તાજનો સાક્ષી : ગુનાના ખટલા દરમિયાન ન્યાયાલય સમક્ષ સત્ય હકીકતોની રજૂઆતના બદલામાં માફી આપવાની શરતે સાક્ષી તરીકે રજૂ કરાતો તે જ ગુનાનો સહતહોમતદાર. સામાન્ય રીતે ગંભીર ગુનાઓના પુરાવા મેળવવા માટે તાજનો સાક્ષી બનાવવામાં આવે છે. 1973ના ભારતીય ફોજદારી કાર્યવાહી ધારા(IPC)ની કલમ 306થી કલમ 309ની જોગવાઈઓ મુજબ જે ગુનો સાત કે તેથી વધુ વર્ષોની સજાને પાત્ર હોય, જેમાં એકથી વધુ સહતહોમતદારો હોય, અને જેની કાર્યવાહી સેશન્સ અદાલત કે ખાસ ન્યાયાધીશ કરવાના હોય તે ગુનાનો કોઈ સહતહોમતદાર અરજી કરે અને જણાવે કે તે કશું જ છુપાવ્યા વગર ગુનામાં સંડોવાયેલ તમામ વ્યક્તિઓ સંબંધી તેની જાણમાંના તમામ સંજોગો તથા પૂરેપૂરી અને સાચી હકીકતો જણાવવા તૈયાર છે તો અદાલત પોતાની વિવેકબુદ્ધિ અનુસાર કારણો દર્શાવીને નિશ્ચિત શરતોને અધીન તેને માફી બક્ષી શકે છે. જો એક કરતાં વધુ સહતહોમતદારો આવી અરજી કરે તો અદાલત વિવેકબુદ્ધિપૂર્વક તેમાંથી એકની પસંદગી કરશે. અદાલતે માફી આપવાનાં કારણોની નકલ અરજદારને આપવી પડે. માફી મેળવનાર તહોમતદાર ‘રાજ્યનો’ કે ‘તાજનો’ સાક્ષી બને છે. જે કેસમાં તહોમતદાર તાજનો સાક્ષી બન્યો હોય તે કેસ પૂરતી જ તેને સજામાંથી મુક્તિ મળી શકે છે.
જો તાજનો સાક્ષી પોતે કરેલી કબૂલાત દરમિયાન એવું કોઈ વિધાન કરે કે તે અન્ય કોઈ ગુનામાં પણ સંડોવાયેલો હતો તો તે અન્ય ગુના માટે સજાપાત્ર ઠરી શકે છે.
પરંતુ જો સરકારી વકીલ પ્રમાણપત્ર આપે કે તાજના સાક્ષીએ જરૂરી હકીકતો છુપાવી છે અથવા ખોટો પુરાવો આપ્યો છે તો તેના પર સહતહોમતદાર તરીકે કામ ચલાવી શકાય. ખોટો પુરાવો આપવાના ગુના માટે કામ ચલાવવા માટે હાઈકોર્ટની પૂર્વમંજૂરી જરૂરી છે. આવા મુકદ્દમામાં તહોમતદાર પોતે કશું છુપાવ્યું નથી કે ખોટો પુરાવો આપ્યો નથી તેવો બચાવ લઈ શકે.
તાજના સાક્ષીની પ્રથા ભારતમાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન દાખલ કરવામાં આવી છે.
અંગ્રેજ કાયદાશાસ્ત્રીઓએ ગંભીર ગુના કરનારા પુરાવાના અભાવે અથવા ખોટા પુરાવા રજૂ કરીને સજામાંથી છટકી ન જાય તે હેતુસર ‘રાજ્યનો’ કે ‘તાજનો’ સાક્ષી ઊભો કરવાની વ્યવસ્થા દાખલ કરેલી છે. ગાંધી હત્યાકાંડ- (1948)ના આરોપીઓમાંથી એક આરોપી દિગંબર બડગેને સેશન્સ કોર્ટમાં તાજના સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને તે કેસનો ચુકાદો જાહેર થયા પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો.