સ્વામિનારાયણ ધર્મ કહે છે કે અમે હિન્દુધર્મનો ભાગ નથી !
[ભાગ-10]

સ્વામિનારાયણ સંપ્રદાય દાવો કરે છે કે અમોએ દલિત ઉદ્ધારનું જબરજસ્ત કામ કર્યું છે ! પરંતુ શિક્ષાપત્રી અને સ્વામિનારાયણ સાહિત્યમાં વર્ણવ્યવસ્થાનું જબરજસ્ત સમર્થન છે અને દલિતો પ્રત્યેનો તિરસ્કાર જોવા મળે છે ! ઉદાહરણ તરીકે શિક્ષાપત્રી શ્લોક-45 માં સહજાનંદજીએ આદેશ કર્યો છે કે ‘સત્શૂદ્રથી ઉતરતી જાતિના સત્સંગીઓએ માત્ર ચાંદલો કરવો પણ તિલક કરવું નહી !’ ’શ્રી સ્વામિનારાયણ સંહિતા’ પુસ્તકના પેજ નં-116 ઉપર લખ્યું છે કે ‘ઉત્તમ દેશ/ ઉત્તમ જાતિ/ ઉત્તમ યોગ મળે તો જ પ્રભુ ભજાય ! સિંધ જેવા દેશમાં જન્મ મળે તો પ્રભુ ભજાય નહીં. આ દેશમાં જન્મ મળે, પણ દલિતનો (મૂળ શબ્દ લખી શકાય તેમ નથી) જન્મ મળે તો પણ પ્રભુ ભજી શકાય નહીં; કેમકે તેમાં દેવદર્શન/ સાધુસંતનો સમાગમ થાય નહીં !’ દલિતોને અમદાવાદના સ્વામિનારાયણ મદિરમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો. જાન્યુઆરી 1948માં, દલિતોએ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશ માટે સત્યાગ્રહ શરુ કર્યો. દલિતોમાં જાગૃતિ આવી. રોજે રોજ વિવિધ મીલમાંથી ભજનમંડળીઓ મંદિરના દરવાજે ધરણાં કરતી હતી. સાધુઓએ મંદિરને તાળાં મારી દીધાં. દલીતોને આ અપમાનજનક લાગ્યું. ઘણા દિવસો સુધી સત્યાગ્રહ ચાલ્યો; છેવટે મંદિર તરફથી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો, તેમાં કહ્યું કે ‘અમારું મંદિર હિન્દુ મંદિર નથી, તેથી દલિતોને પ્રવેશ મળી શકે નહીં !’ કોર્ટે મંદિરની તરફેણમાં મનાઈ હુકમ પણ આપી દીધો ! વિદેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાય/ધર્મના સંતો પોતાના મંદિરને ‘હિન્દુ ટેમ્પલ’ તરીકે ઓળખાવે છે; પરંતુ ભારતની સુપ્રિમકોર્ટ સમક્ષ કહે છે કે ‘અમે હિન્દુ ધર્મનો ભાગ નથી; અમે જુદા છીએ !’

શું છે આખો કિસ્સો? [1] 12 જાન્યુઆરી, 1948ના રોજ, જોઈન્ટ સિવિલ જજ, સિનિયર ડિવિઝન, અમદાવાદની કોર્ટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી યજ્ઞપુરુષજીએ; મહાગુજરાત દલિત સંઘના પ્રમુખ મૂળદાસ બ્રુદરદાસ વૈશ્ય સામે દાવો દાખલ કર્યો હતો કે બોમ્બે હરિજન ટેમ્પલ એન્ટ્રી એક્ટ, 1947 (પાછળથી બોમ્બે હિંદુ પ્લેસીસ ઓફ પબ્લિક વર્શીપ (એન્ટ્રી-ઓથોરાઇઝેશન) એક્ટ, 1956) હિન્દુ ધર્મના મંદિરોને લાગુ પડે; સ્વામિનારાયણ મંદિરોને લાગુ ન પડે; કેમકે સ્વામિનારાયણ સંપ્રદાય એ હિન્દુ ધર્મનો ભાગ નથી; તેથી આ કાયદો અમદાવાદના નરનારાયણ દેવના સ્વામિનારાયણ મંદિર અને તેના તાબાના તમામ મંદિરોને લાગુ પડતો નથી. અમારો સંપ્રદાય હિન્દુ ધર્મથી અલગ છે, તેથી અમારા મંદિરમાં દલિતોને પ્રવેશ આપવાનો પ્રશ્ન રહેતો નથી ! તેથી દલિતોને અમારા મંદિરમાં પ્રવેશ ન કરે તે માટે મનાઈ હુકમ આપવો જોઈએ ! [2] નીચલી કોર્ટે મનાઈહુકમ આપ્યો હતો અને 24 સપ્ટેમ્બર, 1951 ના રોજ શાસ્ત્રી યજ્ઞપુરુષજીની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. તેથી મૂળદાસ વૈશ્યએ બોમ્બે હાઈકોર્ટમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકાર્યો. હાઈકોર્ટ નીચલી અદાલતના મનાઈહુકમને/ચુકાદાને રદ કર્યો. તેથી શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએ સુપ્રિમકોર્ટમાં અપીલ કરી હતી. દરમિયાન 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. બંધારણના આર્ટિકલ-17 હેઠળ કોઈ પણ રુપમાં, અસ્પૃશ્યતાના આચરણ સામે મનાઈ ફરમાવવામાં આવી ! [3] આ કેસમાં સુપ્રિમકોર્ટ સમક્ષ 2 મુદ્દાઓ ઉપસ્થિત થયેલ; એક, શું સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ ધર્મથી અલગ છે? બીજો મુદ્દો હતો- દલિતોને સ્વામિનારાયણ મંદિરમાં પ્રવેશતા અટકાવે તો Bombay Hindu Places of Public Worship (Entry Authorisation) Act 1956 હેઠળ પગલાં લઈ શકાય? આ કાયદો દલિતોને મંદિરોમાં પ્રવેશ/પૂજા કરવાના અધિકાર માટે ઘડવામાં આવ્યો હતો. [4] સુપ્રિમકોર્ટે ઠરાવેલ કે દલિતોને મંદિરમાં પ્રવેશ કરતા કે પૂજા કરતા અટકાવી શકાય નહીં; જો અટકાવવામાં આવે તો અસ્પૃશ્યતાને પ્રોત્સાહન મળે. સામાજિક સવલતો અને અધિકારો ભોગવવાનો હક્ક દલિતોને બંધારણે આપેલો છે. સામાજિક ન્યાય એ લોકશાહીનો મુખ્ય પાયો છે. દલિતોને મંદિરમાં પ્રવેશ કરતા રોકવા જ પોતાનો સંપ્રદાય હિન્દુ ધર્મથી અલગ છે; તેવી દલીલ કરવામાં આવી છે; પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુધર્મમાંથી જ ઉદભવ્યો છે; તેમના ગ્રંથમાં કૃષ્ણ ભક્તિ કરવાનું કહ્યું છે. વિધિઓ વૈષ્ણવધર્મ મુજબની છે; તેથી હિન્દુધર્મથી અલગ હોવાની તેમની દલીલ ગ્રાહ્ય રહી શકે નહીં. સુપ્રિમકોર્ટના પાંચ જસ્ટિસ-પી.બી.ગજેન્દ્રગડકર/ કે. એન. વાન્છૂ / એમ. હિદાયતુલ્લા/ વી. રામાસ્વામી/ પી. સત્યનારાયણરાજુની બેંચે 14 જાન્યુઆરી 1966ના રોજ શાસ્ત્રી યજ્ઞપુરુષજીની અપીલ ખર્ચ સાથે ડિસમિસ કરી હતી.

‘સર્વોપરી ભગવાન’ સહજાનંદજી; પોતાના સંતને ખાય ન જાય તે માટે જંગલના વાઘોને પ્રેરણા આપી હતી; પરંતુ શાસ્ત્રી યજ્ઞપુરુષજીને મદદ કરવા સુપ્રિમકોર્ટના જજોને પ્રેરણા આપી શક્યા ન હતા ! કદાચ, સહજાનંદજી બંધારણના આર્ટિકલ-17 ના કારણે લાચાર બની ગયા હશે !rs

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday