ન્યાયતંત્ર : દેશના બંધારણનાં વિવિધ પાસાંઓનું તથા દેશની સંસદે અને વિધાનસભાઓએ પસાર કરેલા કાયદાઓનું જરૂર પડે ત્યારે અર્થઘટન કરવા માટે તથા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે, એક રાજ્ય અને બીજા રાજ્ય વચ્ચે, રાજ્ય અને નાગરિકો વચ્ચે અને નાગરિકો નાગરિકો વચ્ચે ઊભા થતા વિવાદો અંગે ન્યાય આપવા માટે  સત્યના પક્ષે ચુકાદો આપવા માટે રચવામાં આવતું માળખું. રાજ્યનો વહીવટ વ્યવસ્થિત રીતે ચલાવવા ત્રણ અંગો અનિવાર્ય છે : (1) ધારાસભા, (2) કારોબારી, (3) ન્યાયતંત્ર. ધારાસભાનું કાર્ય રાજ્યના વહીવટ માટે કાયદા ઘડવાનું છે, કારોબારી આ કાયદાને અમલમાં મૂકી વહીવટ કરે છે. કાયદાઓના અર્થઘટન માટે ન્યાયતંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે. આવું અર્થઘટન કરતી વખતે સંબંધિત અદાલતે ઉપસ્થિત થયેલા દાવાઓના નિકાલમાં સંબંધિત પક્ષકારો વચ્ચેના તકરારી મુદ્દાઓનો તથા વિવાદોનો ઉકેલ કરવાનો હોય છે. ફોજદારી ક્ષેત્રે કાયદાના ભંગ માટે, યોગ્ય કાર્યવહી કરી, ગુનેગારોને દંડ કે સજા કરવાની પણ ન્યાયતંત્રની ફરજ બને છે.

લોકશાહી વ્યવસ્થામાં ધારાસભા અને કારોબારી પરસ્પરના સંબંધમાં રહે છે. સંસદીય લોકશાહીની વ્યવસ્થામાં તો ધારાસભા અને કારોબારી પરસ્પર એકબીજા પર આધાર રાખતાં હોય છે; પરંતુ દેશનું ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર  સ્વાયત્ત હોય તે લોકશાહીનાં મૂલ્યોની જાળવણી માટે અનિવાર્ય છે. ન્યાયતંત્રની નિમણૂકો તેમ જ તેની સમગ્ર કાર્યવહી કોઈ પણ પ્રકારનાં રાજકીય કે વહીવટી દબાણોથી પર હોય એવી વ્યવસ્થા કરવી અનિવાર્ય છે.

સર્વોચ્ચ ન્યાયાલય (Supreme Court) : ભારતીય સંવિધાનમાં સમગ્ર ભારત માટે એક સુગ્રથિત ન્યાયતંત્રની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાં ટોચ પર સર્વોચ્ચ ન્યાયાલય છે. ભારતની સર્વોચ્ચ ન્યાયાલય વિશ્વના અન્ય દેશોની સર્વોચ્ચ ન્યાયાલયો કરતાં વધારે શક્તિશાળી છે, કારણ કે તેને ખૂબ વિશાળ સત્તા પ્રાપ્ત થઈ છે. તેની મૂળ સત્તા  હકૂમત  – ઓરિજિનલ જ્યુરિસડિક્શન – નીચે પ્રમાણે છે :

ભારત સરકાર અને કોઈ રાજ્યસરકાર/સરકારો વચ્ચેના અથવા રાજ્યસરકારોની અંદરોઅંદરના કોઈ કાયદાના મુદ્દા અંગેના વિવાદોનો નિકાલ કરવાની બાબતનો સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકૂમતમાં સમાવેશ થાય છે.

