પંચનામુ એટલે શું?

ભારત દેશના તમા પોલીસ સ્ટેશનમાં અને તમામ કોર્ટમાં દિવસમાં અસંખ્યુ વખત પંચનામુ શબ્દ બોલતો હશે પણ દેશના કોઈ કાયદામાં પંચનામુ શબ્દનો કાયદાકીય અર્થ કે ઉલ્લેખ આપેલ નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશના લગભગ કોઈ કાયદામાં પંચનામુ કરવાની જોગવાઈ નથી છતાંય તમામ દિવાની અને ફોજદારી બાબતોમાં પંચનામુ કરવામાં આવે છે. ફોજદારી કાર્યરીતી સંહિતાની કલમ ૧૦૦(૪) અને ૧૦૦(૫) માંથી પંચનામા અંગેની માર્ગદર્શિકા લેવામાં આવી છે. આ જોગવાઈ મુજબ જ્યારે કોઈ પોલીસ અધિકારી પાસે કોઈ જગ્યાની તપાસ કરવાનુ વોરંટ હોય ત્યારે તપાસ કરતા પહેલા બે જવાબદાર અને સ્વતંત્ર નાગરિકોને સાથે રાખવા પડશે, આ બે વ્યક્તિને કાયદાની ભાષામાં પંચ કહેવામાં આવે છે. જે કિસ્સામાં કોઈ નજરે જોનાર સાક્ષી ન હોય અને આખી ઘટના સંજોગો આધારિત હોય તેવા કિસ્સામાં પંચનામુ ખુબ જ અગત્યનો પુરાવો બની રહે છે. પોલીસે કરેલી તપાસને મજબુત બનાવવા તેમજ ઘટના કે ગુનાને લગતા સ્વતંત્ર સાક્ષીઓ અને પુરાવાઓ ઉભા કરવા માટે થઈને પંચનામુ કરવામાં આવે છે. ટુંકમાં કોઈપણ ઘટના કે ગુનાનમાં પંચો પોલિસની રૂબરૂમાં જે કાંઈ જુએ છે તેનો અહેવાલ એટલે પંચનામુ.

પંચનામા શું લખાણ હોય?

કોઈપણ પંચનામામાં પોલીસ સ્ટેશનનું નામ, પંચનામુ કરનાર અધિકારીનો નામ અને હોદ્દો, પંચોના નામ સરનામા અને કામધંધો, પંચનામુ તૈયાર કરવાનુ કારણ અને અપરાધનું ચોક્કસ સ્થળ તેમજ બનાવ અંગેની માહિતી. પંચનામુ ક્યારે શરૂ કરવામાં આવ્યુ તેમજ ક્યારે પુરુ કરવામાં આવ્યુ તેની વિગત અને અંતમાં પંચોની સહી હોય છે. પંચનામાં પંચોએ ઘટના સ્થળે પોતાની નજરે શુ શુ જોયુ તે સમગ્ર હકીકત લખેલી હોય છે.

પંચનામાનો પ્રકાર

ગુના/બનાવવાળી જગ્યાનું પંચનામુ : જગ્યાનું પંચનામુ મોટા ભાગે જે જ્ગ્યાએ ઘટના કે ગુનો બન્યો હોય તે જગ્યાએ તપાસ અધિકારી દ્વારા કરવામાં આવે છે. ગુનાવાળી જગ્યાએ જઈને ત્યાના ફોટા લેવા, ખુન ધાડ કે લુંટ જેવા બનાવોમાં ડોગ સ્કોડની મદદ લેવી. ગુનાવાળી જગ્યાએ ગુનો બની ગ્યા પછી શુ શુ પુરાવાઓ છે તેને પંચો સમક્ષ જોવા અને એકઠા કરવા. ઉદાહરણ તરીકે ચોરીની ઘટના બની હોય તો પંચો રૂબરૂ તુટેલી તિજોરી અને અસ્તવ્યસ્ત પડેલી ચીજવસ્તુનું પંચનામુ કરવુ. જો કોઈ કાર અકસ્માત હોય તો અકસ્માતમાં નુકશાન થયેલ ગાડી, રોડ અને ટાયરના નિશાનનું પંચનામુ કરવુ વગેરે.

ઝડતી/જપ્તી પંચનામુ : ઝડતી કે જપ્તી પંચનામામાં ગુનાવાળી જગ્યાએથી અથવા ગુનેગારની અટકાયત થાય ત્યારે ગુનેગાર પાસેથી ગુનાને લગતી કોઈ ચીજ વસ્તુ જપ્ત કરવામાં આવે અથવા તેની ઝડતી કરવામાં આવે ત્યારે લખવામાં આવે. ઝડતી કે જપ્તી ફરીયાદી, આરોપી કે અન્ય કોઈપણ વ્યક્તિની કરી શકાય અને એક કરતા વધુ જપ્તી પંચનામા હોય શકે છે. ઉદાહરણ તરીકે કોઈ તલવાર મારીને બીજાને ઈજા પહોંચાડી છે તો આરોપી પકડાય ત્યારે તેની પાસે ગુનામાં વપરાયેલ તલવાર કે અન્ય ચીજવસ્તુ  જપ્ત કરવા માટે પંચો રૂબરૂ તલવારનુ પંચનામુ બને એવી જ રીતે કોઈ સાક્ષી કે ફરીયાદી ગુનાને સંબંધિત કોઈ વસ્તુ રજુ કરતો હોય તો તેને પણ જપ્તી પંચનામુ લખવાનુ રહે છે.

ડિસ્ક્વરી/નિવેદન પંચનામુ : સામાન્ય રીતે પુરાવા કાયદા મુજબ પોલીસ સમક્ષ કરેલી કોઈપણ કાર્યવાહી કોર્ટમાં પુરાવા તરીકે માન્ય ગણવામાં આવતી નથી પણ પુરાવા કાયદાની કલમ ૨૭ મુજબ કોઈ અપરાધનું ડીસ્કવરી પંચનામુ કરવામાં આવે તો તે કોર્ટમાં માન્ય ગણાય છે. કોઈ ગુનાનો આરોપી પોલીસ પુછપરછમાં પોતે કરેલા ગુનાની કબુલાત કરે અને કબુલાતમાં તે ગુનામાં વપરાયેલ વસ્તુ કે જગ્યાની કબુલાત કરે અને પાછળથી તે જગ્યા કે વસ્તુ ત્યાથી જ મળી આવે તો તેવા સંજોગોમાં ડિસ્કવરી પંચનામુ કરવાનુ થાય છે. ઉદાહરણ તરીકે કોઈ ખુનનો આરોપી પોલીસ કસ્ટડીમાં હોય અને પુછપરછ દરમ્યાન કબુલ કરે કે તેણે અમુક જગ્યાએ છરો છુપાવી રાખ્યો છે, બાદમાં પોલીસ તે જ જગ્યાએ જઈને તપાસ કરે અને ત્યાથી છરો મળે તેને ડિસ્કવરી પંચનામા વિગતે કબજે લેવામાં આવે જે પંચનામુ તેના વિરુદ્ધમાં પુરાવા તરીકે લઈ શકાય.

ઈન્કવેસ્ટ (મરણોત્તર) પંચનામુ : જ્યારે કોઈ વ્યક્તિનું શંકાસ્પદ હાલતમાં મોત થઈ જાય ત્યારે તેની લાશની શરીર સ્થિતિ અને બનાવવાળી જગ્યાના પંચનામાને મરણોત્તર પંચનામુ કહેવામાં આવે છે. આ પંચનામામાં જે મૃતદેહ મળ્યો હોય તેના ઉપર કોઈ ઈજાના નિશાન છે કે કેમ? આજુબાજુમાં લોહીના કે અન્ય નિશાન છે કે કેમ? કોઈ હથિયાર મળી આવેલ છે કે નહી? મરણ કુદરતી રીતે થયેલાનું જણાઈ આવે છે ખુન લાગે છે વગેરે તમામ વિગતો મરણોત્તર પંચનામામાં લખવામાં આવે છે.

ધરપકડનું પંચનામુ : જ્યારે કોઈ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે ત્યારે ધરપકડ સમયે તે વ્યક્તિની શરિરસ્થિતી જેમા કોઈ ઈજા થઈ હોય તેનો ઉલ્લેખ, શરીર ઉપર નિશાનો, તેની સાથે કોઈ ચીજ વસ્તુ કે મોબાઈલ હોય તે વગેરે જપ્ત કરવા માટે આ પંચનામુ કરવામાં આવે છે.

અન્ય જાણવા જેવી બાબતો

  • દાગીના કબજે લેવાના હોય તો સોનીને પંચ તરીકે રાખવા.
  • કલમ-૨૭ હેઠળના પંચનામામાં તહોમતદાર આગળ ગયો અને પંચો તેની પાછળ ગયા. તેણે સંતાડેલ જગ્‍યા બતાવી અને મુદ્દામાલ શોધી કાઢયો તેમ લખવું જરૂરી છે.
  • અંતમાં, અમો પંચોએ જે જોયું તે અમોએ લખાવ્‍યું છે. અને જે, લખી વાંચી સંભળાવ્‍યું તે અમારા લખાવ્‍યા પ્રમાણે બરાબર છે. એમ લખીને પછી પંચોની સહી લેવી.
  • હોમગાર્ડ/GRDના સભ્‍યોને પંચો તરીકે ન લઈ શકાય.
  • આરોપીના કબજામાં મકાન છે તેમ દર્શાવવા માટે, આરોપીનું નામ લખેલાં વાસણો-વસ્‍તુઓ, રેશનકાર્ડ, ટેલિફોનબિલ, લાઇટબિલ કે મકાનના દસ્‍તાવેજો ઉલ્‍લેખ કરી શકાય પાડોશી કે ભાડુઆત દ્વારા કબજો નક્કી કરી શકાય.
  • અગાઉ પંચ તરીકે લીધા હોય તેમને ફરી વખત પંચ તરીકે ન લઈ શકાય. પંચનામામાં ચેકચાક કરી હોય ત્‍યાં પંચોની સહી લેવી જોઈયે.
  • જે જગ્‍યાની ઝડતી કરવામાં આવે તેના કબજેદાર કે તેના વતી કોઇ વ્‍યકિતને ઝડતી દરમ્‍યાન હાજર રહેવા દેવા. જપ્‍ત કરેલ વસ્‍તુઓની યાદી કબજેદારને આપવી જોઈયે.
  • Cr.P.C.-૧૭૪ હેઠળનાં પંચનામામાં અધિપ્રાય આપી શકાય. તે સિવાયના પંચનામામાં તપાસ કરનાર અધિકારીનો કે પંચનો અભિપ્રાય ન લખવો જોઈયે.
  • N.D.P.S. એકટ હેઠળના પ્રાથમિક પંચનામામાં પંચો પાસે, રેઇડમાં જનારાઓની ઝડતી તપસ કરાવવાની છે- કોઇ પદાર્થ રેઇડમાં જનાર પાસે તો નથી ને ?

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday