વારસાધારો (ધી ઇન્ડિયન સક્સેશન ઍક્ટ, 1925)

વ્યક્તિના અવસાન પછી તેની સંપત્તિ પ્રાપ્ત કરવાના અધિકારનું વિવરણ કરતો કાયદો. વ્યક્તિ મૃત્યુ પામે એટલે એની સંપત્તિ મેળવવાનો અધિકાર એટલે ઉત્તરાધિકાર અથવા વારસાહક.

હિન્દુઓની બાબતમાં 1956થી હિંદુ સક્સેશન ઍક્ટ, 1956 અમલી છે. મુસ્લિમોની બાબતમાં મુસ્લિમ કાયદામાં એના વિશે જોગવાઈ કરી છે અને ખ્રિસ્તીઓ, પારસીઓ અને બાકીનાઓ માટે ધી ઇન્ડિયન સક્સેશન ઍક્ટ, 1925માંની જોગવાઈઓ લાગુ પડે છે. આમ ભારતમાં ત્રણ મુખ્ય કાયદાઓ વારસાનું સંચાલન કરે છે. વારસાહકના કાયદાને ઉત્તરાધિકારનો કાયદો પણ કહે છે.

વર્તમાન ભારતીય વારસાધારો-1925 1865ના વારસાધારાને રદ કરે છે. તદુપરાંત 1870ના હિંદુ વિલ(વસિયતનામું)ના પ્રબંધો, 1865ના પારસી બિનવસિયતી વારસા અંગેના અને 1901ના નેટિવ ક્રિશ્ચિયન એડમિનિસ્ટ્રેશન અધિનિયમના પ્રબંધોને  વર્તમાન વારસાધારાએ રદ કર્યા છે.

ભારતીય વારસાધારો, 1925ના 11 વિભાગો છે, અને કુલ 39 પ્રકરણો તથા 392 કલમો અને 9 અનુસૂચિઓ છે.

ભારતીય વારસાધારો, 1925 નીચેનાને લાગુ પડે છે :

(i) જન્મથી અને વંશથી જે યુરોપિયન હોય તેવી ભારતમાં અધિવાસ ધરાવતી વ્યક્તિઓને;

(ii) ભારતીય અને યુરોપિયન એવી મિશ્ર જાતિની વ્યક્તિઓ(ઍંગ્લો-ઇન્ડિયન્સ)ને, ભારતીય ખ્રિસ્તીઓને, ઈસ્ટ ઇંડિયનોને, યહૂદીઓને અને આર્મેનિયન્સને;

(iii) વિશિષ્ટ પ્રબંધ કર્યા પ્રમાણે પારસીઓને;

(iv) ધર્માંતર કરનાર ખ્રિસ્તીઓને અને

(v) જેટલી હદે આ ધારાના પ્રબંધો તેમના અંગત કાયદાની વિરુદ્ધ ન હોય તેટલી જ હદે હિંદુઓ અને મુસ્લિમોને (પાર્ટ-1, કલમો 1થી 3).

વારસા સાથે સંકલિત બાબત છે અધિવાસ (ડૉમિસાઇલ) ક. 4થી 19. વારસાધારાનો આ ભાગ 2 જો મૃત વ્યક્તિ હિંદુ, મુસ્લિમ, શીખ અથવા જૈન હશે તો તેને લાગુ પડશે નહિ. મૃત વ્યક્તિની મિલકતના વારસાનું નિયમન અધિવાસના નિયમોથી થાય છે. (ક. 5, 6). નવો અધિવાસ નિશ્ચિત વસવાટ દ્વારા (ક. 10) અથવા ખાસ રીત દ્વારા (ક. 9, 11-13) મેળવી શકાય છે. ક. 14થી 18 સગીરનો, પરિણીત સ્ત્રીનો અને પાગલ વ્યક્તિનો અધિવાસ કયો ગણાય તે જણાવે છે.

વિભાગ 3 લગ્નની અસર વારસા પર શું થાય છે તે દર્શાવે છે. (ક. 15, 20-22, 69). વિભાગ 4 સગોત્રતા(consanguinity)ની વ્યાખ્યા, તેના પ્રકારો અને પેઢી(degree)ની ગણતરી કરવાની પદ્ધતિ વિશે જોગવાઈ કરે છે. (ક. 23થી 28) (જુઓ અનુસૂચિ 1.)

હરેક વ્યક્તિને પોતાની મિલકતની વ્યવસ્થા કરવાનો અધિકાર છે; પછી તેવી વ્યવસ્થા એ વસિયતનામું બનાવીને કરે કે અન્યથા. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વિના મૃત્યુ પામનારને બિનવસિયતી ગુજરનાર (intestate) વ્યક્તિ કહે છે. (વિભાગ 5, ક. 29થી 56). આ ભાગના પ્રકરણ 2માં પારસીઓ સિવાયની જે વ્યક્તિઓ બિનવસિયતી ગુજરી જાય તેમની મિલકતની વહેંચણીના નિયમો જણાવ્યા છે. પ્રકરણ 3(ક. 50થી 59)માં બિનવસિયતી મૃત્યુ પામનાર પારસીઓની મિલકત-વહેંચણીના ખાસ પ્રબંધો જણાવ્યા છે.

વિભાગ 6, પ્રકરણો 1થી 23, કલમો 57થી 191 વસિયતી વારસા બાબતની જોગવાઈઓ કરે છે, જેને વસિયતી અનુભાગ (ટેસ્ટામેન્ટરી સક્સેશન) કહે છે.

વસિયત એટલે વિલ (Will), ક. 2 (કે). વિલ કરનારનું તેની મિલકત વિશેના ઇરાદાનું જ્ઞાપન (declaration), જે તે વ્યક્તિ પોતાના મૃત્યુ બાદ અમલમાં લાવવાને ધારે છે તેને વિલ કહે છે. તેમાં પુરવણી વિલ (codicil) પણ આવી જાય. (ક. 64)

વિલનાં આવશ્યક તત્વો :

(i) વિલના કર્તાનું વિધિમાન્ય જ્ઞાપન (ક. 63);

(ii) એ જ્ઞાપન એની પોતાની મિલકત વિશેનું હોય;

(iii) એના મૃત્યુ બાદ એનો અમલ થાય, તથા

(iv) વિલનો કર્તા પોતાની હયાતી દરમિયાન તેને રદ કરવાને સમર્થ હોય. એમાં વિલના કર્તાની સહી તથા બે સાક્ષીઓની સહી જરૂરી છે. સગીર વ્યક્તિ વિલ ન કરી શકે. (ક. 59). વિલના કર્તાએ એક કરતાં વધુ વિલ બનાવ્યાં હોય તો તેમાંથી તેનું છેલ્લું વિલ જ અમલી બની શકે છે. વિલ વિશે એમ કહેવાય કે એ હમેશાં એના કર્તાના મૃત્યુથી જ અમલમાં આવે છે  A will speaks from the death of a person. પિતા એનાં સગીર સંતાનો માટે વિલથી વાલી નીમી શકે છે. એવા વાલીને વસિયતી વાલી (ટેસ્ટામેન્ટરી ગાર્ડિઅન) કહે છે. (ક. 60)

વિલના પ્રકારો : (i) વિશેષાધિકૃત વિલ (પ્રિવિલેજ્ડ વિલ), (ii) સામાન્ય વિલ (‘અનપ્રિવિલેજ્ડ વિલ’), (iii) મૌખિક વિલ (‘નનક્યૂપેટિવ વિલ’), (iv) સ્વલિખિત વિલ, (v) અનુચિત વિલ, (vi) પારસ્પરિક વિલ, (vii) સંયુક્ત વિલ, (viii) શરતી કે આકસ્મિક વિલ અને (ix) ડુપ્લિકેટ વિલ.

ખરેખર યુદ્ધમાં વ્યસ્ત સૈનિક, હવાઈ દળનો સૈનિક અને નાવિક જેણે 18 વર્ષ પૂરાં કર્યાં છે તે જે વિલ બનાવે તેને વિશેષાધિકૃત વિલ કહે છે. (ક. 65, 66). પર્યાપ્ત સાક્ષીઓની હાજરીમાં મૌખિક શબ્દો દ્વારા કરેલા વિલને નનક્યૂપેટિવ કે મૌખિક વિલ કહે છે. મુસ્લિમો આવું વિલ બનાવી શકે છે; હિંદુઓ નહીં. (ક. 66) પોતાના જ અક્ષરોમાં વિલનો કર્તા વિલ લખી તૈયાર કરે તેને સ્વલિખિત કે holograph વિલ કહે છે. આવા વિલને ખોટું સાબિત કરવું મુશ્કેલ થઈ પડે છે. જ્યાં વ્યક્તિ પોતાની પત્ની, બાળકો અને સગાંઓને બાકાત રાખી એની મિલકત, વિલ બનાવી અન્યને આપે ત્યારે એ ઘટના સામાન્ય અને કુદરતી વ્યવહારની વિરુદ્ધ હોઈ એવા વિલને અનુચિત અથવા Inofficious વિલ કહે છે. બે વ્યક્તિઓ પરસ્પર વિલ બનાવી પોતાની મિલકતમાં એકબીજાને અધિકાર આપે ત્યારે પારસ્પરિક (mutual) વિલ થાય છે. બે વ્યક્તિઓ જ્યારે એક જ વિલમાં પોતાની ઇચ્છાઓ સમાવિષ્ટ કરે ત્યારે તેને સંયુક્ત (joint) વિલ કહે છે. કોઈ ઘટના બનવા પર આધારિત વિલને શરતી કે આકસ્મિક (conditional or contingent) વિલ કહે છે. બે નકલમાં બનાવેલા વિલને ડુપ્લિકેટ વિલ કહે છે. એમાંની એક નકલ વિલના કર્તા પાસે હોય છે. જો તે એ નકલનો નાશ કરે તો વિલ રદ થયું ગણાય. પુરવણી વિલ (codicil) મુખ્ય વિલને સમજાવે કે તેમાં ઉમેરો કરે કે તેમાં ફેરફાર પણ કરે. પુરવણીવિલ એ વસિયતનામાનો એક ભાગ છે.

સામાન્ય અને વિશેષાધિકૃત વિલના નિષ્પાદન વિશેના નિયમો ક. 63થી 66માં અને તેને રદ કરવા માટેની જોગવાઈ ક. 62, 69, 70 અને 72માં કરવામાં આવી છે.

વિલના લખાણમાં કરવામાં આવેલી છેકછાક કે કરેલા ફેરફારમાં તેના કર્તાની સહી જરૂરી છે. (ક. 71) (પ્રકરણ 5).

એક વાર સામાન્ય વિલ રદ કરાય તે પછી, તેને ફરી અસરકારક બનાવવા માટે ક. 73માં જણાવેલી ચોક્કસ વિધિ કરવાની રહે છે. (પ્રકરણ 6).

વિલમાંનું લખાણ સ્પષ્ટ હોય તો તેમાં કોઈ વિવાદ કે તકરારને સ્થાન રહેતું નથી; જ્યારે લખાણ સ્પષ્ટ ન હોય, સંદિગ્ધ હોય, તેનો ચોક્કસ અર્થ થઈ શકે તેવું ન હોય ત્યારે તેના કર્તાનો ઇરાદો શો હતો તે ખોળવું મુશ્કેલ બને છે. આથી અમુક શબ્દનો અર્થ શો થાય તે અનુભવથી નક્કી કરાયું છે અને તેને નિયમબદ્ધ કરાયું છે.

વિલના અર્થઘટનના સામાન્ય નિયમો (74101) :

(1) વિલના કર્તાનો ઇરાદો અમલમાં સ્પષ્ટ રીતે મુકાવો જોઈએ. (2) તે માટે વિલનું સમગ્ર લખાણ ધ્યાનમાં લેવાનું છે. (3) શબ્દોનો સામાન્ય અર્થ સ્વીકારવો, અદાલત વિલના કર્તાની સ્થિતિમાં પોતાને મૂકવાનો પ્રયત્ન કરી વિલમાંના લખાણનો અર્થ તારવશે. (4) વિલના કર્તાની માનસિક સ્થિતિ, તેની આજુબાજુના સંજોગો, તેના કૌટુંબિક સંબંધો, તેની જાતિ, અભિપ્રાયો અને તેણે અમુક શબ્દ અમુક અર્થમાં વાપર્યો હશે તે વિશેનો પુરાવો લક્ષમાં લેવો જરૂરી છે. (5) વિલ તેના કર્તાના મૃત્યુથી બોલે છે. (પ્રકરણ 7). (6) વિલમાંના શબ્દોના અર્થઘટન માટે (કલમ 74, 75, 83, 86, 87, 90, 95, 99, 100), તેમાંની ભૂલોના સંબંધમાં (કલમ 76થી 79), તેમાં રહેલી સંદિગ્ધતાઓ સંબંધી (ક. 80-81), અસંગત વાક્યખંડો સંબંધી (કલમ 82, 84, 85, 88) અને (bequests) ઉત્તરદાનોના અર્થ (કલમ 90થી 98) વિશે પણ નિયમો બનાવવામાં આવ્યા છે.

વ્યર્થ વિલ : નીચે જણાવેલાં વિલ વ્યર્થ છે : (1) સગીર અથવા દીવાની વ્યક્તિએ કરેલું. (2) કપટ, જોરજુલમ અને કાલાવાલા કરીને કરાવેલું. (3) તેના કર્તાનો નિશ્ચિત ઇરાદો ન દર્શાવતું. (4) વિશેષાધિકૃત વિલનો કર્તા તે વિલ કર્યા પછી એક માસ કરતાં વધુ સમય માટે જીવતો રહે તો તેવું વિલ પણ વ્યર્થ છે. (પ્રક. 8, ક. 59, 61, 66, 89).

વિલના કર્તાએ આપેલું ઉત્તરદાન અમુક પ્રસંગે (ક. 104થી 111) રદ થાય છે (lapse), એને વ્યયગમન કહે છે. વ્યયગમન થયેલી મિલકત વિલ કરનારની અવશેષ રહેલી મિલકત સાથે ભળી જાય છે. (ક. 107). સખાવત અર્થે આપેલા ઉત્તરદાનનો સખાવતી ઉદ્દેશ નિષ્ફળ જતાં તેનો ઉપયોગ યથાસામીપ્ય(cypress)ના સિદ્ધાંતને આધારે (દર્શાવેલા હેતુથી નજીકનો ઉપયોગ કે હેતુ) કરવામાં આવશે (પ્રકરણ 10) અને તેને નિષ્ફળ જવા દેવાશે નહિ.

વ્યર્થ ઉત્તરદાનો : સાખ કરનાર સાક્ષીને આપેલું ઉત્તરદાન, અનિશ્ચિત ઉત્તરદાન, અસ્તિત્વમાં ન હોય તેવી વ્યક્તિને અપાયેલું ઉત્તરદાન, વિલ કરનારના મૃત્યુ સમયે હયાત ન હોય તેવી વ્યક્તિને અપાયેલા અગાઉના ઉત્તરદાનને આધીન ઉત્તરદાન અને શાશ્વતતા વિરુદ્ધના નિયમ(Rule against Perpetuity)નો ભંગ કરતું ઉત્તરદાન, પ્રવર્ધન અથવા સંચયીકરણ(accumulation)ના આદેશવાળું ઉત્તરદાન, અશક્ય શરત કરીને આપેલું ઉત્તરદાન અને ગેરકાયદે અથવા અનૈતિક શરતથી આપેલું ઉત્તરદાન વ્યર્થ છે. (પ્રક. 11, ક. 67, 89, 112થી 118, 126, 127).

ઉત્તરદાન નિહિત (સ્થાપિત-vesting) થવા વિશે :

ઉત્તરદાનમાં અપાયેલી વસ્તુનો તાત્કાલિક કબજો અને ઉપભોગનો હક મળે તેને એ મિલકત કબજા અધિકારમાં સ્થાપિત કે નિહિત થઈ છે (vested in possession) એમ ગણાય; પરંતુ તેવી વસ્તુનો કબજો  ભવિષ્યમાં મેળવવાનો પરાજિત ન થાય તેવો હક હોય તેને, તેવી વસ્તુમાં હિત પ્રાપ્ત થયું છે (vested in interest) એમ ગણાય.

જેમાં ઉત્તરદાન આપનાર, તે લેનાર પર કંઈક કરવાની જવાબદારી નાખે ત્યારે તેવું ઉત્તરદાન ભારયુક્ત (onerous) બને છે. એક વ્યક્તિને જ્યારે બે અલગ અલગ અને સ્વતંત્ર ઉત્તરદાનો અપાય ત્યારે તે બોજાવાળા ઉત્તરદાનનો અસ્વીકાર કરી પોતાને લાભકારક ઉત્તરદાનનો સ્વીકાર કરી શકે છે (પ્રક. 13, ક. 122, 123).

ઘટનાપેક્ષિત ઉત્તરદાનો બાબતમાં, ભંડોળ વહેંચવાનો સમય આવે તે પહેલાં તે ઘટના બને નહિ તો ઉત્તરદાન અમલી બની શકતું નથી. (પ્રક. 14, ક. 124)

શરતી ઉત્તરદાનોના બે પ્રકારો છે : પૂર્વવર્તી શરત (condition precedent) અને ઉત્તરવર્તી શરત (condition subsequent). ઉત્તરદાનમાંની પૂર્વવર્તી શરતનું મહદ્અંશે (substantially) પાલન થયું હશે તો શરત પરિપૂર્ણ થઈ છે એમ ગણાય છે; પરંતુ ઉત્તરવર્તી શરતનું પાલન ચોક્કસ રીતે (strictly) થવું જોઈશે. અશક્ય કે ગેરકાયદે શરત ઉત્તરદાનને નિષ્ફળ બનાવે છે (પ્રક. 15). ઉત્તરદાનના ઉપભોગની રીત કે પદ્ધતિ પરત્વે વિલના કર્તાએ આપેલો આદેશ, ઉત્તરદાન લેનારને બંધનકર્તા નથી – આને પ્રતિકૂળતાનો સિદ્ધાંત (Doctrine of Repugnancy) કહે છે. (પ્રક. 16) પ્રવર્તકને ઉત્તરદાન આપી શકાય છે. (ક. 141)

ઉત્તરદાનના ત્રણ પ્રકારો છે : (1) સામાન્ય ઉત્તરદાન (general) કલમ 148; (2) વિશિષ્ટ ઉત્તરદાન (specific) કલમ 142 અને (3) નિર્દિષ્ટ ઉત્તરદાન (demonstrative) કલમ 150 .

સામાન્ય ઉત્તરદાનની કોઈ વ્યાખ્યા નથી. પોતાની મિલકતમાંથી અલગ પાડી શકાય તેવા ભાગનું ઉત્તરદાન (દા.ત., મારી સોનાની ઘડિયાળ) એ વિશિષ્ટ ઉત્તરદાન છે. વિલનો કર્તા જ્યારે કોઈ રકમ કે વસ્તુનો જથ્થો ઉત્તરદાનમાં આપે અને જેમાંથી તેની ચુકવણી કરવાની છે તે ભંડોળ કે વસ્તુના જથ્થાનો ઉલ્લેખ કરે ત્યારે તેવા ઉત્તરદાનને નિર્દિષ્ટ ઉત્તરદાન કહે છે. (પ્રક. 17, 18)

પ્રકરણ 19 (ક. 152166 અને 179) : ઉત્તરદાન નિવર્તન (ademption). જ્યારે મરનાર તેણે આપેલા ઉત્તરદાનનો મૃત્યુસમયે માલિક ન હોય અથવા તો ઉત્તરદાનમાં આપેલી મિલકતનું બીજી મિલકતમાં રૂપાંતર કરી નાખેલું હોય ત્યારે ઉત્તરદાન પાછું ફરે છે; દા. ત., હું મારી સોનાની ઘડિયાળ વેચી દઉં, વિશિષ્ટ ઉત્તરદાનનું જ નિવર્તન થાય. એ માટેના નિયમો છે. (ક. 154થી 166)

નીચેના કિસ્સાઓમાં નિવર્તન થતું નથી :

કોઈ કામચલાઉ કારણસર અથવા કપટ કરીને અથવા વિલ કરનારની જાણ કે મંજૂરી વિના વિશિષ્ટ મિલકતને એના સ્થળેથી ખસેડવામાં આવે તેથી એવા ઉત્તરદાનનું નિવર્તન થતું નથી. ઉત્તરદાનની વસ્તુમાં વિલના કર્તાની જાણ વિના ફેરફાર કરવામાં આવે, ઉત્તરદાનની વસ્તુ અન્યને ઉછીની અપાય અને પછી પુન:સ્થાપિત થાય ત્યારે પણ ઉત્તરદાનનું નિવર્તન થતું નથી.

જવાબદારીઓને આધીન ઉત્તરદાન લેનારે જવાબદારી અદા કરવી પડશે. (પ્રક. 20, ક. 167થી 170) સામાન્ય શબ્દોથી વર્ણવેલી વસ્તુનું ઉત્તરદાન અપાયું હોય (દા. ત., વીંટી) તો પ્રવર્તકે તેવી વસ્તુ ખરીદીને ઉત્તરદાનગ્રહિતાને આપવી જોઈશે, પરંતુ જો કોઈ નિશ્ચિત વસ્તુ આપવા ધારી હોય (દા. ત., ધોળા ઘોડાની જોડ) અને તે ન હોય તો ઉત્તરદાન વ્યર્થ જશે.

કોઈ ફંડની ઊપજનું (ક. 172) અને વર્ષાસનનું (ક. 173થી 176) તથા લેણદારને (ક. 177) અને સંતાનાર્થે વ્યવસ્થાનો લાભ મેળવનાર (બાળકો)ને પણ ઉત્તરદાન આપી શકાય. (ક. 177-178, પ્રક. 21)

પસંદગી(election)નો સિદ્ધાંત : વિલથી વ્યક્તિ પોતાની મિલકતનો નિકાલ કરી શકે છે; પરંતુ જ્યારે પોતાને અધિકાર નથી તેવી વસ્તુનો તે નિકાલ કરે તો, એ મિલકત જેની છે તે વ્યક્તિ એવી વ્યવસ્થાને કાં તો બહાલી આપે અથવા તો તેમાં અસંમત થાય.  આ બીજા કિસ્સામાં અસંમત થનારે વિલથી તેને જે લાભો અપાયા છે તે લાભો જતા કરવા પડશે (ક. 180). મતલબ કે વિલને સ્વીકારો અથવા તો તેનો અસ્વીકાર કરો. સ્વીકાર કરશો તો વિલમાંનો લાભ મળશે અને નહિ સ્વીકારો તો વિલમાંનો લાભ જતો કરવો પડશે; પણ બંને વસ્તુઓ સાથે બની શકશે નહિ (you cannot blow hot and cold in the same breath). આ ક્રિયાને કાયદામાં પસંદગી કહેવામાં આવે છે (ક. 180થી 190, પ્રક. 22). પસંદગી અમુક સમયમાં કરી લેવી પડે છે.

મૃત્યુઅપેક્ષિત બક્ષિસો (Donatio mortis Causa) : પોતે મૃત્યુ પામશે એવો ડર બીમાર વ્યક્તિને લાગે ત્યારે તે પોતાની જંગમ મિલકતની વ્યવસ્થા કરશે. સ્થાવર મિલકત માટે તે વિલ કરી શકે છે. જંગમ મિલકત તે બક્ષિસમાં કે દાનમાં આપી શકે છે. મૃત્યુ-અપેક્ષિત આવી બક્ષિસ કે દાન શરતી હોય છે એટલે કે બીમાર વ્યક્તિનું મૃત્યુ થશે તો જ આ દાન કે બક્ષિસ અમલી બનશે; જો તે માંદગીમાંથી ઊગરી જઈ સાજો થશે તો આવી બક્ષિસો અને દાન તે પરત મેળવી શકશે કેમ કે મૃત્યુની અપેક્ષાએ તે કરેલાં હતાં. આવી બક્ષિસો કે દાન જંગમ મિલકતમાં જ થઈ શકે છે; તેની સોંપણી તે જ સમયે થવી જોઈએ. (પ્રક. 23, ક. 191)

મરનારની મિલકતનો વારસો મેળવવાનો જેને હક છે તેવી વ્યક્તિ, જ્યારે એ મિલકતનો કબજો બીજી કોઈ વ્યક્તિએ મેળવેલો હોય, અથવા તો એવી વ્યક્તિ પોતાની પાસેથી એવો કબજો બળપૂર્વક લઈ લેશે એમ પોતાને ભીતિ હોય ત્યારે કબજો મેળવવા માટે મિલકત-માલિકના મૃત્યુની તારીખથી છ માસમાં ડિસ્ટ્રિક્ટ જજને અરજી કરી શકે છે. અરજી યોગ્ય વિગતવાળી અને શુદ્ધ બુદ્ધિથી કરાઈ છે એવી ખાતરી કરીને એ વિશે તપાસ કરવામાં આવે છે અને અરજદારને મિલકત સોંપવાનો આદેશ કરવામાં આવે છે. આ આદેશ સામે અપીલ કે પુનરીક્ષણ થઈ શકતું નથી. અરજી કર્યા પછી તેનો નિર્ણય આવે તે દરમિયાનના ગાળામાં મિલકતની દેખભાળ તથા તેના હિસાબો રાખવા માટે અને કબજેદાર મિલકતનો બગાડ (waste) ન કરે તે માટે અદાલત પરિરક્ષક(curator)ની નિમણૂક કરે છે. અરજી કરનાર પક્ષની અરજી નામંજૂર થાય અથવા કબજેદાર પક્ષનો કબજો છોડાવવામાં આવે ત્યારે કોઈ પણ પક્ષને અદાલતમાં દાવો કરતાં રોકી શકાય નહિ. (ભાગ 7, ક. 192-210)

પ્રવર્તક બધી બાબતો માટે મૃત વ્યક્તિનો પ્રતિનિધિ છે અને સઘળી મિલકત તેનામાં સ્થાપિત થયેલી છે. જ્યાં સુધી અદાલત વિલનું મૃત્યુલેખ-પ્રમાણ (probate) અથવા વિલ સાથે જોડેલું વહીવટપત્ર (letters of administration) ન આપે ત્યાં સુધી પ્રવર્તક ઉત્તરદાનગ્રહિતા તરીકેનો કોઈ પણ હક અદાલતમાં પુરવાર કરી શકતો નથી. મૃત્યુલેખ પ્રમાણ અથવા વહીવટપત્રનો ધારક જ મરનારના પ્રતિનિધિ તરીકે દાવો કરી શકે છે. (પાર્ટ 8, ક. 211-216)

મૃત્યુલેખ-પ્રમાણ અથવા વહીવટપત્ર કોને આપી શકાય, તેની શું અસર થાય છે, કોને તે ન આપી શકાય, ક્યારે અનેક વ્યક્તિઓને તે આપી શકાય, અનેકમાંથી એક પ્રવર્તક ગુજરી જાય તો શું પરિસ્થિતિ થાય અને ત્યારે જ પ્રવર્તકપણું ત્યાગી દેવાની અરજી કરવી આ વિશેની જોગવાઈઓ વારસા અધિનિયમના ભાગ 9, ક. 217થી 228માં કરવામાં આવી છે. એ જ પ્રમાણે વહીવટપત્ર અથવા પ્રબંધપત્ર વિશેની જોગવાઈઓ પણ આ ભાગમાં દર્શાવાઈ છે. (પ્રક. 1, ક. 229થી 236)

જ્યારે વિલનો દસ્તાવેજ ખોવાઈ જાય, નાશ પામે અથવા વિલની અસલ નકલ પરદેશમાં વસતી વ્યક્તિ પાસે હોય અને તે માટે સમય બગાડવો યોગ્ય ન લાગે તો અદાલત એવા વિલનું મૃત્યુલેખ-પ્રમાણ કાઢી આપે છે. વિલ ન મળી આવે એવા કિસ્સામાં વહીવટપત્ર કાઢી આપી શકાય છે. આ વિશેની વિસ્તૃત જોગવાઈઓ ભાગ 9ના પ્રકરણ 2, ક. 237થી 260માં કરાઈ છે.

યોગ્ય કિસ્સામાં મૃત્યુલેખ-પ્રમાણ અને વહીવટપત્ર રદ કરી શકાય છે (ક. 263). આવી સત્તા ડિસ્ટ્રિક્ટ જજને છે (ક. 264). આ વિશે પ્રકરણ 3(ક. 261થી 302)માં જોગવાઈઓ છે.

પોતાના જ દોષથી પ્રવર્તક (executor of his own wrong) મરનારની મિલકતનો પ્રવર્તક ન હોવા છતાં કોઈ વ્યક્તિ એવું કાર્ય કરે જે પ્રવર્તકે કરવાનું હોય ત્યારે એમ કરનાર પોતે પોતાના જ દોષિત કાર્યથી પ્રવર્તક બને છે. મરનારના માલસામાનનું રક્ષણ કરવા માટે તેને ખસેડનાર અથવા તેની અંત્યેદૃષ્ટિ માટે કે તેના કુટુંબના સભ્યોની જરૂરિયાતો સંતોષવા જે વ્યક્તિ કાર્ય કરે તેને આમાં અપવાદરૂપ ગણ્યો છે અને તે પોતાના જ દોષથી પ્રવર્તક બનતો નથી. પોતાના જ દોષથી પ્રવર્તક બની બેઠેલી વ્યક્તિ પ્રવર્તકને, વહીવટકર્તાને, મરનારના લેણદારને અને ઉત્તરદાનગ્રહિતાને જવાબદાર બને છે. (પ્રક. 5, ક. 303-304)

પ્રકરણ 6 અને 7માં પ્રવર્તક અને વહીવટકર્તાની સત્તાઓ અને ફરજો વિશે જોગવાઈ કરવામાં આવી છે. (ક. 305થી 331)

પ્રવર્તક અથવા વહીવટકર્તાની સંમતિ ઉત્તરદાનગ્રહિતાના અધિકારને પૂર્ણ બનાવે છે. વિશિષ્ટ ઉત્તરદાનના કેસમાં પ્રવર્તકની સંમતિ એની પાસે મરનારની જે મિલકત છે તેને ઉત્તરદાનગ્રહિતામાં નિહિત કરશે. આ સંમતિ ગર્ભિત અથવા વ્યક્ત હોઈ શકે, અને શરતી પણ હોઈ શકે છે. મરનારે પ્રવર્તકને પોતાને આપેલા ઉત્તરદાનમાં પણ એની સંમતિ જરૂરી છે જ. સંમતિ મરનાર વ્યક્તિના મૃત્યુથી અમલી બને છે. (પ્રક. 8, ક. 332થી 337)

મરનારે તેના વિલમાં જે દર્શાવ્યું હોય તે પ્રમાણે કાર્ય કરવાની ફરજ પ્રવર્તક અથવા વહીવટકર્તાની છે. એ પ્રમાણે તેમણે વર્ષાસન અને નિયત ભાગની ચુકવણી (પાર્ટ 9, ક. 338-339), ઉત્તરદાનોની ચુકવણી માટે તેનાં ભંડોળનું રોકાણ (પાર્ટ 10, ક. 341-348), તેની મિલકતમાંથી થતી ઊપજ અને તેનું વ્યાજ(પાર્ટ 11, ક. 349-355)  એની વ્યવસ્થા કરવાની છે. અદાલતના આદેશ મુજબ ઉત્તરદાનની ચુકવણી કરી હોય અને તેને પરિણામે બીજા ઉત્તરદાનગ્રહિતાનો ભાગ કમી થતો હોય, તો એવું ઉત્તરદાન પરત લેવાનો પણ પ્રવર્તક કે વહીવટકર્તાને હક છે. (પાર્ટ 12, ક. 356-357) મરનારની મિલકતનો વહીવટ કરવામાં પ્રવર્તક કે વહીવટકર્તાની બેકાળજીથી મિલકતને કોઈ નુકસાન થાય અથવા મિલકતનો ઉપયોગ ખોટી જગાએ કરાયો હોય તો તે માટે પ્રવર્તક અથવા વહીવટકર્તા જવાબદાર ઠરશે. (પાર્ટ 13, ક. 368-369)

વારસાપ્રમાણપત્ર (succession certificate) : વારસા-પ્રમાણપત્ર કોને કાઢી આપવું, કોને ન કાઢી આપવું, તેની અરજી તથા એનો નમૂનો, અરજી કોને કરવી, તેની કાર્યરીતિ, વારસા-પ્રમાણપત્રમાં શું સત્તા અપાય છે, તેમાં સુધારો કરવો, તેની ફી, તેનો વ્યાપ અને અસર તથા તે ક્યારે રદ કરવું જોઈએ અને એ વિશેનો દાવો તથા અપીલ વગેરે બાબતની જોગવાઈ કલમ 370થી 390(પાર્ટ 10)માં દર્શાવી છે.

વારસાધારો (હિન્દુ સક્સેશન ઍક્ટ1956) : 1956નો ધ હિન્દુ સક્સેશન ઍક્ટ અમલમાં આવ્યો તે પહેલાં હિંદુ વ્યક્તિની મિલકતના વારસાહક અંગે દેશના વિવિધ ભાગોમાં વિવિધ કાયદાઓ અસ્તિત્વમાં હતા. સંયુક્ત મિલકત અને અલગ મિલકત બાબતમાં વારસાની પદ્ધતિઓ અલગ અલગ હતી. પ્રથમમાંનું હિત ઉત્તર-  જીવિતા(survivorship)ને આધારે અને બીજામાંનું હિત વારસા(inheritance) આધારે બીજી વ્યક્તિને મળતું. સ્ત્રીધનના વારસાના નિયમો પુરુષની મિલકતના વારસાથી વિભિન્ન હતા. સ્ત્રીની મર્યાદિત મિલકત વિશે પણ અલગ નિયમો હતા. ટૂંકમાં વારસાની સમગ્ર પદ્ધતિ પુરુષપ્રધાન જ હતી, અને સમાજમાં પુરુષોનું જ વર્ચસ્ હતું. કેરળમાં માતૃપ્રધાન પ્રથા હતી. પંજાબમાં વારસાના નિયમો મહદ્અંશે રૂઢિ અને પ્રણાલિકા પર આધારિત હતા. મિતાક્ષર અને દાયભાગથી સંચાલિત થતી વ્યક્તિઓને વારસાના નિયમો પણ અલગ અલગ હતા.

બ્રિટિશરો ભારતમાં પ્રવેશ્યા તે પછી તેમણે આ નિયમોનું એમના દૃષ્ટિકોણથી, એમની રીતે અર્થઘટન કર્યું. જેમાંથી અનેક અન્યાયો ઉપસ્થિત થયા. અદાલતોના ચુકાદાઓ પણ પરસ્પરવિરોધી આવતા. આ સ્થિતિ 1956ના જૂન સુધી ચાલુ રહી. 1956 પહેલાં 1937માં ધ હિન્દુ વિમેન્સ રાઇટ ટુ પ્રોપર્ટી ઍક્ટથી સ્ત્રીને વારસો મળે તે માટે અધિકારો અપાયા.

આમ, 19મા સૈકાના અડધા ભાગ સુધી હિંદુઓનો વારસા વિશેનો કાયદો સામાન્ય સુધારા સિવાય એવો ને એવો જ રહ્યો. બદલાતા સમાજ અને વાતાવરણ સાથે એમાં પણ સુધારાની માગણી હતી. પરિણામે 1941માં આ માટે નિમાયેલી નિષ્ણાત સમિતિએ બે કાચા મુસદ્દા તૈયાર કર્યા. એક લગ્ન માટે અને બીજો બિનવસિયતી વારસા માટે. તે પછી કમિટીએ કંઈ કર્યું નહીં. 1944માં તત્કાલીન  ભારત સરકારે આ કમિટીને પુનર્જીવન આપી આદેશ કરવામાં આવ્યો કે સમગ્ર હિંદુ કાયદાના બધા જ વિભાગો(branches)ને માટે કાયદો બનાવવો. આને કારણે હિંદુ કોડ બિલનો જન્મ થયો. આ બિલને 11-4-1947ના રોજ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બ્લીમાં ચર્ચા માટે મૂકવામાં આવ્યું, પણ એક અથવા બીજા કારણસર ચર્ચા 1951 સુધી ચાલી. ચર્ચામાં માલૂમ પડ્યું કે જાહેર જનમત આ બિલની વિરુદ્ધ હતો. પંડિત નહેરુનું આ સાહસ હતું. તેમણે પરિસ્થિતિ પારખી સમગ્ર હિંદુ કોડ બિલ રજૂ કરવાને બદલે તેના ચાર ભાગ પાડી નાખ્યા : (1) મૅરેજ, (2) ઇન્ટેસ્ટેટ સક્સેશન, (3) માઇનૉરિટી અને ગાર્ડિયનશિપ અને (4) એડોપ્શન્સ ઍન્ડ મેન્ટેનન્સ અને ક્રમશ: તે પસાર કરાવ્યા; ધ હિંદુ સક્સેશન ઍક્ટ 1956 તેમાંનો એક છે.

ધ હિંદુ સક્સેશન ઍક્ટ 1956 નં. 30/1956 તા. 17 જૂન 1956થી અમલમાં આવ્યો. એનાથી હિંદુઓના બિનવસિયતી (intestate) વારસાના નિયમોમાં ધરખમ ફેરફાર કરાયો. આ હિંદુ વારસા અધિનિયમ 1956માં 31 કલમો, 3 પ્રકરણો અને 1 અનુસૂચિ છે. અધિનિયમનો આશય (i) જ્યાં વ્યક્તિ બિનવસિયતી ગુજરી જાય ત્યાં તેના વારસા અંગે બધા જ હિંદુઓને લાગુ પડે એવા સર્વગ્રાહી નિયમો આપવા, (ii) પુત્રીઓને વારસો મેળવવાનો અધિકાર આપવો, (iii) ધાર્મિક સક્ષમતા પર આધારિત વારસાના હકને બદલે કુદરતી સ્નેહ અને લાગણીઓ પર રચાયેલી એવી એક અનુસૂચિ ઘડી કાઢવી, અને (iv) અધિનિયમમાં દર્શાવેલી બાબતો સંબંધમાં એના નિયમોનો અમલ, રીત-રિવાજની ડખલ વિના, સર્વગ્રાહી અને સર્વાંગી રીતે થાય એ હતો.

પંડિત જવાહરલાલ નહેરુનું આ પગલું, સમાન સિવિલ કોડ(common civil code)ની રચના તરફનું એક વિચારપૂર્ણ લાંબા ગાળાનું તથા હિંમતભર્યું પગલું હતું.

બિનવસિયતી વારસા અંગેના ભૂતકાળના કાયદાથી જુદા પડીને 1956ના વારસા અધિનિયમે ધરખમ ફેરફારો કર્યા છે.

(i) મિતાક્ષર, દાયભાગ, મરૂમક્કટ્ટયમ્, અલિયસંતાન અને નામ્બૂદ્રિ – એ બધી જ વિચારસરણીથી સંચાલિત થતા બધા જ હિંદુઓને આ અધિનિયમ સમાન રીતે લાગુ પડે છે. વારસા માટેની આથી એકસમાન અને સર્વગ્રાહી વ્યવસ્થાપદ્ધતિ ઉપસ્થિત કરવામાં આવી છે.

(ii) જૂના હિંદુ કાયદા પ્રમાણે (1) મિતાક્ષર અને (2) દાયભાગ. સ્કૂલમાં નીચે પ્રમાણેના વારસોને માન્ય ગણ્યા હતા : પ્રથમમાં ગોત્રજ સપિંડો, સમાનોદકો અને બંધુઓ હતા; બીજામાં સપિંડો, સકુલ્યો અને બંધુઓ હતા. વર્તમાન અધિનિયમ ઉપર્યુક્ત વર્ગીકરણને સ્થાને વારસોને ચાર ભાગમાં વહેંચે છે : (1) વર્ગ 1ના વારસો, (2) વર્ગ 2ના વારસો (ઍગ્નેટ્સ) (3) સગોત્ર અને (4) ભિન્નગોત્ર (કૉગ્નેટ્સ). (ક. 8, અનુસૂચિ. 1) અગાઉના ધર્મ-આધારિત અનુસંધાનને આથી સંપૂર્ણ રીતે રદ કરવામાં આવ્યું છે.

(iii) ‘હિંદુ’ શબ્દની વ્યાખ્યા વિસ્તૃત કરવામાં આવી છે (ક. 2). ‘હિંદુ’ શબ્દમાં (અ) વીરશૈવ, લિંગાયત અથવા બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ અથવા આર્યસમાજના અનુયાયી સહિત હિંદુ ધર્મના કોઈ પણ સ્વરૂપમાં અથવા વિકસિત સ્વરૂપમાં હિન્દુ હોય તેને; (આ) જે કોઈ વ્યક્તિ બૌદ્ધ, જૈન અથવા શીખ ધર્મને અનુસરતી હોય તેને; (ઇ) જે વ્યક્તિને આ અધિનિયમ લાગુ પડતો હોય તેવા પ્રદેશમાં કાયમી નિવાસ કરતો હોય અને ધર્મે મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી અથવા યહૂદી ન હોય તેવી બીજી કોઈ પણ વ્યક્તિને સિવાય કે એમ પુરવાર થાય કે જો આ અધિનિયમ પસાર કરવામાં ન આવ્યો હોત તો એવી કોઈ પણ વ્યક્તિને આમાં ઠરાવેલી બાબતમાં હિંદુ કાયદો અથવા તે કાયદાના ભાગ તરીકે કોઈ પણ રિવાજ અથવા રૂઢિ લાગુ પડત નહિ તેને; (ઈ) આ ઉપરાંત જે બાળકનાં માબાપ બંને અથવા મા કે બાપ ધર્મે હિન્દુ, બૌદ્ધ, જૈન અથવા શીખ હોય તેવા કોઈ પણ ઔરસ અથવા અનૌરસ બાળકને; (ઉ) હિંદુ, બૌદ્ધ, જૈન કે શીખ ધર્મમાં ધર્માન્તર કરેલી અથવા પુન: ધર્માન્તર કરેલી વ્યક્તિને હિંદુ ગણવામાં આવી છે. આ ઉપરાંત ‘હિન્દુ’ શબ્દનો અર્થ, ધર્મે હિન્દુ ન હોય તોપણ આ કલમમાંની જોગવાઈઓને લીધે આવરી લેવાયેલી વ્યક્તિઓને લાગુ પડે છે. આમ, આ અધિનિયમના ક્ષેત્રવિસ્તારમાં જેઓ ધર્મે મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી અથવા યહૂદી ન હોય તેવા ભારતના દરેક નાગરિકોનો સમાવેશ થતો અટકાવાયો છે. (જુઓ કલમ 2 (2).)

કલમ 3માં ‘સગોત્ર’, ‘ભિન્નગોત્ર’, ‘અલિયસંતાન કાયદો’, ‘રિવાજ’, ‘પ્રથા’, ‘પૂર્ણરક્ત સંબંધ’, ‘અર્ધરક્ત સંબંધ’, ‘સહોદર’, ‘વારસ’, ‘બિનવસિયતી’, ‘નામ્બૂદ્રી’ વગેરે શબ્દોની વ્યાખ્યા આપી છે.

કલમ 4 એમ સ્પષ્ટ જણાવે છે કે આ અધિનિયમની તુરત અગાઉ હિંદુ કાયદાનો કોઈ પણ પાઠ, નિયમ કે અથર્ર્ઘટન અથવા કોઈ પણ રિવાજ, પ્રથા જે અમલમાં હશે તે આ અધિનિયમમાં જેને વિશે જોગવાઈ કરી છે તે બાબતને લાગુ પડતી બંધ થશે. આ ઉપરાંત આ અધિનિયમની જોગવાઈઓથી વિરુદ્ધ જે કાયદો અગાઉ અમલમાં હશે તે હિંદુઓને લાગુ પડતો અટકી જશે. ખેતીની જમીનના ટુકડા થતા અટકાવવાને માટે જે કાયદો છે તેને આ કાયદામાંનું કશું જ લાગુ પડશે નહિ. આમ પહેલાંનો મૂળ પાઠવાળો (textual) અને રિવાજ જનિત હિંદુ કાયદો અને તેના નિયમો તથા 1956 પહેલાંના બધા જ વૈધાનિક કાયદાઓ જેટલી હદ સુધી તે આ અધિનિયમની જોગવાઈઓથી વિરુદ્ધમાં જતા હશે તે હિંદુઓને લાગુ પડશે નહિ. તેમ છતાં પણ પિતાનાં દેવાં ભરપાઈ કરવાની પુત્રની ધાર્મિક ફરજનો સિદ્ધાંત રદ કર્યો નથી. એ જ પ્રમાણે પંજાબનો એવો રિવાજ જનિત કાયદો જે બાપદાદાની મિલકત, પુરુષના હાથમાં હોય તેને તે બીજાને વેચી દઈ શકશે, એ પણ રદ કર્યો નથી.

બિનવસિયતી વારસાહક : જે મિલકતોના વારસાહકનું સંચાલન ઇન્ડિયન સક્સેશન ઍક્ટ 1925થી થતું હશે તેને આ અધિનિયમ લાગુ પડશે નહિ (ક. 5). મિતાક્ષર સંદાયાદગણ(coparcenary)ની કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને જો એની પાછળ એની વિધવાને મૂકતો જાય તો એની મિલકતમાંનું હિત ઉત્તરજીવિતા(survivorship)ના સિદ્ધાંતને આધારે પસાર થશે નહિ, પરંતુ વસિયતી અથવા બિનવસિયતી વારસાના નિયમોને આધારે પસાર થશે. પરિણામે મરનારની વિધવાને પુરુષના જેટલો જ હિસ્સો મળશે. આમ મિતાક્ષર સંદાયાદગણ(Mitakshar coparcenary)ના જૂના નિયમોને બદલવામાં આવ્યા છે (ક. 6). તારવાડ, તવાઝી, કુટુંબ, કાવારુ અથવા ઇલ્લમ્ જેઓને વારસા બાબતમાં મરૂમક્કટ્ટયમ્ અથવા નામ્બૂદ્રિ કાયદો લાગુ પડતો હતો તેઓને પણ હવે પછી આ કાયદો લાગુ પડે છે. (ક. 7, 17).

અલગ અથવા સ્વપાર્જિત મિલકતના વારસા બાબતમાં જૂના હિંદુ કાયદામાં પુરુષ જો વિલ કર્યા વિના ગુજરી જાય તો એની બાબતમાં (1) મિતાક્ષર અને (2) દાયભાગ – એમ બે પદ્ધતિઓ અમલમાં હતી. આ બંને પદ્ધતિઓનો અંત લાવીને હવે કલમ 8થી બધા હિંદુઓ માટે એકસરખી પદ્ધતિ લાગુ પાડી છે. હવેથી વિલ કર્યા વિના ગુજરનાર પુરુષની સંપત્તિ તેના વારસોને નીચેના ક્રમમાં પ્રાપ્ત થશે. પ્રથમ વર્ગ 1ના વારસોને મિલકત મળશે. વર્ગ 1માં કોઈ વારસ નહિ હોય તો બીજા વર્ગના વારસોને તે પ્રાપ્ત થશે. જો બીજા વર્ગમાં પણ કોઈ વારસ જીવિત નહિ હોય તો મરનારના સગોત્ર(agnate)(ત્રીજો વર્ગ)ને અને એ પણ નહિ હોય તો મરનારના ભિન્ન ગોત્ર (cognate) (ચોથો વર્ગ)ને તે પ્રાપ્ત થશે. (ક. 8 તથા અનુસૂચિ 1)

અનુસૂચિ 1માં દર્શાવેલા પહેલા વર્ગના વારસો, બીજા તમામ વારસોને બાકાત રાખીને એકીસાથે મરનારની મિલકત પ્રાપ્ત કરશે. બીજા વર્ગના વારસોમાં નોંધ 1માંના વારસોને પ્રથમ પસંદગી, નોંધ 2ના વારસોને તે પછીની પસંદગી અને નોંધ 3ના વારસોને તે પછી – એ પ્રમાણે ક્રમાનુસાર મિલકત પ્રાપ્ત થશે. (ક. 9) કલમો 10, 11 અને 12, વર્ગ 1, વર્ગ 2 અને બાકીના સગોત્રો અને ભિન્ન ગોત્રો વચ્ચે મિલકત કોને, કયા ક્રમમાં મળશે તે નક્કી કરી આપે છે. વર્ગ 1માં કુલ 12 સગાંઓ છે, જેમાં 4 પુરુષો છે  અને 8 સ્ત્રીઓ છે. વર્ગ 2માં કુલ 23 સગાંઓ છે, જેમાં 11 પુરુષો અને 12 સ્ત્રીઓ છે. સગોત્ર અને ભિન્ન ગોત્ર સગાઓની બાબતમાં તેમનો ક્રમ કલમ 13માં દર્શાવેલો છે. મિલકત જો મરનારનાં બે કે વધુ વારસોને મળતી હશે તો તેઓને મિલકત માથાદીઠ (વ્યક્તિ પ્રમાણે) (per capita) અને સહમાલિકો (tenants-in-common) તરીકે મળશે, શાખાદીઠ (per stripes) અને સંયુક્ત માલિકો (joint-tenants) તરીકે નહિ. (ક. 19)

અધિનિયમની કલમ 14 અગાઉ હિંદુ સ્ત્રીની જે મર્યાદિત મિલકત હતી તેને રદ કરે છે અને સ્ત્રીએ ધારણ કરેલી મિલકતને પછી તેણે તે ગમે તે રીતે મેળવેલી હોય અથવા ગમે તે પ્રકારની મિલકત મેળવેલી હોય, તેની નિરપેક્ષ અર્થાત્ સંપૂર્ણ માલિકીની મિલકત બનાવે છે. આ મિલકતનો નિકાલ અથવા વ્યવસ્થા કરવાનો સ્ત્રીને પૂરેપૂરો અને અમર્યાદિત અધિકાર આપ્યો છે. એવી મિલકતનું વિલ બનાવીને પણ તે કોઈને આપી શકે છે. મિલકત શબ્દમાં સ્ત્રીએ વારસાઈથી, વિલ દ્વારા, સંયુક્ત કુટુંબના ભાગલા પડે ત્યારે, તેના ભરણપોષણ માટે, બક્ષિસથી પોતે પોતાના બુદ્ધિચાતુર્યથી મેળવેલી, પોતે ખરીદ કરીને મેળવેલી, ચિરભોગ(prescription)થી અને અન્ય ગમે તે પ્રકારે મેળવેલી, સ્ત્રીધન સહિતની મિલકતો સમાવિષ્ટ છે. આમ હિંદુ સ્ત્રીને વારસાથી મળતી મિલકતમાં અગાઉ જે મર્યાદિત હિત હતું તે વિસ્તૃત કરીને તેને એ મિલકતની કુલમાલિક બનાવવામાં આવી છે અને તે પણ પૂર્વ પ્રભાવી અસરથી એટલે કે આ અધિનિયમ અમલમાં આવ્યો તે પહેલાં તેની પાસે જે મર્યાદિત અધિકારવાળી મિલકત હતી તે હવે તેની સંપૂર્ણ માલિકીની બને છે. [જુઓ પ્રતાપસિંઘ વિ. યુનિયન ઑવ્ ઇન્ડિયા (1985) 4 ક. 197]. પોતાના મૃત પતિની મિલકતમાં આવું નિરપેક્ષ હિત પ્રાપ્ત થયા પછી જો પત્ની પુનર્લગ્ન કરે તોપણ તે મિલકત તેની જ રહે છે. (કે. નાયક વિ. ડી. બેવા AIR 1989 ori. 10)

સ્ત્રીની બાબતમાં તેના મૃત્યુ બાદ એની મિલકત કોને મળશે તે માટે ક. 15માં જોગવાઈ કરેલી છે, જેમાં ક્રમાનુસાર પાંચ વર્ગો નિશ્ચિત કરેલા છે. એના નિયમો ક. 16માં બતાવ્યા છે.

વારસા વિશેના સામાન્ય નિયમો કલમ 18થી 23માં દર્શાવ્યા છે. આવે સમયે અનેક પ્રશ્ર્નો ઉપસ્થિત થાય છે; જેવા કે, (1) રક્તસંબંધથી જોડાયેલાં સગાંમાંથી કોને પસંદ કરવું. (2) જ્યારે બે કે વધુ વારસોને મિલકત મળતી હોય ત્યારે તેમને તે મિલકત કેવી રીતે આપવી. (3) માતાના ગર્ભમાંના બાળકનો મિલકત મેળવવાનો અધિકાર. (4) જ્યારે વારસો મેળવનાર બે વ્યક્તિઓ બંને એકસાથે મૃત્યુ પામે. (5) રહેણાકનાં મકાનને મેળવવાનો અધિકાર. (6) કુટુંબમાં વિધવાઓ હોય તો તેમના અધિકારો. (7) વારસો મેળવનાર વારસદારની ગેરલાયકાત, અને (8) કોઈ જ વારસ ન હોય વગેરે.

સામાન્ય રીતે બધી જ મિલકતના ભાગ પડી શકે છે, પરંતુ અમુક મિલકતો એવી છે જેના ભાગ પાડી શકાતા નથી. આવી મિલકતોની ખાસિયત એ છે કે એ અવિભાજ્ય એટલા માટે ગણાય છે કે સમગ્ર મિલકત એક જ વ્યક્તિ ધારણ કરે છે અને તે વ્યક્તિને ઊતરતા ક્રમે મળે છે. વળી કુટુંબના બીજા સભ્યોને તેમાંથી બાકાત રાખવામાં આવે છે. દા.ત., સરકારે રાજકીય, લશ્કરી, ધાર્મિક કે અંગત કારણોને લઈને આપેલી મિલકત. આ અધિનિયમે કલમ 5 (ii) અને (iii)માં દર્શાવ્યા સિવાયની બીજી આવી મિલકતોને નાબૂદ કરી છે.

જૂના અધિનિયમમાં વારસો મેળવવા માટે અમુક ગેરલાયકાતો હતી, જે આ અધિનિયમે નાબૂદ કરી છે (ક. 28), પરંતુ અમુક વિધવા કે જેણે ફરી લગ્ન કર્યાં હોય (ક. 24), જે વ્યક્તિ ખૂની છે (ક. 25), જે વ્યક્તિએ ખૂન કરવાને ઉત્તેજના પૂરી પાડી છે (ક. 25) અથવા જે વ્યક્તિ ધર્મપરિવર્તન કરીને હિંદુ મટી ગયો છે (ક. 26)  આ બધાં વારસો મેળવવાને ગેરલાયક ગણાય છે. મરનારનો કોઈ વારસ જ ન હોય તો એની મિલકત સરકારે દાખલ કરાશે (ક. 29) જેને Escheat કહે છે. (રામચંદ્ર વિ. માનસિંહ, AIR 1968 sc 954)

જૂના હિંદુ કાયદામાં મિતાક્ષર કાયદા પ્રમાણે કોઈ પણ સંદાયાદને, એના અવિભાજિત હિતનો વિલ બનાવીને નિકાલ કરવાની સત્તા ન હતી. બાકીના બધા સંદાયાદો આ બાબતમાં સંમતિ આપે તોપણ આવો અધિકાર તે ધરાવતો ન હતો. નવા અધિનિયમે આ નિયંત્રણ રદ કર્યું છે, જેને કારણે આવું વિલ થઈ શકે છે (ક. 30).

જ્યારે બે કે વધુ વારસદારોને બિનવસિયતી મિલકત મળે ત્યારે તેમાંનો ગમે તે એક હિસ્સેદાર તેનું હિત તબદીલ કરવા માગે ત્યારે બીજા હિસ્સેદારને તે હિત ખરીદી લેવાનો અગ્રિમ અધિકાર આ અધિનિયમ આપે છે. (ક. 22) નવા અધિનિયમે ઘણી સ્ત્રીઓને વારસો મેળવવાની યાદીમાં મૂકી છે. આ ઉપરાંત પુરુષ અને સ્ત્રી  બંનેને સમાન સ્તરે મૂક્યાં છે.

આમ 1956ના હિંદુ વારસાધારાએ જૂના વારસાઈના નિયમોમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા છે.

વારસાધારો (Succession Act) (મુસ્લિમ કાયદો) :

હિંદુ ઉત્તરાધિકારના કાયદાથી મુસ્લિમ ઉત્તરાધિકારનો કાયદો પ્રમાણમાં સરળ છે. આ કાયદો વંશપરંપરાની મિલકત અને સ્વોપાર્જિત મિલકત, સ્થાવર અને જંગમ મિલકત અને પુરુષ અને સ્ત્રીના વારસો વચ્ચે કોઈ ભેદ રાખતો નથી. અહીં મિલકત લેનારના હિસ્સા નક્કી કરી અપાયા છે. આમ છતાં આ કાયદાની જે લાક્ષણિકતાઓ છે તે એને ગૂંચવણભર્યો બનાવે છે; કેમ કે, એમાં ભૂતકાળના નિયમો, કુરાનના નિયમો, પયગંબરસાહેબના ઉપદેશો અને ઇસ્લામ પહેલાં અસ્તિત્વમાં હતા તેવા રિવાજો, – એ બધાંનું મિશ્રણ છે.

વારસાનો મુસ્લિમ કાયદો ક્યાં લાગુ પડતો નથી :

(i) જે વ્યક્તિ કે તેનાં માબાપનાં લગ્ન 1954ના સ્પેશ્યલ મૅરેજ ઍક્ટ હેઠળ થયાં હશે તેને,

(ii) જ્યાં મરનાર વ્યક્તિ મપીલ્લા હોય અને તેની મિલકત તારવાડની હોય તેને, અને

(iii) જ્યાં ખેતીની જમીનનો પ્રશ્ર્ન હોય (તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળ સિવાયનાં રાજ્યોમાં) અને તેને એ વિશેના સ્થાનિક કાયદાને આધારે મુસ્લિમ કાયદો લાગુ કરવામાં આવ્યો હશે ત્યાં.

એમ, ઉપરના ત્રણ પ્રસંગોએ મુસ્લિમ કાયદો લાગુ પાડી શકાતો નથી; એ સિવાયના પ્રસંગોએ મુસ્લિમ કાયદાના વારસાના નિયમો લાગુ પાડવામાં આવશે.

વારસો મેળવવાના નિયમોના બે મુખ્ય ભાગ છે :

(1) હનફી (Hanafi) સ્કૂલનો વારસા વિશેનો કાયદો, અને

(2) ઇથ્ના અશારિ સ્કૂલનો વારસા વિશેનો કાયદો.

હનફી વિચારસરણી કે સિદ્ધાંત(school)ના નિયમો રાફેઇ પંથને પણ માન્ય છે; જ્યારે બીજી વિચારસરણીના નિયમો ઇસ્માઇલી સ્કૂલના નિયમોની નજીક છે. (તાહિર મેહમૂદ : મુસ્લિમ કાયદો, પૃ. 248, 249)

મુસ્લિમ વારસાના સામાન્ય નિયમો :

(i) વારસાનો દાવેદાર વ્યક્તિ મુસ્લિમ કાયદાની કઈ વિચારસરણીનો અનુયાયી છે, અને ગુજરનાર તે જીવિત હતો ત્યારે કઈ વિચારસરણીનો અનુયાયી હતો તે મહત્વનું નથી. ગુજરનાર એના મૃત્યુ પહેલાં કઈ વિચારસરણીનો અનુયાયી હતો તે મહત્વનું છે; કેમ કે, જે સ્કૂલ કે વિચારસરણીનો તે અનુયાયી હતો તેનો કાયદો તેને લાગુ પડશે.

(ii) મુસ્લિમ ન હોય તેવી વ્યક્તિ મુસ્લિમ ધર્મ અંગીકાર કરે અને બાદમાં તે મૃત્યુ પામે (ત્યારે તેની મિલકતના વારસા બાબતમાં કોઈ વિપરીત રિવાજ ન હોય) તો, એ ગુજરી ગયો ત્યારે જે સ્કૂલનો એ અનુયાયી હતો તે સ્કૂલના કાયદાથી તેના વારસાનું સંચાલન થશે.

(iii) આબાદી બેગમ વિ. મિરઝા એહમદ-11 ઔંધ લો.જ. 757 અને મૂર્તઝાહુસેન વિ. મોહંમદયાસિન, ઇન્ડિયન લૉ રિપૉર્ટ્સ 34 અલ્લા. 552(પ્રિવિ કાઉન્સિલ)માં ઠરાવ્યા પ્રમાણે બાપદાદાની મિલકત અને સ્વકમાઈથી મેળવેલી મિલકત તથા અંગત અને સંયુક્ત કુટુંબની મિલકત એ બે વચ્ચે આ કાયદામાં કોઈ ભેદ પાડ્યો નથી.

(iv) મુસ્લિમ કાયદા હેઠળ તેથી મિલકત મેળવવાનો એકમાત્ર રસ્તો ‘વારસો’ છે.

મૃત્યુ પામનારની મિલકતમાંથી, નીચેના ખર્ચાઓ બાદ કરતાં શેષ રહેતી સાફી મિલકત, મૃત્યુ પામનાર તેના મૃત્યુ પહેલાં જે પંથનો અનુયાયી હતો તેના નિયમો અનુસાર મરનારના વારસોને પ્રાપ્ત થશે :

(1) મરનારની અંતિમ ક્રિયાનો ખર્ચ;

(2) મિલકતનું પ્રોબેટ (મૃત્યુલેખ-પ્રમાણ) કે લેટર્સ ઑવ્ ઍડમિનિસ્ટ્રેશન (વહીવટીપત્ર) મેળવવામાં થયેલો ખર્ચ;

(3) મૃત્યુ પહેલાંના ત્રણ માસમાં જેણે મરનારની સેવાશુશ્રૂષા કરી હોય તેવા શ્રમિક અથવા ઘરના નોકરના પગારનો ખર્ચ;

(4) મરનારનાં બધાં દેણાં(debts)ને ભરપાઈ કરવાનો ખર્ચ;

(5) મરનારે વસિયત બનાવી આપેલાં ઉત્તરદાન(જે તેની મિલકતના 1/3 હિસ્સાથી વધુ હોવા જોઈએ નહિ)ને ભરપાઈ કરવાની રકમ (12 અલ્લા. 290);

(v) આ કાયદાને જ્યેષ્ઠાધિકારનો નિયમ (rule of primogeniture) સ્વીકાર્ય નથી; જોકે શિયા કાયદો એને મર્યાદિત ક્ષેત્રમાં સ્વીકારે છે.

(vi) જે તે વ્યક્તિના મૃત્યુ પછી જ વારસો મેળવવાનો હક્ક ઉપસ્થિત થાય છે; તે કોઈ નિહિત (vested) હક નથી. શક્ય વારસદારને તેથી વારસો મેળવવાની માત્ર તક જ છે (spec successionis). અને આવી તક એક અપૂર્ણ હક છે, જેનું તે અન્યને સ્વત્વાર્પણ (transfer) કરી શકતો નથી. (શમ્શુદ્દીન વિ. અબ્દુલવહીદ, 31 બૉમ્બે 45 : 41 મદ્રાસ 365)

(vii) સુન્ની મુસ્લિમ કાયદાને પ્રતિનિધિત્વનો સિદ્ધાંત માન્ય નથી; શિયા કાયદો તે સ્વીકારે છે.

મૃત્યુ પામનારને માત્ર દીકરાના દીકરા જ હશે તો તેઓ તેમનો ભાગ (per capita =) માથાદીઠ લેશે; (per stripes =) શાખાવાર નહિ.

પ્રતિનિધિત્વના સિદ્ધાંત પ્રમાણે બિનવસિયતી મરનાર માલિકનો (propositus) કોઈ શક્ય વારસ મૃત્યુ પામે તો તેના વારસોને મરનારના ભાગે જે મિલકત આવે તેમાં કોઈ અધિકાર મળતો નથી; પાછળ જે પુત્રો જીવિત હશે તેમની વચ્ચે જ એ મિલકત વહેંચાઈ જશે.

(viii) મરનારના વારસોને એના મૃત્યુથી જે કંઈ વારસો કાયદા પ્રમાણે મળે તેમાં ફેરફાર કરવાનો મરનારને કોઈ જ અધિકાર નથી.

(ix) મરનારના મૃત્યુ સમયે જે બાળક તેની માતાના ગર્ભમાં ન હોય તેને વારસો મળે નહિ. માતાના ગર્ભમાંનું બાળક જીવતું જન્મે તો તેને વારસો મળે, પરંતુ મરનારના મૃત્યુ પહેલાં ગુજરી જનાર બાળક વારસ બની શકશે નહિ.

(x) ગુજરનારના વારસ તરીકે એક પુરુષ અને એક સ્ત્રી હોય, અને મરનાર સાથે તેઓ બંને સરખી ડિગ્રીએ સંબંધ ધરાવતા હોય (દા. ત., એક ભાઈ અને એક બહેન) તો પુરુષનો ભાગ સ્ત્રીના ભાગથી બેવડો રહેશે. એકથી વધુ ભાઈબહેન હશે ત્યાં અને પૂર્ણ અને સગોત્ર (consanguine) ભાઈબહેનો વચ્ચે પણ આ જ નિયમ પ્રવર્તે છે.

(xi) મરનારને કોઈ એવી સત્તા નથી કે જેથી તે પોતાની મિલકતમાંથી વારસો મેળવનારને વારસામાંથી બાકાત રાખી શકે. તેના વારસોને પણ આવી સત્તા નથી. મુસ્લિમ કાયદાના નિયમો પ્રમાણે જ વ્યક્તિને વારસામાંથી બાકાત રાખી શકાશે.

(xii) મફકૂદ-ઉલ-ખબર એટલે ગુમ થયેલી વ્યક્તિ. આવી વ્યક્તિ જે તારીખે મૃત્યુ પામી એમ મનાય અને જે તારીખે તેને મૃત્યુ પામેલી જાહેર કરાય તે સમયે જે વારસો હયાત હશે તેઓની વચ્ચે મિલકતના ભાગ પડશે; વ્યક્તિ ગુમ થયો તે તારીખનું કોઈ મહત્વ નથી.

એના મરણની જાહેરાત કર્યા બાદ જો વ્યક્તિ પરત આવે તો જેઓની વચ્ચે તેની મિલકત વહેંચાઈ છે તેઓની પાસેથી તે પરત લેવામાં આવશે.

ક્યાં સુધી (કેટલાં વર્ષો સુધી) આમ બની શકે અથવા બનવા દેવાય તેનો કોઈ આખરી ઉત્તર નથી. શિયા કાયદા પ્રમાણે અદાલતને અરજી કરી તેને મૃત જાહેર કરાવવાનો સમય 10 વર્ષનો છે અને શફી કાયદા પ્રમાણે તે 7 વર્ષનો છે.

(xiii) વારસો મેળવવા માટેની ગેરલાયકાતો નીચે પ્રમાણે છે :

(1) બિનમુસ્લિમ હોવું,

(2) ખૂની (વસિયત કરનારનો),

(3) અનૌરસ બાળક,

(4) અસ્વસ્થ મન,

(5) નિ:સંતાન વિધવા.

વારસા વિશે શિયા કાયદો :

શિયા કાયદા પ્રમાણે નીચે મુજબના હિસ્સેદારો છે, જેને ‘શેરર્સ’ (હિસ્સેદારો) કહે છે : પતિ, પત્ની, પિતા, માતા, પુત્રી, સહોદર (યુટેરિન) ભાઈ કે બહેન, સગી બહેન, રક્તજન્ય સંબંધવાળી બહેન.

વારસા વિશે હનફી (સુન્ની) કાયદો :

(i) મરનારની મિલકત તેનાં સગાંને મળે છે.

(ii) સગાંના ત્રણ વર્ગો છે :

– હિસ્સેદારો (શેરર્સ) વર્ગ – 1

– શેષાધિકારીઓ (રેસિડ્યુઅરિઝ) વર્ગ – 2

– દૂરનાં સગાં (ડિસ્ટન્ટ ક્ધિડ્રેડ) વર્ગ – 3

(iii) ઉપર્યુક્ત વારસો ન હોય ત્યારે મરનાર સાથે રક્તસંબંધ ન ધરાવનાર એવી નીચેની વ્યક્તિઓને વારસો મળે :

– કરારને આધારે વારસો મેળવનાર,

– સ્વીકૃત (acknowledged) સગો,

– એકમાત્ર વારસ (universal donee), અને

– રાજ્ય.

(iv) વર્ગ 1ના વારસોના હિસ્સાઓ નિશ્ચિત છે :

(અ) પતિ, પુત્રી, પુત્રની પુત્રી, સગી બહેન, રક્તજન્ય સંબંધવાળી બહેન… 1/2

(આ) પતિ, પત્ની… 1/4

(ઇ) પત્ની કે પત્નીઓ… 1/8

(ઈ) માતા, સહોદર ભાઈઓ અથવા બહેનો… 1/3

(ઉ) પુત્રીઓ, પુત્રની પુત્રીઓ, સગી કે રક્તજન્ય સંબંધવાળી બહેનો… 2/3

(ઊ) પિતા, સગો દાદો,

માતા, સગી દાદી,

એક કે વધુ પુત્રોની પુત્રીઓ,

એક કે વધુ રક્તસંબંધવાળી બહેનો,

સહોદર ભાઈ કે બહેન… 1/6

એ માટે નિયમો છે.

(v) સંપૂર્ણ બાકાત વ્યક્તિઓ સાત છે અને અંશત: બાકાત વ્યક્તિઓ પાંચ છે.

(vi) વર્ગ 1નાં સગાંને કોઈ કદાપિ બાકાત રાખી શકતું નથી. તેઓને ‘પ્રાઇમરી શેરર્સ’ કહે છે.

(vii) વર્ગ 2ના વારસોના 4 વિભાગો છે.

(viii) વર્ગ 3ના વારસોને મરનારની મિલકતમાં વારસો ત્યારે જ મળે કે જ્યારે પ્રથમ બે વર્ગના વારસો ન હોય. પ્રથમ બે વર્ગોને મિલકતનો વારસો આપતાં જો કંઈ મિલકત વધશે તો તે ત્રીજા વર્ગના વારસોને પ્રાપ્ત થશે. આ માટે પણ નિયમો છે.

(ix) જે વ્યક્તિનો મરનાર સાથેનો સંબંધ (સગાઈ) નક્કી થઈ શકતો નથી તેને મરનારનો વારસો નહિ મળે, પરિણામે દૂરનાં સગાંવહાલાંને અગ્રતા અપાશે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday