સમન્સ : અદાલતમાં ચોક્કસ દિવસે અને સમયે હાજર રહેવાનો કે કોઈ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવાનો આદેશાત્મક પત્ર.
આવો પત્ર દીવાની કેસોમાં કોઈ દાવાનો જવાબ આપવા માટે અથવા સાહેદ તરીકે જુબાની આપવા માટે મોકલવામાં આવે છે, અને તે દાવાના એક પક્ષકારના સૂચનથી મોકલાય છે. દાવાનો જવાબ આપવા માટે હાજર થવાનો સમન્સ હોય અને સમન્સ મેળવનાર પ્રતિવાદી હાજર ન થાય તો તે દાવાની સામે પોતાનો બચાવ રજૂ કરવાની તક લેવા માગતો નથી એવું તેના વિશે અનુમાન થાય. સમન્સ દાવાના આખરી નિરાકરણ માટે હોય, તકરારના મુદ્દા કાઢવા માટે હોય, જાતે હાજર થવા માટેનો હોય અથવા મૈયત પ્રતિવાદીના વારસદારોને અદાલતમાં હાજર થવા માટેનો હોય. આવો સમન્સ બજવવા માટે અદાલતનો બેલિફ જાય છે અને તે સમન્સ મળ્યા બદલની પક્ષકારની સહી લે છે.
ફોજદારી અદાલતોમાં સમન્સ નાના કે ઓછા ગંભીર કેસોમાં આરોપીને મોકલવામાં આવે છે અને તે પોલીસ દ્વારા તેમજ રજિસ્ટર્ડ ટપાલ દ્વારા બજાવવામાં આવે છે. કંપની, કૉર્પોરેશન કે સોસાયટી પરના સમન્સ તેના સેક્રેટરી, સ્થાનિક મૅનેજર કે મુખ્ય અધિકારી પર મોકલવામાં આવે છે. જેને ઉદ્દેશીને સમન્સ મોકલવામાં આવ્યો હોય એ સામાન્ય પ્રયાસોથી મળી શકે એમ ન હોય તો તેની સાથે રહેતા તેના કુટુંબના પુખ્તવયના પુરુષ-સભ્ય પર બજાવી શકાય છે. જો ઉપર પ્રમાણે સમન્સ બજી શકે એમ ન હોય તો સમન્સની એક નકલ તેના રહેઠાણ કે ઘરના દેખીતા ભાગ પર ચોંટાડીને સમન્સની બજવણી થઈ શકે છે. સમન્સમાં દર્શાવેલી તારીખે પોલીસ-કર્મચારી જાતે ન્યાયાલયમાં હાજર રહી સમન્સ સાથે પોતાનું સોગંદનામું રજૂ કરી જાહેર કરી શકશે કે સમન્સ સંબંધિત પક્ષકારને યોગ્ય રીતે બજવવામાં આવ્યો છે.
કોઈ અદાલતને કે પોલીસ-અધિકારીને પોલીસ-તપાસમાં કે અદાલતી તપાસમાં કોઈ દસ્તાવેજની કે વસ્તુની જરૂર પડે તો તે દસ્તાવેજ કે વસ્તુનો કબજો ધરાવનાર વ્યક્તિને એ રજૂ કરવાનો સમન્સ કે આદેશ ન્યાયાલય આપી શકે.
વૉરન્ટ : વૉરન્ટના બે અર્થ થાય છે : (1) નાણાં મેળવવા માટેનો અધિકારપત્ર અથવા ઉચ્ચ સત્તાધિકારી તરફથી મોકલવામાં આવતો નિમણૂકપત્ર. દા.ત., કોઈ કંપનીનો ડિવિડન્ડ વૉરન્ટ હકીકતમાં તો ચેકનું કામ કરે છે. (2) અદાલત દ્વારા કોઈ વ્યક્તિની ધરપકડ કરવાનો આદેશ. આવો આદેશ સામાન્યપણે પોલીસ-અધિકારીને આપવામાં આવે છે અને વધારે ગંભીર ગુનાઓના આરોપીને પકડવા માટે મોકલવામાં આવે છે. ધરપકડ કરવાનો આદેશ અન્ય વ્યક્તિને પણ આપી શકાય છે. ધરપકડ કર્યા પછી વહેલામાં વહેલી તકે અને ચોવીસ કલાકની સમયમર્યાદામાં આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવો પડે છે.
આવા પકડ-વૉરન્ટ વિના પણ પોલીસ-અધિકારી નીચે દર્શાવેલ સંજોગોમાં નીચે દર્શાવેલ વ્યક્તિઓની ધરપકડ કરી શકે છે : (1) ફોજદારી કાર્યરીતિ સંહિતામાં કૉગ્નિઝેબલ તરીકે દર્શાવેલ ગુનામાં સંકળાયેલ વ્યક્તિ, (2) ઘરફોડનાં સાધનો જેના કબજામાંથી મળી આવે તેવી વ્યક્તિ, (3) જેને સરકાર દ્વારા ગુનેગાર તરીકે જાહેર કરવામાં આવ્યો હોય તેવી વ્યક્તિ, (4) જેના કબજામાંથી ચોરીનો માલ મળી આવ્યો હોય તેવી વ્યક્તિ, (5) પોલીસ-અધિકારીને તેની ફરજ બજાવતાં અટકાવે અથવા એના જાપ્તામાંથી નાસવા મથે તેવી વ્યક્તિ, (6) કેન્દ્ર સરકારની સેનામાંથી ભાગેડુ હોવાની જેના માટે શંકા હોય તેવી વ્યક્તિ, (7) પ્રત્યર્પણ(extradition)ના કાયદા અનુસાર જેની ધરપકડ કરી શકાય તેવી વ્યક્તિ, (8) અમુક સ્થળે જેમની હાજરી શંકાસ્પદ હોય અથવા જે રીઢા ગુનેગાર હોય તેવી વ્યક્તિ, (9) ચલણી નોટો અંગેનો ગંભીર ગુનો કરવા બદલ એક વખત સજા થયા પછી ફરીથી ગુનેગાર ઠરાવવામાં આવે અને તેને છોડવામાં આવે ત્યારે તેના રહેઠાણ અંગેની જાણ કરવા માટેના નિયમનો ભંગ કરે તો તેવી વ્યક્તિ, (10) અન્ય પોલીસ-અધિકારી તરફથી કોઈ વ્યક્તિની ધરપકડ કરવા માટેની વિનંતી કરવામાં આવી હોય તો તેવી વ્યક્તિ.
કોઈ વ્યક્તિને તેના કબજામાંનો દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવાનો સમન્સ કે આદેશ મોકલવા છતાં એ વ્યક્તિ રજૂ નહિ કરે એવું માનવાને કારણ હોય તો અદાલત સર્ચ-વૉરન્ટ કાઢી શકે છે. વળી ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ, સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ કે પ્રથમ વર્ગના મૅજિસ્ટ્રેટને એેમ માનવાને કારણ હોય કે કોઈ સ્થળનો ઉપયોગ ચોરીનો માલ રાખવા કે વેચવા માટે અથવા વાંધાજનક વસ્તુ રાખવા કે વેચવા માટે થઈ રહ્યો છે તો તે પોલીસ-અધિકારીને આવા સ્થળમાં પ્રવેશ કરવાનો, તેમાં તપાસ કરવાનો, તે માલ કે વસ્તુનો કબજો લેવાનો તેમજ તે ગુનામાં સંકળાયેલી જણાતી વ્યક્તિને પકડીને મૅજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો આદેશ આપતું સર્ચ-વૉરન્ટ કાઢી શકે છે.