સંજીવ ભટ્ટને 3 લાખનો દંડ સુપ્રિમકોર્ટે શામાટે કર્યો?
સુપ્રિમકોર્ટે 3 ઓક્ટોબર 2023ના રોજ IPS અધિકારી અને હાલમાં જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ સંજીવ ભટ્ટને રુપિયા 3,00,000/-નો દંડ કર્યો છે ! આ દંડની રકમ ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ વેલ્ફેર ફંડમાં જમા કરાવવા હુકમ કર્યો છે.
સંજીવ ભટ્ટ 1990માં કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા જુલાઇ 2019થી ભોગવી રહ્યા છે. તેઓ 1996માં બનાસકાંઠા જિલ્લાના SP હતા ત્યારે પોલીસે રાજસ્થાનના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતની ધરપકડ કરી હતી, કેમકે સુમેરસિંહ પાલનપુરની જે હોટલના રૂમમાં ઉતર્યો હતો ત્યાંથી પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ કબજે કર્યું હતું. રાજસ્થાન પોલીસે કહ્યું હતું કે બનાસકાંઠા પોલીસ દ્વારા સુમેરસિંહને રાજસ્થાનના પાલી ખાતે આવેલી વિવાદિત મિલકત ટ્રાન્સફર કરવા દબાણ ઊભું કરવા તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો. ભૂતપૂર્વ પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.બી. વ્યાસે 1999માં ગુજરાત હાઈકોર્ટમાં જઈને આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરી હતી. જૂન, 2018માં હાઈકોર્ટે રાજ્યની સીઆઈડીને તપાસ સોંપી હતી અને સપ્ટેમ્બર, 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ, આઈ. બી. વ્યાસ અને સંજીવ ભટ્ટ સામે IPC કલમ 120B, 116, 119, 167, 204, 343 તથા NDPS એક્ટની કલમ 17, 18, 29 અને 58(2) અને 59(2)(b) હેઠળ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. આ કેસ પેન્ડિંગ છે. દરમિયાન સંજીવ ભટ્ટે, સુપ્રિમકોર્ટ સમક્ષ ત્રણ પીટિશન કરી હતી : [1] SLP (Crl) નંબર-11884/2023માં, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે ટ્રાયલને અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવાની સંજીવ ભટ્ટની અરજી ફગાવી દીધી હતી, તે આદેશ સામે દાખલ કરવામાં આવી હતી. [2] SLP(Crl) નંબર- 11943/2023) જસ્ટિસ સમીર જે. દવેની ખંડપીઠે ટ્રાયલ કોર્ટની કાર્યવાહીને ઓડિયો-વિડિયો રેકોર્ડ કરવાની સંજીવ ભટ્ટની અરજીને ફગાવી દીધી હતી, તે આદેશ સામે દાખલ કરવામાં આવી હતી. [3] પીટિશન નંબર- 37428/ 2023) જસ્ટિસ ગીતા ગોપીની ખંડપીઠે 19 સાક્ષીઓને બોલાવવાની સંજીવ ભટ્ટની અરજીને ફગાવી દીધી હતી, તે આદેશ સામે દાખલ કરવામાં આવી હતી. આ ત્રણેય પીટિશન કરવા સબબ સંજીવ ભટ્ટને સુપ્રિમકોર્ટે દંડ કર્યો છે !
થોડાં પ્રશ્નો : [1] સંજીવ ભટ્ટને, ટ્રાયલ કોર્ટના જજ પક્ષપાતી લાગતા હોય તો તેને રજૂઆત કરવાનો હક્ક નથી? શું કાયદાની જોગવાઈ મુજબ અપીલ કરવી તે ગુનો છે? માની લઈએ કે સંજીવ ભટ્ટે ટ્રાયલ કોર્ટમાં પોતાની સામેના કેસમાં વિલંબ કરવા આ ત્રણ અરજીઓ કરી હતી; તો પણ 3 લાખનો દંડ કરવાનું પગલું ઉચિત છે? સંજીવ ભટ્ટને ઠપકો આપી શકાયો હોત ! [2] ન્યાય મેળવવાની ઈચ્છા ધરાવનાર નાગરિકો પર આવા ચૂકાદાની અવળી અસર ન પડે? સામાન્ય નાગરિકોમાં ભય ઊભો ન થાય? [3] સંજીવ ભટ્ટને 3 લાખનો દંડ ફટકારેલ છે, તેની અસર ટ્રાયલ કોર્ટના જજ પર નહીં પડે? [4] સંજીવ ભટ્ટે જે ત્રણ માંગણી કરી હતી, તેમાં ખોટું શું હતું? બીજી કોર્ટમાં/ એક જજને બદલે બીજા જજ પાસે કેસ ચાલે તો ન્યાયતંત્રને શું નુકસાન થવાનું હતું? કોર્ટ કાર્યવાહીનું ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ કે 19 સાક્ષીઓને તપાસવાની માંગણી કરે તેથી ન્યાયતંત્રને શું નુકસાન થવાનું હતું? જે 19 સાક્ષીઓને ફરિયાદ પક્ષે પ્રોસિક્યુશન સાક્ષીઓ તરીકે ટાંક્યા છે અને તેમને છોડી દીધા છે, તે સાક્ષીઓને તપાસવાની સંજીવ ભટ્ટને તક આપવામાં વાંધો શામાટે? આવી માંગણી કરવી તેને સુનાવણીમાં વિલંબ કરવાના પ્રયાસ તરીકે જોઈ શકાય? શું ન્યાયતંત્રે પારદર્શક બનવાની જરુર નથી? શું કોર્ટ મનસ્વી ચૂકાદાઓ આપતી નથી? શું જજ લાખો રુપિયા લઈ ચૂકાદાઓ આપતા નથી? [5] ટ્રાયલ કોર્ટના જજ શું ન્યાયી જ હોય છે? સુરતની કોર્ટે રાહુલ ગાંધીને બદનક્ષીના વાહિયાત કેસમાં બે વરસની સજા કરી તે જજ શું ન્યાયી હતા? એટ્રોસિટી કોર્ટના બિન દલિત જજો; દલિત ફરિયાદી/ભોગ બનનારને દંડ કરે છે, સહાય પરત લેવાની હુકમો કરે છે, તેમની જમીનમાં બોજા નોંધ કરાવે છે; તે જજો શું ન્યાયી છે? શું જજ દેવદૂત હોય છે? [6] અરજદાર/ફરિયાદીને દંડીને હાઈકોર્ટના એડવોકેટ્સનું વેલ્ફેર કરવાનું? [7] યાદ કરો, છત્તીસગઢના દંતેવાડામાં 2009માં 17 આદિવાસીઓને ફેઈક એન્કાઉન્ટરમાં મારી નાખ્યા હતા, તેમાં બાળકો અને વૃદ્ધ મહિલાઓ હતી; તેની તપાસ કરવા સુપ્રિમકોર્ટમાં 13 વર્ષ પહેલા પીટિશન કરનાર આદિવાસી કાર્યકર્તા હિમાંશુકુમારને 14 જુલાઈ 2022ના રોજ, 5 લાખનો દંડ કર્યો હતો ! સુપ્રિમકોર્ટના જજ પણ ખોટા છે/ ભ્રષ્ટ છે, તેમ કહેવાનો નાગરિકને અધિકાર નથી? શું ન્યાય માંગનારને જ દંડવાના?rs