીસ અને સુધારણા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે “પ્રકાશસિંહ વિરુદ્ધ ભારત સરકાર” કેસનો નિર્ણય પસાર કર્યો હતો.આ અંતર્ગત દરેક રાજ્યમાં એક પોલીસ કંપલેન ઓથોરીટી જિલ્લા લેવલ પર તથા રાજ્ય લેવલ પર ઉભી કરવાનો આદેશ આપવામાં આવ્યો. આ પાછળ સુપ્રિમ કોર્ટનો ઉદ્દેશ્ય હતો કે પ્રજાની પોલીસ વિરુદ્ધની વિશાળ ફરીયાદોનો સ્થાનિક કક્ષાએ અલગથી જ એક વ્યવસ્થા ઉભી કરી નિકાલ કરવામાં આવે. રાજ્યકક્ષાની પોલીસ કંપલેન ઓથોરીટીમાં ડિવાયએસપી કક્ષાના નિવૃત અધિકારી તેમજ નિવૃત્ત સનદી અધિકારી તેની કામગીરી સંભાળતા હોય છે .
પોલીસ કંપલેન ઓથોરીટી ( PCA ) સમક્ષ શુ-શું ફરીયાદ કરી શકાય ?
- પોલીસ કસ્ટડીમાં મોત નિપજાવવામાં આવે.
- પોલીસ કસ્ટડીમાં ગંભીર ઈજા કરવામાં આવે.
- ગેરકાયદેસર ધરપકડ કે ડિટેઈન કરવામાં આવે.
- પોલીસ દ્વારા બલાત્કાર અથવા બળાત્કારનો પ્રયાસ કરવામાં આવે.
- પોલીસ દ્વારા ખંડણી અથવા ગેરકાયદેસરના પૈસા માંગવામાં આવે.
- પોલીસ દ્વારા ગંભીર પ્રકારનું ગેરવર્તન કરવામાં આવે અથવા ધમકી આપવામાં આવે.
- પોલીસ દ્વારા જમીન અથવા મકાનનો કબજો પચાવી પાડવામાં આવે.
- પોલીસ દ્વારા કોઈ વ્યક્તિને ત્રાસ આપવામાં આવે.
- ઉપરી અધિકારી દ્વારા નીચેના કર્મચારીને ત્રાસ આપવામાં આવે.
- અન્ય કોઈ ઘટના જેમાં પોલીસ દ્વારા સત્તાનો ગંભીર દુર ઉપયોગ કરવામાં આવ્યો હોય. જો કે આ તમામ બાબતે પોલીસ કંપલેન ઓથોરીટીમાં તમારી ફરીયાદ લેતા પહેલા ફરીયાદ કેટલી વ્યાજબી છે તેની પ્રાથમિક તપાસ પણ કરવામાં આવે છે.
ફરિયાદ કોણ કરી શકે ?
પીડિત અથવા તેની તરફેણમાં ફરિયાદ કરનાર કોઈ વ્યક્તિ અથવા તેના કુટુંબનો સભ્ય અથવા કોઈ અન્ય સ્ત્રોત અથવા પોલીસને જ ઉપરી પોલીસ વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય એવા પોલીસ કર્મચારી
ફરિયાદ કેવી રીતે કરવી ?
પી.સી.એ સમક્ષ કોઈપણ વ્યક્તિ પોલીસ વિરુદ્ધમાં તેમજ પોલીસ પોતે પોલીસ અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે છે
ફરિયાદ લખાવવા માટે સામાન્ય રીતે પીડિત વ્યક્તિ પોતે અથવા તેના વતી કોઈપણ વ્યક્તિએ પોતાનું નામ,સરનામું,સંપર્ક નંબર સહિતની એક અરજી લખવાની હોય છે. જેમાં નીચેના લાગુ પડતાં મુદ્દાઓ લખવાના હોય છે.
1)તારીખ, સમય, અને કયા સ્થળે ઘટના બની હતી તેની સંપૂર્ણ માહિતી
2) જેના વિરુદ્ધ ફરિયાદ લખાવવાની હોય તેનું નામ, હોદ્દો અને પોલીસ સ્ટેશનની વિગત.
3) ઘટના સ્થળે હાજર વ્યક્તિ કે જેને ઘટના બનતી જોઈ હોય તેવા વ્યક્તિઓના નામ અને વિગત.
4) આર્થિક નુકશાન થયું હોય અથવા શારીરિક ઇજા થઇ હોય તો તેની વિગત.
5) શારીરિક ઇજા થઇ હોય તો તેના ફોટો જોડવા અને સારવાર લીધી હોય તો મેડિકલ સર્ટિફિકેટ જોડવું.
6) જો ઘટના ને લગતા કોઈ ફોટો અથવા વિડિયો કે કોઈ ફૂટેજ હોય તો તે જોડવા.
7) પોલીસ સ્ટેશનની ડાયરીનો પુરાવો. ઉપરોક્ત તમામ બાબતોની એક ઝેરોક્ષ કોપી ફરિયાદ સાથે બિડાણ કરીને ઇમેઇલ, પોસ્ટ દ્વારા કે રૂબર માં જઈને પણ ફરિયાદ આપી શકાય છે.
ગુજરાતમાં પીસીએ નો સંપર્ક ?
ગુજરાત સ્ટેટ પોલીસ કંપલેન ઓથોરિટી (GSPCA)
કર્મયોગી ભવન, બ્લોક નં.1, છઠ્ઠો માળ, ગાંધીનગર ફોન નં. – 07923255801/55805/55803
E-mail ID : so-spca-home@gujarat.gov.in