હિંસા : શારીરિક બળના ઉપયોગ દ્વારા અથવા અસ્ત્ર કે શસ્ત્રના માધ્યમ દ્વારા લક્ષ્યને ઈજા પહોંચાડવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા જાનથી મારી નાંખવાના ઇરાદાથી આચરેલું કૃત્ય. ઘણી વાર આવું કૃત્ય અતિરેકી ભાવનાશીલતાનું અથવા તીવ્ર ઉત્તેજનાનું અથવા વિનાશકારી નૈસર્ગિક બળનું પરિણામ હોય છે. જ્યારે તે ત્રણ અથવા વધારે માણસોનું સહિયારું કૃત્ય હોય છે ત્યારે તે કાયદાની દૃષ્ટિએ હિંસક, તોફાની અથવા ધમાલિયું કૃત્ય (violent disorder) બને છે. જેની સામે આવું કૃત્ય આચરવામાં આવે તે માણસના મનમાં તેની પોતાની સુરક્ષિતતા અંગે ભયની લાગણી પેદા કરે છે. આવું કૃત્ય કોઈ ત્રાહિત વ્યક્તિની હાજરીમાં જ થાય એવું જરૂરી નથી. હિંસા માણસ સામે અથવા પ્રાણીઓ સામે અથવા માલમિલકત સામે પણ આચરવામાં આવે છે. દરેક હિંસક કૃત્યમાં તેના લક્ષ્યને ઈજા થવી જ જોઈએ એવું જરૂરી હોતું નથી, કારણ કે તેમાં હિંસક કૃત્યના પરિણામ કરતાં આશય વધારે મહત્વનો ગણાય છે. ગુનો બનવા માટે તે ખાનગી અથવા જાહેર – આ બેમાંથી કોઈ પણ પ્રકારના સ્થળે બની શકે છે. હિંસક કૃત્ય પોલીસના અધિકારક્ષેત્રમાં આવતો ગુનો (cognizable offence) ગણાય છે. ભારતીય દંડ સંહિતા(IPC)માં આવાં કૃત્યોનું સંહિતાકરણ કરવામાં આવેલું છે. નશીલા પદાર્થની અસર તળે તે આચરવામાં આવે તોપણ તે શિક્ષાને પાત્ર ગણાય છે. માત્ર ગાંડા માણસો અને સગીર વયની વ્યક્તિને હિંસાના કૃત્ય માટેની શિક્ષામાંથી બાકાત રાખવામાં આવે છે. માનવજાતિના ઉદભવકાળથી જ હિંસા એ તેના જીવનવ્યવહારનું એક અગત્યનું પાસું બનેલું છે. પ્રાણીઓ સામેની હિંસા એ તેનું પ્રાથમિક સ્વરૂપ હતું.

યુદ્ધ અને આતંકવાદ આ બે હિંસક કૃત્યનું અંતિમ કક્ષાનું વર્તન ગણી શકાય; કારણ કે તે હેતુપુર:સર અને પૂર્વનિયોજિત કૃત્યો હોય છે. વ્યક્તિ દ્વારા, વ્યક્તિગત હેતુ માટે અથવા ટોળાં દ્વારા જ્યારે હિંસા આચરવામાં આવે છે ત્યારે તેવા આચરણ કરનારાઓ જેમ શિક્ષાને પાત્ર ગણાય છે તેવી જ રીતે જે રાષ્ટ્ર બીજા રાષ્ટ્ર સામે યુદ્ધની શરૂઆત કરે તે રાષ્ટ્રને ‘યુદ્ધારૂઢ’ (belligerent) રાષ્ટ્ર તરીકે જાહેર કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તેની સામે કામ ચલાવવામાં આવે છે અને આવા રાષ્ટ્રના લશ્કરી કે મુલકી અધિકારીઓને ‘યુદ્ધના ગુના’ (war crimes) હેઠળ જવાબદાર ગણી શિક્ષા કરવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ની સમાપ્તિ પછી જર્મનીમાં ન્યૂરેમ્બર્ગ ખાતે અને જાપાનમાં ટોકિયો ખાતે આવા ખટલા ચલાવવામાં આવેલા. વર્ષ 2006માં ઇરાકના સરમુખત્યાર સદ્દામ હુસેન સામે પણ બગદાદમાં લશ્કરી ટ્રિબ્યૂનલ દ્વારા યુદ્ધના ગુના હેઠળ કામ ચલાવવામાં આવેલું અને તેને ફાંસી આપવામાં આવેલી. વીસમી સદીના છેલ્લા બે દાયકા દરમિયાન અને તે પછી પણ અત્યાર સુધી ‘અલ કાયદા’ સંગઠન દ્વારા વિશ્વસ્તર પર આતંકવાદ ફેલાવવામાં આવી રહ્યો છે, જે યુદ્ધની જેમ જ હિંસક કૃત્યોમાં પરિણમ્યો છે.

શસ્ત્રાસ્ત્રોનો આવિષ્કાર અને તેના સંશોધન પાછળ વીસમી સદીથી ચાલી રહેલ સ્પર્ધા એ માનવીની હિંસક કૃત્ય કરવાની વૃત્તિનું દ્યોતક છે. આ સ્પર્ધાને કારણે અત્યાર સુધી અસંખ્ય માણસોના જાન ગયા છે અને અમૂલ્ય પ્રાકૃતિક સંપદા અને વિપુલ માનવસર્જિત મિલકતનો નાશ થયો છે. સ્વિટ્ઝર્લૅન્ડના એક નિષ્ણાત ઝાં-જાક બાબલની ગણતરી મુજબ માનવજાતિની ઉત્પત્તિથી વીસમી સદીના મધ્ય સુધી નાના-મોટા આશરે 14,500 સશસ્ત્ર સંઘર્ષો અને યુદ્ધો થયાં જેમાં કુલ 365 કરોડ માણસો હોમાયા છે. આ સુદીર્ઘ ગાળા દરમિયાન માત્ર 292 વર્ષો જ એવાં હતાં જેમાં યુદ્ધ કે સશસ્ત્ર સંઘર્ષો થયાં ન હતાં. સત્તરમી સદીના યુરોપમાં વિવિધ પ્રકારના સંઘર્ષો અને યુદ્ધોમાં દર વર્ષે સરેરાશ 33,000 માણસોએ જાન ગુમાવ્યા હતા. તેવી જ રીતે ઓગણીસમી સદીમાં અને વીસમી સદીનાં પ્રથમ 38 વર્ષોમાં (1801–1938) સશસ્ત્ર સંઘર્ષોમાં દર વર્ષે સરેરાશ 1,16,000 માણસોએ જાન ગુમાવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં તો દર વર્ષે સરેરાશ 80 લાખ માણસો મોતને ભેટ્યા છે અને તે યુદ્ધના આશરે છ વર્ષમાં કુલ જાનહાનિનો આંકડો પાંચ કરોડથી પણ વધારે છે, જે પ્રથમ વિશ્વયુદ્ધ(1914–19)ની ખુવારી કરતાં નવગણો વધારે રહ્યો છે. કરુણતા તો એ છે કે તેમાંના અડધોઅડધ માણસો સામાન્ય નાગરિક હતા; સ્ટૉકહોમ ખાતેની આંતરરાષ્ટ્રીય શાંતિસંશોધન-સંસ્થા ‘સિપ્રી’એ આપેલ વિગતો મુજબ 1986માં વિશ્વમાં કુલ 36 સશસ્ત્ર સંઘર્ષો થયાં હતા, જેમાં કુલ 41 દેશો સંડોવાયેલા હતા અને તેમાં હજારોની સંખ્યામાં માણસોએ જાન ગુમાવ્યા છે, લાખો ઘર જમીનદોસ્ત થયાં છે અને અગણિત પ્રમાણમાં ભૌતિક સંપત્તિનો નાશ થયો છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ ઘડી કાઢેલ ‘સ્ટાર વૉર’ યોજના ખરેખર અમલમાં મુકાય તો તેના પર 2000થી 3000 અબજ ડૉલર જેટલો જંગી નાણાકીય બોજો વિશ્વની પ્રજા પર પડવાનો છે. શસ્ત્રાસ્ત્રોના ક્ષેત્રમાં જે સંશોધનો થઈ રહ્યાં છે તેને કારણે તેમની વિનાશકતામાં અને સંહારકતામાં સતત વધારો નોંધાતો જાય છે; દા. ત., વ્યાપક વિનાશનાં રાસાયણિક શસ્ત્રાસ્ત્રો(chemical weapons of mass destruction)ની સંહારકતા. આ બધાને લીધે વિશ્વસ્તર પર પર્યાવરણની સમસ્યા પણ વધુ ને વધુ તીવ્ર બનતી જાય છે, જે માનવજાતિના ભવિષ્ય માટે ભયજનક ગણાય. બીજા વિશ્વયુદ્ધના અંતિમ ચરણ(1945)માં અમેરિકાનાં લડાયક વિમાનોએ જાપાનનાં બે નગરો : હિરોશિમા અને નાગાસાકી પર અણુબૉંબ ઝીંકીને આ બંને શહેરોનો સર્વનાશ કર્યો હતો; જેમાં એક જ ઝાટકે, અડધી જ સેકન્ડમાં અનુક્રમે 50,000 અને 75,000 નાગરિકો મોતને ભેટ્યા હતા અને જે બચી ગયા એ ત્યાર બાદ તેમના બાકીના જીવનકાળમાં ખૂબ પીડાયા હતા. અણુબૉંબની વિનાશકતા જાણવા માટેનો આ પ્રથમ પ્રયાસ હતો. વર્ષ 2007માં ન્યૂક્લિયર શસ્ત્રોના જમાનામાં વિશ્વની મહાસત્તાઓ પાસે જે શસ્ત્રભંડારો છે તે સમગ્ર વિશ્વને, તેની સમગ્ર જીવસૃષ્ટિને અને વનસ્પતિજીવનને માત્ર એક જ વાર નહિ; પરંતુ અનેક વાર નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

યુદ્ધ પછી હિંસાનો બીજો મહાવિનાશક પ્રકાર તે આતંકવાદ; દા. ત., માર્ચ, 2007 સુધીની વિગતો ધ્યાનમાં લઈએ તો ભારતના માત્ર જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં છેલ્લા લગભગ દોઢ દાયકામાં પાકિસ્તાનપ્રેરિત આતંકવાદે 40,000 કરતાં પણ વધારે માણસોનો ભોગ લીધો છે. 26 માર્ચ, 2007ના રોજ બહાર પાડવામાં આવેલી રાજ્ય સરકારની આ અંગેની યાદી મુજબ જાન્યુઆરી, 1990 અને ફેબ્રુઆરી, 2007ના મધ્ય સુધીના ગાળામાં આતંકવાદી હુમલાઓમાં કુલ 42,147 માણસો મરણ પામ્યા હતા; જેમાંથી 20,647 આતંકવાદીઓ અને 5024 સુરક્ષાકર્મીઓ હતા. ઉપરાંત તે જ ગાળામાં 33,805 માણસો આતંકવાદીઓના આક્રમણથી ઘવાયા હતા; જેમાં 12,124 સુરક્ષાકર્મીઓ અને 21,659 નાગરિકોનો સમાવેશ થાય છે. આતંકવાદીઓએ મારી નાખેલા નાગરિકોની કુલ સંખ્યા તે ગાળામાં 11,221 જેટલી હતી, જ્યારે 1678 માણસો હાથબૉમ્બ અથવા અન્ય વિસ્ફોટકોની અડફેટમાં આવતાં મૃત્યુ પામ્યા હતા, 173 આતંકવાદીઓ તેમના અંદરોઅંદરના સંઘર્ષમાં મરણ પામ્યા હતા તથા સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચેના સામસામા ગોળીબારમાં 3,404 નાગરિકોએ પોતાના જાન ગુમાવ્યા હતા. આતંકવાદીઓ સામેની ઝુંબેશમાં 3,602 જેટલા લશ્કરના અને અર્ધલશ્કરના જવાનોએ જાન ગુમાવ્યા છે, જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના 537 જવાનોનો સમાવેશ થાય છે. 438 સુરક્ષાકર્મીઓ કાઉન્ટર ઇન્ટેલિજન્સ અભિયાનમાં મરણ પામ્યા હતા અને ગ્રામ રક્ષકદળના 137 જવાનો આતંકવાદીઓ સાથેના સંઘર્ષમાં શહીદ થયા હતા. 1994–2005ના ગાળામાં આતંકવાદીઓના હાથે કુલ 47,371 માણસો માર્યા ગયા હતા. ઇરાક સામેના લશ્કરી અભિયાનમાં છ લાખ નાગરિકો અને 4,308 અમેરિકનો મરણ પામ્યા હતા. ભારતના બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ, આસામ, ત્રિપુરા અને તેની આસપાસનાં રાજ્યોમાં નક્સલવાદીઓએ ચલાવેલા સંઘર્ષમાં વર્ષ 2002–2006ના ગાળામાં 4,666 માણસો મૃત્યુ પામ્યા હતા અને સેંકડો માણસો ઘવાયા હતા. નક્સલવાદીઓ માણસો કરતા મિલકતને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિઓ વ્યાપક પ્રમાણમાં કરે છે; જેમાં રેલવે-સંપત્તિ, તેલ અને વાયુ નિગમ હેઠળનાં મથકો, સરકારી કચેરીઓ, ઔદ્યોગિક પ્રતિષ્ઠાનો વગેરેને લક્ષ્ય બનાવતા હોય છે. એક જમાનામાં સમગ્ર પંજાબ રાજ્ય આતંકવાદીઓની અડફેટમાં આવી ગયું હતું. તેમાં પણ સેંકડો નિરપરાધ નાગરિકોના કાં તો જાન લેવાયા હતા અથવા તેમને ઈજા પહોંચાડવામાં આવી હતી. વૈશ્વિક સ્તર પર વકરેલ આતંકવાદી પ્રવૃત્તિઓમાં પણ અમેરિકા અને આફ્રિકાના કેટલાક દેશોને ખાસ નિશાન બનાવવામાં આવ્યા છે. 9/11 ટૂંકાક્ષરી નામથી ઓળખાતો અમેરિકાના વિશ્વવ્યાપાર કેન્દ્ર (W.T.C.) પરનો આતંકવાદી હુમલો (2001) માત્ર અમેરિકા માટે જ નહિ પરંતુ સમગ્ર પશ્ચિમી જગત માટે શરમજનક નીવડ્યો, જેમાં આશરે 4000 માણસોએ જાન ગુમાવ્યા હતા. 1991માં સોવિયેત સંઘનું વિસર્જન થવાની સાથોસાથ રશિયાના ચેચન્યા પ્રદેશમાં સ્વતંત્રતાની ઝુંબેશ શરૂ થઈ જેનું હિંસક સ્વરૂપ અતિ ભયંકર રહ્યું છે. અફઘાનિસ્તાન પર તાલિબાનનું શાસન હતું તે અરસામાં ત્યાં પણ મોટા પ્રમાણમાં હિંસાનું તાંડવ ચાલતું હતું.

પાકિસ્તાન, ઇરાક અને ઈરાન જેવા દેશોમાં શિયા અને સુન્ની મુસ્લિમધર્મીઓ વચ્ચે હિંસક સંઘર્ષ ચાલુ છે. સદ્દામ હુસેનના પતન પછી ઇરાકમાં લગભગ રોજ આત્મઘાતી હુમલાઓમાં સેંકડો માણસોને જાન ગુમાવવા પડ્યા છે. શ્રીલંકામાં છેલ્લા લગભગ અઢી દાયકાથી એલ.ટી.ટી.ઈ.ના નેતૃત્વ હેઠળ સ્વાયત્તતા માટે જે ચળવળ ચાલી રહી છે તે પણ અરેરાટી ઉપજાવે એટલી હિંસક છે. માર્ચ, 2009 સુધી તેમાં 74,000 માણસોએ પોતાના જાન ગુમાવ્યા છે.

‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’એ ભેગી કરેલ માહિતી મુજબ આતંકવાદનો શિકાર બનેલા વિશ્વના દેશોમાં મૃત્યુ પામેલ નાગરિકોની સંખ્યા અને આતંકવાદની ઘટનાઓની સંખ્યાની બાબતમાં ઇરાકનો ક્રમ પ્રથમ છે અને તે પછી તરત જ બીજા ક્રમે ભારત છે, જેની ભૂમિ પર આતંકવાદીઓની હિંસાએ આશ્રય લીધો છે અને ઇરાકમાં માર્યા ગયેલાઓની કુલ સંખ્યામાં લશ્કરના જવાનો અને નાગરિકો બંનેનો સમાવેશ થાય છે, જ્યારે ભારતમાં આતંકવાદી હુમલાઓમાં માર્યા ગયેલાઓમાં માત્ર નાગરિકોનો જ સમાવેશ થાય છે. આ હુમલાઓ મુંબઈ, દિલ્હી, બૅંગાલુરુ (બૅંગલોર), હૈદરાબાદ, માલેગાંવ, વારાણસી, અમદાવાદ, જમ્મુ અને કાશ્મીરનાં કેટલાક નગરોનો સમાવેશ થાય છે; જાન્યુઆરી, 2004 અને માર્ચ, 2007ના ગાળામાં ઇરાક સિવાયના દેશોમાં કુલ 20,781 માણસો આતંકવાદી હિંસામાં માર્યા ગયા છે. ભારતમાં તે અરસામાં આતંકવાદી હુમલાઓમાં મરણ પામેલા માણસોની સંખ્યા બાદ કરીએ તો 8430 માણસો ઘવાયા છે તથા 2070 માણસોને બાનમાં લેવામાં આવ્યા હતા અને જો મરણ પામેલા, ઘવાયેલા અને બાનમાં લેવાયેલા બધા માણસોનો સરવાળો કરીએ તો કુલ 3000 આતંકવાદી બનાવોમાં અસર પામેલા માણસોની સંખ્યા 14,000નો આંકડો વટાવી જાય છે. નીચેની સારણીમાં દસ અસરગ્રસ્ત દેશોની આ અંગેની આંકડાકીય વિગતો ઊતરતા ક્રમમાં આપવામાં આવી છે :

ક્રમ દેશનું નામ મૃત્યુ પામેલાઓની

સંખ્યા

  આતંકવાદી

બનાવોની સંખ્યા

 1. ઇરાક 29,070 12,718
 2. ભારત 3,674 3,032
 3. અફઘાનિસ્તાન 2,405 1,682
 4. કોલંબિયા 1,550 1,721
 5. થાઇલૅન્ડ 1,324 1,959
 6. રશિયા 1,206 660
 7. પાકિસ્તાન 1,121 1,112
 8. ચાડ 1,096 32
 9. નેપાળ 1,059 2,989
10. સુદાન 1,057 155

આમ આતંકવાદી ઘટનાઓની સંખ્યા, તેમાં મૃત્યુ પામેલાઓની સંખ્યા અને તેમાં ઘવાયેલા લોકોની સંખ્યા ત્રણે બાબતમાં ઇરાક પછી ભારતનો ક્રમ આવે છે. બાનમાં લીધેલાઓની સંખ્યાની બાબતમાં નેપાળનો ક્રમ પ્રથમ, ઇરાકનો બીજો અને ભારતનો ક્રમ ત્રીજો છે. દક્ષિણ એશિયાનો પ્રદેશ આતંકવાદી હુમલાઓની બાબતમાં તુલનાત્મક રીતે સૌથી વધારે અસરગ્રસ્ત વિસ્તાર રહ્યો છે, જ્યાં ઇરાક બાદ કરતા વિશ્વમાં થયેલા કુલ મૃત્યુની સંખ્યામાં દક્ષિણ એશિયામાં લગભગ અડધોઅડધ લોકોને આતંકવાદીઓએ મૃત્યુને ઘાટ ઉતાર્યા છે. કુલ મૃત્યુના આંક 24,614માં 11,400 માણસોનાં મૃત્યુ ઇસ્લામિક કટ્ટરવાદીઓના આતંકવાદી હુમલામાં થયેલ છે, જે માટે તેમના પર ચોક્કસ જવાબદારી મૂકવામાં આવી છે.

જાન્યુઆરી, 2008ના મધ્યમાં ઉપલબ્ધ માહિતી દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં વર્ષ 2007માં 740 માણસો આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા છે; જેમાંથી 158 નાગરિકો, 110 સુરક્ષાકર્મીઓ અને 472 ત્રાસવાદીઓ હતા. તેની સામે વર્ષ 2006માં આતંકવાદી હુમલાઓમાં 1,131 માણસો મૃત્યુ પામ્યા હતા; જેમાં 389 નાગરિકો, 151 સુરક્ષાકર્મીઓ અને 591 ઉદ્દામવાદીઓ હતા. વર્ષ 2003માં આતંકવાદી હુમલાઓમાં 2603 માણસો મૃત્યુ પામ્યા હતા; જેમાં 795 નાગરિકો, 1494 સુરક્ષાકર્મીઓ અને 314 અર્ધસુરક્ષાકર્મીઓનો સમાવેશ થયો હતો.

હિંસા, પછી તે રાજ્યપ્રેરિત હોય, વ્યક્તિલક્ષી હોય, ધર્મ કે જાતિ કે જ્ઞાતિપ્રેરિત હોય કે તે અન્ય કોઈ રીતે ઊગમ પામતી હોય, તે વિકૃત મનોવ્યવહારની જ નીપજ હોય છે અને તેનું નિરાકરણ પણ આ બાબતો ધ્યાનમાં લઈને જ કરી શકાય છે. વળી સૂક્ષ્મ રીતે વિચારતાં કોઈને માનસિક ત્રાસ કે ક્લેશ પહોંચાડાય તો તે પણ હિંસાનું જ કૃત્ય હોય છે. આ સંદર્ભમાં જ ભારતમાં ઑક્ટોબર, 2006માં ‘ઘરેળુ હિંસા ધારો, 2005’ અમલમાં મૂકવામાં આવ્યો છે અને તેમાં વ્યાપક રીતે હિંસાની વ્યાખ્યા કરવામાં આવી છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday