- પોલીસનો ઉદ્ભવ:
સામાજિક જીવન એ પશુની માફક ઉદ્દેશ્ય વિના ભટકતા પ્રાચીન માનવ દ્વારા કરવામાં આવેલો પ્રથમ સભ્ય વિકાસ હતો. સામાજિક જીવને માનવીને પ્રાણીનો શિકાર કરવાની, પ્રાણીના હુમલા સામે પોતાનું રક્ષણ કરવાની અને પ્રકૃતિને નિયંત્રિત કરવાની હિંમત પૂરી પાડી. તેમ છતાં, તેની પશુવૃત્તિઓ અને મુક્ત જીવન માણવાની તેની ખેવના સામાજિક જીવનમાં પણ સદંતર નાશ પામ્યાં નહોતાં. પોતાનાં વ્યક્તિગત પગલાંઓ અન્યના હિતોને નુકસાન પહોંચાડી શકે છે તેવું ભાન થતાં તેણે સ્વયં પર નિયંત્રણો મૂકવાં પડ્યાં. પરિણામે, પોતાની વૃત્તિઓને નિયંત્રિત કરવા માટે પોતાના વિવેકભાનનો ઉપયોગ કરવા માંડ્યો. આ ‘વિવેકભાન’ને પ્રથમ પોલીસ ગણી શકાય.
સામાજિક જીવનના વિકાસનો બીજો તબક્કો જનજાતિઓના એકમની રચના હતો. નાના કદના સામાજિક જીવન માટે લાગુપાત્ર કાયદાઓ જનજાતિના જીવનની વિશાળતાને પહોંચી વળવા માટે અયોગ્ય જણાતા હતા. તેથી, પોલીસ ઉપરાંત પણ અન્ય નિયંત્રણકારી ઓથોરિટીની જરૂર વર્તાતી હતી. આ જરૂરિયાતમાંથી હાલની ધારાસભા, વહીવટ અને ન્યાયતંત્રનો ઉદ્ભવ થયો. જનતા, સમાજ અને આદિજાતિના એકમના કલ્યાણ અને સમૃદ્ધિ જાળવવા માટે પોલીસને પોતાના ઉદ્દેશ્યોનું ભાન થયું.
જ્યારે રાજ્યની વિભાવના ઉદ્ભવી, ત્યારે પોલીસના ખભે વધુ જવાબદારી આવી તથા તેમની પદવી વધુ અર્થસભર બની. ગુનાઈત વૃત્તિઓને ડામવી, સમાજની એક્તા અને સલામતીને જાળવી રાખવાં, રાજ્યના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહેવું વગેરે પોલીસના સર્વોપરિ લક્ષ્યો થઈ ગયાં. ધારાસભા, વહીવટ અને ન્યાયતંત્ર એ સરકારનાં ત્રણ મુખ્ય કાર્યો છે. સરકારે લોકો માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન અને અમલ કરવાની સાથે સાથે તે હેતુ માટે નક્કી કરવામાં આવેલા કાયદાઓનું કડકપણે પાલન થાય તે પણ જોવું જોઈએ. કાયદાઓનો ભંગ કરનારા કે તેની વિરુદ્ધનું કૃત્ય આચરનારી વ્યક્તિઓને અટકાવવી જોઈએ. અન્યથા, સરકારના અસ્તિત્વ સામે જોખમ ઊભું થશે. આ અંગે પોલીસ સરકારને નોંધપાત્ર મદદ કરે છે. આમ, લોકોનાં મૂળભૂત, નાણાંકીય, સાંસ્કૃતિક, રાજકીય અને શિક્ષાત્મક હકોના રક્ષણ માટે તથા રાષ્ટ્રનું ગૌરવ અને પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે પોલીસ મહત્વનું સાધન બની.
2 ભારતમાં પોલીસ સંગઠનનો ઇતિહાસ
સામાન્ય માન્યતા એવી છે કે પોલીસ વ્યવસ્થા બ્રિટિશરો દ્વારા શરૂ કરવામાં આવી હતી. પણ આ સાચું નથી. જો તમે ઇતિહાસ પર નજર કરશો, તો તમને માલૂમ પડશે કે પોલીસ વ્યવસ્થાનો ઇતિહાસ આ દેશ જેટલો જ જૂનો છે અને વર્તમાન પોલીસ માળખું અને સંગઠન પ્રાચીન કાળના તત્સ્થાનીય પોલીસ સંગઠનને મળતું આવે છે.
પ્રાચીન ભારતનો ઈતિહાસ દર્શાવે છે કે ભારતમાં કાયદાની અમલ બજવણી કરનારી સંસ્થાઓનાં મૂળ વૈદિક યુગથી પ્રચલિત હતાં. કૌટિલ્યએ પોલીસીંગની ઝીણવટભરી વ્યવસ્થા પ્રસ્થાપિત કરી હતી અને અમલદારીના ઘણી પદવીઓ નક્કી કરી હતી, અને તેથી તેમને ચોક્કસપણે પોલીસની આધુનિક વિભાવનાના પિતા કહી શકાય.
પોલીસનો એક સંગઠન તરીકે ઉદ્ભવ થયો તે સમયગાળા અને તબક્કાને ઉપરની આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે.
- પરિચય
પોલીસ એ સામાન્યપણે કાર્યકારી કચેરી છે અથવા તો એજન્ટ છે, જે કાનૂનનો અમલ કરાવવાની ક્ષમતા ધરાવે છે અને શક્તિદળના કાયદેસર ઉપયોગ દ્વારા જાહેર અને સામાજિક વ્યવસ્થા સુનિશ્ચિત કરે છે. આ સંદર્ભ મોટાભાગે જવાબદારીના સ્પષ્ટીકૃત કરવામાં આવેલા કાયદેસર કે પ્રાદેશિક વિસ્તારની અંદર રાજ્યની પોલીસ શક્તિનો અમલ કરવા માટે અધિકૃત હોય તેવા રાજ્યના પોલીસ વિભાગો સાથે સંકળાયેલો છે. અપરાધી ન્યાય વ્યવસ્થાના વહીવટમાં પોલીસની ભૂમિકા ઘણી મહત્વની છે. અપરાધી ન્યાયની પ્રક્રિયા પછીથી પરિણમે છે અને તે પોલીસ દ્વારા કરવામાં આવે છે. અપરાધી ન્યાય પ્રક્રિયામાં ચાવીરૂપ ભૂમિકા હોવા ઉપરાંત, સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને વ્યક્તિઓ તથા મિલકતોની સલામતી અંગે પણ પોલીસ મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી, કાયદાની અમલ બજવણી કરનારી અને સમાજમાં વ્યવસ્થા અને શાંતિ જાળવી રાખનારી તે સૌથી મહત્વની સંસ્થા છે. આ પ્રકરણમાં પોલીસની ભૂમિકા અને અપરાધી ન્યાય વહીવટમાં તેના મહત્વ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.
આ એકમમાં પોલીસના સંગઠન અને તેના ઉદ્ભવ તથા વિકાસ વિશે સમજૂતિ આપવામાં આવી છે. પોલીસ વ્યવસ્થાનું માળખું એ ચર્ચાનું અન્ય પાસું રહેશે, જેમાં દેશમાં અસ્તિત્વ ધરાવતી વિવિધ પ્રકારની પોલીસ વ્યવસ્થા અને તેમના કાર્યાત્મક પાસાંઓ વિશે ચર્ચા કરવામાં આવશે. અપરાધી કાનૂન અને પ્રક્રિયાના સંદર્ભમાં પોલીસની સત્તાઓ સમગ્રતયા અપરાધી ન્યાય વ્યવસ્થામાં પોલીસની ભૂમિકાના સંબંધમાં ચર્ચવામાં આવશે. સત્તાની નજીકનાં કાર્યો પૂરાં કરવાં એ પોલીસની જવાબદારી છે, જેની દેશના વહીવટના સંદર્ભમાં અને જમીનના કાયદાની અમલ બજવણી કરવામાં પોલીસની ભૂમિકાની ચર્ચા કરવામાં આવશે.
‘પોલીસ’ શબ્દ ગ્રીક શબ્દ “પોલિશિયા” કે તેના લેટિન સમાનાર્થી “પોલિશિયા” પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે સરકારનો વહીવટ, રાજ્ય અથવા નાગરિકત્વ. તેથી પોલીસનો અર્થ થાય છે સરકારની વ્યવસ્થા અથવા તો રાજ્યની સત્તા. આધુનિક સમયમાં પોલીસ શબ્દ રાજ્યના એવા વિભાગ કે એકમ માટે વપરાય છે, જે રાજ્યમાં સલામતી ને શાંતિ જાળવવા માટે અને અપરાધી કાનૂનની અમલ બજવણી કરવા માટે કાર્યરત હોય. પોલીસ દળ હંમેશા વિશ્વના લગભગ તમામ સભ્ય સમાજમાં રાજ્ય સંગઠનનો અનિવાર્ય ભાગ રહ્યું છે. પ્રાચીન કાળથી વિશ્વમાં ગુનેગારોને પકડવા માટે અને તેમને રાજા સમક્ષ અથવા તો ન્યાય સંબંધિત સત્તાઓ ધરાવનારા અધિકારી સમક્ષ રજૂ કરવા માટેની કચેરીનું અસ્તિત્વ રહ્યું છે. રાજ્યને ચલાવવા માટે ગુપ્ત માહિતી એકઠી કરવા માટે અને રાજ્યના વધુ સારા વહીવટ માટે રાજા પણ તેમના પોતાના જાસૂસ ધરાવતા હતા. જોકે, માનવ સભ્યતાના વિકાસ સાથે અને જ્ઞાનના વિકાસ સાથે પોલીસ કાર્યના પરિમાણમાં ઘણો વધારો થયો છે. સમાજની જટિલતા વધવાની સાથે પોલીસનું કાર્ય પણ ઘણું વધી ગયું છે. આધુનિક સંદર્ભમાં પોલીસને એક એવા સંગઠન તરીકે વર્ણવી શકાય જે વિવિધ કાયદાઓ લાગુ કરવા માટે, જાહેર શાંતિ, વ્યવસ્થા અને સલામતીની જાળવણી કરવા માટે, ટ્રાફિક નિયંત્રણ રાખવા માટે નાગરિકોને સલામતી પૂરી પાડતી, બંધારણ અનુસાર વ્યક્તિગત હિતોનું રક્ષણ કરતી કચેરી છે. પોલીસ ખાસ કરીને સમાજના નબળા વર્ગોને સલામતી પૂરી પાડે છે અને સમાજમાં વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. અપરાધ નિવારણ કરવા માટે, અપરાધને પકડી પાડવા માટે અને ગુનાને નિયંત્રિત કરવા માટે પોલીસે આંતરિક સલામતી અને ગુનેગારને લગતી માહિતી મેળવવા માટે ગુપ્તચર કચેરી તરીકે કામ કરવું પડે છે. અપરાધી ન્યાય વ્યવસ્થાના ભાગરૂપે પોલીસે અપરાધી કેસોની તપાસ કરીને ન્યાય માટે ગુનેગારોને કાયદાની અદાલતમાં હાજર કરવાના રહે છે. સભ્ય સમાજમાં વહીવટની ચાવીરૂપ પાંખ તરીકે પોલીસે બહુવિધ ભૂમિકાઓ તથા કાર્યો ભજવવાનાં રહે છે.
- ભારતની તત્સ્થાનીય પોલીસ વ્યવસ્થા
ભારતમાં પોલીસની તત્સ્થાનીય વ્યવસ્થા સેક્સોન ઇંગ્લેન્ડને ઘણી મળતી આવતી હતીઃ બંને વ્યવસ્થાઓ જમીનના આધારે સંગઠિત હતી. જે રીતે કિંગ આલ્ફ્રેડના સમયમાં દાવાને વાજબી ઠેરવવા માટે કે દોષિતને હાજર કરવા માટે થેન રજૂ કરવું જરૂરી હતું, તે જ રીતે ભારતમાં જાહેર શાંતિમાં વિઘ્ન ઊભું કરનારાં તત્વોને પકડવા અને ચોરાયેલી મિલકત ફરી પાછી મેળવવા જમીનદાર બંધાયેલા હતા. મોટા જમીનદારો એ સંખ્યાબંધ જમીન-ધારકો હતા, જેઓ તેમની પોલીસ ફરજો બજાવે તે જરૂરી હતું અને આ મોટા જમીનદારોએ પોતાના હાથ નીચે કામ કરનારા સૈનિકો નીમ્યા હતા. આ સૈનિકો પોતાના કોટિક્રમ અનુસાર તેમને સોંપાયેલા વિસ્તારોમાં પોતાની પોલીસ ફરજો નીભાવતા હતા. જમીનદારે સામ્રાજ્ય સંભાળવાની જવાબદારી આ સૈનિકોને સોંપી હતી. શાંતિ અને સલામતી જાળવવાની આ કામગીરીમાં ગામનાં લોકોની પણ ભાગીદારી રહેતી હતી.
ગામની આ જવાબદારી મુખી દ્વારા લાગુ કરવામાં આવતી હતી, જેને હંમેશા ગામના એક કે તેથી વધુ વોચમેન (પટાવાળા)ની મદદ મળતી. તેઓ દેશના સાચા કાર્યકારી પોલીસ હતા. નિયમ મુજબ, ગામ માટે ફક્ત એક જ પટાવાળો રહેતો, તેમ છતાં જરૂર ઊભી થાય, ત્યારે તેના પરિવારના તમામ પુરુષ સભ્યો, ગામના અન્ય ચાકરો અને કેટલાક કિસ્સાઓમાં ગામનો સમગ્ર સમુદાય તેની પડખે ઊભો રહેતો. રાતે ચોકીપહેરો ભરવો, તમામ આવન-જાવન પર નજર રાખવી, તમામ અપરિચિતોનું નિરીક્ષણ કરવું અને તમામ શકમંદોનો મુખીને અહેવાલ આપવો એ તેની ફરજો હતી.
તેણે ગામના દરેક માણસના ચરિત્રની નોંધ કરવાની રહેતી, અને જો ગામની અંદર ચોરી થાય, તો ચોરને શોધવાની જવાબદારી તેની રહેતી. જો ચોરાયેલો માલ પાછો મેળવવામાં તે નિષ્ફળ જાય, તો તે પોતાની ક્ષમતા અનુસાર માલ સામગ્રીનું જે મૂલ્ય થતું હોય ચૂકવવા બંધાયેલો હતો, અને બાકી વધતું મૂલ્ય સમગ્ર ગામ પર લાગુ કરવામાં આવતું. માઉન્ટસ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટને નોંધ્યું છે, ‘આ રીતે જબરદસ્તીથી વસૂલવામાં આવતી નુકસાની સ્પષ્ટરીતે અન્યાયી હતી. કારણ કે, ગ્રામજનો ચોરી અટકાવવા માટે સક્ષમ નહોતાં અને નુકસાન ભરપાઈ કરવા માટે પણ સક્ષમ નહોતાં. માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન લખે છે તેમ, ‘ગામની દરેક વ્યક્તિને વિસ્તારની સલામતીની જવાબદારી સોંપાયેલી હતી. ચોરી થતાં ચોરને પકડવામાં અસમર્થ નીવડતી વ્યક્તિ પાસેથી ચોરીના મૂલ્ય જેટલી નુકસાનીની રકમ પટેલ અથવા ચોકીદાર પાસેથી વસૂલવામાં આવતી. જો તે વ્યક્તિ આ રકમ ચૂકવવા અસમર્થ હોય, તો તેના સંબંધીઓ પાસેથી તે મૂલ્ય વસૂલવામાં આવતું. અને જો સંબંધીઓ પણ રકમ ચૂકવવા સક્ષમ ન હોય, તો કાં તો તેમને કેદ અથવા તો અસહ્ય યાતના સાથેની સજા ફટકારવામાં આવતી, જે અંગ્રેજોના મતે ઘણી અન્યાયી હતી.’
જોકે, આ પ્રકારની જવાબદારીની સોંપણી જરૂરી એટલા માટે બની રહેતી કારણ કે ચોકીદાર અને સૈનિકો જાણી જોઈને પોતાની ફરજ યોગ્ય રીતે ન બજાવે તેવું પણ બનતું. બીજી તરફ, પટેલ ચોરને છાવરતો, કારણ કે ચોરીના માલમાંથી તેને પણ પોતાનો હિસ્સો મળતો. ઉપરાંત, કબીલા કે સમુદાયના વડાને પણ ચોરીના માલમાંથી હિસ્સો આપવામાં આવતો હોવાથી જ્યારે વડાને તેમના સમુદાયમાંની કોઈ વ્યક્તિ ચોર હોઈ શકે કે કેમ તેવું પૂછવામાં આવતું, ત્યારે તે પણ ચોરને છાવરતો. આ સ્થિતિ આજે પણ ઘણી જગ્યાએ ચલણ ધરાવે છે. મોટા કસ્બાઓમાં પોલીસનો વહીવટ એક અધિકારીને સોંપવામાં આવતો, આ અધિકારી ‘કોટવાળ’ કહેવાતો. કોટવાળને ઊંચો પગાર ચૂકવવામાં આવતો, જેમાંથી તેણે પોલીસ વ્યવસ્થા પાછળનો ખર્ચો નીકાળવાનો રહેતો. જેમકે, પૂનામાં કોટવાળને રૂ. 9,000નો પગાર મળતો, પરંતુ તેણે પટાવાળાઓ, ઘોડા પર થતા ચોકીપહેરો, રામોસિસ વગેરેની જાળવણીનો ખર્ચ ઊઠાવવાનો રહેતો, ઉપરાંત, ચોરાયેલી માલ-મત્તા માટે જવાબ આપવા માટે પણ તે બંધાયેલો હતો. તેમ છતાં, તેની નિમણૂંક ઘણી લાભકારક ગણાતી, કારણ કે તે તેની હાથ નીચેના સ્ટાફને ઘણું ઓછું વળતર ચૂકવતો અને તે તથા તેની હાથ નીચેનો સ્ટાફ સ્થાનિક લોકો પાસેથી ગેરકાયદેસર રીતે જબરદસ્તીથી ઉઘરાણી કરીને સારી એવી કમાણી કરતા.
- અકબરનું પોલીસ સંગઠન
મુઘલ બાદશાહ અકબરના મંત્રી અબુલ ફઝલ દ્વારા તૈયાર કરવામાં આવેલી રાજાજ્ઞામાંથી લેવામાં આવેલી નીચેની વિગતો દર્શાવે છે કે અકબરના શાસનમાં પોલીસની મુઘલ વ્યવસ્થા લગભગ દેશની સ્થાનિક વ્યવસ્થાને અનુસરતી હતી. અન્યોન્ય સલામતીની વ્યવસ્થા એંગ્લો-સેક્સોન ગાળામાં અસ્તિત્વ ધરાવતી અને નોર્મન્સ દ્વારા ચાલુ રાખવામાં આવેલી વ્યવસ્થા જેવી જ હતી:- “શહેર, કસ્બા અને ગામના કોટવાળો રાજવી કારકૂનો સાથેના સહયોગ થકી ઘર તથા ઈમારતોની નોંધણી નોંધણી પત્રકમાં કરશે. આ નોંધણી પત્રકોમાં દરેક રહેઠાણના રહેવાસીઓની વિગતો પણ સામેલ હશે. એક ઘર બીજા ઘર માટે સ્ક્રૂટિની બનશે, જેથી તેઓ પરસ્પરના જામીન બનશે અને એકબીજા માટે બંધાયેલા રહેશે. વિસ્તારોને જિલ્લામાં વિભાજિત કરવામાં આવશે, અને દરેક જિલ્લાનો વડો નિયુક્ત કરવામાં આવશે, જે સ્થાનિક ઘટનાઓ, આગમન અને પ્રસ્થાન, દિવસ રાતની ઘટનાઓ વગેરેનું રોજનામું રાખશે. જ્યારે પણ ચોરી, આગ કે અન્ય કોઈ કમનસીબ ઘટના ઘટે, ત્યારે પાડોશીઓ તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડશે. કોઈપણ વ્યક્તિને ઉપરી અમલદાર, પાડોશીઓ કે જાહેર બાતમીદારોની જાણ વિના જિલ્લાની હદની અંદર પ્રવેશવા નહીં દેવાય કે બહાર જવા નહીં દેવાય. સલામતી પૂરી ન પાડી શકાઈ હોય તેવી વ્યક્તિઓએ જિલ્લાના ઉપરી અમલદાર અને જાહેર બાતમીદારોએ તેમને ફાળવેલી અલાયદી જગ્યામાં રહેવાનું રહેશે. દરેક જિલ્લાની શેરીઓ, માર્ગો તથા ઘણાં શહેરો, ગામો, કસ્બા વગેરેની ફરતે રાતના સમયે ચોકી પહેરો કરવા માટે નિશ્ચિત સંખ્યામાં વ્યક્તિઓને નીમવામાં આવશે. અજાણ્યા લોકો ઉપદ્રવ ન કરે, તથા ખાસ કરીને ચોર, ખિસ્સા કાતરૂ લૂંટારાઓ વગેરેને શોધવા અને પકડવા એ તેમની જવાબદારી રહેશે. જો કોઈ ચીજવસ્તુ ચોરાઈ જાય કે લૂંટાઈ જાય, તો પોલીસે તે ચીજવસ્તુ પાછી મેળવી લાવવાની રહેશે, અને જો પોલીસ આમ ન કરી શકે, તો આ સમગ્ર ગુનાની જવાબદારી તેના શિરે આવશે અને તે પણ એટલી જ આરોપી ગણાશે. આમ, અકબરના શાસનકાળમાં નાગરિકોની સલામતીની ખૂબ કાળજી લેવામાં આવતી હતી.
2.4 તત્સ્થાનીય વ્યવસ્થાની નિષ્ફળતા
ઉપર વર્ણવેલી વ્યવસ્થા સરળ, એક જ પ્રકારનો સ્વભાવ ધરાવતા, કૃષિકીય સમુદાય માટે એકદમ અનુકૂળ હતી, અને એક સમયે તે અસરકારક પણ હશે પરંતુ, રાજકીય અવ્યવસ્થાની તંગદિલીની સ્થિતિમાં તે મદદગાર સાબિત થઈ શકતી નહોતી. શાંતિ અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી નિભાવતા અધિકારીઓ દ્વારા બળજબરી પૂર્વક પૈસા કઢાવવા, અને જુલમ-દમન વગેરેની પ્રવૃત્તિએ માઝા મૂકી હતી. ગામના ચોકીદારો, ગામના મુખી અને ઉચ્ચ અધિકારીઓ સુદ્ધાં દોષિતોના ગુનાઓ પ્રત્યે આંખ આડા કાન કરીને તેમને આશ્રય પૂરો પાડતા અને બદલામાં લૂંટમાંથી પોતાનો ભાગ મેળવતા. ચોરાયેલી મિલકત પરત મેળવવાની અથવા તે માલ-મત્તાના મૂલ્યની રકમ અદા કરવાની તેમની ફરજ પ્રત્યે તેઓ દુર્લક્ષ સેવતા. અને જો આ ફરજ લાગુ કરવાની હોય, તો મિલકત કે તેનું મૂલ્ય – કશું પણ તેના મૂળ માલિક સુધી પહોંચવા પામતું નહીં. ગંભીર સજાની માંગણી કરવામાં આવે, ત્યારે વધુ દંડ ફટકારવામાં આવતો અને વધુ મિલકત ધરાવનાર દોષિતો સારી એવી રકમ આપીને પોતાની સ્વતંત્રતા ખરીદી લેતા.
2.5 બ્રિટિશરો દ્વારા દાખલ કરવામાં આવેલા ફેરફારો
સામ્રાજ્યના વહીવટી પ્રાંતોમાં બ્રિટિશરોને આ સ્થિતિ જોવા મળી. તેમણે જે સુધારાત્મક પગલાં અપનાવ્યાં, તે વિવિધ પ્રાંતોમાં વિભિન્નતાસભર હતાં, પરંતુ સુધારા માટેનો એક સામાન્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વ્યવસ્થાને જાળવી રાખવાનો અને દેખરેખ માટેના તંત્રને સુવ્યવસ્થિત કરવાનો હતો. આ દિશા તરફના પ્રથમ પગલાંરૂપે જમીનદારોને પોલીસ સેવા માટેની તેમની જવાબદારીઓમાંથી મુક્ત કરવામાં આવ્યા. એવું માલૂમ પડ્યું હતું કે પોતાના પ્રદેશના રહેવાસીઓનું રક્ષણ કરવાને બદલે, આ જમીનદારોએ તેમને સોંપવામાં આવેલી સત્તાનો દુરૂપયોગ કર્યો હતો. “તેમણે ધાક-ધમકીથી નાણાં ઝૂંટવ્યા અને મિલકતોને નુકસાન પહોંચાડ્યું, અને તે સઘળી મિલકતો ભવ્ય ઠાઠમાઠની ઇર્ષ્યાયુક્ત હરીફાઈમાં ઉડાડી દેવાઈ. રાજ્યના દુશ્મનોનો સામનો કરવા માટેનાં શસ્ત્રોનો ઉપયોગ એક-મેકની સામે, પરસ્પર વેરની વસૂલાત કરવા, લૂંટ ચલાવવા અને પોતાની પ્રતિષ્ઠા બતાવવા કરવામાં આવતો હતો. કેટલીક વખત નિયમિત અથવા તો કાયમી લશ્કર મુશ્કેલીપૂર્વક આ ઉદ્ધતાઈને કાબૂમાં કરી શકતું કે આ બળવાખોરો અને લૂંટારાઓને કાબૂમાં રાખી શકતું”* તેમનું સ્થાન જિલ્લાના મેજિસ્ટ્રેટ દ્વારા લેવામાં આવ્યું. મેજિસ્ટ્રેટ તેમની હેઠળ પોલીસ હેતુઓ માટે ગૌણ અધિકારીઓ અને પટાવાળાઓ સાથે દરોગાનો સ્ટાફ ધરાવતા હતા. દરોગાના અધિકાર હેઠળનો સરેરાશ વિસ્તાર આશરે 20 ચોરસ માઇલ જેટલો હતો અને તેની હેઠળ 20થી 50 બરકંદાજ હતા અને ગામના તમામ ચોકીદારો તેના આદેશને અનુસરવા બંધાયેલા હતા. કોઈ ધાડપાડુ ગિરફ્તાર થાય અને દોષિત ઠરે, ત્યારે દરોગાને રૂ. 10ની બક્ષિસ મળતી, તથા ચોરીનો તમામ માલ ઝડપાઈ જાય અને જો પકડાયેલો ચોર ગુનેગાર ઠરે, તો દરોગાને પાછા મળેલા તે તમામ માલના દસ ટકા મૂલ્યની રકમ આપવામાં આવતી. શહેરોમાં કોટવાળની કચેરી ચાલુ રહેતી અને શહેરના પરાં વિસ્તારના દરેક વોર્ડ માટે દરોગાની નિમણૂંક થતી. પછીના ગાળામાં શહેરની પોલીસ માટે વિશિષ્ટ નિયમો ઘડવામાં આવ્યા, દરેક ઘર અને દુકાન પરની આકારણી દ્વારા રહેવાસીઓ પાસેથી ખર્ચ વસૂલવામાં આવતો હતો. અપરાધી ન્યાયના વહીવટમાં નોંધપાત્ર સુધારાઓનો પણ અમલ કરવામાં આવ્યો. સ્થાનિક સરકારની ક્રૂર અને પૂર્વગ્રહયુક્ત પદ્ધતિઓને સ્થાને તપાસણી, સુનાવણી અને સજાની પ્રમાણમાં હળવી અને બુદ્ધિગમ્ય વ્યવસ્થાને અમલી બનાવવામાં આવી.
2.6 બ્રિટિશ પદ્ધતિઓની નિષ્ફળતા
જોકે, આ સુધારણાંનાં પરિણામો સંતોષજનક તો ન જ હતાં. ગુનાનું પ્રમાણ ઠેકઠેકાણે વધી ગયું હતું: લૂંટ અને હત્યાઓ, તેની સાથે ઘાતકી અને ઇરાદાપૂર્વકની ક્રૂરતાની ઘટનાઓ સામાન્ય થઈ પડી હતી, ડાકૂઓની ટોળકી બેખૌફ થઈને ગામડાં ખૂંદતી હતી. લોકોની રાતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. આનાં કારણો શોધવાં મુશ્કેલ નથી. અપરાધને નાથવા માટે પોલીસ સંસાધનો પૂરતાં નહોતાં. અગાઉ વિવિધ વર્ગો અને જ્ઞાતિઓ પાસેથી જે મદદ મેળવવામાં આવતી હતી, તેનો હવે આગ્રહ રાખવામાં આવતો ન હતો; અદાલતોને હવે વધુ ઠોસ પુરાવાઓ જોઈતા હતા, અને તેનો ગુનો સિદ્ધ કરવો કેટલો મુશ્કેલ હતો તે અપરાધી જાણતો હતો; હત્યા સિવાયના ગુનામાં મર્યાદિત સમયગાળાની કેદની સજા થતી, જ્યારે અગાઉના સમયમાં મોતની સજા ઘણી વખત ક્રૂર સ્વરૂપે અપાતી અને ઘણી વખત અંગનો અમુક ભાગ કાપી નાંખવામાં આવતો અથવા અનિશ્ચિત કાળ સુધી કે કાયમી કારાવાસ ભોગવવો પડતો અને ઘણી વખત ધાડ જેવા ગંભીર ગુનાઓમાં કોઈપણ પ્રકારની સુનાવણી કર્યા વિના તત્કાળ ચુકાદો આપવામાં આવતો; આખરે, જો વ્યક્તિ દોષિત સિદ્ધ થાય અને તેને જેલમાં મોકલવામાં આવે, તો પણ ગુનેગાર જાણતો હતો કે તેની પ્રમાણમાં સારો વ્યવહાર કરવામાં આવશે ચોરેલો માલ પરત મેળવવા માટે તેની સાથે કોઈપણ પ્રકારની શારીરિક પીડા કે યાતના નહીં આપવામાં આવે. “એ સમયે, જો ગમે તે પ્રકારની ચોરી થાય, તો તે વિસ્તારના તમામ નાના મોટા ચોરોને પકડીને કેદમાં નાંખી દેવામાં આવતા અને તેમને કઠોર સજા ફટકારાતી. ચોરીની ઘટનાઓ બંધ થઈ જાય, તો પણ તે તમામ ચોરોને ગોંધી રાખવામાં આવતાં. આમ, ખરો ચોર કોણ તે કદી માલૂમ પડતું નહીં. આવા કોઈ વિચારની હાલના સમયમાં કલ્પના પણ ન થઈ શકે.”