પહેલા રાહુલ ગાંધી હવે કેજરીવાલ શું છે બદનક્ષી ? જાણો સંપૂર્ણ વિગત કેવી રીતે થાય છે કોર્ટ કેસ –
બદનક્ષી : અપકૃત્ય અને ગુનાનો એક પ્રકાર. કોઈ પણ વાજબી કારણ વિના કોઈ વ્યક્તિ વિશે તેની આબરૂને નુકસાન થાય તેવાં નિવેદનો, લખાણો કે નિશાનીઓનો તેમાં સમાવેશ થાય છે.
હરેક વ્યક્તિને એની આબરૂ અક્ષત–અક્ષુણ્ણ રાખવાનો અબાધિત અધિકાર છે. આવો અધિકાર એ સર્વબંધક અધિકાર (right in rem) કહેવાય છે.
વ્યક્તિ પોતે પોતાની જાત વિશે જે અભિપ્રાય બાંધે છે તે એની આબરૂ નથી; પરંતુ બીજાઓ એને માટે જે અભિપ્રાય ધરાવે છે તે જ એની આબરૂ છે.
ભારતના બંધારણ મુજબ હરેક વ્યક્તિને વાણીસ્વાતંત્ર્યનો અને અભિવ્યક્તિનો અધિકાર છે; પરંતુ એનો ઉપયોગ કરતાં એ બીજી વ્યક્તિની બદનક્ષી ન કરી શકે. બદનક્ષી અંગેનો કાયદો, તેથી, એક વ્યક્તિનો વાણીસ્વાતંત્ર્ય અને અભિવ્યક્તિનો હક અને બીજીનો એની આબરૂ અક્ષત-અક્ષુણ્ણ રાખવાનો હક – એ બે વચ્ચેનું સમાધાન છે એમ કહેવું જોઈએ.
ભારતમાં બદનક્ષી એ અપકૃત્ય અને ગુનો બંને છે. દીવાની જવાબદારી અંગેનું એક બિલ ‘ધ ડેફેમેશન બિલ, 1988’ લોકસભાએ પસાર કર્યું હતું; પરંતુ તેની જોગવાઈઓ વાણીસ્વાતંત્ર્યના હક પર વધુ-પડતાં અને ગેરવાજબી નિયંત્રણો લાદતી હોવાથી જનતામાં ઊહાપોહ થયો. આને લીધે સરકારે એનો અમલ કર્યો નથી.
ભારતીય દંડસંહિતા (Indian Penal Code), 1860 મુજબ જે કોઈ વ્યક્તિ, કોઈ બીજી વ્યક્તિની આબરૂને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી અથવા તેમ કરવાથી તેની આબરૂને નુકસાન પહોંચશે એમ જાણવા છતાં, અથવા, એમ માનવાને કારણ હોવા છતાં, બોલી અથવા વાંચી શકાય તેવા ઇરાદાવાળા શબ્દોથી, અથવા ચેષ્ટાથી, અથવા દેખી શકાય તેવી આકૃતિથી એના પર આરોપ મૂકે અથવા પ્રસિદ્ધ કરે, તેણે તે વ્યક્તિની બદનક્ષી કરી કહેવાય. તે માટે શિક્ષા : 2 વર્ષ સુધીની કેદ કે દંડ, અથવા બંનેની કાયદા(કલમ : 499, 500)માં જોગવાઈ કરવામાં આવી છે.
(1) કોઈ વ્યક્તિ વિશે કોઈ ખોટું નિવેદન કરવું કે તે પ્રસિદ્ધ કરવું, (2) આવું નિવેદન શબ્દોથી, નિશાનીઓથી અથવા ર્દશ્ય રજૂઆતોથી કરવું અને (3) એમ કરનારનો ઇરાદો સામી વ્યક્તિની આબરૂને નુકસાન પહોંચાડવાનો અથવા તેને નુકસાન પહોંચશે તેવી જાણવાળો હોવો જોઈએ. ભારતીય દંડસંહિતા પ્રમાણે બદનક્ષીના દસ અપવાદો છે.
બદનક્ષી અંગે દીવાની જવાબદારી ઉપસ્થિત થવા માટે દાવો કરનારે નીચેની બાબતો પુરવાર કરવાની રહે છે :
(अ) પ્રતિવાદીએ કરેલું નિવેદન (1) ખોટું હતું; અને (2) બદનક્ષીકારક હતું.
(आ) એ નિવેદન વાદીના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું.
(इ) એને પ્રતિવાદીએ પ્રસિદ્ધ કર્યું હતું.
બદનક્ષીનો માપદંડ : પોતાની બદનક્ષી થઈ છે તે પુરવાર કરવા માટે વાદીએ માત્ર એ પુરવાર કરવાનું પૂરતું નથી કે સમાજના અમુક વિશિષ્ટ વર્ગના માણસોની ર્દષ્ટિમાં એ હલકો પડ્યો છે; પરંતુ સમાજની વિવેકયુક્ત વ્યક્તિની નજરમાં પણ એની પ્રતિષ્ઠા ઘટી છે એ પણ પુરવાર કરવાનું રહે છે. તેથી વિવેકશીલ વ્યક્તિની વિચારસરણી એ બદનક્ષીનો માપદંડ છે.
બદનક્ષી અને અપમાન : બદનક્ષી અપમાનથી ભિન્ન છે. બદનક્ષીમાં વ્યક્તિની આબરૂને ક્ષતિ પહોંચાડાય છે; ત્યારે અપમાનમાં વ્યક્તિના એની જાત માટેના પોતે જ બાંધેલા અભિપ્રાયને, એના અહં(ego)ને ક્ષતિ પહોંચાડાય છે. બદનક્ષીમાં પ્રસિદ્ધિ જરૂરી છે; અપમાનમાં તે જરૂરી નથી. જો અપમાન ગાળો બોલીને કરાયું હશે તો ભારતીય કાયદા પ્રમાણે નુકસાનની કોઈ વિશિષ્ટ સાબિતી આપ્યા વિના તે સ્વયં વાદયોગ્ય (actionable per se) બને છે.
બદનક્ષી અને હાનિકારક જૂઠાણું : બદનક્ષી હાનિકારક જૂઠાણાથી અલગ બાબત છે. હાનિકારક જૂઠાણામાં વાદી સામી વ્યક્તિના નિવેદન પર આધાર રાખી કાર્ય કરે છે અને નુકસાનમાં ઊતરે છે. બદનક્ષી એ પૂરું થયેલું અપમાન છે.
બે પ્રકારો : બદનક્ષી લેખિત (libel) અથવા મૌખિક (slander) હોઈ શકે. લેખિત બદનક્ષી (જેને ‘અપમાન-લેખ’ કહે છે તે) દીવાની દુષ્કૃત્ય હોવા ઉપરાંત ગુનો પણ છે; મૌખિક બદનક્ષી(જેને અપમાનવચન કહે છે તે)નું તેમ નથી. પ્રથમ સ્વયં વાદયોગ્ય છે; બીજી તેવી નથી, સિવાય કે –
(અ) કોઈ સ્ત્રી કે કન્યા પર અપવિત્રતાનો કે વ્યભિચારનો આરોપ મૂક્યો હોય, અથવા
(આ) વાદી પર એવો ગુનો કર્યાનો આરોપ મુકાય કે જેની શિક્ષા કેદ હોય, અથવા
(ઇ) વાદી પર સમાજમાંથી તેને દૂર રાખવો પડે એવા ચેપી રોગથી તે પીડાતો હોવાનો આક્ષેપ મુકાય, અથવા
(ઈ) તેના પર, તેનો ધંધો, કામકાજ કે વ્યવસાય હીણપતવાળો હોવાનો આક્ષેપ મુકાય.
આવા આરોપથી કોઈ વિશિષ્ટ નુકસાન થયું હોય તો મૌખિક બદનક્ષી સ્વયં વાદયોગ્ય બને છે.
ભૂલથી કે અકસ્માતથી બદનક્ષી : બદનક્ષીજનક નિવેદન અમુક નામની અમુક ચોક્કસ વ્યક્તિઓને અનુલક્ષીને જ હોય તો જે તેનું લક્ષ્ય નથી તેવી વ્યક્તિઓ માટે તે બદનક્ષીજનક બનશે નહિ. ઘણી વાર વૃત્તપત્રોનાં અમુક લેખો કે લખાણો કોઈ વ્યક્તિને ચોક્કસ રીતે બંધબેસતાં આવતાં હોય એમ બને. આવા સંજોગોમાં, પ્રતિવાદીએ કોનું લક્ષ્ય લીધું હતું તે મહત્વનું નથી, તેનો ઇરાદો કોઈની બદનક્ષી કરવાનો હતો કે નહિ તે મહત્વનું નથી, પરંતુ કોની બદનક્ષી થઈ છે તે જ મહત્વનું છે. એ સૂત્રને આધારે વાદી દાવો કરી વળતર વગેરે મેળવી શકે. જોકે ભારતમાં આ સિદ્ધાંત સ્વીકારાયો નથી. આથી નિર્દોષ પ્રકાશકો આવી જવાબદારીમાંથી બચી શકે છે.
મૃત વ્યક્તિ, નિગમ, વર્ગ કે સમૂહની બદનક્ષી : અમુક સંજોગોમાં મૃત વ્યક્તિની અને નિગમની તથા કોઈ નિશ્ચિત વર્ગ કે સમૂહની પણ બદનક્ષી થઈ શકે છે.
વ્યંગોક્તિ : કોઈ વાર એમ બને કે પ્રસિદ્ધ કરેલા શબ્દો કે નિવેદનો બદનક્ષીકારક હોય છે; પરંતુ એ વાદીને લાગુ પડે છે તેવું પુરવાર કરાય તો જ વાદીનો કેસ ટકી શકે. એમ હોય ત્યારે એવા શબ્દોમાં રહેલો કટાક્ષ, આક્ષેપ, વ્યંગ કે તેમાંનો ગર્ભિતાર્થ સ્પષ્ટ કરવો જરૂરી બને છે. શબ્દોના આવા ખુલાસાને વ્યંગોક્તિ કહે છે; પરંતુ જ્યાં બે શક્યતાઓ હોય ત્યાં વ્યંગોક્તિનું અનુમાન પુરાવાથી થઈ શકશે નહિ, કેમ કે બદનક્ષી એ હકીકત છે; તેથી તેનું અનુમાન ન કરતાં તેને પુરવાર કરવી જોઈએ. એ વિશે પોતાની માન્યતા શી છે તે મહત્વનું નથી.
માન્ય બચાવો : બદનક્ષીના કાયદામાન્ય મુખ્ય બચાવો નીચે પ્રમાણે છે : (1) સત્ય, (2) શુદ્ધ અને પ્રામાણિક ટીકા, (3) વિશેષાધિકાર, (4) સમાન હિતોનું રક્ષણ, (5) જાહેર સ્થાન ધરાવતી વ્યક્તિઓનું કરેલું નિવેદન, (6) શુદ્ધ સમાચારો, (7) સંમતિ અને (8) માફી.
બદનક્ષી સામે બે ઉપાયો છે : (1) બદનક્ષી કરનાર સામે મનાઈહુકમ લાવવો કે જેથી તે તેવી બાબતને પ્રસિદ્ધ ન કરે તથા (2) બદનક્ષીથી થતા નુકસાનની વસૂલાત માટે દાવો કરવો.