મૂળભૂત અધિકારોના અમલની બાબત અંગેના વિવાદો પણ સર્વોચ્ચ ન્યાયાલયની સત્તામાં આવે છે. મૂળભૂત અધિકારોનો અમલ કરાવવા અને યોગ્ય કાર્યવહીથી સર્વોચ્ચ ન્યાયાલય પાસે દાદ માગવાનો અધિકાર પણ ભારતીય સંવિધાનમાં મૂળભૂત અધિકારની અંતર્ગત આવે છે. મૂળભૂત અધિકારોના અમલ માટે સર્વોચ્ચ ન્યાયાલય યોગ્ય આદેશો, હુકમો કે રિટ આપી શકે છે. રાજકીય સ્વરૂપના કોઈ પણ વિવાદનો સર્વોચ્ચ ન્યાયાલયની મૂળ હકૂમતમાં સમાવેશ થતો નથી.

સર્વોચ્ચ ન્યાયાલયની અપીલ-સત્તા વિશાળ છે. તે સર્વોચ્ચ અપીલ કોર્ટ છે. બંધારણીય બાબતો અંગેના કોઈ વડી અદાલતના ચુકાદા ઉપર સર્વોચ્ચ ન્યાયાલયમાં  અપીલ થઈ શકે છે. વડી અદાલતના દીવાની કાર્યવહીમાંના ફેંસલા, હુકમનામાં કે હુકમ અંગેના ચુકાદાઓ પર સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ થઈ શકે છે. સંબંધિત કેસમાં સામાન્ય મહત્વના કાયદાનો સૈદ્ધાંતિક પશ્ન સમાયેલો હોય અને તે પ્રશ્ન અંગે સર્વોચ્ચ ન્યાયાલય નિર્ણય કરે એ જરૂરી હોય ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ થઈ શકે છે.

ફોજદારી બાબતો અંગે પણ સર્વોચ્ચ ન્યાયાલય પાસે મહત્વની સત્તા રહેલી છે. આરોપીના દોષમુક્તિના હુકમને ફેરવીને કોઈ વડી અદાલતે તેને મોતની સજા કરી હોય અથવા પોતાની સમક્ષની ફોજદારી કાર્યવહીમાં પ્રથમ વાર જ મોતની સજા કરી હોય, ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ કરી શકાય છે. કોઈ કેસની બાબતમાં સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ કરવા યોગ્ય છે એવું પ્રમાણપત્ર વડી અદાલતે આપ્યું હોય ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયમાં તે બાબત અંગે અપીલ થઈ શકે છે.

સર્વોચ્ચ ન્યાયાલયની સામાન્ય અપીલ  સત્તા ઉપરાંત સર્વોચ્ચ ન્યાયાલય પાસે પોતાની વિવેકબુદ્ધિ અનુસાર પણ ભારતની કોઈ કોર્ટ કે ટ્રિબ્યૂનલે આપેલા ચુકાદા સામે અપીલ રજૂ કરવાની ખાસ પરવાનગી કોઈ પણ ન્યાયાર્થીને આપવાની સત્તા છે.

સર્વોચ્ચ ન્યાયાલયને વિશિષ્ટ, સલાહકારી સત્તા પણ છે. રાષ્ટ્રપતિને કોઈ પણ સમયે એમ જણાય કે કાયદાનો કે હકીકતનો, જાહેર મહત્વનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો છે અથવા થવાનો સંભવ છે અને તે અંગે સર્વોચ્ચ ન્યાયાલયનો અભિપ્રાય મેળવવો ઇષ્ટ છે તો તેઓ સર્વોચ્ચ ન્યાયાલયને તે પ્રશ્ન વિચારણા માટે મોકલી શકે છે અને સર્વોચ્ચ ન્યાયાલય પોતાને યોગ્ય લાગે એવી રીતે સુનાવણી કર્યા બાદ રાષ્ટ્રપતિને પોતાનો અભિપ્રાય જણાવી શકે છે.

વડી અદાલત (High Court) : રાજ્યના ન્યાયતંત્રમાં વડી અદાલત અને તેના તાબાની કોર્ટનો સમાવેશ થાય છે. ભારતમાં ન્યાયતંત્રની વ્યવસ્થામાં સર્વોચ્ચ કક્ષાએ સર્વોચ્ચ ન્યાયાલય છે, અને તેના પછી તેના હેઠળ રાજ્યોની વડી અદાલતો છે. ભારતના સંવિધાનની જોગવાઈઓને તથા ધારાસભાએ કરેલા કાયદાઓની જોગવાઈઓને અધીન રહીને રાજ્યની વડી અદાલત રાજ્યના કાયદાઓનો અમલ કરાવે છે. ભારતના નાગરિકોના મૂળભૂત તથા બીજા કાનૂની અધિકારોના અમલ માટે કોઈ સત્તાધીશને અને યોગ્ય પ્રસંગે કોઈ સરકારને આજ્ઞાઓ  આદેશો અને રિટ આપવાની વડી અદાલતને સત્તા છે.

વડી અદાલતના તાબાની જિલ્લા અદાલતો તથા અન્ય ટ્રિબ્યૂનલોના ચુકાદાઓ ઉપર અપીલ સાંભળવાનો વડી અદાલતને અધિકાર છે. વડી અદાલત રાજ્યની તમામ અદાલતો ઉપર દેખરેખ રાખવાની સત્તા ધરાવે છે. આ સત્તા માત્ર વહીવટી બાબતો પૂરતી જ મર્યાદિત નથી. તેમાં ન્યાયવિષયક બાબતોનો પણ સમાવેશ થાય છે.

ભારતની વડી અદાલતોને રિટ અથવા આદેશ કાઢવાની જે સત્તા આપવામાં આવી છે, તે ભારતીય સંવિધાનનું એક અગત્યનું લક્ષણ છે. ઇંગ્લૅન્ડની ન્યાયિક પદ્ધતિમાં, કોર્ટોને પ્રજાની સ્વતંત્રતાનું અને અન્ય મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા રિટ કાઢવાની જેવી સત્તા છે તેવી જ સત્તા ભારતની હાઈકોર્ટોને આપવામાં આવી છે.

વડી અદાલત પછી, તેના તાબા હેઠળનાં ન્યાયાલયો હોય છે, તેમાં જિલ્લા ન્યાયાલયો તથા અન્ય દીવાની અને ફોજદારી કોર્ટોનો સમાવેશ થાય છે. પ્રત્યેક ન્યાયાલયને તેની નિર્દિષ્ટ ભૌગોલિક – સ્થાનીય તેમ જ વિષયવસ્તુ સંબંધી સત્તા હોય છે, અને કાયદાઓને અધીન રહીને આ કોર્ટો પોતાના અધિકાર-ક્ષેત્રમાં આવતી બાબતો અંગે ચુકાદા આપી શકે છે.

ન્યાયતંત્રની સ્વતંત્રતા : ન્યાયતંત્ર રાજ્યના કારોબારી – વહીવટી તંત્રથી સ્વતંત્ર અને સ્વાયત્ત હોય એ લોકશાહીની અનિવાર્ય જરૂરિયાત છે. ન્યાયતંત્રમાં થતી નિમણૂકો તથા નિમાયેલા ન્યાયાધીશોની નોકરી અને કામગીરી અંગેની બાબતો પર કોઈ પ્રકારનું રાજકીય કે અન્ય બાહ્ય દબાણ ન હોવું જોઈએ, અને ન્યાય માંગવા આવેલ પ્રત્યેક વ્યક્તિને તટસ્થ-નિષ્પક્ષ ન્યાય મળશે, એવી ખાતરી હોવી જોઈએ.

ભારતની સર્વોચ્ચ ન્યાયાલય તથા રાજ્યોની વડી અદાલતો તટસ્થપણે અને સ્વતંત્ર રીતે પોતાની ફરજો બજાવી શકે તે માટે સંવિધાનમાં નોંધપાત્ર જોગવાઈઓ કરવામાં આવી છે. આ બંને પ્રકારનાં ન્યાયાલયોના ન્યાયાધીશો તેમની નિવૃત્તિવય સુધીની મુદત માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થાય છે અને તેમને હોદ્દા પરથી દૂર કરવાની વિશિષ્ટ પ્રક્રિયા નિર્ધારિત કરવામાં આવી છે.

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. આ માટે ધારાધોરણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોમાંથી જ તેમની વરિષ્ઠતાના ધોરણે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક થાય એવી અપેક્ષા રહે છે. સર્વોચ્ચ ન્યાયાલયના અન્ય ન્યાયમૂર્તિઓની નિમણૂક મુખ્ય ન્યાયમૂર્તિ જોડે વિચારવિમર્શ કરીને ભારતના રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યોની વડી અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ, સંબંધિત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ તથા તે રાજ્યના રાજ્યપાલની જોડે વિચારવિમર્શ કરીને કરે છે. રાજકીય અને અન્ય પ્રકારનાં દબાણો અસરકારક ન બની શકે તે અંગે પણ વૈકલ્પિક વ્યવસ્થા સૂચવવામાં આવી છે. તે પ્રમાણે સમગ્ર ન્યાયતંત્રની નિમણૂકો તથા તેની સ્વાયત્તતા સુનિશ્ચિત કરવા રાષ્ટ્રીય ન્યાયિક કમિશન(National Judicial Commission)ની રચના કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. ન્યાયતંત્રને લગતી તમામ બાબતો કારોબારીની સત્તાના પરિપ્રેક્ષ્યમાંથી દૂર કરી આ સૂચિત કમિશનને સોંપવાનું જણાવવામાં આવ્યું છે. પ્રવર્તમાન સંદર્ભમાં જ્યારે રાજ્યનાં અન્ય અંગોની વિશ્વસનીયતા ઘટતી જણાય છે, ત્યારે ન્યાયતંત્રની વિશ્વસનીયતા મહદંશે જળવાઈ રહી છે. આને પરિણામે જાહેર બાબતોને લગતા વિવાદોમાં લોકો ન્યાયિક તપાસ કરાવવાની માગણી રજૂ કરે છે.

ભારતીય બંધારણ અનુસાર ન્યાયતંત્ર લોકશાહીનો ત્રીજો સ્તંભ છે. દેશમાં ન્યાયાધીશોની પસંદગી માટે કોલેજિયમ પદ્ધતિ કામ કરતી હતી. આ પદ્ધતિ અનુસાર વરિષ્ઠતા(સિનિયૉરિટી)ના ધોરણ મુજબ પસંદગી પામેલા પાંચ ન્યાયાધીશોની કમિટી ઉચ્ચ ન્યાયાલયોના ન્યાયાધીશોની પસંદગી કરે. ન્યાયતંત્ર લોભ, લાલચ કે દબાણ હેઠળ ન આવે એટલે શાસકીય હસ્તક્ષેપથી તેને દૂર રાખવા આ પદ્ધતિ સ્વીકાર પામેલી.

ન્યાયિક સુધારા વિધેયકથી આ કોલેજિયમ પ્રણાલી અંત લાવી ન્યાયિક પંચ(જ્યુડિશિયલ કમિશન)ની રચના કરવાની પદ્ધતિ માન્ય રાખવામાં આવી. આ ન્યાયિક પંચ ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક કરે તેમ ઠરાવવામાં આવ્યું. આ ન્યાયિક પંચના સભ્યોની પસંદગી સરકાર કરશે તેવું પણ સુધારા વિધેયકમાં જણાવવામાં આવ્યું. આ ન્યાયિક પંચમાં સર્વોચ્ચ અદાલતના બે વરિષ્ઠ ન્યાયાધીશ ઉપરાંત કાયદા-મંત્રી કમિટીમાં સામેલ હશે. વધુમાં વડાપ્રધાન અને વિપક્ષના નેતાએ સૂચવેલા બે અન્ય ક્ષેત્રના સભ્યો પણ તેમાં સામેલ હશે. આમ તેની રચનામાં રાજકારણીઓની બહુમતી રહે તેમ બને. આથી આ સુવિધા વિધેયક ખૂબ વિવાદાસ્પદ બન્યું. ઉચ્ચ અદાલતોના ન્યાયાધીશોની નિમણૂકમાં ન્યાયિક પંચને મુખ્ય દોર સાંપડતાં હવે તેમાં રાજકારણ ભળશે એમ માનવામાં આવે છે, એથી ન્યાયપ્રક્રિયાને નુકસાન થાય તેવો ભય સેવવામાં આવે છે.

ન્યાય માટે વૈકલ્પિક વ્યવસ્થા : કલ્યાણરાજ્યના સંદર્ભમાં લોકોનાં જીવનનાં વિવિધ ક્ષેત્રોને સ્પર્શતા કલ્યાણલક્ષી કાયદાઓ વધતા જાય છે, અને લોકોમાં પણ પોતાના અધિકારો અંગે જાગૃતિ આવી છે; તેથી વિવિધ કાયદાઓ હેઠળ પ્રાપ્ત થયેલા પોતાના અધિકારોના રક્ષણ માટે લોકો ન્યાયાલયોનો વધારે ને વધારે આશ્રય લેતા થયા છે. આથી વધારે ને વધારે કેસો કોર્ટો સમક્ષ આવતા જાય છે. આના પ્રમાણમાં ન્યાયાધીશોની સંખ્યા તથા કોર્ટની કાર્યવહી માટે જરૂરી સાધનસામગ્રી ને વ્યવસ્થા વધ્યાં-વિકસ્યાં નથી, તેથી કોર્ટોમાં કામનો ભરાવો થતો રહ્યો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા કેસોના નિકાલ માટે લોકઅદાલતો જેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ અમલમાં મૂકવામાં આવી છે.

ટ્રિબ્યૂનલ : કલ્યાણરાજ્યના સંદર્ભમાં વિવિધ ક્ષેત્રોને લાગુ પડતા કાયદાઓ કરવામાં આવે છે. આ કાયદાઓનાં અર્થઘટન તથા તે સંબંધી કેસોના નિકાલ માટે કાયદાના જ્ઞાન ઉપરાંત સંબંધિત ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન તથા તે ક્ષેત્રની જાણકારી હોવી જરૂરી છે. સામાન્ય કોર્ટોની લંબાણપૂર્વકની પ્રક્રિયાઓ અને કાર્યપદ્ધતિથી વિશિષ્ટ ક્ષેત્રોના કાયદાઓનો અમલ તેમના ઉદ્દેશો પ્રમાણે થઈ શકતો નથી. આવી પરિસ્થિતિમાં વિવિધ કાયદાઓના અમલ માટે વિવિધ ટ્રિબ્યૂનલોની રચના કરવામાં આવે છે; જેમ કે, આવકવેરા અપેલેટ ટ્રિબ્યૂનલ, ઔદ્યોગિક ટ્રિબ્યૂનલ, કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યૂનલ, વેચાણવેરા ટ્રિબ્યૂનલ વગેરે. આ ટ્રિબ્યૂનલોને સામાન્ય રીતે દીવાની કાર્યરીતિ અધિનિયમ તથા પુરાવા અધિનિયમનની જોગવાઈઓ લાગુ પડતી નથી. આ ટ્રિબ્યૂનલો પોતાની કાર્યરીતિ-વિષયક નિયમો ઘડે છે અને કામનો ત્વરિત નિકાલ થઈ શકે એવી વ્યવસ્થા ગોઠવે છે. આ ટ્રિબ્યૂનલોમાં, ન્યાયિક ક્ષેત્રનો અનુભવ ધરાવનાર ઉપરાંત સંબંધિત ક્ષેત્રની વિશિષ્ટ જાણકારી અને અનુભવ ધરાવનાર વ્યક્તિઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેથી સંબંધિત ક્ષેત્રની વિશિષ્ટ સમજણ મેળવી, તેની પરિસ્થિતિનો અભ્યાસ કરી, ન્યાયના સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે છે. આ ટ્રિબ્યૂનલોની કાર્યવહીમાં નૈસર્ગિક ન્યાયનાં ધોરણોનું પાલન કરવામાં આવે છે. તેમના ચુકાદાઓ ઉપર હાઈકોર્ટ અને સર્વોચ્ચ ન્યાયાલયમાં અપીલ કરવાની જોગવાઈ રાખવામાં આવે છે.

લોક-અદાલત : કોર્ટોમાં કેસોનો ભરાવો ઘટાડવા માટે લોક-અદાલતની સંસ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ લોક-અદાલતમાં ન્યાયાધીશો ન્યાયાધીશો તરીકે નથી બેસતા, પણ ન્યાયાધીશો, નિવૃત્ત ન્યાયાધીશો અને સામાજિક કાર્યકરો સાથે મળી, જુદા જુદા વિષયો સંબંધી કેસોનો નિકાલ કરવા માટે જુદી જુદી પૅનલો બનાવવામાં આવે છે. આ પૅનલ બંને પક્ષકારોને સાંભળી, બંને પક્ષકારો વચ્ચેના વિવાદને ઘટાડવાનો પ્રયાસ કરે છે અને બંનેને સ્વીકાર્ય એવું સમાધાન કરાવે છે. લોક-અદાલતમાં વકીલો વકીલો તરીકે ઉપસ્થિત રહેતા નથી. તેની કોઈ નિશ્ચિત  વૈધાનિક કાર્યરીતિ હોતી નથી. બિનઔપચારિક રીતે બંને પક્ષકારો વચ્ચે વાત થાય છે, અને મતભેદ ઘટાડીને પક્ષકારોને સ્વીકાર્ય હોય તેવું સમાધાન કરાવવામાં આવે છે. આ પ્રયોગ પ્રમાણમાં ઘણો સફળ નીવડ્યો છે. ખાસ કરીને મોટર-અકસ્માતના વળતરના, નાણાંની લેવડદેવડના, લગ્નજીવન–ભરણપોષણના અને બીજા એ પ્રકારના સામાન્ય કેસોનો નિકાલ મોટી સંખ્યામાં આવી લોક-અદાલતો ભરીને કરવામાં આવે છે. આ અદાલતોને પીઠબળ મળે તે હેતુથી તે અંગે કાયદો પણ કરવામાં આવ્યો છે, તેથી આ લોક-અદાલતોને વૈધિક સ્વરૂપ પ્રાપ્ત થયું છે. ગુજરાત રાજ્યમાં સર્વપ્રથમ આ લોક-અદાલતનો પ્રયોગ શરૂ થયો અને હવે તો આખા દેશમાં વ્યાપક ધોરણે તે સ્વીકારાયો છે.

સમાધાન : કોર્ટની કાર્યવહીની બહાર રહીને, જો વિવાદોનો ઉકેલ લાવવામાં આવે, તો તે પક્ષકારોના લાભમાં રહે છે તથા કોર્ટો પરનું કામનું ભારણ પણ ઘટે છે. દીવાની કેસોમાં સમાધાનની પદ્ધતિ સ્વીકારવાથી ઘણી રાહત થાય છે.

કોર્ટમાં કાર્યવહી કરીને છેલ્લે સુધી લડીને, અપીલો કરીને, કોઈ વિવાદનો નિકાલ લાવવા કરતાં, બંને પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાન કરાવી, વિવાદનો ઉકેલ લાવવો એ વધારે સારો માર્ગ છે. લૉ કમિશન ઑવ્ ઇન્ડિયાએ પોતાના 77મા રિપોર્ટમાં સમાધાન અને લવાદી અંગે વિસ્તૃત ભલામણો કરી છે. સમાધાનની બિનઔપચારિક પ્રક્રિયાથી બંને પક્ષકારો ખુલ્લા દિલે રજૂઆત કરે છે, તેથી ઘણી ગેરસમજ દૂર થઈ શકે છે, અને વિવાદનાં ખરાં કારણોનો યોગ્ય ઉકેલ મળે છે.

લવાદી : સમાધાનથી જો ઉકેલ ન આવે, તો લવાદીનો માર્ગ પણ સ્વીકારવો જોઈએ એમ લૉ કમિશનનો 77મો રિપોર્ટ જણાવે છે. ખાસ કરીને વ્યાપારી લેવડદેવડ કે કરારની બાબતોમાં અને એવી બીજી બાબતોમાં પક્ષકારો વચ્ચે વિવાદ હોય ત્યારે બંને પક્ષકારો પોતાની રજૂઆત લવાદ સમક્ષ કરે તે બંને માટે હિતાવહ છે. લવાદ તટસ્થ અને કાયદાના જાણકાર તેમ જ વિવાદની વસ્તુવિષય-સંબંધી વિશિષ્ટ જાણકારી ધરાવતા હોઈને પોતાની સમક્ષ થયેલી રજૂઆતોને સ્પષ્ટ રીતે સમજી શકે અને નાણી શકે અને તેના આધારે પોતાનો તટસ્થ ચુકાદો આપી શકે. આમ કરવાથી કોર્ટની ખર્ચાળ અને વિલંબકારી પ્રક્રિયાથી બચી જવાય છે; મનદુ:ખની લાગણી પણ ઓછી રહે છે. લવાદીની કાર્યવહીમાં પણ વૈધાનિક કાર્યરીતિ કરવાની રહેતી નથી. તેની કાર્યપદ્ધતિ સરળ રહે છે. વિવિધ વ્યાપારી મંડળો પોતાના સભ્યો માટે લવાદીની પ્રથાની ભલામણ અને તે સાથે તે માટેની વ્યવસ્થા પણ કરતાં હોય છે. આવાં વ્યાપારી મંડળોની લવાદીની પ્રથા ઘણી ઉપયોગી હોવાનું જણાયું છે.

ન્યાયિક ક્રિયાપરાયણતા (judicial activism) : કલ્યાણરાજ્યના સંદર્ભમાં વિવિધ સામાજિક હેતુઓ માટે તથા સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે અનેક કાયદાઓ કરવામાં આવે છે, પણ કોર્ટોની વૈધાનિક, વિલંબકારી અને ખર્ચાળ પદ્ધતિને કારણે જેમના લાભ માટે આ કાયદાઓ કરવામાં આવે છે, તેમને તેનો પૂરતો લાભ મળે છે એમ કહેવાય નહીં. આ વર્ગના લોકો ઘણી વાર તો આવા કાયદાઓની જાણકારી પણ ધરાવતા હોતા નથી અને જાણતા હોય તોપણ કોર્ટ સમક્ષ પોતાનો કેસ રજૂ કરવાની આર્થિક શક્તિ ધરાવતા હોતા નથી.

આ સંદર્ભમાં કોર્ટોએ જાહેર હિતની બાબતોમાં ઉદાર વલણ અપનાવી, પોતે જ તેમાં સક્રિય રસ લઈ તેની કાર્યવહીને સરળ બનાવવામાં મદદ કરી છે. સમાજના નબળા વર્ગો પોતાનો કેસ લડી શકવા સમર્થ ન હોય તેવી વ્યક્તિઓને તેમના લાભ માટે થયેલા કાયદાઓના લાભ મળી શકે તે માટે જાહેર હિતની દાદઅરજી (Public Interest Petition)નો કોર્ટ સ્વીકાર કરે છે. કેટલીક વખતે તો કાયદાઓના ભંગથી થતો અન્યાય દૂર કરવા કોર્ટ પોતે જ સ્વયં કાર્યવહી હાથ ધરે છે અને ન્યાય અપાવે છે. આવી ન્યાયિક ક્રિયાપરાયણતા હવે સ્વીકાર્ય  લોકમાન્ય  બની ગઈ છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday