ક્રિમિનલ કેસ : જેને ઉર્દુ/ગુજરાતીમાં ફોજદારી કાયદો કહેવામાં આવે છે. ફોજદારી કેસ એટલે મુખ્યત્વે સરકાર દ્વારા જાહેર સુખાકારી, સલામતી, સુરક્ષા અને શાંતિનો બની રહે તે માટે ઘડવામાં આવેલા કાયદઓનો ભંગ કરવો તે અંગેની બાબતો. આવા કેસમાં કોઈ વ્યક્તિ કે સમુહ દ્વારા બીજા વ્યક્તિ કે સમુહને શારિરિક ઈજા કરવામાં આવે, ભયમાં મુકવમાં આવે, આર્થિક નુકશાન કરવામં આવે, તેમની સાથે બળજબરી કરવામાં આવે અથવા જાહેર સુલેહ-શાંતિ ભંગ થાય એવુ કોઈ ક્રુત્ય કરવામાં આવે તેને ફોજદારી કેસ કહેવાય છે. ભારતીય દંડ સંહિતા – ૧૮૬૦ની જોગવાઈ મુજબ ચોરી, લુંટ, બળાત્કાર, મારામારી, ઠગાઈ, અપહરણ જેવી બાબતો અપરાધિક એટલે કે ફોજદારી કેસ ગણાય છે. ફોજદારી કેસમાં ફરીયાદી દ્વારા કોર્ટ પાસે ન્યાય અને સજા/દંડની માંગણી કરવામાં આવે છે અને કોર્ટ દ્વારા આરોપીને જેલ અથવા દંડ અથવા મૃત્યુની સજા કરવામાં આવે છે.
મેજીસ્ટ્રેટ એટલે શું? : મેજીસ્ટ્રેટને ગુજરાતીમાં દંડાધિકારી કહેવામાં આવે છે. કાયદાની ભાષામાં મેજીસ્ટ્રેટ એક ન્યાયિક અધિકારી હોય છે જેણે પોતે એકલા અથવા પોતાની પેનલ દ્વારા કોર્ટ કાર્યવાહીનુ સંચાલન કરે છે, કેસ સંબંધિત કાનૂની બાબતોને સાંભળે છે અને તમામ વિગતો ધ્યાને રાખીને નિર્ણય કરવાનુ કામ કરે છે. ‘જજ’ શબ્દ એંગ્લો ફ્રેન્ચ શબ્દ ‘જગેર’ પરથી આવ્યો છે જેનો અર્થ ‘ના વિશે અભિપ્રાય રચવો’ છે. ઉપરાંત લેટિન ‘જ્યુડિકેર’માંથી, જેનો અર્થ થાય છે ‘ન્યાયનું પરીક્ષણ કરવું, પુરાવાનુ આધિકારીક રીતે પરીક્ષણ કરવું, નિર્ણય પર ચુકાદો કરવો અને તેનો ઉચ્ચાર કરવો’. આમ, મેજીસ્ટ્રેટ એટલે કે દંડાધિકારીનુ કામ ફક્ત ક્રિમિનલ(ફોજદારી) બાબતોને સાંભળવાનુ, તેની કાનૂની હકિકતોનુ પરિક્ષણ કરવાનુ અને પોતાનો નિર્ણય જાહેર કરી સજા કે દંડ કરવાનુ હોય છે.
મેજીસ્ટ્રેટ બે પ્રકારના હોય જેમા ૧) જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ અને ૨) એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટનો સમાવેશ થાય છે. જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટમાં ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ જિલ્લા કક્ષાએ તેમજ મેટ્રોપોલિટન એરિયામાં અને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ તાલુકાકક્ષાએ જ્યારે એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ (મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટર) પ્રમાણે વ્યવસ્થા હોય છે. જિલ્લા કક્ષાએ સેશન્સ કોર્ટ તેમજ તાલુકા કક્ષાએ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસનુ કામ અપરાધિક મામલાઓમાં અદાલતી કાર્યવાહી સંભાળવાનુ તેમજ ન્યાય કરવાનુ હોય છે જ્યારે એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે જિલ્લા કલેક્ટર જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે, પ્રાંત અધિકારી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ તરિકે અને મામલતદાર એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે કામ કરે છે. જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ ફક્ત અપરાધિક બાબતો સંભાળે છે જ્યારે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ જાહેર સલામતી, કાયદો અને વ્યવસ્થા તેમજ સુલેહ શાંતિની બાબતો સંભાળે છે.
જજ એટલે શુ? જજને ગુજરાતીમા ન્યાયાધીશ કહેવાય છે. ન્યાયાધીશ કાયદા સંબંધિત બાબતો સાંભળવા અને નિર્ણય કરવા માટે નિયુક્ત ન્યાયિક અધિકારી છે. ન્યાયાધીશ કેસમાં અંતિમ અભિપ્રાયની કલ્પના કરે છે અને તેની પાસે વહિવટીય સત્તાઓ હોય છે. જજનુ કામ ફક્ત સિવિલ કેસમાં અદાલતી કાર્યવાહી સંભાળી અને કાનૂની રાહે નિર્ણય કરવાનુ કાર્ય કરે છે.
જજ(ન્યાયાધીશ) અને મેજીસ્ટ્રેટ(દંડાધિકારી) વચ્ચે તફાવત
- સિવિલ જજ પાસે જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ કરતા વધારે સત્તાઓ હોય છે.
- મેજીસ્ટ્રેટનુ કાર્યક્ષેત્ર મર્યાદિત હોય છે જ્યારે જજનુ કાર્યક્ષેત્ર વિશાળ હોય છે.
- જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સમાન્ય અપરાધિક મામલાઓ સંભાળે છે અને તે અંગે પ્રાથમિક ચુકાદા આપે છે જ્યારે જજ ગંભીર અને જટીલ પ્રકારના મામલાઓ સંભાળે છે.
- સિવિલ જજ એક લવાદી વ્યક્તિ છે જે કોર્ટમાં ન્યાયિક નિર્ણય કરે છે જ્યારે મેજીસ્ટ્રેટ પોતાના હકુમત વિસ્તારની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને મેઈન્ટેઈન કરે છે.
- જજ બનવા માટે કાયદાની ડીગ્રી જરૂરી છે જ્યારે એક્ઝિ.મેજીસ્ટ્રેટ બનવા માટે કાયદાની ડીગ્રી કે વકિલાતનો અનુભવ જરૂરી નથી.
- મેજીસ્ટ્રેટ ફક્ત કોઈ ચોક્કસ સમયગાળા પુરતી કેદની સજા અને દંડ કરી શકે છે જ્યારે જજ આજીવન કેદ કે મૃત્યુદંડની સજા પણ કરી શકે છે.
- સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ બંન્ને નીચલી અદાલતમા સાથે બેસે છે.
- જિલ્લા કક્ષાએ સિવિલ મેટર જિલ્લા અદાલતમાં જાય છે જ્યારે જિલ્લા કક્ષાના ક્રિમિનલ કેસ સેશન્સ કોર્ટ પાસે જાય છે.
- જિલ્લા ન્યાયાધીશ સિવિલ મેટર સંભાળે છે જ્યારે સત્ર ન્યાયાધીશ ક્રિમિનલ મેટર સંભાળે છે પરંતુ જિલ્લા કક્ષાએ બંન્નેને ન્યાયાધીશ કહેવામાં આવે છે.
- નિચલી કોર્ટમા સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ અલગ હોય છે. જિલ્લા કક્ષાએ બંન્નેને જજ કહેવામાં આવે છે અને હાઈકોર્ટમાં જસ્ટીસ ન્યાયમુર્તિ કહેવામાં આવે છે.