નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ
(પરક્રામ્ય સંલેખ વટાઉખત અધિનયમ)
કોઈ ચોક્કસ રકમ અન્ય વ્યક્તિ પાસેથી મેળવવાનો હક્ક ઉત્પન્ન થતો હોય અને એ હક્ક ત્રાહિત વ્યક્તિને આપવા કે તબદીલ કરવા માટે કોઈ અલાયદા દસ્તાવેજ કરવાની આવશ્યકતા ન હોય તેવા સંલેખને લગતો કાયદો. વેપારી રસમ મુજબ શાહજોગ હૂંડી, ડિલિવરી ઑર્ડર, રેલવે-રસીદ, ડિવિડન્ડ વૉરન્ટ વગેરે પરક્રામ્ય (negotiable) ગણાય છે; પણ ભારતના 1881ના નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટની ક. 13ની વ્યાખ્યા અનુસાર પરક્રામ્ય સંલેખ એટલે હુકમ પ્રમાણે અથવા તેના ધારકને ચૂકવવાપાત્ર વચનચિઠ્ઠી, વિનિમયપત્ર અથવા ચેક. આ વ્યાખ્યામાં દર્શાવેલ ત્રણ પ્રકારના સંલેખોને 1881નો કાયદો લાગુ પડે છે. એ સિવાયના પરક્રામ્ય સંલેખોની બાબતમાં સ્થાનિક રસમ લાગુ પડે છે.
સ્થાવર-જંગમ મિલકત સિવાયની જે સૂક્ષ્મ મિલકત હોય છે તેને તબદીલ કરવાની બે રીત હોય છે : (1) એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસેથી કોઈ લેણું અથવા વસ્તુ મેળવવાનો હક્ક ધરાવતી હોય તો તે આવો સૂક્ષ્મ હક્ક ત્રીજી વ્યક્તિને તબદીલ કરવા માટે સોંપણી(assignment)નો લેખ કરી આપે છે અને તે ત્રીજી વ્યક્તિ, જેના નામે લેખ કરી આપવામાં આવેલો હોય તે મુખત્યાર (assignee) બને છે. (2) પરક્રમણ (negotiation) બે રીતે થાય છે : જો પ્રો-નોટ, વિનિમયપત્ર કે ચેક ધારક(bearer)ને ચૂકવવાપાત્ર હોય તો તેની સોંપણી કરવાથી તેની તબદીલી થાય છે. પણ પ્રો-નોટ, વિનિમયપત્ર કે ચેક ‘હુકમ અનુસાર’ (order) ચૂકવવાપાત્ર હોય તો એના પર નિર્દેશિત ત્રાહિત વ્યક્તિને રકમ ચૂકવવા માટેનો શેરો કરવાથી અને એ ત્રાહિત વ્યક્તિને સોંપવાથી પરક્રમણ થાય છે અને એ સંલેખની રકમ મેળવવાનો હક્ક નિર્દેશિત ત્રાહિત વ્યક્તિને પ્રાપ્ત થાય છે.
સોંપણી અને પરક્રમણ વચ્ચે નીચે મુજબનો તફાવત છે : (1) સોંપણી એક પ્રકારનો કરાર હોવાથી સોંપણીથી હક્ક પ્રાપ્ત કરનારે અવેજ ચૂકવ્યો હોવાની હકીકત સાબિત કરવી પડે. જ્યારે પરક્રમણથી ઇન્સ્ટ્રુમેન્ટ મેળવનારે અવેજ સાબિત કરવો પડતો નથી. એણે અવેજ આપ્યો જ હશે એમ માની લેવામાં આવે છે. (2) સોંપણીથી હક્ક આપનાર વ્યક્તિનો માલિકીહક્ક ખામીભર્યો હોય તો તે ખામી સોંપણી લેનારને પણ નડે છે. જ્યારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેળવનાર ત્રાહિત વ્યક્તિએ જો શુદ્ધ દાનતથી એ સંલેખ મેળવ્યો હોય તો તે ખામીરહિત હક્ક પ્રાપ્ત કરે છે અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ લખી આપનાર વ્યક્તિ ગુણદોષ પર કોઈ પણ બચાવ કરી શકતી નથી. (3) સોંપણી કરતી વખતે સોંપણીની નોટિસ કે સૂચના સંલેખ લખી આપનાર કે જવાબદાર વ્યક્તિને આપવી પડે છે કે જેથી લખી આપનાર દેવાદાર પોતાની જવાબદારી મુખત્યાર (assignee) પ્રત્યે અદા કરી શકે. આવી નોટિસ ન મળે ત્યાં સુધી મુખત્યાર (assignee) પ્રત્યે તેની કોઈ જવાબદારી હોતી નથી. આથી ઊલટું, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના પરક્રમણ કે તબદીલી માટે દેવાદારને કોઈ નોટિસ આપવી જરૂરી હોતી નથી. જ્યારે પરક્રમણથી હક્ક મેળવનાર વ્યક્તિ માગણી કરે ત્યારે જવાબદાર પક્ષકાર નાણાં ચૂકવવા બંધાયેલો છે. તે એવો બચાવ ન કરી શકે કે તેને પરક્રમણની જાણ નહોતી.
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટની ક. 4માં આપેલ વ્યાખ્યા મુજબ વચનચિઠ્ઠી (promissory note) એટલે એવો સંલેખ કે જે લખનારે તેમાં સહી કરીને કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ લાવનારને ચોક્કસ રકમ ચૂકવવાની બિનશરતી બાંયધરી આપી હોય. વચનચિઠ્ઠી લિખિત હોવી જોઈએ. નાણાં ચૂકવવાનું મૌખિક વચન માત્ર મૌખિક કરાર છે અને તે સાબિત થાય તો કરારનો અમલ કરાવી શકાય. પણ એ વચનચિઠ્ઠી ન કહેવાય. વચનચિઠ્ઠીમાં રકમ ચૂકવવાની બાંયધરી હોવી જોઈએ. માત્ર દેવાની કબૂલાત ન ચાલી શકે. આ બાંયધરી બિનશરતી હોવી જોઈએ. અચોક્કસ બનાવ પર આધારિત વચન વચનચિઠ્ઠી ન બની શકે. પણ જે બનાવ ભવિષ્યમાં ચોક્કસ થવાનો છે એ પર આધારિત વચનને વચનચિઠ્ઠી ગણી શકાય. વચનચિઠ્ઠી પર લખનારની સહી હોવી જોઈએ. લખનારના અક્ષર ઓળખાતા હોય છતાં એની સહી વિનાનું લખાણ વચનચિઠ્ઠી ગણાતું નથી. ચૂકવવાપાત્ર રકમ ચોક્કસ હોવી જોઈએ. વચનચિઠ્ઠીમાં માત્ર નાણાં ચૂકવવાનું વચન હોવું જોઈએ. અન્ય કોઈ ચીજ આપવાનું વચન વચનચિઠ્ઠી નથી. જેને રકમ ચૂકવવાની છે એ આદાતા કે લેનાર (payee) ચોક્કસ વ્યક્તિ હોવી જોઈએ અને વચનચિઠ્ઠી પર તેનો સ્પષ્ટ નિર્દેશ કરેલો હોવો જોઈએ.
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટની ક. 5માં આપેલ વ્યાખ્યા મુજબ વિનિમયપત્ર (bill of exchange) એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે કોઈ ચોક્કસ વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ લાવનારને ચોક્કસ રકમ ચૂકવવા કોઈ ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી તેમાં પોતાની સહી કરી હોય.
આમ વિનિમયપત્રમાં બાંયધરી કે વચન નથી, પણ હુકમ છે, જે લખનાર (drawer) કહેવાય છે, જે વ્યક્તિને ઉદ્દેશીને હુકમ કરવામાં આવ્યો હોય એ અદાકર્તા (drawee) કહેવાય છે અને જે વ્યક્તિ રકમ મેળવવા હક્કદાર બને છે એ આદાતા કે રકમ લેનાર (payee) કહેવાય છે. સ્વાભાવિક રીતે જ આવો હુકમ કોઈ વ્યક્તિ દેવું કરતી વખતે કે માલ ખરીદતી વખતે પોતાના લેણદારના લાભમાં લખી આપે છે અને એ હુકમ પોતાના દેવાદારને ઉદ્દેશીને કરેલો હોય છે.
વિનિમયપત્ર લેખિત હોવું જોઈએ; તેમાં નાણાં ચૂકવવાનો હુકમ હોવો જોઈએ; માત્ર વિનંતી ન ચાલી શકે; હુકમ બિનશરતી હોવો જોઈએ. કોઈ અચોક્કસ બનાવ પર આધારિત હુકમ વિનિમયપત્ર નથી; વિનિમયપત્ર પર લખનારની સહી હોવી જોઈએ; જેને ઉદ્દેશીને હુકમ કરવામાં આવ્યો હોય એ વ્યક્તિ (અદાકર્તા) ચોક્કસ હોવી જોઈએ; જેને રકમ ચૂકવવાપાત્ર હોય તે આદાતા એ વ્યક્તિ પણ ચોક્કસ હોવી જોઈએ; તે માત્ર નાણાં ચૂકવવાનો હુકમ હોવો જોઈએ અને ચૂકવવાપાત્ર રકમ ચોક્કસ હોવી જોઈએ. મૂળભૂત રીતે જોતાં વચનચિઠ્ઠી લખાય ત્યારે બે જ પક્ષકાર હોય છે : લખનાર અને આદાતા, અને લખનાર વચનચિઠ્ઠીની રકમ ચૂકવવાની પ્રાથમિક જવાબદારી માથે લે છે. એથી ઊલટું વિનિમયપત્ર લખાય ત્યારે ત્રણ પક્ષકારો થાય છે : લખનાર, અદાકર્તા અને આદાતા.
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટની કલમ 6માં આપેલ વ્યાખ્યા મુજબ ચેક એટલે નિર્દિષ્ટ શરાફ (બૅન્કર) પર લખેલ અને માગણી થતાં તેના દ્વારા ચૂકવવાપાત્ર વિનિમયપત્ર. ચેક વિનિમયપત્રનો એક વિશિષ્ટ પ્રકાર છે, અને તેમાંનો નાણાંં ચૂકવવા અંગેનો હુકમ માત્ર બૅન્કરને ઉદ્દેશીને કરવામાં આવ્યો હોય છે. ચેકબુક ધરાવનાર વ્યક્તિ બૅન્કમાં ખાતું ધરાવતી હોય છે, અને તેથી બૅન્કમાં થાપણ તરીકે મૂકેલી પોતાની રકમ ઉપાડવાનો એને હક્ક છે; એ હક્કની રૂએ અમુક રકમ ત્રાહિત વ્યક્તિ આદાતાને ચૂકવવાનો તે ચેક દ્વારા હુકમ કરી શકે છે. વચનચિઠ્ઠી કે વિનિમયપત્રમાં જો નાણાં ચૂકવવા માટે કોઈ ચોક્કસ સમયનો ઉલ્લેખ ન હોય તો તે માગણી થતાં તરત ચૂકવવાપાત્ર હોય છે જ્યારે ચેક હંમેશ માગણી થતાં ચૂકવવાપાત્ર છે. ‘માગણી થતાં’ ચૂકવવાપાત્ર ન હોય એવા સંલેખ મુદતી સંલેખ હોય છે; અને એ ‘રજૂઆત પછી’ કે ‘દેખાડ પછી’ અમુક સમયે ચૂકવવાપાત્ર હોય છે.
આવા સંલેખોનાં નાણાં ચૂકવવા માટે દર્શાવેલી મુદતની ગણતરી લેખની રજૂઆત પછી જ શરૂ થાય છે. આવી વચનચિઠ્ઠી ધારણ કરનાર એ વચનચિઠ્ઠી લખનાર સમક્ષ રજૂ કરે તે પછી તેમાં લખેલી મુદત વીત્યા બાદ ચૂકવવાપાત્ર બને, તે જ પ્રમાણે વિનિમયપત્ર ધારણ કરનાર એ લેખ અદાકર્તા સમક્ષ રજૂ કરે અને અદાકર્તા જવાબદારી સ્વીકારે તે પછી તેમાં લખેલી મુદત વીત્યા બાદ તેમાંની રકમ ચૂકવવા અદાકર્તા સ્વીકારનાર– જવાબદાર બને છે. આમ આવા સંલેખો બે વખત રજૂ કરવા પડે છે : ‘દેખાડ માટે’ અને ‘ચુકવણી માટે’. જે દિવસે વચનચિઠ્ઠી કે વિનિમયપત્ર ચૂકવવાપાત્ર બને તે દિવસે તે પરિપક્વ થયું ગણાય છે. જે સંલેખ ‘માગણી થતાં’, ‘દેખાડ થતાં’ કે ‘રજૂઆત થતાં’ ચૂકવવાપાત્ર ન હોય તેમાં જે દિવસે રકમ ચૂકવવાનો ઉલ્લેખ હોય તે પછીના છૂટના ત્રીજા દિવસે પરિપક્વ બને છે. જો ‘રજૂઆત પછી’ કે સંલેખની તારીખ પછી અમુક મહિને ચૂકવવાપાત્ર સંલેખ હોય તો તેટલા મહિના ગણી તે જ તારીખે સંલેખ પરિપક્વ બને છે; તે તારીખ તે મહિનામાં ન હોય તો મહિનાની છેલ્લી તારીખે પરિપક્વ થાય છે. પરિપક્વતાની તારીખે રવિવાર કે રજાનો દિવસ હોય તો તેના આગલા દિવસે સંલેખ પરિપક્વ થાય છે. વચનચિઠ્ઠી અને વિનિમયપત્ર જેવા સંલેખો કોઈ ચોક્કસ વ્યક્તિના હુકમ અનુસાર અથવા સંલેખ લાવનારને ચૂકવવાપાત્ર હોય છે. એટલે કે ધારકને (લાવનારને) અથવા ‘હુકમ મુજબ’ ચૂકવવાપાત્ર હોય છે.
જે સંલેખની ચુકવણી ધારકને કરવાની હોય તે બેરર-ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય છે. સંલેખમાં આદાતા તરીકે કોઈ વ્યક્તિનું નામ લખી વિકલ્પે ધારકને રકમ ચૂકવવાનો ઉલ્લેખ હોય તો તે પણ બેરર-ઇન્સ્ટ્રુમેન્ટ ગણાય છે. તે જ પ્રમાણે જે લેખ પરનો એકમાત્ર અથવા છેવટનો શેરો સાદો શેરો (endorsement in blank) હોય તે લેખ દેખીતી રીતે બેરર ઇન્સ્ટ્રુમેન્ટ નહિ હોવા છતાં છેવટના સાદા શેરાના કારણે બેરર-ઇન્સ્ટ્રુમેન્ટ બની જાય છે. બેરર ઇન્સ્ટ્રુમેન્ટની રકમ પ્રાપ્ત કરવાનો હક્ક માત્ર સોંપણીથી આપી શકાય છે.
જે સંલેખમાં રકમ કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેના હુકમ મુજબ ચૂકવવાનો ઉલ્લેખ હોય તે સંલેખ ઑર્ડર ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઑર્ડર ઇન્સ્ટ્રુમેન્ટની રકમ પ્રાપ્ત કરવાનો હક્ક શેરો કરીને ડિલિવરી આપવાથી પસાર કરી શકાય છે.
પરક્રામ્ય દસ્તાવેજોના અન્ય પ્રકારો : અંતર્દેશીય ઇન્સ્ટ્રુમેન્ટ એટલે જે ઇન્સ્ટ્રુમેન્ટ ભારતમાં બનાવવામાં આવ્યું હોય (drawn or made in India), અને ભારતમાં ચૂકવવાપાત્ર હોય અથવા ભારતમાં રહેતી વ્યક્તિને ઉદ્દેશીને લખવામાં આવ્યું હોય. બાકીનાં ઇન્સ્ટ્રુમેન્ટ વિદેશી કહેવાય છે. સંલેખ પરદેશમાં લખાયેલો હોય અથવા સંલેખ પરદેશમાં રહેતી વ્યક્તિને ઉદ્દેશીને લખાયેલો હોય અને પરદેશમાં જ ચૂકવવાપાત્ર હોય ત્યારે તે વિદેશી ઇન્સ્ટ્રુમેન્ટ ગણાય છે. પરદેશી ઇન્સ્ટ્રુમેન્ટ માટે અસ્વીકારની નોંધ અને પ્રોટેસ્ટ જેવી જોગવાઈઓ ફરજિયાત છે.
દ્વિઅર્થી અથવા સંદિગ્ધ સંલેખ : જે સંલેખને વચનચિઠ્ઠી તરીકે તેમજ વિનિમયપત્ર તરીકે ઘટાવી શકાય તે દ્વિઅર્થી સંલેખ છે. તેથી જો કોઈ અદાકર્તાનો ઉલ્લેખ કર્યો હોવા છતાં તેનું અસ્તિત્વ જ ન હોય તો એવા વિનિમયપત્રને વચનચિઠ્ઠી તરીકે ઘટાવી શકાય. અદાકર્તા ખતપત્ર લખનારનો એજન્ટ હોય, કાલ્પનિક વ્યક્તિ હોય, કે સગીર વયનો હોય અને તેથી કરાર કરવા અસમર્થ હોય તો એવા વિનિમયપત્રને વચનચિઠ્ઠી ગણી એ સંલેખનો ધારક લખનાર પાસેથી રકમ માગી શકે.
સ્ટૅમ્પવાળો અપૂર્ણ સંલેખ : નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ અંગેના કાયદા મુજબ કોઈ વ્યક્તિ સ્ટૅમ્પવાળા કાગળ પર અધૂરો સંલેખ લખીને અથવા કાગળ કોરો રાખીને તે કાગળ બીજી વ્યક્તિને સોંપે તો તે સંલેખના ધારકને સંલેખ સંપૂર્ણ કરવાનો અધિકાર આપે છે.
નેગોશિયેશન (પરક્રમણ) કરવાની રીત : બેરર-ઇન્સ્ટ્રુમેન્ટનું પરક્રમણ સંલેખ સોંપવાથી અને ઑર્ડર-ઇન્સ્ટ્રુમેન્ટનું પરક્રમણ એના પર શેરો કે પૃષ્ઠાંકન (endorsement) કરીને સોંપવાથી થાય છે. સંલેખનો ધારક (આદાતા-ધારક કે ઇન્ડૉર્સી) તે સંલેખનું પરક્રમણ કરવા કે પોતાનો હક્ક અન્ય વ્યક્તિને આપવા તે સંલેખની પાછળ સહી કરે તે શેરો કે પૃષ્ઠાંકન કહેવાય છે. શેરો કરનાર endorser કહેવાય છે. તે માત્ર સહી કરે તો સાદો શેરો (endorsement in blank) કર્યો કહેવાય છે. પણ કોઈ ચોક્કસ વ્યક્તિને રકમ ચૂકવવાનો હુકમ લખી તેની નીચે સહી કરે તો સંપૂર્ણ શેરો (endorsement in full) કર્યો કહેવાય છે. આવા સંપૂર્ણ શેરામાં જે વ્યક્તિને રકમ ચૂકવવાનો ઉલ્લેખ કર્યો હોય છે તે ઇન્ડૉર્સી પોતે શેરો કરીને અન્ય વ્યક્તિને ઇન્ડૉર્સી બનાવી શકે. આમ સંલેખની રકમ મેળવવાનો હક્ક આદાતાનો કે છેલ્લા ઇન્ડૉર્સીનો હોય છે. માત્ર સાદો શેરો કરવાથી ઇન્સ્ટ્રુમેન્ટ બેરર-ઇન્સ્ટ્રુમેન્ટ બની જાય છે, અને માત્ર સોંપણીથી તેનું પરક્રમણ થઈ શકે છે, પણ સંપૂર્ણ શેરો કરવામાં આવે છે ત્યાં છેલ્લો ઇન્ડૉર્સી છે. ધારક તરીકે તે રકમ મેળવવા હક્કદાર છે.
શેરાના પ્રકાર : પરક્રમણ નિયંત્રિત કરવા મર્યાદાકારક શેરો કરી શકાય. આવા શેરા બે રીતે થાય છે : (1) પ્રતિબંધ મૂકતા શબ્દો દ્વારા અથવા (2) ઇન્ડૉર્સીને પોતાના કે કોઈના એજન્ટ તરીકે દર્શાવવાથી. કોઈ પણ વિનિમયપત્ર શરતી ન હોઈ શકે, પણ શેરો શરતી હોઈ શકે. શેરો કરનાર બે રીતે શરતી શેરો કરી શકે : (1) પોતાની જવાબદારી નષ્ટ કરતો શેરો કરીને, અથવા (2) પોતાની જવાબદારી કે ઇન્ડૉર્સીનો હક્ક અચોક્કસ બનાવ પર આધારિત કરીને.
શેરો સંલેખની સંપૂર્ણ રકમ માટે જ થઈ શકે. રકમના એક ભાગ પૂરતો જ શેરો કાયદેસર નથી.
ધારક (holder) અને યથાનુક્રમ ધારક (holder in due course) : વચનચિઠ્ઠી, વિનિમયપત્ર કે ચેકનો ધારક (હોલ્ડર) એટલે એવી વ્યક્તિ કે જે પોતાના નામે તે સંલેખનો કબજો ધરાવવા અને તે સંલેખ પરિપક્વ થતાં તેમાં સહી કરનાર પક્ષકારો પાસેથી તેની રકમ મેળવવા હક્કદાર હોય. જે વ્યક્તિને સંલેખ જડ્યો હોય અથવા જેણે તે ચોર્યો હોય એને એ સંલેખ પરત્વે કોઈ હક્ક નહિ હોવાથી તે ધારક ન ગણાય. તેથી સંલેખમાં આદાતા તરીકે જેનું નામ દર્શાવ્યું હોય એવી વ્યક્તિ; એવી વ્યક્તિએ શેરો કરીને પરક્રમણ કર્યું હોય તો છેલ્લો ઇન્ડૉર્સી અને જો સંલેખ બેરર-ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે સાદા શેરાના કારણે બેરર-ઇન્સ્ટ્રુમેન્ટ બની ગયું હોય તો સંલેખ લાવનાર ધારક ગણાય છે.
યથાનુક્રમ ધારક (holder-in-due course) એટલે એવી વ્યક્તિ કે જે (1) વચનચિઠ્ઠી, વિનિમયપત્ર કે ચેક પાકે તે પહેલાં, (2) અવેજ આપીને તે સંલેખની ધારક બની હોય અને તે વખતે (3) જે વ્યક્તિ પાસેથી એણે સંલેખ મેળવ્યો હોય તેનો માલિકીહક્ક ખામીભર્યો છે એવું માનવા તેની પાસે પૂરતું કારણ ન હોય. પરિણામે (1) સંલેખ પરિપક્વ થાય તે પછી સંલેખ મેળવનાર વ્યક્તિ યથાનુક્રમ ધારક નહિ હોવાથી તેનો હક્ક તેને સંલેખ આપનાર જેટલો જ મર્યાદિત બને છે. (2) અવેજ આપ્યા વિના, ભેટ કે બક્ષિસ તરીકે સંલેખ મેળવનાર વ્યક્તિ યથાનુક્રમ ધારક નહિ હોવાથી તે ભેટ આપનાર સામે તેની રકમ મેળવવા દાવો કરી શકતી નથી. (3) સંલેખ લેતી વખતે આપનારના હક્ક વિશે સહેજ પણ શંકા ઊભી થાય તો સંલેખ લેનાર વ્યક્તિ યથાનુક્રમ ધારક નથી; દા. ત., વિનિમયપત્ર પર લખનારની સહી ન હોય, આદાતાની સહીમાં ફેરફાર થયો હોવાનું જણાતું હોય, વિનિમયપત્રને ફાડી નાખ્યા પછી કોઈને એના ટુકડા જોડેલા દેખાતા હોય, અથવા સંલેખ આપનાર વ્યક્તિ અનુચિત કે તદ્દન ઓછો અવેજ લઈ એ વેચવા તૈયાર થઈ હોય તે વ્યક્તિ પૂરતી ચકાસણી કર્યા વિના કે તકેદારી રાખ્યા વિના લેનાર યથાનુક્રમ ધારક નથી.
નેગોશિયેશન બૅંક : સંલેખનું પરક્રમણ થતાં થતાં તે અગાઉ સહી કરનાર પક્ષકાર પાસે ફરીથી આવે તો એક જ વ્યક્તિ ઇન્ડૉર્સર અને ઇન્ડૉર્સી તરીકેનું બેવડું સ્થાન ધારણ કરે છે અને પરિણામે તે વ્યક્તિ પોતાના અગાઉનું સ્થાન ફરી પ્રાપ્ત કરે છે અને વચમાં જે પક્ષકારો ઇન્ડૉર્સી તરીકે આવ્યા હોય તેમની જવાબદારી રહેતી નથી. પરંતુ અગાઉના શેરામાં જો ધારકે ‘મને જવાબદાર ગણ્યા વિના’ એવા શબ્દો વાપર્યા હોય તો વચલા પક્ષકારોની જવાબદારી નષ્ટ થતી નથી, કારણ, ધારકે પોતે અગાઉ સહી કરતી વખતે શરતી શેરો કરીને પોતાની જવાબદારી ટાળી હતી.
પક્ષકારોની જવાબદારી : વચનચિઠ્ઠી લખનાર વ્યક્તિ તેમાં દર્શાવેલ રકમ ચૂકવવાનું બિનશરતી વચન આપે છે. તે જ પ્રમાણે વિનિમયપત્ર સ્વીકારનાર પણ વિનિમયપત્રની રકમ ચૂકવવાની જવાબદારી લે છે. આમ, આ બંને વ્યક્તિઓની જવાબદારી પ્રાથમિક અને બિનશરતી હોય છે. વિનિમયપત્રનો અદાકર્તા જ્યાં સુધી સ્વીકારની સહી કરતો નથી ત્યાં સુધી એ જવાબદાર બનતો નથી. તેથી વિરુદ્ધ કરારના અભાવે વચનચિઠ્ઠી કે ચેક લખનાર અને વિનિમયપત્ર સ્વીકારનાર તેમજ સ્વીકાર પહેલાં વિનિમયપત્ર લખનાર સંલેખ પરત્વે મુખ્ય દેણદાર (principal debtor) તરીકે જવાબદાર હોય છે અને બીજા પક્ષકારો તેમના જામીન (surety) તરીકે જવાબદાર હોય છે.
જો વિનિમયપત્ર કે ચેકનો અસ્વીકાર કરવામાં આવે અને આવા અસ્વીકાર કે અનાદરની યોગ્ય સૂચના (notice) લખનારને આપવામાં આવે તો લખનાર ધારકને રકમ ચૂકવવા જવાબદાર બને છે. શેરો કરનારની જવાબદારી મહદંશે લખનારની જવાબદારી જેવી જ હોય છે. જો અદાકર્તા સંલેખનો અસ્વીકાર કે અનાદર કરે અને આવા અનાદરની સૂચના શેરો કરનારને આપવામાં આવે તો શેરો કરનાર દરેક અનુગામી ધારકને સંલેખની રકમ ચૂકવવા જવાબદાર બને છે, સિવાય કે એણે પોતાની જવાબદારી ટાળતો શરતી શેરો કર્યો હોય.
સંલેખનની પૂરી રકમ ચૂકવાય નહિ ત્યાં સુધી દરેક અગાઉનો પક્ષકાર યથાનુક્રમ ધારક પ્રત્યે જવાબદાર રહે છે. વિરુદ્ધ કરારના અભાવે વચનચિઠ્ઠી કે ચેક લખી આપનાર, વિનિમયપત્રનો સ્વીકાર થતાં સુધી લખનાર અને સ્વીકાર થયા પછી સ્વીકારનાર, મુખ્ય દેણદાર તરીકે જવાબદાર હોય છે અને અન્ય પક્ષકારો તેના જામીન તરીકે જવાબદાર હોય છે. જામીન તરીકે જે પક્ષકારો જવાબદાર હોય તેમની વચ્ચે દરેક પુરોગામી પક્ષકાર દરેક અનુગામી પક્ષકાર માટે મુખ્ય દેણદાર તરીકેની જવાબદારી ધરાવે છે, એટલે કે દરેક અનુગામી પક્ષકાર દરેક પુરોગામી પક્ષકારનો જામીન છે.
અવેજ : દરેક કરારમાં અવેજ હોવો જરૂરી છે અને અવેજ વિનાની સમજૂતી રદબાતલ ગણાય છે. કોઈ પણ પરક્રામ્ય સંલેખ આ નિયમનો અપવાદ નથી. છતાં સામાન્યપણે સામાન્ય કરારના આધારે કરેલા દાવામાં અવેજ સાબિત કરવો પડે છે. જ્યારે પરક્રામ્ય સંલેખની બાબતમાં એવી ધારણા હોય છે કે તે અવેજ લઈને જ લખવામાં, સ્વીકારવામાં કે પરક્રમણ કરવામાં આવ્યો હશે.
સવલતી વિનિમયપત્ર (accomodation bill) : ઘણાં વિનિમયપત્રો મિત્રોની સગવડ સારુ અવેજ લીધા વિના લખવામાં કે સ્વીકારવામાં આવે છે. એ સવલતી વિનિમયપત્ર કહેવાય છે અને જે વ્યક્તિ આવું વિનિમયપત્ર લખે, સ્વીકારે કે અવેજ વિના શેરો કરે તે સવલત આપનાર પક્ષકાર કહેવાય છે. આબરૂદાર અને શાખ ધરાવતી વ્યક્તિ મિત્રને ટૂંકા સમય માટે મદદ કરવા વિનિમયપત્રમાં સ્વીકારનાર તરીકે કે શેરો કરનાર તરીકે સહી કરે છે અને તેની શાખ અને સહીના કારણે એ મિત્રને અન્ય વ્યક્તિઓ પાસેથી નાણાં મળી રહે છે. સંલેખની મુદત પૂરી થતાં પહેલાં એ મિત્ર સહાયકને નાણાં પૂરાં પાડે છે કે જેથી એ સહાયક ધારકને નાણાં ચૂકવીને સહી કરવાથી ઊભી થયેલી જવાબદારી પાર પાડી શકે. સવલત આપનાર પક્ષકાર અવેજ આપતા ધારક પ્રત્યે જવાબદાર રહે છે.
સ્વીકાર માટેની રજૂઆત : વચનચિઠ્ઠી કે ચેકને સ્વીકાર માટે રજૂ કરવાની જરૂર નથી. સ્વીકાર માટેની રજૂઆત માત્ર વિનિમયપત્રની બાબતમાં જ થાય છે. વિનિમયપત્ર લખનાર માત્ર હુકમ લખે છે, વચન આપતો નથી, માટે તે પ્રાથમિક રીતે જવાબદાર હોતો નથી. અદાકર્તા પણ જવાબદાર હોતો નથી, કારણ તેણે વચન આપેલું હોતું નથી. માટે જ્યારે સંલેખ સ્વીકારનાર સંલેખ લખનારનો હુકમ માન્ય રાખી વિનિમયપત્રની રકમ ચૂકવવાની જવાબદારી સ્વીકારે ત્યારે તે સ્વીકારનાર બને છે. સંલેખ અદાકર્તા સમક્ષ વાજબી સમયમાં સ્વીકાર માટે રજૂ થાય અને અદાકર્તા એની ઉપર ‘સ્વીકારવામાં આવે છે’ એવું લખી પોતાની સહી કરે ત્યારે તેની જવાબદારી વચનચિઠ્ઠી લખનારની જવાબદારી જેવી જ પ્રાથમિક અને બિનશરતી બની જાય છે. જો તે ન સ્વીકારે તો ધારક પોતાની રકમ વસૂલ કરવા વિનિમયપત્ર પર સહી કરનાર અન્ય પક્ષકારો સામે પગલાં લઈ શકે છે.
બે કિસ્સાઓમાં સ્વીકાર માટેની રજૂઆત સંપૂર્ણપણે આવશ્યક હોય છે : (1) જો વિનિમયપત્ર દેખાડ પછી કે રજૂઆત પછી અમુક દિવસે ચૂકવવાપાત્ર હોય તો તેની પરિપક્વતા નક્કી કરવા તેને રજૂ કરવાની આવશ્યકતા હોય છે. (2) જો વિનિમયપત્રમાં સ્પષ્ટપણે દર્શાવેલું હોય કે સ્વીકાર માટે રજૂ કરવાની જરૂર છે તો તે રજૂ કરવું જ પડે. જો રજૂઆત તદ્દન આવશ્યક હોય અને ન કરવામાં આવી હોય તો લખનાર અને શેરો કરનારી બીજી વ્યક્તિઓ ધારક પ્રત્યેની પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે.
સ્વીકાર માટેની રજૂઆત તદ્દન આવશ્યક હોય એવા કિસ્સાઓમાં પણ અહીં દર્શાવેલા સંજોગોમાં રજૂઆત કર્યા વિના જ વિનિમયપત્ર નકારેલું ગણી શકાય : (1) કોઈ કાલ્પનિક વ્યક્તિ હોય કે કરાર કરવા અસમર્થ હોય, (2) વાજબી શોધ પછી અદાકર્તા મળી શકે તેમ ન હોય, (3) અદાકર્તા નાદાર થયો હોય કે મૃત્યુ પામ્યો હોય.
વિનિમયપત્ર અદાકર્તા સમક્ષ રજૂ કર્યા પછી તેને જરૂર લાગે તો સ્વીકાર કરવો કે નહિ તેનો વિચાર કરવા ધારકે તેને 48 કલાકનો સમય આપવો પડે છે. જો વિનિમયપત્રમાં સ્વીકાર માટે રજૂઆત કરવાની મુદતનો ઉલ્લેખ હોય તો વિનિમયપત્રને એટલી જ મુદતમાં રજૂ કરવું પડે; પણ એવો ઉલ્લેખ ન કર્યો હોય તો વાજબી સમયમાં રજૂ કરવું પડે. જો સ્વીકાર માટેની રજૂઆત તદ્દન આવશ્યક ન હોય તો એવી રજૂઆત પરિપક્વતા પહેલાં ગમે ત્યારે કરી શકાય.
ચુકવણી માટેની રજૂઆત : વચનચિઠ્ઠી લખનાર કે વિનિમયપત્ર સ્વીકારનાર વ્યક્તિ મુખ્ય દેવાદાર હોવાથી તેમને જવાબદાર ઠરાવવા ચુકવણી માટે સંલેખની રજૂઆત કરવી ફરજિયાત નથી, કારણ દરેક દેવાદાર પોતાના લેણદારને શોધી કાઢીને દેવું ચૂકવી દેવા જવાબદાર છે. પરંતુ વચનચિઠ્ઠી લખનાર, વિનિમયપત્ર સ્વીકારનાર કે ચેકના અદાકર્તા (બૅન્ક) સિવાયના બીજા પક્ષકારોને જવાબદાર ઠરાવવા સંલેખને ચુકવણી માટે રજૂ કરવું આવશ્યક છે, તેથી જો ધારક ચુકવણી માટે સંલેખ રજૂ ન કરે તો તેવા પક્ષકારો (વિનિમયપત્રના અને ચેકના લખનાર અને શેરો કરનારા તેમજ વચનચિઠ્ઠીમાં શેરો કરનારા) પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય છે. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટને લગતા કાયદામાં કેટલાક એવા સંજોગો દર્શાવવામાં આવ્યા છે કે જેમાં ચુકવણી માટે સંલેખ રજૂ કર્યા વિના પણ સંલેખને નકારેલો ગણી શકાય; દા. ત., અદાકર્તા પાસે લખનારનાં નાણાં જ ન હોય; અથવા જો સંલેખની ચુકવણી ધંધાના સ્થળે કરવાની હોય અને હંમેશના ધંધાના કલાકો દરમિયાન ધંધાનું સ્થળ બંધ રાખવામાં આવે.
વિનિમયપત્ર રજૂ થતાં તેનો અસ્વીકાર થાય અથવા રકમ ચૂકવવામાં ન આવે તો તેનો અનાદર કે નકરામણી (dishonour) થઈ કહેવાય છે. નીચેના સંજોગોમાં અસ્વીકારના કારણે વિનિમયપત્રનો અનાદર થયો ગણાય છે : (1) સ્વીકાર માટે રજૂ થયા પછી નાણાં ચૂકવવાની જવાબદારી સ્વીકારનાર તે 48 કલાકમાં સ્વીકારવાની ના પાડે, (2) અદાકર્તા કરાર કરવા અસમર્થ હોય, (3) અદાકર્તા શરતી સ્વીકાર કરે, (4) સ્વીકાર માટે સંલેખ રજૂ કરવાની જરૂર ન હોય તે પરિસ્થિતિમાં સંલેખની યથાનુક્રમ રજૂઆત થતાં વચનચિઠ્ઠી લખનાર, વિનિમયપત્ર સ્વીકારનાર કે ચેકનો અદાકર્તા રકમ ન ચૂકવે તો ચુકવણીના અભાવે સંલેખનો અનાદર થયો છે એમ ગણી શકાય.
જો અસ્વીકારના કારણે અથવા ચુકવણીના અભાવે અનાદર થાય તો ધારકે મૂળભૂત રીતે જવાબદાર એવા વચનચિઠ્ઠી લખનાર, વિનિમયપત્ર સ્વીકારનાર અને ચેકનાં નાણાં ચૂકવવાનો આદેશ સ્વીકારનાર સિવાયના બધા પક્ષકારોને અનાદરની સૂચના (notice) આપવી જોઈએ; અન્યથા તેવા પક્ષકારો જવાબદારીમાંથી મુક્ત થાય છે. વચનચિઠ્ઠી લખનાર, વિનિમયપત્ર સ્વીકારનાર અને ચેકના અદાકર્તાને સૂચના આપવાની જરૂર નથી, કારણ તેમણે પોતે જ અનાદર કર્યો હોય છે.
આવી અનાદર અંગેની સૂચના મેળવનાર પક્ષકાર તેની અગાઉના પક્ષકારને જવાબદાર કરવા માગતો હોય તો વાજબી સમયમાં તેણે તે પક્ષકારને સૂચના આપવી જોઈએ; કારણ કે ધારકે કેટલાક પક્ષકારોને અનાદરની સૂચના ન આપી હોય એ બનવાજોગ છે.
નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટમાં દર્શાવેલા કેટલાક સંજોગોમાં અનાદરની સૂચના આપવી જરૂરી નથી; દા. ત., વિનિમયપત્ર કે ચેક લખનાર વ્યક્તિ પોતે જ નાણાં ન ચૂકવવાની સૂચના આપે તો એવો સંલેખ લખનાર વ્યક્તિને અનાદરની સૂચના આપવી જરૂરી નથી. તેમજ ચેકની રકમ ચૂકવી શકાય એટલાં નાણાં લખનારના ખાતામાં બૅન્ક પાસે ન હોય તો લખનાર જાણતો જ હોય છે કે ચેકનો અનાદર થવાનો છે. તેથી અનાદરની લેખિત સૂચના એને આપવાની જરૂર નથી.
અસ્વીકાર થવાથી અથવા ચુકવણીના અભાવે વચનચિઠ્ઠી કે વિનિમયપત્રનો અનાદર થયો હોય તો ધારક અનાદરની સૂચના આપી શકે છે (notice of dishonour) અને લખનાર તેમજ શેરો કરનાર વગેરે સામે દાવો કરી શકે છે, પણ અનાદર અંગેનો અધિકૃત પુરાવો ઊભો કરવા અને તેની નોંધ કરાવવા ધારક નોટરી(Notary Public)ને સૂચના આપે છે. નોટરી પબ્લિક કે તેનો કારકુન અદાકર્તા કે નાણાં ચૂકવવાનો આદેશ સ્વીકારનાર પાસે સંલેખના સ્વીકાર કે ચુકવણી માટે માગણી કરે છે અને તે ના પાડે તો તેની નોંધ સંલેખમાં કરે છે. આવી નોંધમાં અનાદરની હકીકત, તારીખ, અનાદરનાં કારણો અને નોટરી પબ્લિકની ફી દર્શાવવામાં આવે છે. અંતર્દેશીય સંલેખ માટે નોંધ કરાવવી ફરજિયાત નથી.
અનાદરનું પ્રમાણપત્ર (protest) : અસ્વીકારથી કે ચુકવણીના અભાવે વચનચિઠ્ઠી કે વિનિમયપત્રનો અનાદર થાય તો ધારક અનાદરની નોંધ સંલેખ પર કરાવી નોટરી પબ્લિક પાસેથી અનાદરનું અલગ પ્રમાણપત્ર પણ મેળવી શકે છે, જે પ્રોટેસ્ટ કહેવાય છે. જો નાણાં ચૂકવવાનો આદેશ આપનાર પરદેશ રહેતો હોય તો આવું પ્રમાણપત્ર અનાદરના અધિકૃત પુરાવા તરીકે મોકલી શકાય છે. અંતર્દેશીય સંલેખ બાબતમાં આવું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત નથી, પરદેશી સંલેખનો અનાદર થતાં અનાદરનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત બને છે.
વધારે સારા તારણ માટેનું પ્રમાણપત્ર (protest for better security) : વિનિમયપત્રના સ્વીકાર પછી સ્વીકારનાર નાદાર બને, કે નાણાં ચૂકવવાનું બંધ કરે, અથવા તેની શાખને ધક્કો પહોંચે તો વધારે સારા તારણની માગણી કરવા નોટરી પબ્લિકને સૂચના આપે છે. નોટરી પબ્લિક વધારે સારું તારણ માગે અને સ્વીકારનાર ના પાડે તો નોટરી પબ્લિક તે બાબતનું પ્રમાણપત્ર આપે છે, જે વધારે સારા તારણ માટેનું પ્રમાણપત્ર કહેવાય છે. આવું પ્રમાણપત્ર અપાય તો ત્રાહિત વ્યક્તિ માન ખાતર (પ્રતિષ્ઠા ખાતર) તેનો સ્વીકાર કરી શકે.
માન ખાતર (પ્રતિષ્ઠા ખાતર) સ્વીકાર (acceptance for honour) : કોઈ વિનિયમપત્રના અસ્વીકારની નોંધ કરવામાં આવે અથવા અસ્વીકાર અંગેનું કે વધારે સારા તારણ માટેનું પ્રમાણપત્ર મેળવવામાં આવે તે પછી સંલેખ અંગે જવાબદાર ન હોય એવી કોઈ પણ વ્યક્તિ ધારકની સંમતિથી સંલેખના કોઈ પણ પક્ષકારની પ્રતિષ્ઠા ખાતર વિનિમયપત્રમાં પોતાનો સ્વીકાર લખી શકે. તે માટે નીચેની બાબતો આવશ્યક છે : (1) અનાદરની નોંધ થયેલી હોવી જોઈએ કે અનાદરનું પ્રમાણપત્ર મેળવ્યું હોવું જોઈએ ; (2) વિનિમયપત્રમાં સહી કરીને જે વ્યક્તિ જવાબદાર ન બનેલી હોય તે જ વ્યક્તિ માન ખાતર સ્વીકાર કરી શકે; (3) આવો સ્વીકાર વિનિમયપત્રના ગમે તે જવાબદાર પક્ષકારની પ્રતિષ્ઠા ખાતર થઈ શકે; (4) ધારકની સંમતિથી જ માન ખાતર સ્વીકાર થઈ શકે, કારણ આવી રીતે સ્વીકાર કરનાર વ્યક્તિ ધારકનો દેવાદાર બને છે અને લેણદારની સંમતિ વિના કોઈ પણ વ્યક્તિ તેનો દેવાદાર બની શકે નહિ.
માન ખાતર સ્વીકારનારની જવાબદારીની શરૂઆત : (1) વિનિમયપત્ર પરિપક્વ થતાં ચુકવણી માટે અદાકર્તા સમક્ષ ફરી રજૂ કરવામાં આવે; (2) નાણાં ચૂકવવાનો આદેશ સ્વીકારનાર નકારે તો ફરી અનાદરની નોંધ કે પ્રમાણપત્ર મેળવવામાં આવે; (3) સંલેખ પરિપક્વ થયા પછીના બીજા જ દિવસે તેને માન ખાતર સ્વીકારનાર સમક્ષ રજૂ કરવામાં આવે; તે પછી જ તેની જવાબદારી શરૂ થાય છે. માન ખાતર સ્વીકારનાર નાણાં ચૂકવ્યા પછી જેના માન ખાતર સ્વીકાર કર્યો તેનું સ્થાન પ્રાપ્ત કરે છે, તેની સામે તેમજ અગાઉના પક્ષકાર સામે એ રકમ માટે દાવો કરી શકે છે, અને તેની પછીના પક્ષકારો પ્રત્યે તે જવાબદાર રહે છે.
માન ખાતર ચુકવણી (payment for honour) : કોઈ વિનિમયપત્રની રકમ ન ચૂકવાતાં અનાદરની નોંધ કરવામાં આવે કે તે અંગે પ્રમાણપત્ર મેળવવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ નોટરી પબ્લિક સમક્ષ જાહેર કરી શકે કે તે અમુક જવાબદાર પક્ષકારના માન ખાતર પૈસા ચૂકવવાની છે. નોટરી પબ્લિક આ વાત નોંધી લે તે પછી તે વ્યક્તિ માન ખાતર નાણાં ચૂકવી શકે છે. આવી વ્યક્તિ ધારકના હક્કો પ્રાપ્ત કરે છે, પણ તે જેના માન ખાતર પૈસા ચૂકવે છે, તેની પાસેથી કે તેની અગાઉના પક્ષકારો પાસેથી જ પોતે ચૂકવેલી રકમ વસૂલ કરી શકે છે.
આવશ્યકતાઓ : (1) રકમ નહિ ચૂકવાયા બદલની નોંધ થઈ હોવી જોઈએ કે અનાદરનું પ્રમાણપત્ર અપાયું હોવું જોઈએ; (2) નોટરી પબ્લિક સમક્ષ જાહેર કરવું જોઈએ કે સંલેખની રકમ જવાબદાર હોય એવા અમુક પક્ષકારના માન ખાતર રકમ ચૂકવવાની છે; (3) આ બાબત નોટરી પબ્લિકે નોંધી લેવી જોઈએ; (4) વિનિમયપત્રની રકમ ચૂકવવા જે પક્ષકાર જવાબદાર હોય તેના માન ખાતર જ રકમ ચૂકવી શકાય; (5) સંલેખની રકમ ચૂકવવા જવાબદાર હોય કે ન હોય એવી ગમે તે વ્યક્તિ માન ખાતર રકમ ચૂકવી શકે.
માન ખાતર સ્વીકાર અને માન ખાતર ચુકવણી વચ્ચે તફાવતના મુદ્દા : (1) માન ખાતર સ્વીકાર ધારકની સંમતિથી જ થઈ શકે, કારણ માન ખાતર સ્વીકાર કરનાર ધારકનો દેવાદાર બનવા માગે છે અને લેણદારની સંમતિ વિના કોઈ વ્યક્તિ તેનો દેવાદાર ન બની શકે. પરંતુ માન ખાતર ચુકવણી કરવા માટે ધારકની સંમતિ આવશ્યક નથી, કારણ ધારકને તેની લેણી રકમ મળી જતી હોવાથી તેના માટે સંમતિ નહિ આપવાનું કારણ રહેતું નથી. (2) જે વ્યક્તિ સંલેખમાં લખનાર કે શેરો કરનાર તરીકે કે સ્વીકારનાર તરીકે સહી કરીને જવાબદાર ન બની હોય તે જ વ્યક્તિ માન ખાતર સ્વીકાર કરી શકે. પરંતુ સહી કરીને જવાબદાર બનેલી વ્યક્તિ પણ અન્ય પક્ષકારના માન ખાતર ચુકવણી કરી શકે.
ચેકનું ક્રૉસિંગ : ચેકના બે પ્રકાર છે : સાદા અને ક્રૉસિંગવાળા. સાદા ચેકનાં નાણાં બૅંકના કાઉન્ટર પર રોકડાં મળે છે. સાદા ચેકમાં જોખમ એ હોય છે કે ચેક ખોવાય કે ચોરાય અને જેને તે જડે તે બૅંકમાંથી નાણાં મેળવી શકે. આવું જોખમ ટાળવા રેખાંકન (ક્રૉસિંગ) કરવાની રૂઢિ પ્રચલિત બની છે. ચેકની ડાબી બાજુના ઉપરના ભાગમાં બે સમાન્તર રેખાઓ દોરવાથી રેખાંકન થાય છે. રેખાંકન કરવાથી બૅંકને ચેતવણી તેમજ સૂચના મળે છે કે ચેકનાં નાણાં કોઈ વ્યક્તિને રોકડાં આપવાનાં નથી, પણ કોઈક બૅંકને આપવાનાં છે. આવા ચેકનાં નાણાં રોકડાં મળી શકે તેમ નહિ હોવાથી ચેકના ધારકે તે ચેક પોતાને ઓળખતી બૅંક દ્વારા રજૂ કરવો પડે છે અને એ બૅંક પોતાના ગ્રાહકના ખાતામાં એ રકમ જમા કરે છે.
જો રેખાંકનમાં કોઈ બૅંકરનું નામ લખવામાં આવ્યું હોય તો એ ખાસ (સ્પેશ્યલ) રેખાંકન કહેવાય છે અને તે દ્વારા સૂચના આપવામાં આવે છે કે એ નાણાં તે જ બૅંકરને ચૂકવવાનાં છે, એટલે કે તે જ બૅંક દ્વારા નાણાં કોઈ અન્ય બૅંક પાસેથી વસૂલ થઈ શકે. રેખાંકનમાં જેનું નામ લખવામાં આવ્યું હોય તે નાણાં વસૂલ કરી બીજી બકમાં જમા કરાવી શકે.
કોઈ ચેક સાદો હોય તો ધારક તેના પર રેખાંકન કરી શકે. સાદું રેખાંકન હોય તો ધારક તેમાં બૅંકનું નામ લખી ખાસ રેખાંકન કરી શકે તેમજ આવો બૅન્કર ફરી ખાસ રેખાંકન કરી બીજી બૅંકનું નામ લખી શકે. જો ચેકના રેખાંકનમાં અપરક્રામ્ય (‘not negotiable’) એવા શબ્દો લખ્યા હોય તો ચેકનું પરક્રામ્ય તત્વ નષ્ટ થઈ જાય છે. આવા ચેકની તબદીલી થઈ શકે છે, પણ પરક્રામ્ય ગુણ નષ્ટ થતો હોવાથી ધારકને તેની અગાઉના પક્ષકાર જેટલો જ સારો કે અપૂર્ણ માલિકીહક્ક મળે છે.
ચેકના અદાકર્તાની (બૅંકરની) જવાબદારી : નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટની કલમ 31 મુજબ ચેકની રકમ ચૂકવી શકાય એવાં અને એટલાં લખનારનાં (ખાતેદારનાં) નાણાં અદાકર્તા (બૅંક) પાસે હોય તો યોગ્ય સમયે માગણી થતાં ચેકનો અદાકર્તા (બૅંક) ચેકની રકમ ચૂકવવા બંધાયેલો છે અને જો તે ચુકવણી ન કરે તો એની કસૂરથી લખનારને જે નુકસાન થાય તેનું વળતર આપવા તે જવાબદાર બને છે. એટલે કે ખાતેદાર નુકસાનવળતર માટે દાવો કરી શકે, કારણ બૅન્ક અને ખાતેદાર (ચેકનો લખનાર) વચ્ચેનો સંબંધ દેણદાર અને લેણદાર વચ્ચેના સંબંધ જેવો છે. પણ ચેકનો ધારક બક પાસે દાવો કરી શકતો નથી, કારણ બૅંક અને ખાતેદાર વચ્ચેના કરાર પરત્વે ધારક ત્રાહિત વ્યક્તિ છે.
નીચેના સંજોગોમાં બૅંક ચેકનાં નાણાં ચૂકવવાની ના પાડી શકે : (1) ‘યોગ્ય સમયે’ ચેક રજૂ કરવામાં ન આવે, એટલે કે ચેકની તારીખ પહેલાં રજૂ કરવામાં આવે, (2) ‘પૂરતાં નાણાં’ બૅંકમાં જમા ન હોય, એટલે કે ચેકની રકમ જેટલાં નાણાં ગ્રાહકના ખાતામાં ન હોય, (3) ‘ચેકની રકમ ચૂકવી શકાય એવાં’ નાણાં બૅંક પાસે ન હોય, એટલે કે એ નાણાં પર કોઈ લિયન કે બોજો હોય. (4) ચેક આપ્યા પછી ખાતેદાર તેનાં નાણાં નહિ ચૂકવવાની સૂચના આપે, (5) ગ્રાહકના મૃત્યુની, નાદારીની કે અસ્થિર મગજની જાણ બૅંકરને થાય, (6) કોઈ બૅંકની એક શાખામાં ખાતું ધરાવનાર ગ્રાહક બકની બીજી શાખાને ઉદ્દેશીને ચેક લખે, (7) ચેકમાં અનિયમિતતા કે સંદિગ્ધતા કે મહત્વનો ફેરફાર થયો હોવાનું જણાતું હોય, (8) સરકારના કે અદાલતના હુકમથી ચેક સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય, (9) કોઈ પક્ષકાર પોતાનું ખાતું બંધ કરવાની સૂચના આપે અથવા ચેક ગુમ થયાની ખબર આપે, (10) ભારતમાં બૅંકોના રિવાજ મુજબ ચેક પર લખેલ તારીખ પછીના ત્રણ માસ વીતી ગયા હોય.
ચેકનો અનાદર થતાં શિક્ષાની જોગવાઈ : ઘણા કિસ્સાઓમાં એવું બનતું કે પોતાના ખાતામાં પૂરતાં નાણાં ન હોય છતાં કોઈ લાભ મેળવવા ખાતર કે માલની ડિલિવરી મેળવવા સારુ છેતરપિંડી કરવાના બદઇરાદાથી ચેક આપવામાં આવતા, અને એ ચેક પાછા ફરતા તે પહેલાં તો ચેકનો આદાતા છેતરપિંડીનું પરિણામ ભોગવી ચૂકવ્યો હોય. તેના માટે બે જ માર્ગ ખુલ્લા હતા : કાં તો ચેકની રકમ માટે દાવો કરવાનો અને વર્ષો સુધી રાહ જોવાનો, અથવા તો છેતરપિંડીની ફરિયાદ કરવાનો. છેતરપિંડીની ફરિયાદ ચલાવવામાં પણ પુરાવા બાબતની અમુક મુશ્કેલીઓ રહેતી. આ પરિસ્થિતિ ધ્યાનમાં લઈ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટમાં 1989માં સુધારો કરી પ્રકરણ 17મું ઉમેરવામાં આવ્યું. તેની મુખ્ય જોગવાઈ નીચે મુજબ છે :
કોઈ દેવું કે જવાબદારી ભરપાઈ કરવા માટે લખી આપવામાં આવેલ ચેક લખનારના ખાતામાં નાણાંના અભાવે પાછો ફરે તો ચેક લખનારે ફોજદારી ગુનો કરેલો ગણાશે અને તે બદલ કલમ 138 મુજબ તેને એક વર્ષ સુધીની સજા અને ચેકની રકમ કરતાં બમણા દંડની શિક્ષા થઈ શકશે. આ કેસમાં છેતરપિંડી સાબિત કરવાની જરૂર રહેતી નથી, પાછા આવેલ ચેક સાથે બૅન્ક તરફથી મોકલવામાં આવેલ હેવાલ કે માહિતી જ મોટો પુરાવો બની રહે છે અને એમાંથી જ છેતરપિંડીના ગુનાનું અનુમાન તારવવામાં આવે છે.
આ માટે નીચે મુજબની કાર્યવાહી જરૂરી બને છે : (1) ચેક ઉપર લખેલી તારીખથી છ માસમાં બૅંકમાં તે રજૂ કરવામાં આવ્યો હોવો જોઈએ. (2) ચેક પાછો ફર્યા પછી પંદર દિવસની અંદર આદાતાએ કે ધારકે ચેક લખનાર પાસે નાણાંની માગણી કરતી સૂચના (notice) આપી હોવી જોઈએ. (3) આવી સૂચના મળ્યા પછી પંદર દિવસમાં ચેક લખનાર નાણાંં ચૂકવી ન શકે તો આદાતા કે ધારક એ પંદર દિવસ પૂરા થયા પછી એક માસની અંદર ફોજદારી અદાલતમાં કલમ 138 મુજબની ફરિયાદ કરી શકે. આવી ફરિયાદમાં ચેક લખનાર એવો બચાવ ન કરી શકે કે નાણાંના અભાવે ચેકનો અનાદર થવાની સંભાવના એના ખ્યાલમાં ન હતી. કંપનીના નામે આપવામાં આવેલ ચેક પાછો ફરે તો કંપની વિરુદ્ધ તેમજ તેનો વહીવટ સંભાળનાર વ્યક્તિ વિરુદ્ધ આવી ફરિયાદ થઈ શકે.
જરૂરિયાત વખતનો અદાકર્તા (drawee in case of need) : જો વિનિમયપત્રમાં અદાકર્તા તરીકે એક જ વ્યક્તિનું નામ દર્શાવવામાં આવ્યું હોય અને જો તે વિનિમયપત્ર સ્વીકારવાની કે નાણાં ચૂકવવાની ના પાડે તો વિનિમયપત્રનો અનાદર થયો ગણાય. માટે વિનિમયપત્ર લેનાર કે ખરીદનાર વ્યક્તિમાં વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે વધારાના અદાકર્તા તરીકે જરૂરિયાત વખતના અદાકર્તાનું નામ લખવામાં આવે છે.
જો જરૂરિયાત વખતના અદાકર્તાનું નામ દર્શાવવામાં આવ્યું હોય તો વિનિમયપત્રનો અનાદર થાય તે પછી જરૂરિયાત વખતના અદાકર્તા સમક્ષ રજૂ કરવું પડે છે. જો તેમ રજૂ કરવામાં ન આવે અથવા તેની સમક્ષ રજૂ કરવામાં આવ્યા પછી તેનો અનાદર ન થાય ત્યાં સુધી વિનિમયપત્રનો અનાદર થયેલો ગણાતો નથી.
મર્યાદિત સ્વીકાર (કલમ 86) : અદાકર્તા મર્યાદિત સ્વીકાર કરે તો વિનિમયપત્રની અસર બદલાય છે. સંલેખનો સ્વીકાર કરવો કે નહિ તે અદાકર્તાની મરજીની વાત છે. કેટલીક વખત તે મર્યાદિત સ્વીકાર (qualified acceptance) કરે છે : (1) શરત દર્શાવીને : દા. ત., ‘મારો માલ વેચાશે ત્યારે પૈસા ચૂકવવાની શરતે સ્વીકારું છું’. (2) આંશિક સ્વીકાર – દા. ત., રૂ. 1000ના વિનિમયપત્રનો સ્વીકાર રૂ. 500 પૂરતો જ કરવામાં આવે. (3) સ્થાનિક શરતો – દા. ત., ‘માત્ર યુકો બૅન્કમાં જ પૈસા ચૂકવાશે’. (4) સમયની શરત – દા. ત., કોઈ વિનિમયપત્ર એક મહિને ચૂકવવાપાત્ર હોય તો તેનો સ્વીકાર કરતી વખતે ‘છ મહિને રકમ ચૂકવાશે’ એમ લખવું.
કોઈ પણ ધારક શરતી સ્વીકાર લેવા બંધાયેલો નથી. જો નાણાં ચૂકવવાનો આદેશ સ્વીકારનાર બિનશરતી સ્વીકાર ન લખે તો ધારક સંલેખને નકારેલો ગણી અનાદરની સૂચના અગાઉના તમામ પક્ષકારોને આપી શકે છે; પરંતુ જો તે શરતી સ્વીકાર લેવાની હા પાડે તો તેમાં સંમતિ નહિ આપનાર અગાઉના તમામ પક્ષકારો પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે.
મહત્વનો ફેરફાર : કોઈ પણ ધારક સંલેખમાં મહત્વનો ફેરફાર કરે તો તે અંગે સંમતિ નહિ આપનાર બીજા તમામ પક્ષકારો પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. સંલેખના પ્રકારમાં, પક્ષકારોના સંબંધોમાં કે તેમની જવાબદારીઓમાં ફેરફાર કરવામાં આવે તો તે મહત્વના ફેરફારો કહેવાય છે; દા. ત., (1) સંલેખની તારીખમાં ફેરફાર કરી પોતાની જવાબદારી વહેલીમોડી કરે; (2) રકમ બદલે, જેમ કે, રૂ. 500ની આગળ 3 ઉમેરી રૂ. 3500 કરે; (3) ચુકવણી માટેની મુદત બદલે; (4) ચુકવણીનું સ્થળ બદલે; (5) વ્યાજના લખેલા દરમાં ફેરફાર કરે; (6) પક્ષકાર ઉમેરવામાં આવે વગેરે.
પણ જે ફેરફારોથી પક્ષકારોની જવાબદારીમાં કોઈ ફેરફાર થતા નથી એ બિનમહત્વના ફેરફારો કહેવાય છે;
દા. ત., (1) બિનમહત્વની ભૂલ સુધારવા ફેરફાર કરવામાં આવે; જેમ કે, સંલેખમાં ભૂલથી 1969ની સાલ લખી હોય તો તેને સુધારીને 1996 કરી શકાય; (2) પક્ષકારોની સંમતિથી કોઈ પણ ફેરફાર કરી શકાય; (3) ફેરફાર થયા પછી જે વ્યક્તિએ સંલેખ મેળવ્યો હોય તે ફેરફાર બાબતમાં ફરિયાદ ન કરી શકે. આ ઉપરાંત કાયદાની જોગવાઈ મુજબ કલમ 20 હેઠળ અપૂર્ણ સંલેખને સંપૂર્ણ કરવામાં આવે, કલમ 125 હેઠળ સાદા ચેકમાં રેખાંકન કરવામાં આવે, અથવા કલમ 49 હેઠળ સાદા શેરાનું સંપૂર્ણ શેરામાં રૂપાંતર કરવામાં આવે તો સહી કરીને જવાબદાર બનેલા પક્ષકારો પોતાની જવાબદારીમાંથી મુક્ત થતા નથી.
જોડિયાં વિનિમયપત્ર (bills in sets); કલમ 132–133 : વિનિમયપત્ર પરદેશ મોકલવાનાં હોય ત્યારે જોડિયાં વિનિમયપત્રો બનાવવામાં આવે છે, કે જેથી વિનિમયપત્રનો ઝડપી સ્વીકાર અને ચુકવણી થઈ શકે, તેમજ કોઈ ભાગ ખોવાય તો ચુકવણીમાં અગવડ કે ઢીલ ન થાય. એક જ વિનિમયપત્ર જુદા જુદા ભાગોમાં લખવામાં આવે છે અને દરેક ભાગને ક્રમાંક આપવામાં આવે છે. એક ભાગની રકમ ત્યારે જ ચૂકવાય છે જ્યારે બીજા ભાગોની રકમ ચૂકવાઈ ન હોય; કારણ બધા ભાગો મળી એક વિનિમયપત્ર ગણાય છે. વિનિમયપત્રની જોડમાંથી એક જ ભાગ પર અદાકર્તાએ સ્વીકાર લખવાનો હોય છે અને એક જ ભાગ પર સ્ટૅમ્પ લગાડવો પડે છે, પણ લખનારે બધા ભાગોમાં સહી કરવાની હોય છે. પરિણામે એકથી વધારે ભાગ પર અદાકર્તા સ્વીકારના શબ્દો લખે અને એ ભાગો જુદી જુદી વ્યક્તિઓના હાથમાં જાય તો દરેક ભાગ જુદું વિનિમયપત્ર બને છે અને અદાકર્તા/સ્વીકારનાર જુદી જુદી વ્યક્તિઓ પ્રત્યે જવાબદાર બને છે.
હૂંડી : હૂંડી પ્રાચ્ય ભાષામાં લખાયેલ વિનિમયપત્ર છે. હૂંડીને સ્થાનિક રૂઢિરસમો લાગુ પડે છે. હૂંડીના જુદા જુદા પ્રચલિત પ્રકારો નીચે મુજબ છે :
શાહજોગ હૂંડી : એટલે આબરૂદાર ધારકને ચૂકવવાપાત્ર હૂંડી માટે હૂંડીની રકમ ચૂકવતા પહેલાં ધારક આબરૂદાર વ્યક્તિ છે કે નહિ તેની તપાસ અદાકર્તા કરશે. આવી હૂંડી શાહના હાથમાં આવ્યા પછી એનું પરક્રામ્ય તત્વ નષ્ટ થાય છે.
જોખમી હૂંડી : હૂંડીમાં દર્શાવેલો માલ વહાણમાં ચડાવવામાં આવ્યો હોય તેના જોખમ અંગે આવી હૂંડી આપવામાં આવે છે. માલ મોકલનાર અને માલ ખરીદનાર અલગ અલગ સ્થળે ધંધો કરતા હોય ત્યારે માલ મોકલનાર ખરીદનારને ઉદ્દેશીને હૂંડી લખે છે અને એ હૂંડી વીમો ઉતારનારને કિંમત લઈને આપે છે, જેથી માલ મોકલનારને હૂંડીની રકમ તુરત મળી રહે છે. ખરીદનાર એ હૂંડી એ શરતે સ્વીકારે છે કે માલ સહીસલામત આવશે તો હૂંડીનાં નાણાં ચૂકવશે. જો માલ સહીસલામત ખરીદનારને મળે તો તેણે કરેલ સ્વીકાર અનુસાર વીમો ઉતારનાર ધારક ખરીદનાર પાસેથી હૂંડીની રકમ વસૂલ કરવા હક્કદાર બને છે, પરંતુ જો માલ ખરીદનારને ના મળે તો વીમો ઉતારનાર ધારક હૂંડીની રકમ વસૂલ કરી શકતો નથી.
નામજોગ હૂંડી : હૂંડીમાં જે વ્યક્તિનું નામ લખવામાં આવ્યું હોય તેને આવી હૂંડી ચૂકવવાપાત્ર હોય છે.
દર્શની હૂંડી : આવી હૂંડી રજૂઆત થતાં તુરત ચૂકવવાપાત્ર હોય છે. ધારકે આવી હૂંડી મળ્યા પછી વાજબી સમયમાં ચુકવણી માટે રજૂ કરવી પડે છે.
મુદતી હૂંડી : ચોક્કસ મુદત બાદ ચૂકવવાપાત્ર હૂંડી મુદતી હૂંડી કહેવાય છે. આવી હૂંડી લઈને અગાઉથી પરિપક્વતાની તારીખ સુધીનું વ્યાજ કાપી લઈ શરાફો નાણાં ધીરે છે.
ધણીજોગ હૂંડી : આવી હૂંડી હૂંડીના માલિકને, ધારકને કે બેરરને ચૂકવવાપાત્ર છે.
આઇ.ઓ.યુ. : આ શબ્દો ‘I owe you’નું સંક્ષિપ્ત સ્વરૂપ છે. આવા શબ્દો લખી આપી લખનાર વ્યક્તિ દેવાદાર હોવાની કબૂલાત કરે છે, પણ આવું લખાણ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી.